STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

ઘટનાઓ નવી પણ ભૂલો તો એ જ

ઘટનાઓ નવી પણ ભૂલો તો એ જ

3 mins
6





ચોમાસાની ઋતુ એ કુદરતે આપેલો અનમોલ અને ખુશનુમાં તહેવાર છે. વરસાદી વાદળો, ઠંડો ઠંડો પવન, ક્યારેક ફોરાં તો ક્યારેક સાંબેલાધાર, તો વળી ક્યારેક ઝીણો ઝરમર વરસાદ સૌ કોઈનું મન મોહી લે છે. છલકાતા નદી નાળા, ઉભરાતા વોકળા, ચેક ડેમ કે નાના નાના તળાવ વગેરે બે કાંઠે વહેતા જોવાનો એક અદ્ભૂત લ્હાવો છે. કેટલાય પરિવાર માટે વરસાદ એ આનંદ નહીં, પરંતુ શોકની લાગણી વહાવે છે.

આજે દૈનિક છાપામાં નજર કરીએ તો અર્ધાંથી ઉપરનું છાપું તો મોજમજા કરવા માટે ન્હાવા પડેલા માણસોના મોતનું લખેલુ હોય છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં કે ફોટો, સેલ્ફી ખેંચવાના ચક્કરમાં કંઈ કેટલાએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. આવી દુર્ઘટનાનાં ભાગીદાર આપણે ખુદ જ છીએ. ચોમાસું બેસતા જ બીચ કે અમુક એરિયા બંધ કરી દેવાતા હોય છે. છતાં જો ક્યાય રક્ષણ તંત્ર ખડું ના હોય તો માણસો પોતાના જીવના જોખમે ન્હાવા પડતા હોય છે. આવા કેટલા કિસ્સા આપણે સાંભળીએ છીએ તેમજ જો સમયસર કોઈ બચાવનાર ના આવે તો તંત્ર પર આક્ષેપો પણ થતાં હોય છે.

ચોમાસું આનંદ આપનાર છે, દુઃખ આપનાર નહીં. નદીમાં ન્હાતી વખતે અચાનક જ પાણીનો પ્રવાહ વધે કે તરત જ કાંઠે ઉભેલા માણસો વીડિયો ઉતારશે અને અંદર ડૂબતા વ્યક્તિઓ મદદ માટે ચીસાચીસો કરતાં હોય છે. આમ જોવા જઈએ તો તરવૈયા સિવાય કોણ પોતાના જીવને જોખમમાં મૂકે? આ પણ વિચારવા જેવું ખરું. મરનાર પોતાને જ પોતાની કે પોતાના પરિવારની ચિંતા ના હોય તો બીજા તો શું કરે?? ગમે તેટલી મરણીયો ચીસો પાડે છતાં કોઈ બચાવનાર ના મળે અને મોતને ભેટી પડે.

ગામ કે શહેરમાં આવવા જવા માટે ઘણીવાર બેઠો પુલ બનાવવામાં આવ્યો હોય છે. આ પુલ પરથી પાણીનો પ્રવાહ ગોઠણસમો વહેતો હોય છતાં માણસો જીવના જોખમે મોટર સાઈકલ કે મોટર ચલાવતા હોય છે. જાણ્યે અજાણ્યે અર્ધાંથી ઉપરના મોતના જવાબદાર આપણે ખુદ જ છીએ. આપણે આટલા બેદરકાર બનીશું તો દેશનું ભવિષ્ય કેટલું સુરક્ષિત હશે એ કલ્પી શકાય છે. 

તાજેતરમાં જ ગંભીરા બ્રિજ વચ્ચેથી જ તૂટી પડ્યો. વહેલી સવારે આ પુલ પર સવાર ઘણાં વાહનો પુલ તૂટવાથી નીચે ખાબક્યા હતાં. કરોડોના ખર્ચે બનતા બ્રિજ જો આમ કોઈ કારણ વગર અચાનક તૂટી પડે તો એમાં સંડોવાયેલા તમામને આકરી સજા થવી જ જોઈએ. આવા તો અનેક કિસ્સાઓ બનતા હોય છે. તાજી ઘટના ત્યાં સુધી જ યાદ રહે છે જ્યાં સુધી નવી કોઈ ઘટના ના બને. વર્ષો આમ જ વીતતા રહેશે પરંતુ કાયદો કોઈને આકરી સજા નહીં જ કરે. જો સરકાર આ માટે આકરા પગલાં લે તો તો ભ્રસ્ટાચાર નેસ્તનાબૂદ જ થઈ જાય.

માણસોને ક્યાંક પોતાની ભૂલોથી તો ક્યાંક તંત્રની બેદરકારીથી મોત મળે છે. મોટા ભાગે આમ આદમી જ વધુ પીસાતો હોય છે. ભ્રષ્ટાચાર આદરનાર પાસે તો અનેક વગ, લાયકાત અને છટકબારીઓ હોય છે. સરકાર તેનું કંઈ બગાડી નહીં શકે. કિસ્સો તાજો હશે ત્યાં સુધી આકરી તપાસ પણ થશે, પરંતુ જેવું જનતાના દિલોદિમાગથી એ વાત નીકળી જશે અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ આપણી જ વચ્ચે રખડતા પણ હશે.

સમયસર રોડ રસ્તાઓ કે પુલ વગેરેની મરામત થતી રહે તો આવી કોઈ દુર્ઘટના જ ના ઘટે. બેઠા પુલ પર પણ ભયજનક સપાટી માટેના સૂચના બોર્ડ, ડેમ કે નદી પાસે આવા સુરક્ષિત બોર્ડ મુકાય, દરિયાકાંઠે સુરક્ષાકર્મી, પોલીસ પેટ્રોલિંગ વગેરે કરવાથી માણસોમાં અવેરનેસ આવી જ શકે. આજની હકીકત એ છે કે કંઈ પણ થયાં પછી થોડા સમય માટે સરકાર જાગશે, ફરી પાછી ગાઢ નિદ્રામાં હશે. એટલે જ ભારતમાં દરેક ક્ષેત્રમાં ભ્રસ્ટાચારીઓ આગેકૂચ કરીને એક પણ કાર્ય ઈમાનદારીથી કરતાં નથી. 



      - રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational