Lalit Parikh

Drama Inspirational Tragedy

3  

Lalit Parikh

Drama Inspirational Tragedy

રાહ અને મંઝિલ

રાહ અને મંઝિલ

5 mins
7.3K



હૈદરાબાદની મશહૂર બેગમ બઝારની પાછળની ગલીઓમાં તેથી પણ વધુ મશહૂર મેહબૂબકી મેહંદી. તવાયાફોની દુનિયા. દિવસ આખો સૂમસામ અને ઉદાસીભર્યો. પણ સાંજ પડતા જ,પ્રકાશની મેહંદીએ રંગાઈ જાય. અંગડાઈ ભરીને દૂર દૂરથી મુજરાના આશિકોને-પ્રેમીઓને, ગીત-સંગીતભરી ગઝલોથી ખેંચવા માંડે. જુના-નવા મોડલોની કારો, બાઈકો, સ્કૂટરો ગલીઓના નાકે ઉતાવળમાં જેમ તેમ આડી અવળી પાર્ક થયા કરે અને પોતપોતાની પસંદગીના કોઠામાં સંગીતની સુરાવલીઓમાં

ખોવાઈ જવા-ડૂબી જવા, હાથમાં ગજરા લઇ લઈને, ખિસ્સાઓમાં મુજરામાં ઉડાડવા માટે પાંચ-દસ-વીસ-પચાસની નોટો લઇ લઇ,”વાહ વાહ, ક્યા બાત હૈ”ના દાદ- નિનાદ સાથે, એ ગલીઓમાંમાં ઊભરાવા માંડે. બરાબર મધરાત સુધી, બરાબર રાતના બાર વાગ્યા સુધી, પોલિસની સીટીઓ વાગતા સુધી તવાયફોની રંગીની સંગતની મોજ -મસ્તીમાં ડૂબેલાઓ, એક નવી, અવનવી ડોલાવી મૂકે એવી, બાદશાહી મુજરાઓની રંગરાગભરી, મસ્ત -મનગમતી દુનિયામાંથી પોતાની રૂટીન દુનિયામાં નછૂટકે પાછા ફરે. પણ ગઝલોની સુરાવલી તો કાનમાં ગૂંજતી રહે એટલું જ નહિ, હોઠો પરથી પણ તેમના પોતાના અણઘડ અવાજમાં નીકળ્યા કરે આવા આવા શબ્દો -“ઈલ્મો ફન કે દીવાને આશકીસે ડરતે હૈ” અને "પ્યાર કિયા તો ડરના ક્યા?”

એવી જ એક રાતે, સરસ મધુર ગાનારી તવાયફ બેબી સુરાબાનુના કોઠા પર, પ્લેબેક સિંગર સ્વર, છેક રામોજી સ્ટુડિયોથી મેહબૂબ મેહંદીની મોજ-મસ્તીનો પહેલો અનુભવ લેવા તેના શોખીન મિત્ર સાથે આવી પહોંચ્યો. બેબી સુરાની મધુર મધુર મીઠી સુરાવલીઓએ તેને કોયલની મીઠી ટહુકાભરી દુનિયાનો એહસાસ કરાવ્યો. તે અધમીંચી આંખથી, મન ભરી, બેઉ કાનના પડિયા ભરી ભરી સાંભળતો રહ્યો. તેનો મિત્ર તેના વતી સો-પચાસની નોટો ઉડાડતો રહ્યો.નવ વાગ્યાથી છેક બાર વાગ્યા સુધી સંભળાતા કોયલના મીઠા મઝાના મનગમતા ટહુકાઓ, પોલિસની સીટીઓના અણગમતા કર્કશ અવાજોથી, એકાએક સમાપનની ધુનમાં, શાંત થવા લાગ્યા, ત્યારે જ સ્વરની સ્વર્ગીય સ્વપ્નસૃષ્ટિનો અંત આવ્યો.સુરાને “ક્યા ખૂબ ગાતી હો સુરબાનુ !”કહી તે ગુલાબી રંગની એક હજારની નોટ એ ગુલાબી સૌન્દર્યથી નીતરતી તવાયફ સુરાના સુંદર સજેલા મઘમઘતા મસ્તક પર ગોળ ફેરવી તેના ગુલબદન પર ફેંકી, તે ખુશખુશાલ થતો, પણ મનમાં ઉદાસ થતો મિત્રની સાથે બહાર નીકળ્યો. ”શુક્રિયા”ના સુરાના એ ગદ્યમય શબ્દોમાં પણ તેને પદ્યની સંગીતમય સુરાવલી જ સંભળાતી રહી.

પછી તો તે ઉપરા ઉપરી આવવા લાગ્યો અને સુરા સાથે એટલો ક્લોઝ થઇ ગયો કે કોઈ સાથે ઓપન થનારી સુરા પણ તેના જેવા મશહૂર પ્લેબેક સિંગર સાથે આત્મીયતા અનુભવવા લાગી.સ્વર તો તેનો અને તેની ગાયકીનો એટલો તો આશિક થઇ ગયો કે તે દિવસે-બપોરે પણ આવવા લાગ્યો અને સાંજે પણ વહેલો આવી સુરાને પોતાની સાથે પ્લેબેક આર્ટિસ્ટ બનાવવાનો આશાભર્યો પ્લાન સમજાવવા લાગ્યો-બનાવવા લાગ્યો,તેને કન્વિન્સ પણ કરવા લાગ્યો. એક એક સ્વતંત્ર ગીત અને ડ્યુઅટ ગીત માટે હજારો- હજારોનું પેમેન્ટ મળશે એવી ભાવી મનભાવન દુનિયામાં તેનું મનભ્રમણ કરાવવા લાગી ગયો. હવે તે સુરાને સ્વરા કહેવા લાગ્યો અને એ તો કેવળ-માત્ર ગાનારી જ છે, તેમ જાણી તેને પરણવા -અપનાવવા પણ તૈયાર થઇ ગયો.સુરાને એક જ પ્રોબ્લમ હતો.તેની લોભી લાલચી અભિભાવક મોનાબાનુ આ સોનાના ઈંડા આપતી મરઘીને મોંમાંગી રકમ મેળવ્યા વિના આઝાદ કરે તેમ ન હતી.તેના માટે પણ તૈયાર-તત્પર સ્વરે પૂરા એક લાખ રૂપિયા આપી સ્વરાને પોતાની બનાવી જ લીધી.સ્વર અને સ્વરા, મયસોરના વૃંદાવન ગાર્ડન્સમાં હનીમૂન માણી, પોતાની મનભાવન પ્લેબેક સંગીતની મસ્ત- મઝાની દુનિયામાં મશગુલ થઇ ગયા, ખોવાઈ ગયા.

સ્વરે જોતજોતામાં તો સ્વરાને પ્લેબેક સિંગર બનાવી જ દીધી.સ્વરાના સ્વર-કંઠની મીઠાશ, ફિલ્મસંગીતની દુનિયામાં,તેમની ફિલ્મી ભાષામાં તહલકો મચાવવા લાગી,ધૂમ મચાવવા લાગી.સ્વતંત્ર અને ડ્યુએટ ગીત માટે સ્વર-સ્વરાની તો મોનોપલી જેવો માહોલ બની ગયો.એક એક ફિલ્મમાં એ બેઉના દસ દસ ગીતો ગવાવા-ગૂંજવા લાગી ગયા.કમાણી તો લાખોમાં થવા લાગી ગઈ. સ્વરા માટે સ્વરે એક નવી કાર પણ ખરીદી. સ્વરાનો હવે તો રૂઆબ ફરી ગયો. તેનું રૂપ-સ્વરૂપ એક નવો જ ઓપ પામવા લાગ્યું. ડિઝાઈનર પોષાક, કિંમતી કિંમતી જ્વેલરી,નવી કાર,બ્યુટી પાર્લરની વિઝિટો -તેનો તો વટ પડવા લાગ્યો અને તેના ગાયનોના તો ચોતરફ વખાણ વખાણ થવા લાગ્યા. પણ ધીમે ધીમે કોણ જાણે કેમ ફિલ્મી સંગીત દુનિયામાં સ્વરનો જાદૂ ઓસરવા માંડ્યો અને સ્વરાની મુલાયમ મખમલી ગાયકી લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરો સર કરવા લાગી ગઈ. સ્વરના કોન્ટ્રેક્ટ ઘટવા લાગ્યા, સ્વરાના વધવા લાગ્યા અને તેની સાથે તેનું ઘમંડ પણ વધવા લાગ્યું. હવે સ્વરાને ધીમે ધીમે એમ લાગવા માંડ્યું કે સંગીતની દુનિયામાં પોતે જ સર્વેસર્વાં છે અને વર- સ્વર સાથે ગાવામાં ઓછપ અનુભવવા લાગી, તેની શૈલીમાં ઊણપ જોવા લાગી અને તેની સાથે ગાવામાં છોછ અનુભવવા લાગી.

