રાગ દીપક
રાગ દીપક
મલ્હાર રાગમાં સ્વરબદ્ધ થયેલું ગીત શાસ્ત્રીય ગાયિકના કંઠમાંથી ઘૂંટાઈને ચોતરફ પ્રસરી રહ્યું હતું. આંખમાં આંસુડાની ધાર સાથે જ્યોતિએ બાજુમાંથી માગીને લાવેલા મોબાઈલમાં ધ્રુજતાં હાથે માંડ - માંડ દસ આંકડા દબાવ્યા.
સામે છેડેથી મલ્હારભાઈ એ જ્યોતિ કઈ બોલે તે પહેલાં લાચાર સ્વરે, ત્રુટક અવાજમાં કહી દીધું, "બેટા મને માફ કરજે પણ હવે તને આપવા માટે મારી પાસે કંઈ વધ્યું..."
ફોન કટ થઈ ગયો. સંગીત એક માત્ર સહારો હતું જ્યોતિની પીડા શમવાવા માટે. બધાં બહાર જતા રહે પછી ચોરી છૂપે સાંભળતી.
જો કે આજ તો એ પણ શાતા આપતું નહોતું. ઉનાળાની બળબળતી બપોરેના બાર વાગ્યા હતા. માથે વળી ગયેલાં પરસેવાનાં ટીપાં જ્યોતિએ સાડલાના પાલવથી લૂછયાં. સીડીમાં ગીતો બદલી રહ્યાં હતાં પણ તેનું ધ્યાન ત્યાં નહોતું.
આજે આઠમો દિવસ હતો. જ્યોતિને તેના પતિ મનોજ તથા તેના સાસુ, સસરાએ ધમકી આપીને કહેલું, "આઠ દિવસની અંદર જો સ્કુટરના પૈસા નથી આવ્યાં તો ગયા વખતે શું થયું હતું તે યાદ છે ને?"
જ્યોતિને ઢોરમાર યાદ આવતા જ તે ધ્રુજી ગઈ. આંખમાં આંસુનો પ્રવાહ વધ્યો. રસોડામાં ગઈ...
સીડીપ્લેયરમાં રાગ દીપક શરૂ થઈ ચૂક્યો હતો. બાજુવાળા મેઘાબેન તેનો મોબાઈલ લેવા જ્યોતિના ઘરે આવ્યા તેની રાડ ફાટી ગઈ. આખું ઘર ભડકે...
