રાધાહરિ
રાધાહરિ
કેટલાય દિવસથી ચિંતામાં રહેતી રાધાના મનમાં આજે કેટલાય સવાલો ફરી રહ્યા હતા. પાંચ વર્ષથી જેના પ્રેમમાં છે, જેની સાથે તે લગ્ન કરી પોતાનું જીવન પસાર કરવા માંગે છે તેના શબ્દો વારંવાર તેના મનમાં અનેક સવાલો પેદા કરતા હતા.
"જો રાધા ! હવે ઘરે તારા મમ્મી પપ્પાને કહેવું જ પડશે અને બધી વાત પણ કરવી જ પડશે. જીવન નહિતર આમ જ પસાર થઇ જશે તું ત્યાં અને હું અહીં, બધો નિર્ણય તારા પર છે હવે રાધા." હરિ એક દ્રઢ નિર્ણય લેવા રાધાને કહ્યું હતું.
ચુસ્ત રૂઢિવાદી પરિવારમાં કેમ થશે કોઈ માનશે નહીં તો ? કોઈ બીજા છોકરા સાથે પરણીને જવાનું થશે તો ? આ બધા વિચારો રાધાને સતત સતાવી રહ્યા હતા.
"જો તું ઘરે નહીં વાત કરે તો પણ અફસોસ રહેશે કે કદાચ ઘરે વાત કરી હોત અને ઘરના લોકોએ આપણા સંબંધની મંજૂરી આપી હોત તો ? પરિણામ જે પણ આવે કહેવું તો પડશે જ." ફરી ફરી હરિના શબ્દો રાધાના મન પર સવાર થતા હતા.
અંતે સાંજે ઘરના લોકો ભેગા મળી રાધાને હવે લગ્ન માટે પૂછવા લાગ્યા અને સમજાવવા લાગ્યા," હવે કેટલા વર્ષ ઘરે રહેવાનું છે ? નથી લગ્ન કરવા ? કેટલા છોકરાઓને તું ના પાડીશ ? શું છે તારા મનમાં અમને હવે બધા વચ્ચે જ જણાવ એટલે ખબર પડે." એકસાથે જ પ્રશ્નોનો મારો રાધાના પાપા એ ચલાવ્યો.
થોડીવાર આંખો બંધ કરી રાધા સાંભળતી રહી અને થોડી રડમસ અવાજે બોલી, "પપ્પા હું આપણા ઘરનું નામ સમાજમાં ખરાબ કરવા કે તમારી આબરૂ ઉછાળવા નથી માંગતી છતાં મને એક છોકરો પસંદ છે ભલે જ્ઞાતિ આપણી અલગ છે જો તમારી મંજૂરી હોય તો મારે તેની સાથે લગ્ન કરવા છે."
ઘરના બધા સભ્યો અવાચક થઇ ગયા. તેના મમ્મી ગુસ્સામાં બોલ્યા, "કોણ છે એ છોકરો ?"
"આપણી બાજુમાં જે રહેતા હતા તેમનો છોકરો હરિ." રાધા આટલું બોલતા જ રડી પડી.
તેના મમ્મી પપ્પા એકબીજા સામે જોઈ રહ્યા થોડીવાર પછી તેના પપ્પા બોલ્યા, "સારું ! તને જો વિશ્વાસ હોય તો કરી શકે છે તું લગ્ન તેની સાથે કેમકે જીવન તારે જીવવાનું છે."
આટલું સાંભળતા જ રાધાની આંખોમાં અલગ જ ચમક આવી ગઈ અને તેના પપ્પાના શબ્દો જાણે નજીક આવતી હોળીમાં જેમ કલર ઉડશે તેમ જ અત્યારે રાધાના મનમાં આ શબ્દ રંગ ઉડતા જણાયા.

