પૂર્ણ-અપૂર્ણ
પૂર્ણ-અપૂર્ણ
“અ..અ..મમ..મ..” સવારના સાત વાગ્યાના સૂરજના કોમળ કિરણો બરખાના ચહેરા પર આવ્યા.. એક આળસી હંકાર ભરી બરખા મખમલી બ્લેન્કેટ પોતાના મોં પર ઓઢી પડખું ફરી ગઈ.. બાજુમાં હાથ જતાં જગ્યા ખાલી લાગી અને ને તરત જ સફાળી બેઠી થઈ. જોયું તો બાજુમાં કોઈ નહોતું.. બેડની નીચે રાખેલા સ્લીપર્સ પહેર્યા અને તરત બહાર આવી પોતાની કામ કરી રહેલી મેઈડને પૂછ્યું...
“મારિયા, સાહેબ ક્યાં છે?”
“મેડમ, સાહેબ તો હું ઉઠી એ પહેલા જ નીકળી ગયેલા.”
“ઓહ !..”
“મેડમ તમારી કોફી તૈયાર કરુ?”
“હા, મારા રૂમમાં જ લઈ આવ..”
બરખાએ બેડરૂમમાં આવી જોયું તો સોફાની સામે સેન્ટર ટેબલ પર એક ચિટ્ઠી પડેલી..
“બરખા, હું બેંગલોર જાઉં છું...રાત્રે આવતા મોડું થઇ ગયેલું અને સવારે ૬ વાગ્યાની ફલાઈટ છે અને તું સુતી છે તો તને ઉઠાડવાનું મન નથી થતું... - સાવન”
બરખા થોડીવાર પોતાના બેડની પાછળની દીવાલ પર લગાવેલ પોતાનો અને સાવનનો ફોટો જોઈ રહી.. સાવનને ફરિયાદ કરતી હોય તેમ મનમાં બોલી “બે દિવસ થઈ ગયા છે તને મળે રાત્રે સુતા બાદ તું આવે છે અને સવારે ઉઠતા પહેલાજ ચાલ્યો જાય છે..” સ્લાઈડર ખોલી આર્ટીફીસીયલ મીની ગાર્ડન સમી બાલ્કનીમાં ખુરશી પર બેઠી...
“મેડમ, કોફી..”
“ટેબલ પર મૂકી દે.”
મારિયા કોફી મૂકી ચાલી ગઈ બરખાની નજર ઘડીક સામે મુકેલ ખાલી ખુરશી પર સ્થિર થઈ..તેને કદાચ ત્યાં સાવનની ખોટ વર્તાઈ...તેને કોફીનો મગ હાથમાં લીધો અને બીજા હાથે ફોન લઇ સાવનને કોલ કર્યો બે-ત્રણ વાર આમ કર્યું પણ ફોન અનરીચેબલ આવ્યો તેને એક ઘૂંટડો ભર્યો..ને પછી મેસેજ ટાઇપ કર્યો.. “અ વેરી હેપ્પી મેરેજ એનીવર્સરી..” અને મોકલ્યા વિના જ ડીલીટ કરી નાંખ્યો.. આમ ત્રણ વાર કર્યું ને અંતે મેસેજ મોકલ્યા વિના જ ફોન મૂકી દીધો..એક નીસાસો સાંપડ્યો..એ મનોમન જ બોલી “સાવન આજે આપણી મેરેજ એનીવર્સરી છે આજે આપણા લગ્નને છ વર્ષ પુરા થયા..તું મને તો લગભગ ભૂલી જ ગયો છે પણ આજનો આ દિવસેય તને યાદ ના રહ્યો..” મનમાં ઠસોઠસ ઉદાસી સમાણી, આંખો પાંપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ, એક ડૂમો આવીને ગળામાં અટક્યો..ને એને પાછો હડસેલવા પ્રયત્ન કરતી હોય તેમ કોફીનો બીજો ઘૂંટડો ભર્યો..
આટલા મોટા ઘરમાં બરખા સાવ એકલી પડી ગયેલી, સાવન પોતાના બિઝનેસના કામોમાં અટવાયેલો રહેતો, રજા જેવું તો એને હતું જ ક્યાં એ દિવસ દરમ્યાન લગભગ જ ઘરમાં જોવા મળતો. શહેરના પોશ વિસ્તારમાં આવેલો ૫ રૂમનો ફ્લેટ, તેનું ઇન્ટીરીયર, રાચ-રચીલું, અને એક-એકથી ચઢીયાતા શો-પીસ એક આલીશાન અને ધનાઢ્ય ઘરની પ્રતીતિ કરતા. ઘરમાં નોકર ચાકર તેમજ સુખ-સગવડની પ્રત્યેક વસ્તુઓ ઉપલબ્ધ હતી. તેમજ બરખાને પોતાની મરજી મુજબનું જીવન જીવવાની સ્વતંત્રતા મળેલી...બરખાને ઉણપ વર્તાતી તો એ માત્ર સાવનની...એના પ્રેમની...
“બરખા...બરખા...ક્યાં છે તું?”
“અહિયા રૂમમાં છું..” ને સાવન ઉછળતો ખુશ થતો રૂમમાં દોડી આવેલો...
પોતાની ફર્સ્ટ એનીવર્સરીનો એ દિવસ બરખાની આંખો સામે ફરીથી જીવંત થયો..
૨ રુમનો પોતાનો સુંદર રીતે સજાવેલ ફ્લેટમાં ઘરે આવતાં જ સાવને એક ગાઢ આલિંગન અને કપાળ પર ચુંબન સાથે કાનમાં કહેલું અ વેરી હેપ્પી વેડિંગ એનીવર્સરી ડાર્લિંગ..અને એક બ્લુ કલરનું ગીફ્ટ પેક તેના હાથમાં આપેલું..પેકેટ ખોલતાની સાથેજ બરખાનું મોં પડી ગયેલું..
“બરખા આજે આપણે મસ્ત ડીનર પર જઈ રહ્યા છીએ તું આ લાલ સાડી પેહરી તૈયાર થઈ જા મારી ખુબજ ઈચ્છા છે તને આ સાડીમાં જોવાની..તું ખુબજ સુંદર લાગે છે સાડીમાં...સાવન ઉત્સાહમાં બોલી રહેલો પણ બરખાનો પડી ગયેલો ચહેરો જોઈ એ ઘડીક અટક્યો ને ધીરેથી પૂછ્યું ..”શું થયું ડીઅર?..તને ના ગમી મારી ભેટ..”
“સાવન ડીઝાઈન અને કાપડ તો જોવો માંડ ૨૦૦૦/- નો પીસ લાગે છે અને એતો તોય ઠીક પણ કલર તો જોવ સાવ લાલ-ચટક લો-ક્લાસ જેવો..તમે કેવી રીતે વિચાર્યું કે હું આ પહેરીશ..” આ સાંભળી સાવનનો ઉત્સાહ ત્યાં જ ખરી પડેલો.. એ સાંજે બરખાએ બ્લેક ગાઉન પહેરેલું અને ડીનર પર નજરે ચઢતું હતું કે સાવનને દુ:ખ થયું હતું.
સાવનનું વ્યક્તિત્વ એક રંગીન અને ખુશ-મિજાજ માણસનું, સ્વભાવે સ્નેહાળ અને હ્રદય તો વ્હાલ અને પ્રેમથી છલોછલ ભરેલું જ્યાં હોય ત્યાં ખુશીઓજ વહેંચતો. પોતાના લોકો પર એ લાગણીઓ વરસાવી દેતો..બરખા તો એને ક્યાં ક્યારેય પોતાના જીવથી અલગ લાગતી.. તેને તો એ પોતાના અપાર વ્હાલ અને પ્રેમમાં તરબતર કરી દેતો..
લગ્નના શરૂઆતના દિવસોમાં સાવન ઓફિસથી ઘરે આવતા ક્યારેક ચોકલેટ, તો ક્યારેક ગુલાબ તો વળી ક્યારેક કાર્ડ જેવું અવાર નવાર કંઈનું કંઈ લઈ આવતો... બંને રાત્રે બાઈક પર આંટો મારવા જતા સાવનને થતું કે હું થાકીને ઘરે આવું પણ બરખા આખો દિવસ ઘરમાં જ હોય છે તો એ બહાને એ થોડી ખુલ્લી તાજી હવામાં ફરે તો એને ગમે, અને જો ઈચ્છા થાય તો ક્યારેક આઈસ્ક્રીમ, સોડા કે કોલ્ડ ડ્રીન્કસની મજા પણ ઉઠાવી લેતા... બાઈક ચલાવતી વખતે સાવનને ગીતો ગાવાની આદત.. અને બરખા કેહતી “સાવન.. આ શું કરે છે? બધા આપણી સામે જુએ છે.. કેટલું ચીપ લાગી રહ્યું છે...” અને સાવન ચાલુ જ રાખતો એ કહેતો... “ડાર્લિંગ.. આ તો મજા છે જિંદગીની.. લોકોનું શું વિચારવાનું?..”
એકવાર ઘરે પાછા આવતા બરખાએ ગુસ્સામાં પોતાનું પર્સ સોફા પર ફેંક્યું.. સાવન આશ્ચર્ય સાથે “શું થયું ? ગુસ્સો કેમ કરે છે?”
“જો સાવન મેં તને કેટલીયે વાર કહ્યું છે કે આમ રસ્તા પર બરાડા ના પાડ, જોર-જોરથી ગીતો ગાવા, લારી પર ઉભા રહી સોડા પીવી, રોડ પર બેસી આઈસ્ક્રીમ ખાવો, બધું કેટલું ચીપ સાઉન્ડ કરે છે યાર, મને આ બધું નહી ફાવે પ્લીઝ..” સાવને એને થોડો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ દિવસ પછી બરખા ક્યારેય એની સાથે ફરવા ના જતી.. અને સાવનની લાવેલી એ નાની નાની ભેટ પણ સાવન બીજા દિવસે ઘરે પાછો ફરે તોય જ્યાં એને મૂકી હોય ત્યાંની ત્યાં જ જોવા મળતી.. બરખાને આ બધામાં કોઈ રસ નથી પડી રહ્યો એ હવે એ સમજતો હતો.. પણ સાવન જિંદગીને જીવવામાં ક્યાં માનતો હતો એ તો ઉત્સવનો માણસ, જિંદગીની પ્રત્યેક ક્ષણને ઉજવવામાં માનતો હતો... એ હસીને જવા દેતો અને મનને પોતે જ મનાવી લેતો..
ચોમાસાની એક સાંજે કાળા-ઘેરા વાદળો ગર્જના અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસી રહેલા.. સાવન તો ભીંજાઈને જ આવેલો અને આવતાની સાથે રસોડામાં રહેલી બરખાને ટેરેસ પર ખેંચી ગયેલો એનો હાથ પકડી વરસતા વરસાદમાં બરખા સાથે પ્રેમ ભરી આંખ મિલાવવા ગયોને બરખા ત્યાંથી ચિડાઈ હોય એમ “હં..” કહી નીચે ઉતરી ગઈ સાવનને ખબર ના પડી કે એને શું થયું? સાવનને નીચે આવતાં જ એને જાણે ઝગડવાનું શરુ કર્યું..” તમને કોઈ વાતની સેન્સ જ નથી, ક્યારેક કોઈ વાતને સીરીયસ લેતા જ નથી. કોઈ બીજાની પરવાહ જ નહી.. રસોઈના સમયે હું પલળવા નીકળું, તમારા કારણે કેટલું મોડું થયું મારે..” સાવને એને પોતાના બે હાથોમાં જકડી લીધી “અરે ડાર્લિંગ શું કામ મોડા વહેલાની ચિંતા કરે છે આપણા બે સિવાય છે જ કોણ અહીંયા તું જિંદગીને શાંતિથી જીવ આમ જીવને ઉચાટમાં ના રાખ..” બરખાએ અકળાઈને એના હાથોમાંથી પોતાને છોડાવીને એને દુર હડસેલી દીધો..
પોતાના જન્મદિવસના દિવસે સવારે ઉઠતાંની સાથે જ પોતાને ટાઈટ હ્ગ સાથે વીશ કરેલું “હેપ્પી બીર્થ ડે માય લવ... ચાલ જલ્દી તારી માટે એક સરપ્રાઈઝ છે..” આટલું કહી એના આંખે પાટો બાંધી એને પાર્કીંગમાં લઈ ગયો અને ચાવી હાથમાં મુક્તા આંખો પરથી પાટો ખોલ્યો.. સામે એકટીવાને જોઈ પોતે કંઈ જ ના બોલી ઘરમાં આવી કહ્યું “તું તો એવી રીતે લઈ ગયેલો જાણે સરપ્રાઈઝમાં કાર હોય... ક્યાં સુધી આમ નાના નાના વિહીક્લમાં ફરશું. ક્યારેક તો થોડું મોટું વિચાર..”
સાવને થોડાથોડા કરી ડાઉન પેમેન્ટના પૈસા ભેગા કરેલા અને બાકીની લોન લઈ બરખા માટે એક્ટીવા લીધેલું એ વિચારીને કે એને કોઈ કામ હોય કે ક્યારેય ક્યાંય જવું હોય તો આસાનીથી જઈ શકે પણ તેનો આવો પ્રતિભાવ સાંભળી એ સાવ નિરાશ થઈ ગયો.. ઉંમંગ હવે માત્ર હોઠો પર જ રહેલો હતો.
કોઈ કામથી એકવાર સાવને બરખાનો કબાટ ખોલ્યો અને પોતાની આપેલી અત્યાર સુધીની તમામ ભેટ ઉપરના ખાનામાં એમની એમ સ્થિતિમાં મુકેલી જોઈ, એમાંની એકેય વસ્તુ આજ સુધી નહોતી વપરાઈ... આ જોઈ સાવનને ખુબ જ દુ:ખ થયું.. ઘણુંયે રોકવા છતાંય આંખો ભરાઈ આવી. એ વિચારી રહ્યો કે બરખા ખુશ નથી તેની સાથે, આ વસ્તુઓનું એને કંઈ જ મહત્વ નથી? ના એ મારા પ્રેમથી ખુશ છે જો એવું હોત તો એને મારી ખાતર પણ આ પેકેટ્સ એક વાર તો અડ્યા હોત.
એક સાંજે સાવને ઘરે આવતા જોયું તો દરવાજો ખુલ્લોજ હતો એ અંદર ગયો બરખા રૂમમાં હતી.. ”અરે બરખા તું ગઈ નહી, આજે તારી ફ્રેન્ડના ત્યાં કીટી પાર્ટી હતીને..” બરખાની આંખમાં આંસુ હતા, ચહેરો અને આંખો લાલચોળ. કેટલાય સમયથી જાણે મનમાં કંઈક ભરીને બેઠી હોય એક બધું એકી સાથે સાવન પર ગુસ્સામાં ઠાલવી દીધું “શું જાવ કિટી પાર્ટીમાં, ત્યાં લોકો કેવા જાત-જાતના ને ભાત-ભાતના ડ્રેસિંગમાં આવે છે મોંઘી દાટ ગાડીયોમાં આવે છે ત્યાં મારી પાસે છે જ શું એવું કે હું જાઉં?... એક્ટીવા લઈને જઈ હું ત્યાં હાંસીને પાત્ર નથી બનવા માંગતી.. એ લોકો કેટલું એન્જોય કરે છે મારા જ નસીબ ફૂટેલા નીકળ્યા ને સપના બધાય અધૂરા રહ્યા.. કેટ-કેટલું વિચારેલું મેં..” બરખા રડતી રહી...
“અરે ગાંડી તું દુ:ખી ના થા શાંત થા, જીંદગી પૂરી નથી થઈ ગઈ હજી, બધા સપના પુરા કરીશું આપણે.. કેટલું સુંદર જીવન છે આપણું...”
“સુંદર? માય ફૂટ...તને તો આજ સુધી એ વાતનું ધ્યાન જ ન રહ્યું કે હું મનમાં કેટલી રીબાઈ રહી છું મારા સપના જાણવાની પણ હેસિયત નથી તારી અને પુરા કરવાની વાત કરે છે... તું ક્યારેય મને એ સુખ નહી આપી શકે જેની મેં કલ્પના કરેલી... પ્રેમ સિવાય પણ બીજું ઘણું છે જેની મને ચાહ છે મારી તો આખી જીંદગી બગડી ગઈ.. ઈચ્છાઓને મનમાં જ ધરબાઈને દુ:ખી થવાનું જ મારે ભાગે આવ્યું...” બરખા ધ્રુસકે ધ્રુસકે રડતી રહી.
સાવન એને જોતોજ રહ્યો નાની નાની વાતોના દુ:ખથી ભેગા થયેલા એ ઘોડાપુર એની આંખોમાંથી વહી નીકળ્યા એતો વિચારતો જ રહી ગયો.. “હું તો મારા પ્રેમના બળે એને જીતવા નીકળેલો પણ આ શું એને તો એ જોઈતું જ નથી હું તો રાહ જોતો હતો એ દિવસની કે એક દિવસ એ મને ચોક્કસ સમજશે પણ આ શું થઈ ગયું ? સાવન માટે આ બનાવ બહુ આઘાતજનક રહ્યો એને સમજાયું જ નહી કે શું કરવું.. એ ઘરની બહાર નીકળી ગયો ને ક્યાંય સુધી પુલ પર બેસી રહ્યો.. મોડી રાત્રે ઘરે આવ્યો તો બરખા સુઈ ગયેલી. બરખાએ એની સાથે ૧ મહિના સુધી વાત પણ ન કરી એ વખતે એણે નોકરી છોડી પોતાના અનુભવનો નાનકડો બિઝનેસ શરુ કરેલો...”
“મેડમ, ૧૨:૩૦ થઈ ગયા, તમારી માટે જમવાનું પીરસું?”
મારિયા બાલ્કનીમાં આવતા બરખાનું ધ્યાન વર્તમાનમાં પાછું આવ્યું ત્યારે છેક એને ભાન થયુ કે વીતેલા વર્ષોની જૂની યાદોને મગજમાં રિપ્લે કરવામાં ૩ થી ૪ કલાક પસાર થઈ ગયેલા અને કોફીનો મગ ભરેલો જ હાથમાં રહી ગયેલો..
“ના હમણાં નહી, મને ઈચ્છા નથી..”
“ઓ.કે.” કહી મારિયા ચાલી ગઈ.
એક ઊંડો શ્વાસ લઈ ઉભી થઈ તે બાથરૂમમાં પ્રવેશી, નાહિ-ધોઈ ફ્રેશ થઈ સોફા પર બેઠી પણ ચહેરા પર સ્વસ્થતા નહોતી દેખાતી. એ ત્રણ ચાર કલાક જોયેલો રિપ્લે વારંવાર તેના મગજમાં રીવાઈન્ડ થઈ રહ્યો હતો એ સામે રહેલા સાવનના ફોટા સામે જોઈ બોલી...” સાવન આજે હું તને બહુ જ મિસ કરું છું આજના આ દિવસે પણ તું મારી સાથે નથી.. અને મનમાં બોલી.. તારા આ બદલાયેલા વર્તન માટે હું દુઃખ કેવી રીતે લગાડું જયારે તારા બદલવા પાછળ જવાબદાર હું જ હોઉં...”
બરખા પોતાની સાથે જ વાત કરતી બોલી “સાવને મને કેટલો પ્રેમ આપ્યો અને હું નાદાન સુખ-સાહબી અને દેખાડાના સંબંધોના મોહમાં એકલતા વહોરી લાવી...સાવનનો તો કોઈ દોષ જ ક્યાં છે એને તો હમેશા મને તક આપેલી પણ હું જ એને હડસેલી કાઢતી.. એ હસતો કુદતો ને હંમેશા મોજમાં રહેતો સાવન એને હસતા જોયાને જાણે વર્ષો વીતી ગયા.. મેં એને મારા જીવનમાંથી ગુમાવી દીધો.. પ્રેમતો કદાચ દુરની વાત હશે સાવનને તો મારી માટે હવે કોઈ પ્રકારની લાગણી પણ નથી રહી... આટલા મોટા ઘરમાં પ્રત્યેક સુખ હોવા છતાંય સાવન ના સાથ માટે હું પળ-પળ તરસી રહી છું.. જીવનની એ મહત્વપૂર્ણ અને અદભુત ક્ષણો તો ક્યાંય પાછળ રહી ગઈ છે મારાથી. સાચા સુખનું સરનામું શોધવામાં હું ઘણી મોડી પડી.” ઊંડા નિશાસા નાંખી પછતાવાના ભાવ સાથે વિચારતી રહી.
ઘરની ડોરબેલ વાગી. બરખા દોડીને બહાર નીકળી કે કદાચ સાવન હોય.
“કોણ છે મારિયા..?”
“કુરીયર છે મેડમ..”
“ઓહ!..” ઉદાસ ચહેરે રૂમમાં પછી આવી.
“મેડમ..આ કુરીયર..”
“ટેબલ પર મુકી દે, સાહેબ આવીને જોઈ લેશે..”
“આ કુરીયર તમારા નામનું છે.”
“મારા નામનું !” આશ્ચર્ય સાથે “મને કોણ કુરીયર મોકલે ?” બરખાએ કુરીયર તરફ નજર કરી.
એક બ્લુ કલરનું ગીફ્ટ પેક હતું ઉપર એક રેડ રોઝ લગાવેલું અને સાથે કાર્ડ હેપ્પી એનીવર્સરી લખેલું.
બરખાએ પહેલા કાર્ડ ખોલ્યું કવરમાં એક પત્ર હતો એ ખોલી વાંચવાની શરુ કર્યો...
“અ વેરી હેપ્પી એનીવર્સરી ડાર્લિંગ...” આ તો સાવનના અક્ષર.. એણે આગળ વાંચવાનું શરુ કર્યું.
“આજે આપણા લગ્નને છ વર્ષ પુરા થયા પણ હું હજીયે તારા વિના અધુરો જ છું... મારા જીવનમાં મેં હમેશા તને જ ચાહી છે અને તને પામવાની કોશિષમાં હું તને ગુમાવતો રહ્યો તે સાચુ જ કહેલું કે મેં ક્યારેય એ જાણવાનો પ્રયત્ન જ નહોતો કર્યો કે તું શું ઈચ્છે છે, પણ જ્યારથી જાણ્યું ત્યારથી માત્ર એને જ પૂરા કરવાની કોશિષ કરી...એના કારણે તું મારાથી સાવ દુર થઈ ગઈ.. મને હમેશા તારી સાથે રહેવાનું, બેસવાનું અને કેટલીયે વાતો કરવાનું મન થતું પણ અંદરથી એક ડર લાગતો કે કદાચ તને નહી ગમે તો કદાચ હજીયે કંઈ ખૂટતું હશે તો અને હું તારાથી દુર જ રહ્યો તને ભૂલથી પણ દુઃખી કરી વધારે તકલીફ આપવા નહોતો માંગતો.
બરખા આટલા વર્ષોમાં આપણે એક જ છતની નીચે એકબીજાની સામે હતા પણ સાથે ના થઈ શક્યા... ખુબ અંતર આવી ગયું છે.. પણ, તારી માટેનો મારો પ્રેમ મેં હજીયે મારા હ્રદયમાં અકબંધ રાખ્યો છે. તારી માટેની એ કુણી લાગણીઓ મારા મનમાં હજીયે એટલી જ કોમળતાથી સંભાળીને રાખી છે મેં, કેટલીયે વાતો મારા મૌનમાં સમાવીને રાખી છે તારી સાથે કરવા.. આજના આ દિવસે મારે એટલું જ કહેવું છે કે જો તને ક્યાંય એવું લાગતું હોય કે તારા થોડા ઘણા સપના અને ઈચ્છાઓને હું પુરા કરી શક્યો છું અને તારી જીંદગી બગડી નથી એવું જો તારું મન તને કહે તો મારી આ ભેટ સ્વીકારી આપણા જુના ૨ રુમના ઘરે સાંજે આવી જજે. હું માની લઇશ તે મને તારે લાયક સમજ્યો અને મારો પ્રેમ સાર્થક થયો, જીંદગી સફળ થઈ.
તારી રાહ જોતો.
-તારો સાવન.
બરખાએ પેકેટ જોયું તો એ જ બ્લુ કલરનું રેપર. ખોલ્યું તો અંદર એ જ પહેલી એનીવર્સરી વાળી લાલ સાડી હતી પણ આજે બરખાને એ સાડી અત્યંત પ્રિય લાગી રહી હતી..એને છાતીએ વળગાળી પછ્તાવાનો ભાર અને મનને હળવું કરતું ઝરણું આંખોમાંથી વહી રહ્યું... વધુ રાહ જોઈ શકાય એવી તો હાલત જ ક્યાં હતી એની એ ઝડપથી તૈયાર થઈ પોતાના એ જુના ઘરે પહોંચી ગઈ. દરવાજો ખોલતાં જ સાવન સામે ઉભો હતો.. આખું ઘર ગલગોટા અને ગુલાબના ફૂલો, લાલ ફુગ્ગા, લાઈટીંગ અને મીણબત્તીથી સજાવેલું હતું.. રૂમમાં મોગરાના અત્તરની સુગંધ ફેલાયેલ હતી. સેન્ટર ટેબલ પર ૫૦૦ ગ્રામની ચોકલેટ કેઈક મુકેલી અને ડાઈનીંગ ટેબલ પર ફૂલોથી કરેલ ડીઝાઈન સાથે કેન્ડલ લાઇટ ડીનરની તૈયારી હતી પણ આ બધામાં બંનેમાંથી એકેયને આજે ક્યાં કોઈ રસ જ હતો..
ખુલ્લા વાળ, ગળામાં મંગળસુત્ર, સેંથીમાં સિંદુર, કપાળે લાલ ચાંદલો, હાથોમાં મેચિંગ બંગડી સાથે લાલ સાડીમાં બરખા આજે પણ નવપરિણીત દુલ્હન લાગી રહી હતી..
બંનેએ એકબીજાની સામે જોયું, આંખો મળી, સાવને એના બે હાથ ફેલાવ્યા ત્યાં તો બરખા દોડીને તેને વળગી પડી...”આઈ એમ સોરી સાવન, આઈ એમ વેરી સોરી, મેં તને બહુ જ દુઃખી કર્યો છે, હું તને સમજીના શકી..” રડતાં બરખા બોલી રહી...
બરખાના ચહેરા પર હાથ ફેરવતા “બસ..ડીયર...તું આટલું સમજી એટલામાં જ બધું આવી ગયું..” બંનેની આંખોમાં જાણે ચોમાસું બેઠું... વર્ષોથી એકબીજા માટે અધૂરા બનેલા એ બેઉ એકબીજાના ગાઢ આલીંગનમાં ક્યાંય સુધી વળગી રહ્યા...
સાંજનું એ આકાશ રાતનું બની ગયું, ડાઈનીંગ ટેબલ પર કેન્ડલ એમજ સળગતી રહી, ડીનર માટે મુકેલી પ્લેટ ખાલી જ રહી ગઈ, કેઈક પણ કટ થયા વિનાની એમની એમ જ રહી, માત્ર દરવાજો બંધ થયેલો. બંને એકબીજાના પ્રેમના વાદળમાંથી વરસતા અઢળક વ્હાલ અને લાગણીઓમાં નીતરી રહેલા..
“મુશળધાર વરસી રહ્યો આ મેહુલો, ને તોય હું તો કોરીકટ..
નીતરવું છે મારેય વ્હાલમાં, ઝંખું તારા પ્રેમની માત્ર એક વાંછટ..”
