જન સેવા એજ પ્રભુ સેવા
જન સેવા એજ પ્રભુ સેવા


મંદિરે આરતી થવાની જેવી શરૂ થઈ તરત જ અમરશીભાઈએ પોતાની સાઇકલ કાઢી અને સીધા પહોંચ્યા "કબીર આશ્રમ." ત્યાંથી દસેક જેટલા ભરેલાં ટિફિન લીધાં. તેની સાઈકલમાં ખાસ બનાવેલાં લોખંડના સ્ટેન્ડમાં વ્યવસ્થિત ગોઠવ્યાં.
ધીરે-ધીરે પેડલ મારતાં-મારતાં ગામના છેડે આવેલ ઝૂંપડપટ્ટી એ પહોંચ્યા. ત્યાં એક લાચાર, અપંગ અને એકાકી વૃદ્ધા ખાટલામાં પડ્યાં હતાં. તેને પથારીમાંથી ઉભા કરી અમરશીભાઈએ સાફસુફ કરી, નવરાવી-ધોવરાવીને પોતાના હાથે જમાડયું, વાળમાં તેલ નાખી દીધું, કપડાં બદલ્યા અને અલક-મલકની વાતો કરી. આમ દસ ઘર લીધાં કોઈને દાઢી કરી આપી, કોઈને પાટાપિંડી, કોઈના વાળ કાપી આપ્યાં, તૂટેલા બટન ટાંક્યા.
વધેલું ભોજન એક અલગ પાત્રમાં એકત્રિત કરેલું હતું તે ગામને પાદર રહેલ ગ
ાયો અને કૂતરાને આપ્યું. રસ્તામાં પડેલાં એક કબૂતરની સારવાર કરી તેને ઉડાડી મૂક્યું. ગામના ચબુતરે ખિસ્સામાંથી દાણા કાઢી વેર્યા. ત્યાં નીચે રાખેલ ડોલ લીધી સાઇકલ અને સામાન વડલના છાયે મૂક્યાં. કેટલીક રોટલી હજુ સાચવી હતી તેના સાવ નાના ટુકડા કરી મસળી તેની નાની- નાની ગોળી બનાવી નદીએ ગયાં. ગોળીઓ માછલીને નાખી. પાણી ભર્યું. વડલાના થડ પાસે આવેલ વાડમાં વાસણ માંજયાં. એક ડોલ પાછા ભરીને વડલાને પાયું. ઘરે પહોંચ્યા તો અર્ધીરાત થઈ ગઈ હતી. આ તો અમરશીભાઈનો રોજનો ક્રમ. સવારે વહેલા ઉઠ્યાં તો મંદિરના સેવકો આવ્યાં હતાં. "અમરશીભાઈ આપણાં ગામના વારા પ્રમાણે આવતીકાલે તમારે આખો દિવસ 'સેવા' કરવા જવાનું છે." અમરશીભાઈ ખખડી પડ્યાં અને હસતાં-હસતાં પૂછ્યું, " કેમ ન્યા કોણ છે ?"