રાજા ભર્તુહરીનો વૈરાગ
રાજા ભર્તુહરીનો વૈરાગ
રાજા ભર્તુહરિ પિંગળા રાણીના પ્રેમમાં અતિ પાગલ બનીને રાજનાં કામમાં ઓછું ધ્યાન આપતાં હતાં, ભોગ વિલાસથી દૂર કરીને રાજાને સત્યના માર્ગે લઈ જવાં ગુરુ ગોરખનાથ પઘારે છે. તે રાજમહેલમાં આતિથ્યથી રાજાને ખુશ થઈને રાજાને એક અમૃતફળ આપતાં કહે છે,..
"રાજન કોઈપણ એક વ્યક્તિ આ ફળ ખાઈને અમર બની શકશે. "
ગોરખનાથ ગયાં બાદ રાજાને પોતાની સુંદર ત્રીજી પત્ની પિંગળા યાદ આવીને તેને જ ફળ આપી દીધું. આ પિંગળા રાજનાં કોટવાલનાં પ્રેમમાં હોવાથી તેને કોટવાલને આપ્યું. કોટવાલે તે ફળ પોતાની એક વૈશ્યા પ્રેમિકા હતી તેને આપ્યું.
પણ વૈશ્યા તો આ ફળ રાજાને આપી ખુબ ધન મેળવવાની લાલચે રાજદરબારમાં આવીને રાજાને ફળ અર્પણ કર્યુ.
રાજાને નવાઈ લાગી તેમણે રાણી પિંગલાને બોલાવી પૂછ્યું. તો પિંગળા બોલી કે,.. " મહારાજ એ ફળ તો હું ખાઈ ગઈ "
રાજા કહે,.. " વાહ રાણી તો હવે તમે અમર બની ગયાં હશો. સૈનિકો આ રાણીનું મસ્તક ધડથી અલગ કરી દો. "
રાજાનો હુકમ થતાં જ ગભરાયેલ પિંગળા સત્ય બોલી ગઈ કે,..
"ક્ષમા કરજો મહારાજ એ ફળ તો મેં.... "
રાણી બોલતાં અચકાતાં જ મહારાજ બોલ્યાં,... " તમે કોટવાલને મારાથી પણ પ્રિય બનાવીને આપ્યું એમ ને ?
સત્ય બહાર આવતાં રાણી રડીને માફી માંગવા લાગી. પણ રાજાને તો હવે આ સંસાર ખારો દવ લાગવાં માંડ્યો હતો.
અચાનક ગોરખનાથ આવ્યાં ને રાજા દોડીને પગમાં પડી કહે,...
"ગુરુજી મને તમારો શિષ્ય બનાવી આ ભવસાગર પાર ઉતારો. "
ગુરુજીએ તે ફળ ભર્તુહરિને ખવડાવીને કહ્યું,...
" તારી પત્ની પિંગળાની પાસે જઈ ભિક્ષા માંગીને લાવે પછી જ શિષ્ય તરીકે સ્વીકાર કરું.
રાજા તો બધો જ મોહ ત્યાગી ચુક્યા હતાં તે સાધુનો વેશ ધરીને પિંગળા પાસે જઈને બોલ્યાં,..
"ભિક્ષા રે દેને મૈયા પિંગળા.. જોગી ઊભો તારે દ્વાર મૈયા પિંગળા.. "
બહાર આવીને રાજાને જોતાં રાણી ખુબ વિલાપ કરે છે પણ રાજા તો હવે છૂટવા જ માંગે છે આ સંસારની માયાજાળથી. આખરે પિંગળા ભિક્ષા આપે છે અને રાજા સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરી ગુરુ ગોરખનાથ સાથે ચાલી નીકળે છે. અને આજે પણ વૈરાગી બનેલ ભર્તુહરિ અમર મનાય છે.