એક સમયની સુરા હવે સુરાપાન કરવામાં પણ બધી સીમાઓ વટાવવા લાગી ગઈ. ફેશનના નામે સિગરેટ પણ પીતી થઇ ગઈ, ડ્રગ પણ લેતી થઇ ગઈ અને જેની- તેની સાથે હરતી-ફરતી પણ થઇ ગઈ. તવાયફ તરીકે પણત્યારે તેનામાં જે લજ્જા હતી તે લજ્જા હવે લજાવા લાગે એમ તે વર્તવા લાગી ગઈ.

સ્વર આ બધું ચુપચાપ જોતો -સમજતો -અનુભવતો રહ્યો. પણ એક વાર સ્વરાએ તેનું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હડહડતું ઘોર અપમાન કરી દીધું ત્યારે તેણે કહેલા શબ્દોથી આહત થઇ,દુ:ખી થઇ તે પ્રાયવેટ ગીતો ગાવાનો કોન્ટ્રેક્ટ લઇ દુબઈ ચાલ્યો ગયો -સ્વરાને કહ્યા પણ વગર. સ્વરના અદૃશ્ય થયા પછી તે પોતાની વિલાસીનતામાં એવી તો ડૂબી ગઈ કે તેના સંગીતનો જાદૂ પણ એકએક ઓસરવા માંડ્યો. નવી નવી ગાનારી પ્લેબેક સિંગરોનો જમાનો જોર પકડવા લાગ્યો અને તેની જાહોજલાલી, ઘટતી આવક અને વધતી વિલાસીનતાના કારણે, ગાયબ થવા લાગી. પૈસા કમાવા માટે તે મોટી મોટી ક્લબોમાં જુગાર રમવા લાગી ગઈ, રેસ કોર્સ પર ઘોડા રમતી થઇ ગઈ અને એક સાથે સંગીતની દુનિયા અને જાહોજલાલીનો સમય સમાપ્ત થતા જ, મનથી ભાંગી જઈ, વિચારવા લાગી કે પોતે ઘમંડ અને ઘમંડમાં વર ગુમાવ્યો, સ્વર ગુમાવ્યો, સર્વસ્વ ગુમાવ્યું, પોતાની ગાયકીનો જાદૂપણ પૂરેપૂરો ગુમાવ્યો, વ્યસનોની દુનિયામાં ગળાડૂબ ડૂબી, પૂરી પૂરી પાયમાલી પણ નોતરી લીધી અને સહુથી વિશેષ તો તવાયફ તરીકે પણ જે ચારિત્ર્ય ત્યારે તેની પૂંજી હતી તે પણ હવે ખુલ્લે આમ વેચતી થઇ, તેનો તેને અફસોસ થવા લાગ્યો, પસ્તાવો થવા લાગ્યો.

પણ “અબ પછતાવે હોત ક્યા …..” નું પોતે જ ક્યારેક ગાયેલું ભજન તેને યાદ આવવા લાગ્યું. પરંતુ ત્યાં તો સ્વર દુબઈથી એકાએક સારું એવું કમાઈ તેની પડી ગયેલી હાલતના સમાચાર સાંભળી, તેને લેવા-અપનાવવા પાછો ફર્યો અને તેને લઇ, દેશ-વિદેશની ‘ગીત-સંગીત કી દુનિયા’ના કાર્યક્રમો કરવા કટિબદ્ધ થઇ ગયો. સંગીતના જાદૂનો અંત તો હોઈ જ ન શકે, કારણ કે સંગીતનો જાદૂ તો અનંત હોય છે, એમ અનુભવે સમજેલો સ્વર, સ્વરાને પણ તેનો અનુભવ કરાવવા કમર કસીને નીકળી પડ્યો. તેના મનમાં જુનો નાનપણમાં સાંભળેલો મુહાવરો જોર શોરથી ગૂંજી રહ્યો હતો- “હિમતે મર્દા તો મદદે ખુદા.”

સ્વર- સ્વરા, દેશ- વિદેશમાં પોતાના સંગીતની ધૂનોની ધૂમ મચાવવા લાગી ગયા. પૈસો પણ ધૂમ અને ઝન્નાટ કમાવા લાગી ગયા. સ્વરા હવે બરાબર સમજી ગઈ કે પોતાના વર સ્વર વિના તેનો કોઈ ઉદ્ધાર જ નથી. પતિને તજે તેને કોણ ન તજે, એ સત્ય પણ તેને સમજાઈ ગયું. હવે સ્વરા સ્વરમય બની, ફરી એક વાર સુખશાંતિ અને હાશ નિરાંતની સંગીતમય વિશ્વમાં પુન:પદાર્પણ કરી શકી.

એક વાર જાગે તેની રાહ અને મંઝિલ બેઉ સહજમાં હાથવગા થઇ જ જાય એ સત્ય તેને હવે સમજાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama