સાદી રાખડી
સાદી રાખડી
આંખ નીચેના કાળા કુંડાળા અને ગાલ પર પડેલા નિશાનને છૂપાવવા મથી રહેલી આસ્થાની આંખ દર્દથી છલકાઈ. રોજ અરીસા સામે બેસીને ચહેરો મેકઅપથી અને બનાવટી હાસ્યથી મનના ઘાવ છૂપાવી છૂપાવીને એ હવે થાકવા લાગી હતી. પોતાની જાતને સવાલ કરતી કે પોતે આખરે ક્યાં સુધી આ બધું સહન કરશે..જવાબમાં વહી જતા આંસુને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતી.
આસ્થા અને અલ્પેશના લગ્ન થયે હજુ ચાર જ મહિના થયા હતા. શરૂઆતથી જ અલ્પેશનું કઠોર વર્તન આસ્થાને પળેપળ વગર મોતે મારી રહ્યું હતું. સુખી લગ્નજીવનના સપના તો ક્યારનાય હવામાં ઊડી ગયા હતા. વહુ એટલે વગર પગારની એવી નોકરાણી જેના પર કોઈ પણ શબ્દો ડસ્ટબીન સમજીને ફેંકી શકાય એવી મનોવૃત્તિવાળું સાસરું અને પાછો પતિ પણ પથ્થર દિલનો. ઘંટીના બે પડની જેમ આસ્થાનું જીવન આ બધામાં પીસાઈ રહ્યું હતું.
સાસુસસરાની ચઢામણી અને એના પરિણામે પતિનો ઉપડતો હાથ આસ્થાના અસ્તિત્વને આખું હલાવી દેતો. આ બધામાંથી બચવાના પ્રયત્નો પણ વ્યર્થ જતાં. એનો મોબાઈલ ફોન અલ્પેશે તોડી નાખેલો જેથી પિયરમાં કે કોઈ સખીનો સંપર્ક થઈ શકતો નહીં. ક્યારેક ભાઈ-ભાભી રૂબરૂ મળવા આવે તો કોઈ ને કોઈ હાજર જ રહે એથી કશું કહી શકાતું પણ નહીં. "અમારી વહુ તો સાવ ઓછાબોલી છે " એમ કહીને અડોશી પડોશી સાથે વાત પણ ન કરવા દેતા. પિંજરે પુરાયેલા અસહાય પંખી જેવી આસ્થાની હાલત હતી.
એક વાર બાજુવાળા કમુમાસી કંઈક કામે એના ઘરે આવ્યા ત્યારે આસ્થા કશુંક કહેવા માંગતી હોય એમ એમને લાગ્યું. આસ્થા એકલી પડી ત્યારે મોકો જોઈને એ પણ એમની પાસે આવી પણ એટલામાં જ ગુસ્સામાં લાલચોળ થઈને અલ્પેશ આવી ગયો. આસ્થા ડરીને બેડરૂમમાં ભરાઈ. કામુમાસી આગળ કોઈ બહાનું કાઢીને આસ્થાની સાસુએ વાત ટાળી પણ સજા તો આસ્થાએ ભોગવવી જ પડી. "ઘરની વાત બહાર કરે છે" એમ કહીને આસ્થાને અલ્પેશે ખૂબ મારી. હવે મોત સિવાય કોઈ આરો નથી એવું એને લાગવા લાગ્યું. ભગવાન આગળ કરગરીને પણ એ થાકી હતી.
આ વખતે ભાઈભાભી રક્ષાબંધન કરવા એના ઘરે આવશે એવા સમાચારથી એને થોડી આશા જાગી. સાસુ સસરા અને પતિ અલ્પેશ પણ એ બધા અહીં આવે તો આસ્થા પર નજર રાખી શકાશે અને બધું છાનું રહેશે એમ વિચારી મનમાં પોરસાતાં.
રક્ષાબંધનના દિવસે આસ્થાના ભાઈભાભી આવ્યા ત્યારે બધાએ હસીને આવકાર્યા. આસ્થા પણ ખુશ હોવાનો ડોળ કરતી ગઈ. ભાઈને રાખડી બાંધી..આશિષ દીધા..ભાઈભાભી મોંઘી ભેટસોગાદો આપી અને વિદાય થયા.
ઘરે ગયા પછી આસ્થાની ભાભી બોલી,
"તમારી બહેનને તો કાંઈ ગતાગમ જેવું છે કે નહીં ?"
"કેમ, શું થયું ? શું કર્યું આસ્થાએ ?" આસ્થાના ભાઈ જરા ઊંચા સ્વરે બોલ્યા.
"આપણે આટલી દૂર એમના ઘરે પહેલી વાર રક્ષાબંધન કરવા ગયા ને એમણે જુઓ કેવી રાખડી બાંધી છે..સાવ સાદી ને એકદમ સસ્તી.." ભાભી જરા મોં મચકોડતા બોલી.
"વાત તો સાચી છે.." આસ્થાનો ભાઈ કાંડા પર બાંધેલી રાખડી જોઈ વિચારમાં પડી ગયો. થોડો સમય વિચાર કર્યા પછી ઉઠ્યો અને પહોંચ્યો આસ્થાના ઘરે..ત્યાં જઈને એણે બહેનના સાસરિયા સમક્ષ પોતાના વૃદ્ધ દાદીમા ખૂબ બીમાર છે અને આસ્થાને યાદ કરે છે એવું બહાનું કાઢીને ગમેતેમ કરીને સાસરીવાળાની સંમતિ મેળવીને આસ્થાને પિયર તેડી લાવ્યો.
આમ અચાનક આસ્થાને લઈ આવવા પાછળનું કારણ કોઈ સમજી શક્યું નહીં. ભાઈએ બહેનને બેસાડીને પૂછ્યું.
"મારી વહાલી બેન! બોલ તારે શું સમસ્યા થઈ છે..ત્યાં બધા તને સારી રીતે તો રાખે છે ને..!"
જવાબમાં આસ્થા ચોધાર આંસુએ રડી પડી. ભાભીએ એને માંડ માંડ શાંત પાડી અને બધી વિગતો જાણી ત્યારે સૌના પગતળેથી જમીન ખસી ગઈ. આટલા વખતથી ખુશ હોવાનો દેખાડો કરતી બહેન એની સાસરીમાં અનેક અત્યાચારો વેઠી ચૂકી છે એ જાણીને બધાને આઘાત લાગ્યો.
"તમને કેવી રીતે ખબર પડી કે આસ્થાબેન તકલીફમાં છે ?" આસ્થાની ભાભીએ આશ્ચર્ય પામતા એના ભાઈને પૂછ્યું.
"વર્ષો પહેલાં સાસરિયાના ત્રાસથી કુટુંબના એક ફોઈનું અપમૃત્યુ થયું હતું..ત્યારે અમે ભાઈ-બહેને નક્કી કર્યું હતું કે બહેનને કોઈ તકલીફ હશે તો એ સાદી રાખડી બાંધશે..આસ્થાએ સાદી રાખડી બાંધીને મને એનો સંદેશો પહોંચાડ્યો.." આસ્થાના ભાઈએ આખી વાતનો ફોડ પાડતા કહ્યું.
રક્ષાબંધનના દિવસે પોતાની રક્ષાનું વચન ભાઈએ નિભાવ્યું અને હવે નર્ક જેવી યાતનાઓથી પોતે કાયમ માટે મુક્તિ પામશે એવી આશાભરી નજરોથી આસ્થા દુઃખના કારમા પડછાયાને અસ્ત થતા સૂરજની સાક્ષીએ ઓગળતા જોઈ રહી.
