રાજા-રાણી (ભાગ-1)
રાજા-રાણી (ભાગ-1)
કાઠીયાવાડ-સોરઠનાં માંડ બે હજાર જેવી વસ્તી ધરાવતા નાના એવા એક ગામની આ વાત. લગભગ સાલ ૧૯૮૫-૮૬નો સમય-ગાળો ચાલતો હશે. આટલું નાનુ ગામ. કોઈ નાની એવી ઘટના બને તો પણ એ વાત વાયુ વેગે પ્રસરી જાય.
સોરઠની ભોમકાનું સંસ્કારી ગામ, ગામના દરેક રહેવાસી એકબીજાને ખુબ માન-આદર આપે. વડીલોની મર્યાદા જાળવવાનું તો જાણે લોહી માં'જ ભળેલુ હોય. બજાર ચોક કે ચોરે જ્યારે વડીલોની હાજરી હોય, ત્યારે જુવાનિયા'વ બજારે જવાનું પણ ટાળતા.
એક પ્રાથમિક શાળા અને એક હાઈસ્કુલ એટલે ધો. ૧૦ સુધીના અભ્યાસની ગામનાં દરેક છોકરા-છોકરીને ગામમાં જ વ્યવસ્થા.
"રાજુ, એક ભલો ભોળો કિશોર કહો કે યુવાન એટલી જ ઉંમરનો. સાવ ભગત માણસ. એકવડીયો મજબુત કાંઠો અને ખડતલ બાંધાનું શરીર. ૭ ધોરણ પછી ભણતર છોડીને રાજુ પોતાની ખેતીવાડીના કામમાં જોતરાઈ ગયેલો ખેડુ માણસ. એટલું ભોળપણ કે કોઈ અજાણ્યો આવી ને કોઈ કામ ચીંધે તો પોતાનું કામ પડતું મુકી અજાણ્યાના કામે વળગી જાય, એ પણ સમયનું ભાન ભૂલીને.
સુરીલા કંઠનો ધણી રાજુનો એટલો કર્ણપ્રિય અવાજ કે બસ મગન બની સાંભળતા જ રહેવાનું મન થાય. કામ કરતા કરતા પણ રાજુ ભજન, પ્રભાતીયા કે ગીતો લલકારી મૌજમાં રહેતો. રાજુનું આ અલગારી-ફકીરી જીવન જોઈને ગામ-લોકો એને "રાજા" કહેતા.
ક્રમશ:
