Mariyam Dhupli

Inspirational Romance Tragedy

4  

Mariyam Dhupli

Inspirational Romance Tragedy

સાબિતી

સાબિતી

9 mins
14.6K


જોગર્સ પાર્કના ટ્રેક ઉપર હેડફોનમાંથી અતિ ઊંચા સ્વરેસંગીત  સાંભળી પૂર જોશ માં જોગિંગ કરી રહેલ મિશા પોતાની અંદરનો ક્રોધ પોતાની ઝડપ સાથે ઉતારવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. જાહેર રજા હોવાને કારણે લોકો ની અવરજવર પણ નહિવત હતી. અકળાતી, ઘૂંટાતી મિશા એ આખરે પોતાની લાંબી દોટને વિરામ આપ્યો. માથા ઉપરથી ચીઢ સાથે હેડફોન ઉતારી લીધા. ટ્રેકશૂટના એક તરફ લટકાવેલ પાણીની બોટલમાંથી અર્ધું પાણી એકજ શ્વાસે પૂરું કર્યું અને બાકી વધેલું પાણી માથા ઉપર રેડી દીધું. અંતરની ગૂંગળામણ શરીરના હાવભાવોમાં સ્પષ્ટ ઉપસી રહી હતી. 

જોગર્સ પાર્કમાંથી પોતાના અકળામણ અને તિરસ્કારના ભાવો સાથે ઘસડતી એ કારમાં ગોઠવાઈ. કારનો દરવાજો શક્ય એટલી જોરથી વાંસી દીધો. હેડફોન અને જોગિંગ માટેની અન્ય સામગ્રીથી ભરેલી સ્પોર્ટ્સ બેગને પાછળની સીટ ઉપર ગુસ્સામાં ધકેલી અને કમને કાર ગિયરમાં નાખી. ઘસઘસાટ કરતા ગાડીના પૈડાં ચિચકારીયો ભરતા જોગર્સ પાર્કની પાર્કિંગમાંથી બહાર સીધાજ મિશાના ફ્લેટની તરફ ડોટ મૂકી રહ્યા. 

જોકે દર વખતે મિશા આવા મિજાજ જોડે જ જોગર્સ પાર્કમાંથી નીકળતી ન હતી. પણ દર વખતની જેમ આ વખતે પાર્થ એની જોડે ક્યાં હતો ? રવિવાર હોય કે જાહેર રજાનો કોઈ પણ દિવસ મિશા અને પાર્થ તો પડછાયાની જેમ એકબીજાની જોડેજ રહેતા ! સૂર્યોદય જોડે જોગિંગ, પછી મિશાના ફ્લેટ ઉપર નાસ્તો અને એમાં પણ નાસ્તો બનાવવાનો બન્નેનો ક્રમ વારાફરતી પૂર્વ નિશ્ચિત. બપોરનું ભોજન ઓર્ડર કરી ફ્લેટ ઉપર મંગાવવું, થોડો સમય સાથે આરામ અને પ્રેમપૂર્ણ ક્ષણો, સાંજે સિનેમા હોલમાં કોઈ ફિલ્મ. એમાં પણ બન્નેની પસંદગીનો ક્રમ પૂર્વ નિશ્ચિત જ ! રાત્રે સમુદ્ર કિનારે એકબીજાના ખભા ઉપર માથું ટેકવી આખા અઠવાડિયાનો થાક ક્યાં અદ્રશ્ય થઇ જતો એની જાણ પણ ન થતી. છેવટે રાત્રીનું ભોજન શહેરની કોઈ પ્રખ્યાત રેસ્ટોરાંમાં પૂર્ણ કરી બન્ને પડછાયા આખરે છૂટા પડતા.

આમ તો બન્નેની પ્રથમ મુલાકાત ઓફિસના સહ કાર્યકર તરીકે આરંભી હતી. મુંબઈ જેવી મહાનગરીમાં પરિવારથી દૂર પોતાની વિશિષ્ટ ઓળખ ઉભી કરવા આવી પહોંચેલા આ યુવાન હૈયાઓ મહાનગરીની દોડધામવાળી અતિ સ્પર્ધાત્મક અને હાંફળી ફાંફળી જીવનચર્યામાં બન્ધબેસતાં થવા પ્રયાસ આદરી રહ્યા હતા. બન્નેના સ્વભાવ વચ્ચે વળી આકાશ પાતાળ જેવો તફાવત. મિશા એટલે તદ્દન ખુશમિજાજી , બાહ્યમુખી, ચંચળ અને રોકડા સ્વભાવ વાળું સંપૂર્ણ વ્યવહારુ વ્યક્તિત્વ. જયારે પાર્થ એટલે મૌનનો સાગર ! ધીર, ગંભીર, તદ્દન અંતર્મુખી. મિશાનો સ્વભાવ, વિચારો, માન્યતાઓ કળી જતા લોકોને નામનો જ સમય લાગતો જયારે પાર્થનું મૌન અને ગાંભીર્ય એના મનોમન્થનોનું સૂક્ષ્મ પ્રતિબિંબ પણ ઝીલવા દેતા નહીં. આવા બે વિરોધાભાસી માનવીઓની મિત્રતા ઓફિસના કાર્યકરોની દ્રષ્ટિમાં અજાયબી સમી દીસતી. પણ માનવજીવન છેવટે તો વિજ્ઞાનનુજ ગણિત ને ! જ્યાં વિરોધાભાસ ત્યાંજ આકર્ષણ. આ વિરોધાભાસ અને આકર્ષણનું ગણિત મિશા અને પાર્થની મિત્રતાને આખરે પ્રેમના પગથિયાં ચઢાવી ગયું. 

'બે શ્રેષ્ઠ મિત્રોજ શ્રેષ્ઠ પ્રેમી પ્રેમિકા બની શકે'- બધાની સામે પાર્થ અને મિશાનો સંબંધ એબાબતની ઉદાહરણપૂર્વક સાબિતી આપી રહ્યો. પરંતુ પ્રેમના દરેક પગથિયાં ખુબ સંભાળ અને સાવચેતીથી ચઢવાના હોય છે. પ્રેમનો અતિ સંવેદનશીલ, નાજુક, નમળો તાંતળો સાચકવો કઈ સહેલો ખરો ?

પાર્થ અને મિશાના પ્રેમ સંબંધોની સુવાસ જ્યાં ઓફિસના દરેક ખૂણામાં પાંગરી રહી હતી ત્યાંજ એક નવી કાર્યકર ઓફિસમાં જોડાઈ. દેખાવે ખુબજ સુંદર, આકર્ષક અને કાર્યમાં તદ્દન ચપળ, હોશિયાર, નિપુર્ણ. દ્રષ્ટિના વ્યક્તિત્વથી આખી ઓફિસ અંજાઈ ચૂકી હતી, એમાં પાર્થની પણ બાદબાકી ન થઇ શકે. જાણ્યે-અજાણ્યે મિશાને પાર્થ અને દ્રષ્ટિની મિત્રતા હૃદયના કોઈ ખૂણામાં ઊંડેઊંડે ખૂંચવા લાગી. દ્રષ્ટિ જયારે પણ પાર્થ જોડે વાતચીત કરતી ત્યારે એની આંખોમાં એક વિશિષ્ટ ચમક મિશા અનુભવી શકતી. કેટલી વાર એણે દ્રષ્ટિને પોતાની પારદર્શક કેબીન માંથી પાર્થને એકીટશે નિહાળતા જોઈ હતી. પાર્થની આંખો દ્રષ્ટિ જોડે મળતી ત્યારે પાર્થ તરફથી પણ મીઠા મધુર હાસ્યની અદલાબદલી એ પોતાની કેબીનમાંથી સ્પષ્ટ નિહાળી શકતી. બન્ને વચ્ચેની આ મૌનયુક્ત સમીપતા મિશાને અકળાવી રહી હતી. પોતાના વ્યવહારુ અને રોકડા સ્વભાવ પ્રમાણે એણે સીધાજ શબ્દોમાં પાર્થ આગળ પોતાના હય્યાની વરાળ ઠલવી નાખી :

"પાર્થ તારા અને દ્રષ્ટિ નું આમ સમીપ આવવું મને યોગ્ય નથી લાગતું. દ્રષ્ટિની નજરોમાં તારા માટે કંઈક જુદીજ ભાવનાઓ ડોકાઈ રહી છે. એનાથી થોડું અંતર રાખીશ ..."

મિશાના શબ્દો થી પાર્થ ખચકાયો. પોતાના ધીર ગંભીર સ્વભાવને અનુસરતો ખુબજ અલ્પ શબ્દોમાં એણે પોતાનો ઉત્તર મિશા આગળ મુક્યો :

"દ્રષ્ટિને તું ઓળખતી નથી પણ મને તો જાણે છે ને ! વિશ્વાસના ખાતર વિના પ્રેમનું છોડ વિકસે નહીં."

પાર્થનો આ ટૂંકો ઉત્તર મિશાના મનોમન્થનને શાંત કરવા પર્યાપ્ત ન હતો. દ્રષ્ટિની આંખોમાં એ પાર્થ માટે એક ખાસ, વિશિષ્ટ ચમક નિહાળી રહી હતી. પાર્થ તરફનું દ્રષ્ટિનું આકર્ષણ એને સતત વિહ્વળ કરી રહ્યું  હતું. પાર્થના સામે આવતાજ દ્રષ્ટિનો ચ્હેરો અને શરીરના હાવભાવો કેવા રંગ બદલતા હતા ! દ્રષ્ટિની નજર પાર્થમાં કશે ખુબજ ઉંડાણોમાં ધસી પડતી હતી. મિશાની નજર ખુબજ સૂક્ષ્મતાથી દ્રષ્ટિને અને ઓફિસ અંતર્ગત એની દરેક પ્રવૃત્તિઓ, ક્રિયા-પ્રતિક્રિયાને અનુસરી રહી હતી. 

અને એક દિવસ અચાનક ઓફિસના એક સુમસાન ખૂણામાં એણે જે દ્રશ્ય જોયું, એ દ્રશ્ય એની શંકાની હકીકતની સાબિતી બની રહ્યું. દ્રષ્ટિ અને પાર્થનું પ્રેમ આલિંગન ! ખુબજ ધીરજ સાથે અને ક્રોધ-આવેગને કાબુ માં રાખતા મિશા એ આખું દ્રશ્ય મોબાઈલ ના કેમેરામાં કેદ કરી લીધું. 

રવિવારે જોગિંગ માટે જોગર્સપાર્ક પહોંચેલ પાર્થને એણે સ્પષ્ટ શબ્દોમાં ફરી એકવાર સાચી વાત જણાવવાનો એક છેલ્લો અવસર આપી જોયો :

"પાર્થ તારા અને દ્રષ્ટિ વચ્ચે શું ચાલી રહ્યું છે ?"

પાર્થ ફરી ચોંક્યો : "એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી ?"

મિશા એ મોબાઈલ ગેલેરી માંથી દ્રષ્ટિ અને પાર્થના પ્રેમ આલિંગનનો પુરાવો પાર્થની આગળ ધરી દીધો .

પાર્થના સ્વરમાં ક્રોધ છલકાયો : "તું મારી જાસૂસી કરી રહી હતી ?"

મિશાના સ્વરમાં બમણો ક્રોધ ઉપસી આવ્યો : "શાંત પાણી ઉંડા. તારાથી આવી અપેક્ષા ન હતી. મારા પ્રેમની તે આવી મશ્કરી ઉડાવી ?  હું તને મુક્ત કરું છું આ સંબંધથી અને મારા પ્રેમથી જેના માટે તુ કદી લાયકજ ન હતો."

પોતાના ફ્લેટ ઉપર આવી પહોંચેલ મિશા ખૂબજ થાક અનુભવી રહી હતી. આ થાક જોગિંગનો નહીં પાર્થની સ્મૃતિનો હતો. બે અઠવાડિયા વિતી ચૂક્યા હતા પાર્થ જોડે જોગર્સપાર્ક પરની એ અંતિમ મુલાકાતને. ત્યાર બાદ ઓફિસમાં ઘણી વાર સામસામે થયા છતાં બન્ને વચ્ચે કોઈ વાતચીત ન થઇ હતી. પાર્થ પણ જાણે કઈ બન્યુંજ ન હોય એમ પોતાના ઓફિસના કાર્યોમાં વ્યસ્ત હતો. પોતાના તરફથી મિશાને મનાવવાનો, માફી માંગવાનો પ્રયાસ સુધ્ધા કર્યો ન હતો અને એટલું ઓછું હોય એમ દ્રષ્ટિની જોડે પહેલા કરતા પણ વધુ હળવા-ભળવા લાગ્યો હતો. પોતાના સ્વમાન જોડે કોઈ કઈ રીતે રમત કરી શકે ? પાર્થનું મૌન મિશાની સહનશક્તિને ચરમસીમાએ લઇ ગયું. આખા ફ્લેટમાંથી પાર્થની દરેક નિશાનીઓ, ભેટ, સંભારણા, શુભેચ્છા પત્રકોનો ઢગલો ભેગો કરી એણે એક 'હેન્ડ બેગ' તૈયાર કરી લીધી. પાર્થના દરેક ચિન્હોને જીવન માંથી લૂછી નાખવા અને એની દરેક અમાનત એને કાયમ માટે પરત કરવા એ સીધીજ એના એપાર્ટમેન્ટ તરફ ઉમટી પડી. 

