રૂપસુંદરી એન્ડ કુરૂપવાન
રૂપસુંદરી એન્ડ કુરૂપવાન
રાજકુમાર સાથે પરણ્યા બાદ સિન્ડ્રેલા બહુ જ ખુશ હતી. એની ખુશાલ જિંદગીમાં મુસીબતોનું વહેતું ઝરણું લાવવા માટે એની સાવકી માઁ અને બહેનોએ એક નવો પ્રયાસ કર્યો. રાજકુમારને જાણ થતાં એમણે તેઓને સજા કરવાનું વિચાર્યું.
પણ, સિન્ડ્રેલાની રિકવેસ્ટને માન આપતાં રાજકુમારે સજારૂપે મૃત્યુદંડને બદલે દેશનિકાલનો આદેશ આપી દેશની બહાર કાઢી મૂક્યાં.
દેશનિકાલ મેળવી સાવકી માઁ વધુ રોષે ભરાઈ અને એનો બદલો વાળવાની સોનેરી તક શોધતી રહી.
બે એક વર્ષ બાદ સિન્ડ્રેલાએ એક રૂપાળા રાજકુમારને જન્મ આપ્યો. રાજમહેલમાં સહુ ખૂબ જ ખુશ હતાં. નિલપરી પણ રૂપાળા રાજકુમારને આશિષ આપવા આસમાનમાંથી નીચવા ઉતરી રહી હતી.
નિલપરીને ધરતી પર આવતી જોઈ, દુષ્ટ પરાંને પોતાનો બદલો પૂરો કરવાનું વચન યાદ આવતાં જ એણે નિલપરીને પોતાનાં જાદુથી ધરાથી દસ ફૂટનાં અંતરે હવામાં જ કેદ કરી લીધી.
અને, પોતે બ્લેક ફેરીનું રૂપ ધારણ કરી સિન્ડ્રેલાનાં બાળકને શુભાશિષ દેવાને બદલે બદદુઆ આપવા લાગ્યો -
"હે રૂપાળા રાજકુમાર! તારાં માતા પિતાને તારા આ રૂપ પર ગર્વ છે. એટલે જ તને અભિશ્રાપ આપું છું કે તું જેટલો રૂપાળો છે એટલી જ તને કદરૂપી કન્યા મળશે. તને એની સાથે પ્રેમ વિવાહ મજબૂરીમાં કરવાનો વારો આવશે. અને જો તું એની સાથે વિવાહ નહીં કરે તો તું બદસૂરત થઈ જઈશ. અને કોઈ તારી સાથે વિવાહ કરવા રાજી નહીં થાય... તું પણ મારી ફ્રેન્ડ્સની જેમ તડપતો રહીશ. તારાં પિતાની સજા હવે તું ભોગવીશ... હા... હા... હા..."
શ્રાપ આપી બ્લેક ફેરી ત્યાંથી રવાના થઈ ગઈ. અને ત્યાંથી સીધી એ સિન્ડ્રેલાની સાવકી માઁ અને સાવકી બહેનોને મળી પોતાનાં થકી રૂપાળા રાજકુંવરને મળેલા શ્રાપ વિશે વિગતવાર જાણકારી આપી.
સાવકી માઁ અને બહેનોએ દુષ્ટ પરાંને આશ્વાસન આપ્યું કે આગળનું કામ તેઓ પૂરું કરશે અને એનો બદલો પૂરો કરશે.
નિલપરી જેમ તેમ દુષ્ટ પરાંનાં ચંગુલમાંથી છૂટી સિન્ડ્રેલાનાં બાળકને શ્રાપથી મુક્ત થવાના આશિષ આપવા દોડી.
અને, એણે સિન્ડ્રેલાને કહ્યું,
"સિન્ડ્રેલા દીકરી, મને આવવામાં જરા મોડું થયું. મને માફ કરજે. પણ, જે થયું એ કેટલેક અંશે સારું જ થયું કે એ દુષ્ટ પરાં પહેલા આવી ગયો. હવે એનાં શ્રપનો તોડ હું આપું છું....
હે રૂપસુંદર ! કદરૂપી કન્યાને પરણ્યા બાદ જ્યારે એ આ હેલોવીનને પોતાનાં માથા પર પહેરશે કે એ દુનિયાની સર્વોત્તમ સુંદરી બની જશે...
હા, પણ..."
સિન્ડ્રેલા 'પણ' શબ્દ સાંભળી દુઃખી થઈ ગઈ.
"પણ શું નિલપરી?"
"પણ, એ પછી એ તારી મહેરબાનીઓ ભૂલી જશે. અને એ માટે તારે અને એણે સતકર્મો કરવાના રહેશે. જરૂરિયાતમંદની મદદ કરવાની રહેશે....
એ જ બધાં પછી રૂપસુંદરીને તારી પ્રેમકહાણી યાદ દેવડાવશે અને તમે સુખી જીવન જીવવા મુક્ત બનશો."
સિન્ડ્રેલા અને રાજા બન્ને નિલપરીનો આભાર માનવા લાગ્યાં.
અને, વચન આપ્યું કે, જે તમે કહ્યું એવું જ અમે રૂપસુંદરને કરવા કહેશું.
"તથાસ્તુઃ" કહી નિલપરી ત્યાંથી વિદાય લીધી.
રૂપસુંદર દિવસે ન વધે એટલો રાતે વધી મોટો થતો જતો. એમજ, સ્વભાવે દયાળુ, પ્રેમલ તેમજ આજ્ઞાકારી બનતો ગયો.
પ્રજાની રક્ષા તથા એમનાં હિત માટે અને પોતાનાં રાજ્યમાં સહુ ક્ષેમકુશળ છે કે નહીં એ જોવા કાજે રોજ રાતે વેશ પલટો કરી રાજ્યમાં ફરવા નીકળતો.
રોજની જેમ જ આજે પણ એ રાજ્યમાં અને આસપાસના વિસ્તારમાં ફેર ફટકો મારવા નીકળ્યો હોય છે કે એણે જંગલ તરફનાં વિસ્તારમાં એક સસલાની ચીસ સાંભળી.
રૂદનનાં અવાજની દિશા તરફ જતાં જોયું તો એક બરફ જેવું શ્વેત સસલું કાંટાળા છોડવા વચ્ચે ફસાયેલું હતું. રૂપસુંદરે એ સસલાને કાંટાળા છોડવામાંથી હળવેકથી બહાર કાઢ્યું. પોતાની પાસેનું પાણી પીવડાવી પોતાનાં ખેસનો એક ટુકડો ફાડી એને પાટાપિંડી કરી એનાં ઘર સુધી મૂકી આવ્યો.
સસલાએ આભાર વ્યક્ત કરતાં વરદાન આપ્યું, " મુસીબતમાં મને યાદ કરજે, જરૂરથી હું મદદરૂપ થઈશ."
રૂપસુંદર સસલાની વિદાય લઈ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો.
પણ,
અમાસની રાત અને એમાં સસલાને મદદ કરવા પાછળ મારગ ભૂલી ગયો. ત્યાં, એક બાજુ પક્ષીની બૂમ કાને અથડાઈ.
બૂમ તરફ દોડતો ભગતો પહોંચ્યો. જઈને જોયું તો બાજ પક્ષીની ચંચમાં વચ્ચોવચ્ચ સ્ટારફિશ ફસાયેલી હતી. ન ગળી શકાતી હતી કે ન ઉલ્ટી કરી બહાર ફેંકી શકાતી હતી.
રૂપસુંદરે બાજ પક્ષીને એની પીઠ પર ગુમ્બો માર્યો અને સ્ટારફીશ ચાંચમાંથી બહાર તરફ ફંગોળાઈ. બાજ પક્ષીને ખૂબ રાહત થઈ.
રૂપસુંદરે ગુમ્બો મારવા બદલ માફી માંગી. કે, બાજ પક્ષીએ એને આશિષ આપ્યાં,
"મુસીબતમાં યાદ ફરમાવજે. બનતી સઘળી મદદ હું કરીશ."
આભાર વ્યક્ત કરી રૂપસુંદર સવાર પડવાની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો.
સૂર્યનું પહેલું કિરણ ફૂટે એ પહેલાં એણે એક પતંગિયાને પોતાની પાંખો ફફડાવી ફૂલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોયું. પણ, પુષ્પ હજુ ખીલ્યું નહોતું અને સૂર્ય પણ આજે વાદળો વચ્ચે ઘેરાયેલો હતો.
રૂપસુંદરે પુષ્પની એક પંખુડીને કષ્ટ આપ્યાં વગર ઊંચી કરી કે પતંગિયું એમાંથી બહાર નીકળી ગયું.
અને, રૂપસુંદરને મદદ થવાનું વચન આપી ફુરર્રર કરતું ઊડી ગયું.
સૂર્યનાં આગમનથી રૂપસુંદરને એનાં મહેલ તરફ જવાનો માર્ગ સ્પષ્ટ થયો. અને એ ઝડપથી મહેલ તરફ દોડવા લાવ્યો.
રસ્તાની કોરે એક સ્ત્રીને ટૂંટિયુંવાળી થરથર કાંપતા જોઈ રૂપસુંદરને દયા આવી ગઈ. એણે પોતાનું ઉપરણું એને ઓઢવાનું આપ્યું. છતાંય એની ઠંડક દૂર થઈ હોય એવું લાગ્યું નહીં. એટલે રૂપસુંદરે પોતાની ધાબળો પણ એને ઓઢાડ્યો.
છતાંય એ સ્ત્રી હુ હુ હુ.. કરી થરથરી રહી હતી. આખરી વસ્ત્ર તરીકે રૂપસુંદર પાસે હવે માત્ર એની ધોતર હતી. ધોતર કાઢે તો એની પાસે ખુદને ઢાંકવા યોગ્ય માત્ર સાફો જ શેષ રહે.
પોતાની પરવાહ કર્યા વગર રૂપસુંદરે પેલી સ્ત્રીને પોતાની ધોતર ઓઢાડી. અને પોતે સાફો ઓઢી મહેલ ભણી દોડવા લાગ્યો.
પેલી થરથર કાંપતી સ્ત્રીને રૂપસુંદર ગમી ગયો.
બે ત્રણ દિવસનાં અંતરાલ બાદ રૂપસુંદર ફરી વેશ પલટો કરી ફરવા નીકળ્યો. આજે પણ એણે તે દિવસની જેમ જંગલ તરફનો માર્ગ પકડ્યો. જંગલમાં દૂર દૂર સુધી ફરી વળ્યો પણ કોઈ કરતાં કોઈ ન મળ્યું.
ન બાજ પક્ષી કે ન સસલું કે ન સ્ટ્રોબેરી રંગનું પતંગિયું.
ઉદાસ થવાને બદલે રૂપસુંદર બીજા માર્ગ તરફ જવા વળ્યો. ત્યાં એની નજર પેલી સ્ત્રી પર પડી.
કે જે આજે પણ અર્ધ નગ્ન અવસ્થામાં જ હતી.
રૂપસુંદરને જિજ્ઞાસા જાગી. એણે પેલી સ્ત્રીને બોલાવવાનો પ્રયાસ કર્યો. પણ પેલી સ્ત્રીએ આંખ આડા કાન કર્યા.
રૂપસુંદરની જુગુપ્સા વધવા લાગી. એ સ્ત્રીને આજે પણ ધાબળો તથા ઉપરણું આપી મદદ કરવા મથ્યો.
સ્ત્રીએ રૂપસુંદરનું મુખડું જોવા પોતાની ઓઢણી ચહેરા પરથી ખસેડી અને રૂપસુંદર એનો ચહેરો જોઈ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો.
નમણી આંખો વાળી એ કન્યાનો ચહેરો હદથીય વિશેષ કદરૂપો હતો. ઠેર ઠેર શીતળા માતાનાં ચાંઠાઓ હતાં. ત્વચા ગોરી પણ કાતરથી ઉતરડાયેલી. દેહ પર અગણિત ઘાવ. એ ઘાવમાંથી પરું ને પસ નીકળી રહ્યું હતું... જાણે રક્તપિત્તનો રોગ થયો હોય.
રૂપસુંદરને પોતાની માતા સિન્ડ્રેલા થકી જાણવા મળેલ દુષ્ટ પરાંનો એનાં પરનો શ્રાપ તથા નિલપરીનાં આશિષ યાદ આવ્યાં.
અને, એણે એ રોગી કન્યાને પોતાની પીઠ પર ઊંચકી રાજમહેલમાં લઈ આવ્યો. એની સારવાર માટે ઠેર ઠેરથી રાજવૈદ્ય બોલાવ્યાં. ઉપચાર કરાવડાવ્યો.
પણ, થોડું સારું થતું ને ફરી એથી વધુ પીડા તે કન્યા ભોગવતી. રૂપસુંદરે એ કન્યા થકી ઘણાંનવા દાન પુણ્ય કરાવ્યો. એનાથી બનતી દરેકે દરેક મદદ પણ કરાવડાવી. કે જેથી એનાં દુષ્કર્મનું હજુ વધારાનું ફળ એને ન ભોગવવાનું થાય ત્યાં એક સાધુ બાબાએ રૂપસુંદરને તેની સાથે વિવાહ કરવાની ભલામણ કરી.
રૂપસુંદર સેવાભાવી હતો. પણ, સ્નેહ વગરનાં સંબંધોમાં તિરાડ પડે જ છે, એવું વિચારનારો હતો.
ઘણી બધી આનાકાની બાદ રૂપસુંદરે પરાણે વિવાહ માટેની મંજૂરી આપી.
રૂપસુંદર સાથે એ કદરૂપી કન્યાનાં રાજમહેલમાં જ વિવાહ થયાં. અને બીજે દિવસે તેઓ તાજમહેલના ઉદ્યાનમાં લટાર મારવા નીકળ્યાં.
