સાધનાની રીત
સાધનાની રીત


હેલનનાં મોઢામાં હવા ભરેલી હતી. તેના શિક્ષિકા બહેન મિસ સુલીવાને તેણીના મોંઢા પર જમણા હાથની હથેળી રાખી તેણીને સ્પર્શ દ્વારા અને હવાના માધ્યમથી બધિર હોવા છતાં બોલવાનું શીખવી રહ્યાં હતાં. "વ", "વ", જેવો ઉચ્ચાર નીકળી રહ્યો હતો. આખો શબ્દ "વેલકમ" શીખવવા માટે મિસ સુલીવાન બાવીસ દિવસથી મથી રહ્યાં હતાં. વેલકમનો "વ" પાછો બોલાયો.એવામાં મિસ સુલીવાન આ પહેલા જ્યાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં ત્યાંના પ્રિન્સીપાલ શ્રી ટર્કીશસાહેબ પધાર્યા. તે મિસ સુલીવાનના આ પ્રયત્નને એકીટશે જોઈ રહ્યા.
"મિસ સુલીવાન , તમે આ એક અપંગ છોકરી માટે બીજા 30 જણાની જિંદગી કેવી રીતે બગાડી શકો?" થોડાં ઊં
ચા સાદે શ્રીમાન ટર્કીશ બોલ્યાં. "સાહેબ દરેક બાળકમાં ઈશ્વરે કંઈ ને કંઈ મૂક્યું જ હોય છે બસ હું એ જ શોધી અને તેને વિકસાવવાનું કાર્ય કરી રહી છું ", ખૂબ જ આત્મવિશ્વાસથી મિસ સુલીવાન બોલ્યાં. " બાવીસ દિવસે પરિણામ માત્ર "વ" જ કે બીજું કાંઈ?", શ્રીમાન ટર્કીશનો આ આકરો શાબ્દિક પ્રહાર હતો. "આજે એ "વ" બોલી છે કાલે જગત આખું "વાહ" કહેશે." દ્રઢતાપૂર્વક મિસ સુલીવાને પ્રત્યુત્તર વાળ્યો. "આટલો સરસ પગાર, આટલી સરસ સ્કૂલ છોડીને તમે આ શું આદરી છે મને તો એ જ સમજાતું નથી." બહાર નીકળતાં- નીકળતાં શ્રીમાન ટર્કીશ બોલ્યા. "સાધના", હેલેન કેલરને બાથ ભરીને મલકાતાં- મલકાતાં મિસ સુલીવાન બોલી ઉઠ્યાં.