"પુંજ કે પૂંજ"
"પુંજ કે પૂંજ"


"તલક્ચંદજી, હવે તો તમારું આખા વિશ્વમાં સફળ બિઝનસમેન તરીકે નામ ગુંજી રહ્યું છે" મુનિમજી રોજ આવું બોલતાં અને તલક્ચંદજીને ગમતું પણ ખરું. દુનિયાના ખૂણે ખૂણે તેમનું કાપડ જતું હતું. વિશ્વના એક પણ પ્રતિષ્ઠિત દેશનો પ્રવાસ તેમણે બાકી નહોતો રાખ્યો. તે પાણી માગે અને દૂધ હજાર થતું હતું.
તેમના ધર્મપત્નીજી ઘણીવાર કહેતાં, "હવે આજથી વાપરવાનું શરૂ કરશોને તોયે વાપરવામાં બીજા દસ ભવ નીકળી જશે." તલક્ચંદજીને તો આ બધું કંઈ દેખાતું કે સમજાતું જ નહોતું.
રોજની જેમ આજે સવારે પણ ઉઠ્યા. એક દિવસમાં બે દેશની મીટિંગ, ચાલીસ નાની - મોટી ડીલ, નવ મુલાકાત, છ કાર્યક્રમનું શેડ્યૂઅલ હાથમાં હતું. ખિસ્સામાં ચેકબૂક નાખી. એક નાનકડી બૂકમાં અઠ્યાવીસહાજર કરોડ રૂપિયા સમાઈ ગયા હતાં. પોતાના બંગલા " પુંજ "ના બગીચામાં ઊભાં ઊભાં મોટા અક્ષરે લખેલી ટેગ લાઇન વાંચી રહ્યા હતાં. "Sky is the limit."
અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. ધબ દઈને પડ્યા. છ ફીટ જમીન રોકાઈ ગઈ. સૂર્યના તેજપુંજ અને તેમનાં બંગલા "પુંજ" નીચે જાણે પડ્યો હતો એક નિશ્ચલ પૂંજ.