રીટા
રીટા


મનોજ અને વર્ષા ડ્રાઈવ કરીને આબુ જવા નીકળ્યાં હતા. ઘેરથી નીકળતાં મોડું થયું તો વર્ષા એ કહ્યું, આવતી કાલે જઈશું શું ઉતાવળ છે પણ મનોજના જિદ્દી સ્વભાવને લીધે વર્ષાની વાત અવગણી. સાંજના સાત વાગી ગયેલા. અંધારું થવા આવ્યું અને રસ્તા વચ્ચે કારનું ટાયર પંક્ચર થયું ! દૂરદૂર સુધી કોઈ માણસ દેખાતા ના હતા. મનોજે ટાયરના બોલ્ટ ખોલવાની કોશિશ કરી પણ એનાથી ખૂલ્યાં નહીં.બંને કારમાં બેસી રહ્યાં. કોઈની મદદની રાહ જોઈ રહ્યાં હતા. મોબાઈલનો ચાર્જ પણ ખતમ થઇ ગયો હતો.
દૂરદૂરથી કોઈ આવતું હોય એવું લાગ્યું. જોયું તો એક સ્ત્રી સફેદ વસ્ત્ર પહેરીને આવી રહી હતી. વર્ષા તો ગભરાઈ ગઈ. પણ મનોજ નીચે ઉતરીને એને પૂછવા લાગ્યો કે નજીકમાં કોઈ મિકેનિકની દુકાન હોય અથવા ગેરેજ હોય તો એ બોલાવી લાવે. સ્ત્રીએ મીઠાં અવાજમાં કહ્યું કે કોઈ મિકેનિક તો નથી પણ જો તમને વાંધો ના હોય તો મારે ઘરે આવો તો મારા દીકરાને કહું તો આપને મદદ કરે.
મનોજ તૈયાર થઇ ગયો પણ વર્ષાનું દિલ માનતું ના હતું. પણ મનોજ ક્યાં કોઈની વાત માને એમ હતો ? બંને એ સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. ઘર નજીકમા જ હતું. એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલ્યો કિચૂડડડ અવાજ આવ્યો. વર્ષા વધારે ગભરાઈ ગઈ. ત્રણે અંદર ગયા. સ્ત્રીએ બેસવા કહ્યું. અને અંદર ગઈ. થોડીવારમાં એ બહાર આવી તો એના હાથમાં ટૂલ બોક્સ હતું. એને કહ્યું કે દીકરો સૂઈ ગયો છે. પણ આપને કોઈ ટૂલ્સ જોઈતા હોય તો આમાંથી લઇ લો. મનોજ હવે મજબૂર થઇ ગયો એને એમ હતું કે એનો દીકરો મદદ કરશે. એ વાંકો વાળીને ટૂલ્સ જોવા લાગ્યો. અને વર્ષા ભયભીત બનીને ઘરનું નિરીક્ષણ કરી રહી હતી. અચાનક એ સ્ત્રી વાંકી વળી અને મનોજને ગળેથી પકડ્યો. એનો સુંદર ચહેરો ભયાનક બિહામણા ચહેરામાં ફેરવાઈ ગયો. અને મોટા મોટા દાંત બહાર આવી ગયા અને એ દાંત વડે મનોજના ગળાને ચૂસવા લાગી. વર્ષા આવક બનીને જોઈ રહેલી. પણ થોડીવારમાં બેહોશ થઇ ગઈ.
જ્યારે એને હોશ આવ્યા ત્યારે એ એક પથ્થર ઉપર પડેલી હતી.એનું આખું શરીર દુઃખી રહ્યુ હતું. એને રાતનું સીન યાદ આવ્યું. એ જોરથી જોરથી રડવા લાગી, "મનોજ, મનોજ. " એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થયો.એને પૂછ્યું શું થયું ? વર્ષાએ હકીકત બતાવી. પેલા વૃદ્ધે કહ્યું કે અહીં રીટા મેમનું ભૂત રહે છે. એ પુરુષોને છોડતી નથી અને સ્ત્રીઓને કાંઈ કરતી નથી. એનો પ્રેમી બેવફા નીકળ્યો જેથી એ આત્મહત્યા કરીને મરી ગઈ. પણ બિચારીને મરીને પણ ચેન ના મળ્યું અને આવી રીતે આવતા જતા દરેક પુરુષની જાન લઇ લે છે. હું તારી દયા ખાવા સિવાય કાંઈ ના કરી શકું. તું ઘરે જા હવે તારો મનોજ આ દુનિયામાં નથી રીટાએ એને અદ્ગશ્ય કરી નાખ્યો છે. આટલું કહી વૃદ્ધ જતો રહયો. વર્ષા વિચારતી રહી કે કાશ મનોજે મારી વાત માની હોત અને આજ ના નીકળ્યા હોત તો !