બહુરૂપી
બહુરૂપી


"વાર્ષિક આવક કેટલી છે ?" કરડાકીભર્યા સ્વરે ગરીબકલ્યાણ યોજનાનું ફોર્મ ભરી રહેલાં સરકારી કર્મચારીએ કાકેશને પૂછ્યું. "સાહેબ, નાનો માણસ છું..."
"આવક બોલો." કાકેશની વાત કાપીને ખિજાતા સરકારી કર્મચારી ચશ્માં નીચે કરીને તાડુક્યો.
"૩૦,૦૦૦ સાહેબ." કાકેશના જવાબ બાદ નીતિએ પોતાનું મંગળસૂત્ર સાડીના છેડા પાછળ ધકેલ્યું. તેના ચહેરા પર અણગમાનાં ભાવ એકદમ સ્પષ્ટ હતા.
"ચાલ હવે મોડું થશે." કહી કાકેશે નીતિની તંદ્રા તોડી.
સુપરસ્ટાર મોલમાં એક કલાક વાતાનુકૂલિત હવા અને તેની અંદર જ આવેલ હોટેલમાં બંને જમ્યા. બહાર આવી ખરીદીનું અને જમવાનું બિલ ચુકવ્યું. પોતાના મોબાઇલમાંથી બે આખી અને એક અડધી સરમિયા ગામની ટીકીટ ઓનલાઈન એસ.ટી.માં બુક કરાવી.
"કાલ મમ્મીને મળવા જવાનું છે. જોજે પાછી કંઈ ઊલટું સીધું નહીં બકી નાખતી." મોલના પગથિયાં ઉતરતાં ઉતરતાં કાકેશ બોલ્યાં. નીતિ છેલ્લા ૧૦ વર્ષથી માત્ર જોઈ જ રહી હતી, બોલવાનું તો એ જાણે ભૂલી જ ગઈ હતી. પ્રેમ લગ્ન કર્યા એ પહેલાંનો કાકેશ અને આ કાકેશ.. !
બીજા દિવસે ગામડે દાદીમાં પ્રીતિને જમાડતાં -જમાડતાં ગળગળા થઈ ગયાં. "કાકેશ તા
રા બાપુજીના ટૂંકા પેન્શનમાં ઘરનું પૂરું કરવું બહું અઘરું પડે છે.." આગળ તે કઈ બોલી ના શક્યા. દસ વરસથી કાકેશ શહેર લઈ જશે એ જ રાહે હતાં. નીતિએ પણ બે-ત્રણ વાર કહ્યું હતું પણ કાકેશે ધ્યાન આપ્યું નહોતું.
મમ્મીની વાત સાંભળી કાકેશ એકદમ રોતલ મોં કરી બોલ્યો, "મમ્મી મને પણ તમને લઈ જવાની ઈચ્છા છે પણ મારા ટૂંકા પગારમાં..." આટલું બોલી તે મંજુબેનને બાથ ભરી ગયો. બંને મા દીકરો રડયાં. નીતિ તો કાકેશને બસ જોતી જ રહી ગઈ. સાંજે કાકેશ અને પ્રીતિ ગામમાં આંટો મારવા ગયાં ત્યારે કાકેશના ચાર્જમાં રહેલાં મોબાઈલમાં રીંગ વાગી. નીતિએ ફોન ઉપાડયો. "કાકેશસર આપે જે કાર બુક કરાવી હતી તે આવી ગઈ છે તો આવતી કાલે આપ શો રૂમ પર આવશો ને?" એકજેક્યુટિવ ડિલરનો ફોન નીતિએ કટ કર્યો.
કાકેશ અને પ્રીતિ ખુશ થતાં - થતાં આવ્યાં. "કહું છું, સાંભળે છો, આજે આપડા ગામમાં બહુરૂપી આવ્યો છે. હંમણાં એનો નાનકડો ખેલ કરશે, ચાલ જોવા જઈએ, તને લેવા જ આવ્યા છીએ, બહુ મજા પડશે." એમ કહી કાકેશે પ્રેમથી નીતિનો કાંડેથી હાથ પકડ્યો.
"નથી જોવો બહુરૂપી..." બોલીને ગુસ્સામાં એક ઝાટકા સાથે નીતિએ પોતાનો હાથ છોડાવી લીધો.