હૃદય માં છલોછલ ક્રોધની વચ્ચે પણ આછીપાતળી આશાની રેખા હતી. કદાચ મિશાને એની સામે નિહાળી પાર્થને પોતાની ભૂલ સમજાય ! કદાચ એ પણ મિશાની માફી માંગવા મન મનાવી રહ્યો હોય પણ એનું અભિમાન એને નડતું હોય ! કદાચ પાર્થ પણ એના વિરહથી અંતરમાં એટલોજ વ્યાકુળ હોય !

લિફ્ટ સીધીજ એને પાર્થના એપાર્ટમેન્ટ સામે છોડી ગઈ. ધીમી ગતિ એ આગળ વધી રહેલા પગલાં અચાનક જમી ગયા. પાર્થના એપાર્ટમેન્ટ નું બારણું ધીમેથી ખુલ્યું અને સુંદર સાડીમાં સજ્જ દ્રષ્ટિ ધીમે રહી બહાર નીકળી. હાથમાં ફૂલો અને ભેટનો ડબ્બો થામી બહાર નીકળી રહેલ દ્રષ્ટિના ચ્હેરા ઉપર ખુશીની તરંગ વહી રહી હતી અને પાર્થ પણ 

એટલોજ ખુશ અને આનંદિત દેખાઈ રહ્યો હતો. મિશા ની અણધારી હાજરીથી પાર્થ અત્યંત વિસ્મય પામ્યો. એના કાંઈ કહેવા પહેલાજ મિશા એ ભેટ વાળી હેન્ડ બેગ પાર્થની સામે ઉડાવી :

"ઇટઝ ઓલ ઓવર..."લિફ્ટની પણ રાહ જોયા વિનાજ એ એપાર્ટમેન્ટની લાંબી દાદરો લઇ એકજ શ્વાસે બધાજ પગથિયાં ઉતરી ગઈ. 

પોતાના ફ્લેટ માં પરત થયેલ મિશા નું હય્યુ પાર્થ પ્રત્યેની નફરત અને ઘૃણાથી સળવળી રહ્યું હતું. પાર્થ સાથે કરેલો પ્રેમ એના જીવનની સૌથી મોટી ભૂલ અને શીખ બની ઉભો હતો. પાર્થની દગાબાજી એ એના વિશ્વાસનાજ નહીં હૃદયના પણ ટુકડેટુકડા કરી નાખ્યા હતા. પલંગ ઉપર પછડાઈને અશ્રુઓ ઠલવી રહેલી મિશાનો મોબાઈલ રણક્યો. પાર્થનોજ કોલ હશે એ નિશ્ચિતતા સાથેજ એણે કોલ કાપી નાખવા મોબાઈલ ઉપાડ્યો. એની જોડે વાત કરવી તો દૂર,એવા માનવીનું તો મોઢું પણ ન જોવાય. મોબાઈલની સ્ક્રીન પર એક જુદોજ નંબરmને એક જુદુંજ નામ હતું. મોટા ભાઈ ? પોતાના ભાઈનો નંબર નિહાળતાંજ એણે ગળું ખંખેરી વિડિઓ કોલ ઉપાડ્યો :

"અરે આજના દિવસે પણ પોતાના ભાઈ ને ભૂલી ગઈ ? " 

મોટા ભાઈ ના પ્રશ્ન થી મિશા મૂંઝવણ માં મુકાઈ. આજે એમનો જન્મ દિવસ તો ન જ હતો. તો પછી આજે કોઈ ખાસ અવસર ? પોતાની મૂંઝવણોથી ગૂંચવાયેલી મિશા ની સ્ક્રીન આગળ મોટાભાઈએ એક મોટો ભેટ નો ડબ્બો દેખાડ્યો :

"તારી ભેટ તો તૈયાર છે પણ મારી રાખડી ક્યાં છે ?" 