જ્યાં એણે પેલું હેલોવીન જોયું. ઉત્સુકતાવશ એણે એ હેલોવીન પોતાનાં હાથમાં લીધું અને ત્યાં જોરથી પવન ફૂંકાયો. હેલોવીન એનાં હાથમાંથી નીચે પડવાની તૈયારીમાં જ હતું કે સિન્ડ્રેલાએ એને બચાવી લીધું અને તાજ પહેરાવતી હોય એમ એ હેલોવીન પેલી કન્યાનાં હાથમાં સોંપ્યું.
કન્યાએ હેલોવીનને પોતાના માથા પર ધારણ કરવા સાથે તેનો રોગ ગાયબ થઈ ગયો. તેનું સૌંદર્ય એને પાછું મળ્યું. એ રૂપવાન થઈ ગઈ.
અને, બીજી જ પળે એ, રૂપસુંદરનાં અહેસાનો, એની સેવા ચાકરી બધું જ ભૂલી ગઈ.
સિન્ડ્રેલાને કહી પોતાને દેશ જવાની તૈયારીઓ કરવા લાગી.
રૂપસુંદરને યકાયક બાજ પક્ષી યાદ આવ્યો. એણે બાજ પક્ષીને ગુહાર લગાવી અને બાજ પક્ષી એની સામે નતમસ્તક હાજર થયો.
બાજ પક્ષીએ પેલી કન્યાને એણે કરેલા કુકર્મ યાદ દેવડાવ્યાં. કેવીરીતે એ કન્યાએ સ્ટારફીશ બાજ પક્ષીનાં મ્હોમાં બળજબરી ઘુસાડી હતી કે જેને કારણે એનો જીવ જોખમમાં મૂકાયો હતો.
અને, ભલું થાય રૂપસુંદરનું કે એણે તત્કાળ એનો જીવ બચાવ્યો.
કન્યાને એની ભૂલ સમજાણી. એણે બાજ પક્ષીની ક્ષમા માંગી અને રૂપસુંદરનો આભાર માન્યો.
અને, એ પોતાને દેશ જવા માટે રવાના થઈ. ત્યાં માર્ગમાં રૂપસુંદરે સસલાને અને પતંગિયાંને યાદ કરી બંનેથી મદદ માંગી.
સસલાએ આવી કન્યા દ્વારા મળેલી તકલીફ તથા રૂપસુંદર દ્વારા મળેલી મદદ યાદ દેવડાવી.
અને, કન્યાએ ક્રોધવેશમાં સસલાને પોતે જ કાંટાળા છોડવામાં ફેંક્યાનું કબૂલી ક્ષમા માંગી.
ફરી એકવાર રૂપસુંદરનો આભાર વ્યક્ત કર્યો.
અંતે, પતંગિયાંએ આવી કન્યાનાં કાનમાં કંઈક ગણગણાટ કર્યો. અને, કન્યા માની ગઈ.
અને, કાયમ માટે રૂપસુંદર સાથે સુખી જીવન વિતાવવા રાજી થઈ ગઈ.
સહુ શ્રાપ મુક્ત થયાં.
અચ્છાઈની જીત થઈ. બુરાઈની હાર થઈ.
અને, બ્લેક ફેરી બનેલ દુષ્ટ પરાં પણ સાવકી માઁ તથા બહેનોની માયાજાળમાંથી આઝાદ થઈ રૂપસુંદરનાં મહેલમાં સ્થાયી થઈ ગયો.
સહુનું ભલું કરો તો તમારું બૂરું ક્યારેય નહીં થાય.
તેમજ, પોતાનાં આનંદ ખાતર બીજાને તકલીફ આપવી ગુનો ગણાય.
અને, ક્રોધાવેશમાં ક્યારેય કોઈ કાર્ય કરવું નહીં.
સિન્ડ્રેલાએ રૂપસુંદર અને સ્વરૂપવાન કન્યાને આશીર્વાદ સાથે ચાર શિખામણ પણ આપી...
ચાર શીખ -:-
૧. દુઃખમાં, ઉત્સાહમાં તથા ક્રોધમાં કોઈ નિર્ણય લેવા નહીં... એનાંથી આપણું જ નુકસાન થાય.
૨. આવેશમાં, અવેગમાં અને જોશમાં કદી કોઈ વચન આપવું નહીં... જેથી કરીને પાછળથી પસ્તાવું પડે.
૩. સદૈવ બની શકે એટલું પોતાનું કાર્ય પોતે જ કરવું, બીજાના આશ્રિત ન રહેવું.
અને,
૪. હર હંમેશ બીજાની મદદ માટે તત્પર રહેવું.
ત્યારબાદ સિન્ડ્રેલા તથા એનાં હસબન્ડ વાનપ્રસ્થાશ્રમ માટે નીકળી ગયાં.
