રહસ્યમયી કિલ્લો
રહસ્યમયી કિલ્લો
"પેરાનોર્મલ એક્ટિવિટી" પર રિસર્ચ કરતાં રાહુલને આજે એક નવી જગ્યાની માહિતી મળી હતી અને ત્યાં જવા તે ખૂબ જ ઉત્સુક હતો. તેના ઘરના લોકોને તેનું આ કામ પસંદ નહોતું પણ રાહુલ કોઈની વાત ધ્યાન પર ન લેતો. અંતે રાત્રે પોતાના કેમેરા, હથિયાર અને એક મિત્ર સાથે રણગઢ પાસે જંગલના એક કિલ્લામાં રાત્રે પહોંચી ગયો. દૂર દૂરથી નિશાચર પશુ પંખીઓનો અવાજ આવી રહ્યો હતો.
બન્ને તૂટેલાં દરવાજાથી અંદર જાય છે અચાનક ચામાચીડિયાનું ઝુંડ તેમના ઉપરથી ઉડીને નીકળી ગયું.અલગ અલગ જગ્યા અને રૂમમાં તપાસ કરવાં લાગ્યાં. ક્યારેક ઝાંઝરી તો ક્યારેક કોઈ છોકરીના રડવા હસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને બન્ને તરત તે દિશા તરફ જતાં પણ કશું હાથ આવતું નહીં. ઘણો સમય બધી તરફ ફરીને જોયું પણ કશું મળ્યું નહીં. અંતે તેઓ પરત ફરવાં માટે દરવાજા તરફ આગળ વધ્યાં.
આ તરફ રાહુલના પપ્પા પણ થાક્યાં હતાં, "છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ સ્ટેશનમાં, પેપરમાં, ફોનમાં બધે તપાસ કરી પણ આપનો દીકરો રાહુલ ખબર નહીં ક્યાં હશે ? હવે વિચાર પણ સારા નથી આવતાં."
આ તરફ કિલ્લામાં ચાલતાં ચાલતાં રાહુલે તેના મિત્રને કહ્યું બસ સામે જ દરવાજો છે.

