રાષ્ટ્ર રક્ષામાં આપેલ સાથ
રાષ્ટ્ર રક્ષામાં આપેલ સાથ
સરહદ પરથી પત્ની સગર્ભા હોવાનાં ખુશીના સમાચાર સાંભળીને ઘેર આવેલ પતિ રાકેશ પોતાની વ્હાલી પત્ની સરિતાને ખુબ જ સ્નેહથી સાચવી રહયો હતો. સરિતા ભાવવિભોર થઈને બોલી,..
"રાકેશ તને આવાં સમયે મહિનાની રજા મળી તો હું ખુબ જ ખુશ થઈ છું. તું પાસે હોય પછી મારે બીજું કાંઈ નથી જોઈતું, "
પછી હેતથી હરખાઈને બોલી,..
"સમસ્ત વિશ્વમાં બસ તું જ મને વહાલો લાગે
તુજ વિના સંસાર હવે તો ખારો દવ લાગે."
મધુર પ્રણયનાં દિવસો વીતી રહ્યાં હતાં અને પાંચમા દિવસે જ આર્મી હેડ ક્વાટરથી ફોન આવ્યો કે,
"કાશ્મીરમાં આતંકવાદી હુમલાને કારણે તમારી રજા રદ કરવામાં આવી છે અને બે દિવસમાં ફરજ પર હાજર થઈ જાવ."
રાકેશ ગમગીની સાથે મૌન બની ગયો. તેને ચિંતા ફક્ત એ હતી કે પોતાની વ્હાલી સરિતાને આ વાત સાંભળી કેટલું દુખ લાગશે ? પણ દેશની રક્ષા એ સૈનિકની સહુથી પહેલી ફરજ છે. એવું માનીને તે સમાન પેક કરવા લાગ્યો.
સરિતા આવીને બોલી,..
"રાકેશ કેમ સમાન પેક કરે છે.?
રાકેશ તેની પાસે જઈને આંખોમાં આંખો નાખીને બોલ્યો,..
"સરિતા તું મને કેટલો પ્રેમ કરે છે."
સરિતા બોલી,. "હિસાબ ન રાખી શકું એટલો."
તો સાંભળ હું પણ તને ખુબ જ ચાહું છું. તારા માટે જીવ પણ આપી શકું છું પણ મારાં માટે સહુથી વઘુ મહત્વનું આપણુ રાષ્ટ્ર છે. "
સરિતા બોલી,.. "એવું કેમ મારાં કરતાં પણ વહાલું."
" એ પણ તને સમજવું સાંભળ." કહીને રાકેશ વ્હાલથી ચુમતાં બોલ્યો,..
"જો જે રાષ્ટ્રમાં આપણે રહીએ છીએ તે રાષ્ટ્રનો હું રખેવાળ છું. અમે અમારી ફરજ નિષ્ઠાથી બજાવીએ છીએ એટલે જ દેશનાં લોકો આરામથી રહી શકે છે. હવે જો મને રાષ્ટ્રનો સંદેશ આવે ને હું ન જાઉ તો સુરક્ષામાં ક્યાંક ગાબડું પડે તો કોઈ આતંકવાદી પેસીને નિર્દોષ લોકો પર ગોળી ચલાવી શકે. અનેક નિર્દોષો મરી જાય. એટલે મારી ફરજને હું સહુથી વઘુ મહત્વ આપું છું. તું પણ એટલે જ સલામત છે કેમ કે મારાં જેવા અનેક લોકો પોતાનાં પરિવાર કરતાં રાષ્ટ્રને વઘુ મહત્વ આપે છે એટલે."
સરિતા બોલી,.. "બિલકુલ સાચી વાત કહી રાકેશ. હવે તું પણ તારી ફરજ સારી રીતે બજાવજે."
રાકેશ હવે મૂળ વાત પર આવતાં બોલ્યો,.
"સરિતા મને હમણાં કોલ આવ્યો છે એટલે મારે કાલ જ નીકળવું પડશે અહીંથી."
હવે સરિતા સમજી કે રાકેશ જવાનું કહે છે પણ તેને રાકેશને કહ્યું,..
"હાં તો જવું તો પડે જ ને. "
બસ રાકેશની આંખો છલકાઈ અને સરિતા રાકેશને વ્હાલથી વળગી પડી. આખી રાત મધુર વાતોની સાથ ગુજરી સવારે રાકેશ જવા રવાના થયો ત્યારે મીઠું મધુર હાસ્ય પેટ પર હાથ રાખીને આપતી સરિતાને જોઈ પોતે ખુશીથી વતનની રક્ષા માટે નીકળી ગયો.
આંખોમાં ભરેલા દબાવેલા રુદન સાથે સરિતા રાકેશનાં ગયાં બાદ મન મૂકીને રડી પડી. પણ પતિને રાષ્ટ્ર રક્ષા માટે સાથ આપ્યો હોવાનો તેને ભીતરથી આનંદ પણ થયો.