મોટાભાઈના આ બીજા પ્રશ્નથી મિશા નો કોયડો ઉકેલાયો. પોતાના પ્રેમ જીવનની પીડામાં એ તો વિસરીજ ગઈ કે આજે તો રક્ષા બંધન ! આ દિવસે સૌથી પહેલા મોટાભાઈને કોલ કરવા ટેવાયલી મિશા પોતાના દુઃખ અને હતાશામાં આજ નો તહેવાર ચૂકી ગઈ !

મોટાભાઈ જોડે વાતો કરી એનું હ્ય્યુ જરા હળવું થયું. કોલ કાપી એ બાલ્કનીમાં ઉભી થઇ . અચાનક મોટાભાઈ એ મોબાઈલના કેમેરામાં બતાવેલ પોતાની ભેટ એના અંતઃકરણમાં ઉપસી આવી .એની સાથેજ દ્રષ્ટિના હાથ માં નિહાળેલ ભેટ પણ આંખો આગળ ઝબકી રહી. રક્ષાબંધન ના પાવન દિવસે આ બન્ને ભેટ વચ્ચેનું સમીકરણ સમજી ચૂકેલી મિશા ગાડી લઇ સીધીજ પાર્થ પાસે પહોંચી. દ્રષ્ટિ તો ક્યારની જતી રહી હતી .

પાર્થ આગળ માથું નમાવી શૂન્ય મનસ્ક મિશાના મોઢા માંથી શબ્દો બહાર નીકળવાની હિંમત જ કરી રહ્યા ન હતા. રડમસ લાલ આંખો પશ્ચાતાપની સાબિતી આપી રહ્યા હતા.  પાર્થ નો ધીર ગંભીર ચ્હેરો જરા હળવો થયો. 

"જો મારે ખુલાસો કરવો હોત તો હું એ જ દિવસે કરી શક્યો હોત જે દિવસે મને અને દ્રષ્ટિને પોતાની તસ્વીરમાં તે કેદ તો કર્યા પણ દ્રષ્ટિના હાથમાંની તસવીર ન તો જોઈ, ન અમારા પવિત્ર આલિંગન અંગે કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. બે વર્ષ પહેલાજ દ્રષ્ટિના ભાઈનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું. એ દિવસે પોતાના ભાઈની તસ્વીર એ જોડે લાવી હતી. આંખો ઉપર વિશ્વાસ ન આવે એવો તદ્દન મારા જેવો ચ્હેરો ! મને જોતાજ એને પોતાના ભાઈની હાજરી નો સંતોષ મળે છે. આજે મને રાખડી બાંધી પોતાના સ્વર્ગસ્થ ભાઈને જ રાખડી બાંધવાનો સંતોષ એને મળ્યો. મિશા મેં તને કહ્યું હતું, વિશ્વાસ ના ખાતર વિના પ્રેમનું છોડ વિકસે નહીં. સાચા પ્રેમ માં સાબિતીઓ અને પુરાવાઓ ન આપવા પડે. હું પણ મારા પ્રેમને સાબિત કરવા દલીલો અને સ્પષ્ટીકરણનો આધાર ન કદી લઈશ ન કદી તારા તરફથી એવી અનુચિત અપેક્ષાઓ રાખીશ. પારદર્શિતા અને વિશ્વાસના સ્તંભ ઉપર ઉભેલા આ પ્રેમનો જો તને સ્વીકાર હોય તોજ આ સંબંધનું ભવિષ્ય છે, નહીંતર ...."

પાર્થ આગળ કઈ બોલે એ પહેલાંજ મિશા એને વળગી પડી. એના પ્રેમ અંગેની બધીજ અસુરક્ષાઓ એ આલિંગનમાં પીગળીને અનન્ય વિશ્વાસમાં પરિણમી ચૂકી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational