પ્યારકી જીત
પ્યારકી જીત


બગીચાના બેન્ચ પર એ બેઠી હતી. આસપાસ બોગનવેલના ફૂલો લચી રહ્યાં હતા. ગુલાબની મીઠી સુગંધ મગજને તરબતર કરી રહી હતી. સામે બાળકો લપસણી પર રમી રહ્યાં હતા. એમના કિલકિલાટથી લાગી રહ્યું હતું કે જો સ્વર્ગ છે તો અહીં જ છે. એમના ચહેરા પર કોઈ દુઃખ કોઈ રંજ દેખાતા ના હતા. એને જગજીતસિંહની ગઝલના શબ્દો યાદ આવી ગયાં.
"યહ દૌલત ભી લે લો યહ શૌહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની, હા મગર લૌટા દો વોહ કાગજકી કશ્તી વોહ બારીશકા પાની "
સાડી ના પાલવથી એને આંખો લૂંછી નાખી. બારીશના પાણીને બદલે અહીં આંખોમાં ચોમાસુ બેઠું હતું. એને સાડીના પાલવને સંકોરી લીધો જાણે આખી દુનિયાથી છુપાઈ જવા માગતી ના હોય. મગજ હજુ ભાંજગડ માં પડેલું હતું. શું એને જે પગલું ભર્યું તે બરાબર હતું? એ એવી જગ્યાએ જવા માગતી હતી જ્યાં ના માનવ હોય કે માનવ જાત હોય! દુનિયાથી ભાગી છૂટવા માગતીહતી. શું એ આવશે? પોતે તો હિંમત કરી એ હિંમત કરશે? એને ધીરેથી બેન્ચ પર હાથ ફેરવ્યો. કેટલી યાદો જડાયેલી હતી!! આ બેન્ચ સાથે. કેટલી સાંજ આ બેન્ચે રંગીન કરી હતી.. મહોબતથી ભરપૂર!! એને લાગ્યું કે એ જાણે સાહિલનો પંપાળી રહી છે. ફરી બેન્ચ પર હાથ ફેરવ્યો. હા સાહિલ પણ આમજ એનો હાથ પંપાળ્યા કરતો. અને એ સપનાની દુનિયામાં સરી જતી. પણ બંને એકબીજાથી અલગ થઇ ગયાં, કદાચ એજ ભાગ્ય માં લખાયેલું હતું. બંને જીવનની ઘટમાળ માં પડી ગયા. પણ બંને સુખી ના હતાં. વરસોનાં વાણા વાય ગયાં.
સીમા ને એક દીકરી થઇ એ મોટી થઇ સાસરે ગઈ. અત્યાર સુધી દીકરી કિરમી માં સુખ શોધી લેતી હતી. બધું ભૂલી દીકરીને ઉછેરવામાં પડી ગઈ હતી. અને દીકરીએ પણ મા ને પ્રેમ કરવામાં ઓછું ના રાખ્યું.પણ એને પણ રાકેશ પ્રેમ કરવાવાળો સાથી મળી ગયો. વિનોદની ઈચ્છા ના હોવા છતાં એને કિરમી અને રાકેશને છૂટાં ના થવા દીધાં. અને બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. સીમા ખુશ હતી કે એને પ્રેમીને અલગ ના થવા દીધાં. જે રીતે પોતે પોતાના પ્રેમીથી છૂટી પડી ગઈ હતી.
હવે એકાંત એને ખાઈ રહ્યું હતું. વિનોદની એજ મેણા મારવાની આદત.. ફોન પર બીજી સ્ત્રીઓ સાથે વાતો અને વાતવાતમાં સીમાનું અપમાન. હવે તો બંનેના બેડરૂમ પણ અલગ હતા.એ ખૂબ થાકી ગઈ હતી આ જીવનથી. પ્રેમ વગર.. અપમાનિત એકાકી જીવનથી.
એને એક એક દિવસ વર્ષ જેવો લાગતો હતો. જીવન જીવવાનો ઉત્સાહ ઓસરતો જતો હતો. ક્યારેક આખી રાત રોતાં રોતાં નીકળતી અને દિવસ કલાકો સુધી સૂના આકાશને તાકી રહેવામા જતો. જાણે શુ શોધતી હતી એ આકાશમાં. પોતાનો ભુલાયેલોપ્રેમ કે કદી ના ભૂલી શકી એ પ્રેમ. ધીરે ધીરે એ ડિપ્રેશનનો શિકાર બનતી ગઈ. કેટલાય સાઈકોલોજિસ્ટ પાસે જઈ આવી.. વિનોદ તો જવા તૈયાર ના હતો. કારણકે એતો પોતાને પરફેક્ટ પતિ અને પરફેક્ટ પિતા સમજતો હતો. સાઈકોલોજિસ્ટ એ પણકહી દીધું કે આ માણસ નહિ સુધરે. એ ઘરડો થશે તો પણ આવો જ રહેવાનો. એ કાં તો ફોન પર કોઈ છોકરી સાથે ફ્લર્ટકરશે અથવા ફેઈસબુક પર જઈને. કાં સહન કરતા શીખો અથવા છૂટાછેડા લો... દીકરી જમાઈ શું વિચારશે. અને દીકરીના સગા વહાલા બધા મારા પર થું થું કરશે. હવે તો સહન કર્યા વગર છૂટકો જ ના હતો.
એ દિવસ બરાબર યાદ છે જે દિવસે એને મોલમાં સાહિલ મળી ગયો.
એકદમ એની તરફ ધસી આવ્યો અને કહ્યું," અરે સીમા કેમ છે તું? તું તો ગામ છોડી ને અમને ભૂલી જ ગઈ. સીમા એકદમ અવાક થઇ સાહિલને તાકી રહી..સાહિલ જાણે જરાય બદલાયો ના હતો. એજ મધુર સ્મિત એજ ઘુંઘરાળા વાળ..એજ ચમકદાર આંખો. ઊંચું નાક અને આછી પાતળી દાઢી!! એક સમય માટે સીમા ને લાગ્યું કે એની ધડકન રોકાઈ જશે.. આ સપનું તો નથી ને!! પણ સામે સાહિલ મંદ મંદ સ્મિત કરતો જીવતો જાગતો ઉભો હતો. જેને મળવાની જિંદગીમાં કલ્પના કરી ના હતી એ સાહિલ. એક ફૂટ ના અંતર પર ઉભો હતો. સાહિલે હસતા હસતા એની આંખ સામે પોતાનો હાથ ફેરવ્યો અને કહ્યું એસીમા વેકઅપ ઇટ્સ મી, યોર સાહિલ.
સીમા એકદમ ભાનમાં આવી અને શરમાઈ ગઈ." અરે સાહિલ તું અહીં ક્યાંથી? મારા સાસરા?
સાહિલે તોફાની અવાજમાં કહ્યું," શું તમે આખું ગામ ખરીદી લીધું છે કે કોઈ અહીં મી. વિનોદની રજા વગર ગામમાં પગલું ના મૂકી શકે?.
"ના ના એવું નથી આ તો ક્યુરાસિટી!!"
અચ્છા સાંભળ હું અહીં મારા એક દોસ્તની દીકરીના લગનમાં આવ્યો છું. તું ઓળખે છે પેલો જીતલો . અરે જીતેન્દ્ર .એજ તો આપણા બંનેનો ખબરી હતો!! હા હા। હા !!
એ શરમાઈ ગઈ..સાહિલ તને બધું યાદ છે?
અરે ગાંડી આવી મીઠી યાદ ભૂલવા માટે થોડી હોય છે?
ચાલ ચાલ અહીં કોઈ કાફેમાં બેસી કોફી પીએ. જૂની યાદોને તાજી કરીએ અને નવી વાતો જાણીયે. સીમા જાણે કોઈ દોર સાથે બંધાઈ હોય એમ સાહિલની પાછળ ખેંચાતી ગઈ. બંને એક નાનકડી કાફેમાં આવ્યાં. કોફીનો ઓર્ડર કરી એક બૂથમાં જઈને બેઠાં.
સાહિલ બોલી ઉઠ્યો," સીમા તું કેમ મુરજાયેલી હોય એવું લાગે છે. કોઈ પ્રોબ્લેમ છે? સીમાની ઉદાસ આંખો ઘણી બધી ચાડી ખાતી હતી અને સાહિલથી કાંઈ પણ છુપાવવું ખૂબ અઘરું હતું.
" બસ, કાંઈ નહિ દીકરીને વળાવી દીધી એટલે એકલી પડી ગઈ છું. તારા શું ખબર છે એ બતાવ. તારી પત્ની, તારા બાળકો બધા કેમ છે?
બધા મજામાં છે.. મોટો દીકરો લંડન મુવ થયો છે. નાનો દીકરો બેંગ્લોરમાં જોબ કરે છે અને દીકરી સાસરે છે.. અને હું.. હું એકલો જ છું. મારી પત્ની બ્રેસ્ટ કેન્સરથી.. ભગવાન પાસે ગઈ છે...બિલકુલ ફક્કડ રામ છું. નાનો બિઝનેસ છે જે ચલાવું છુંઅને તને યાદ કરું છું ..."મૈ ઔર મેરી તન્હાઈ અક્સર યેહ બાતે કરતે હૈ કે તુમ હોતી તો ક્યાં હોતા, તુમ ઐસે મુકુરાતી. તુમઐસે શરમાતી." કહી એ ખડખડાટ હસી પડ્યો. સાહિલની પર્સનાલિટી એવી હતી કે કોઈપણ માણસ એનાથી ઝકડાઈ જાય.
સીમા પર્સ ઉઠાવી અને કહેવા લાગી કે, સાહિલ ખૂબ મોડું થયું હું નીકળું. વિનોદ ઘરે આવી ગયા હશે... સાહિલે એનો હાથ પકડીલીધો.. સનનન એક વીજળી સીમાના શરીરમાંથી પસાર થઇ ગઈ.ઘણા સમયથી કોઈ પરુષે સ્પર્શ કર્યો ના હતો.. વિનોદ તો કદી વહાલ ભર્યો હાથ માથા પર મુકતો ના હતો. અને રોમાન્ટિક સ્પર્શની વાત તો ક્યાં આવી?
સીમા આજ તો તને છોડું છું, પણ તારે તારી વાત કરવાની બાકી છે. મને ખબર છે. તારી આંખો મને ઘણું કહી ગઈ છે.તું મારો ફોન નંબર લઇ લે હું બીજું એક અઠવાડિયું અહીં છું. આપણે શાંતિથી મળીએ. આપણે પ્રેમી હતા એ વાત ભૂલીને એક મિત્ર તરીકે તું મને બધી વાત કહી શકે છે.
સીમા જમીન તરફ જોઈ રહી. બંને એક સમયે એકબીજાને દિલોજાનથી ચાહ્યા હતા. પણ કિસ્મતે સાથ ના આપ્યો, અને બંને જુદા થઇ ગયા. બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતાં. દિલોના ભેદ પણ પકડી પાડતા હતા.સીમા ફોન નંબર લઇ નીકળી. સાહિલ ક્યાંય સુધી નિસાસા નાખતો એની પીઠને તાકી રહ્યો.સીમા ઘરે પહોંચી. વિનોદ આવી ગયો હતો. એને પૂછ્યું પણ નહિ કે તું ક્યાં હતી. હા જરૂર પણ શું હતી? જેટલી સીમા દૂર રહે એને બીજી છોકરીઓ સાથે વાત કરવાનો ચાન્સ મળી જાય. સીમાએ વિનોદને પૂછ્યું કે જમવાનું બાકી છે કે જમીને આવ્યો? એને કહ્યું જમીને આવ્યો. વાત પુરી થઇ ગઈ એ પોતાના બેડરૂમમાં ગઈ. અને બેડ પર ફસકાઈ પડી. જે હાથ સાહિલે પકડ્યો હતો એને ધીરેથી સૂંઘી લીધો. આહ... એજ સુગંધ જે હમેશા સાહિલના શરીરમાંથી આવતી. અને એ મદહોશ થઇ જતી. એને પોતાનો જ હાથ ચૂમી લીધો આજ કેટલા સમય પછી એને એહસાસ થયો કે એ જે સ્પર્શને તરસતી હતી એ આ સ્પર્શ હતો.. જે એને વિનોદમાં પણ શોધવા પ્રયત્ન કર્યો. પણ.. ના ના આ પાપ છે.. હું પરણેલી આધેડ વયની સ્ત્રી છું. મારા ઘરની ઈજ્જત સંભાળીને બેઠી છું. મારે એવું કાંઈ વિચારવું ના જોઈએ. આ પાપ છે. એને જોરથી આંખો મીંચી દીધી કે સાહિલને પોતાના વિચારોથી દૂર હડસેલી શકે. સવાર પડી. આખી રાત એ વિચારતી રહી.. કે વિનોદે એને શું આપ્યું? અને આ તૂટેલા લગ્નને ક્યાં સુધી ઘસડી રાખવા. અને જો સાહિલ ના મળ્યો હોત તો એ નું જીવન તો વીતી જ રહયું હતું. હા એમાં ખુશી ના હતી.. પણ એથી શું.." કિસીકો મુક્કમલ જહાં નહિ મિલતા કભી જમીન તો કભી આસમાન નહિ મિલતા". બસ મારે અહીજ રહેવાનું છે..વિનોદ મારા નસીબ છે. અને વિનોદ સાથે જીવવાનું અને મરવાનું છે.
ચા નાસ્તો બનાવી એ વિનોદના રૂમમાં આવી. એ શાવરમાં હતો. એટલામાં એનો ફોન વાયબ્રેટ થયો. એને ફોન ઉપાડી લીધો સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો," ડાર્લિંગ, આજ કઈ હોટલમાં જવું છે? રિગલમાં રૂમ બુક કરાવું? સીમાએ ફોન બંધ કરી દીધો. પોતાનો રૂપિયો ખોટો તો કોને દોષ દેવો? આંખો લૂંછતી એ કિચનમાં આવી.
વિનોદ ટેબલ પર આવ્યો અને કરડાકી ભરેલા સ્વરમાં કહ્યું," મારો ફોન તારે ચેક કરવો નહિ.. સમજી "એ ઓફિસમાં ગયો. અને સીમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ ક્યાંય સુધી બેડમાં પડી પડી રડતી રહી. પણ આજ એને ખૂબ ગુસ્સો આવ્યો હતો. આવી અપમાનિત દશામાં રહેવું એના કરતા મોત સારું. પણ એક આવા નબળા મન ના પુરુષ, દગાખોર પુરુષ માટે શા માટે જીવ આપવો. મને પણ ખુશ રહેવાનો અધિકાર છે. મને પણ પ્રેમ કરવાનો અધિકાર છે.જેમ એ પોતાનો પ્રેમ શોધી લે છે.. હું પણ.. હું પણ.. એ કોલેજના દિવસોમાં ખોવાઈ ગઈ. જ્યારે સાહિલ એને પ્રથવાર જીમખાનામાં મળ્યો હતો. પછી એમની મુલાકાતો વધતી ગઈ. બંને એકાંતમાં પણ મળતા અને સાહિલ એને બાહોમાં ભરી એના હોઠને ચૂમી લેતો. એને પણ એની બાહોમાં કેદ થવાનું ખૂબ ગમતું. પણ સાહિલ કદી એની મર્યાદા વટાવતો નહિ. આજ સાહિલ મળ્યો ના હોત તો આ બધી યાદ આવી ના હોત અને આજે જો પેલી સ્ત્રીનો ફોન આવ્યો ના હોત તો સાહિલને મળવાની ઈચ્છા એને અભરાઈએ ચડાવી દીધી હતી. પણ સાહિલનો નંબર એના ફોનમાં હતો. એને ફોન જોડ્યો. અને સાહિલને ઘરે આવવા આમંત્રણ આપી દીધું.
સાહિલ સવારના અગિયાર વાગે દરવાજામાં આવીને ઊભો રહ્યો. મંદ મંદ સ્મિત, જાણીતી સુગંધ અને ચમકદાર અને અંદર ઉતરી જતી આંખો. એ જરાપણ બદલાયો ના હતો. સીમા પણ આછી આસમાની સાડીમાં શોભતી હતી. કાનમાં લટકણિયાં અને હાથમાં બ્રેસલેટ, ઘડિયાળ, અને કપાળમાં નાનકડી બિંદી. ખભા સુધીના ખુલ્લા વાળ અને અણિયાળી આંખોમાં કાજલ. આમ તો સીમાએ તૈયાર થવાનું છોડી દીધું હતું પણ કોણ જાણે સાહિલ માટે સોળ શણગાર સજી લીધા.
સાહિલને ચા પાણી પૂછી સાહિલની સામે ગોઠવાઈ ગઈ. સાહિલે પૂછ્યું," વિનોદ નથી?"
"ના એ ઓફિસે ગયા છે."
"તો મને કહે શું પ્રોબ્લેમ છે?"
તને સમજાવવું અઘરું છે... પણ સમજી લે ને હું ખૂબ એકલી પડી ગઈ છું કિરમીના ગયા પછી." એની આંખમાં આંસુ આવી ગયા. સાહિલે એનો હાથ પકડી લીધો અને કહ્યું," આ ખાલી કિરમીના દૂર જવાની વાત નથી. કોઈ દુઃખ છે જે તને ખાઈ રહ્યું છે. તારે બતાવવું પડશે.
ખબર નહિ કેમ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સાહિલ એનો બરડો પંપાળતો રહ્યો. કલાકો સુધી બંને વાતો કરતા રહ્યાં. અને પછીસાહિલ ગયો. પણ જતા જતા એ કહેતો ગયો. સીમા, એટલું યાદ રાખજે સાહિલ મરી નથી ગયો, હજુ જીવે છે, અને હજુ પણતને એટલો જ પ્રેમ કરે છે જેટલો વરસો પહેલા કરતો હતો. તો તું યાદ રાખજે જે દિવસે તને લાગે કે તારે આ બેડીઓ તોડવી છે. તું મને એક ફોન કોલ કરજે. હું તને ત્યાં જ મળીશ જ્યાં તું મને છોડીને ગઈ હતી.
એ દિવસે એવું જ બન્યું. એ વિનોદનો પીછો કરતા હોટેલ રીગલ સુધી પહોંચી ગઈ. રોજ રોજ ના ટોર્ચરથી થાકી ગઈ હતી. રોજ રોજ ના એના જૂઠાણાથી એ કંટાળી હતી. આજ નું જૂઠ એ હતું કે ઓફિસમાં મિટિંગ છે. અને એ કાર લઈને નીકળી ગયો. એ ટેક્સી કરી એની પાછળ ગઈ. એ રીગલ હોટેલ માં રૂમમાં પહોંચી ગયો.એ એની પાછળ પાછળ રૂમ સુધી પહોંચી ગઈ. અને દરવાજો ખટખટાવ્યો. વિનોદે દરવાજો ખોલ્યો તો સામે સીમા હતી. એ અંદર ધસી ગઈ.તો એક સ્ત્રી નિર્વસ્ત્ર ત્યાં પથારીમાંસૂતી હતી.
સીમા કશું બોલ્યા વગર નીકળી ગઈ. આખા રસ્તે વિચારતી રહી.. શું હું ફક્ત ખાવાનું બનાવવા માટે ઘર સાફ કરવા માટે રાખેલી કામવાળી છું? શું મારે કોઈ લાગણી કોઈ ઈચ્છા નથી? આટલી અપમાનિત દશામાં મારે રહેવાની શી જરૂર છે?એનું શરીર થર થર કંપી રહ્યું હતું।
એ ઘરે ગઈ. પાણીનો ગ્લાસ પીધો. શાંતિથી વિચારવા લાગી. પછી એક નોટપેડ લઇ વિનોદને છેલ્લી ચિઠ્ઠી લખી. સાહિલનેકોલ કર્યો. પર્સ , થોડાં કપડાં અને બસ ભાડાના પૈસા લઈ ઘરમાથી નીકળી ગઈ.
સાહિલના અને પોતાના ગામમાં પહોંચી ગઈ. તેને સાહિલને એજ બેન્ચ પાસે મળવા કહેલું જે બેન્ચ પર એ પ્રેમગોષ્ટી કરતા હતા. એ ત્યાં રાહ જોઈને બેઠી હતી. એ ફરીથી એજ અઢાર વર્ષની પ્રેમિકા બની ગઈ હતી. જેને દુનિયાની પરવા ના હતી. સમાજનો ડર ના હતો. એ તો બસ પ્રેમમાં મગન હતી.
સામેથી સાહિલ આવ્યો સફેદ શર્ટ અને કાળી પેન્ટમાં ખૂબ દેખાવડો લાગી રહ્યો હતો. એ સીધો સીમાનો હાથ પકડી એને મંદિરમાં લઇ ગયો અને મંદિરમાં જઈ ને સીમાને ફૂલોની માળા પહેરાવી અને ભગવાનને કહ્યું, "ભગવન , હું આજથી સીમાને મારી પ્રેમિકાતરીકે સ્વીકારું છું."
સીમા શરમાઈ ગઈ.
એ સાહિલની પાછળ પાછળ સાહિલનો હાથ પકડીને એ રીતે ચાલી નીકળી જે રીતે સાત ફેરા ફરતી વધુ વરની પાછળ ચાલે છે.