The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Manoj Joshi

Romance

4.7  

Manoj Joshi

Romance

પુનર્મિલન

પુનર્મિલન

8 mins
1.2K


મોબાઇલની સ્ક્રીન પર અનન્યાનું નામ બલીંક્ થતું જોઈને અપૂર્વની આંખો ચમકી ઉઠી. ચહેરા પર સુરખી છવાઈ ગઈ. અપૂર્વ પુલકિત થઈ ઊઠ્યો.

***

આમ જુઓ તો આજની તારીખમાં અપૂર્વ અને અનન્યા વચ્ચે કશો જ સંબંધ ન હતો. અનન્યા મલયની પત્ની હતી અને માસુમની મમ્મી ! અપૂર્વ-અનન્યા એકબીજાના સંપર્કમાં છે, એની પણ એ બે સિવાય ત્રીજા કોઈને ખબર ન હતી ! 

દોઢ દાયકા પહેલાં અપૂર્વ અને અનન્યા ગળાબૂડ પ્રેમમાં હતા. સોહામણો પૌરુષી દેહ, તેજસ્વી પાણીદાર આંખો અને છટાદાર ચુંબકીય વાણી એ અપૂર્વના વ્યક્તિત્વનાં આગવાં લક્ષણો હતાં. અને અનન્યા તો અનન્યા જ હતી. અપૂર્વે પહેલી જ વાર એને જોઈ અને જોતો જ રહી ગયો ! અનહદ આકર્ષક એવી મોટી અને મોહક આંખો અનન્યાના લાવણ્યનું કેન્દ્રબિન્દુ હતું. મીતભાષી અનન્યા જરૂર વિના બોલતી નહીં પણ એની પારદર્શી આંખો દ્વારા બધા જ ભાવોની અભિવ્યક્તિ થઇ જતી.

પાંચ વર્ષ સુધી અપૂર્વ-અનન્યા એકમેકમાં ઓતપ્રોત હતાં - પૂરા પાંચ વર્ષ !


અઠ્યાવીસ વર્ષના અપૂર્વએ જ્યારે પ્રથમ વખત તેને જોઈ, ત્યારે તે ચૌદમી વસંત પૂર્ણ કરવામાં હતી. ચૌદ વર્ષની આ ખુલતી - ખીલતી કળીનાં જીવનમાં અપૂર્વ જ વસંત બનીને આવ્યો હતો. કિશોરાવસ્થાનું કુતુહલ, વિજાતીય આકર્ષણનો આરંભ, અપૂર્વ જેવા સ્વપ્નના રાજકુમારનું સાનિધ્ય અને દેહમાં જાતિય આવેગોના ઉદ્ભવની ઉમ્મરે જ અનન્યાના હદયની કોરી પાટી પર અપૂર્વનું નામ કોતરાઈ ગયું હતું. અજાણ્યા નગરમાં નોકરી કરવા આવેલો અપૂર્વ અનન્યાના ઘરમાં જ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. ત્રણ બેડરૂમ- હોલ- કિચનની સુવિધાવાળું ચીમનભાઇનું ઘર, તેમની ઘસાતી જતી આર્થિક સ્થિતિમાં અર્થ-સહાયક બનતું હતું. ઘરનું લોકેશન એવું હતું કે એક બેડરૂમનો અલાયદો દરવાજો ઘરનાં કમ્પાઉન્ડમાં જ, પાછળની બાજુએ ખૂલતો- જ્યાંથી બહારના રોડ પર અવરજવર શક્ય બનતી. એ જ બેડરૂમનો બીજો દરવાજો ઘરના બીજા બેડરૂમમાં પણ ખૂલતો, જેમાં બંને બાજુએથી તાળું મારીને અલાયદો બેડરૂમ કોઈ લાયક વ્યક્તિને ભાડે આપી શકાય તેમ હતું.


'વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર' તરીકે નિયુક્તિ પામેલો અપૂર્વ આ શહેરમાં આવ્યો. ચીમનભાઈનો રેફરન્સ મેળવીને તે તેમના ઘેર પેઇંગ ગેસ્ટ તરીકે ગોઠવાયો,ત્યારે પહેલી જ વખત ચીમનભાઈની સ્વરૂપવાન પુત્રી અનન્યાને જોઈ. અને બસ ! જોતો જ રહી ગયો.


અપૂર્વના મિલનસાર સ્વભાવને લીધે બંને ઘર વચ્ચેની કોમન દિવાલ ઓગળી ગયેલી. ખાવા-પીવા-રહેવા- સુવા માટે બંને ઘર ખુલ્લાં હતાં. અનન્યાના મમ્મી-પપ્પાને અપૂર્વ પર ખૂબ વિશ્વાસ હતો. એક તો, તે અનન્યાથી બમણી ઉમ્મરનો હતો અને બીજું, અપૂર્વની હમઉમ્ર અને તેની સાથે જ જોબ કરતી અનન્યાની માસી આરાધના અપૂર્વને પસંદ કરતી હતી. અપૂર્વ એ જાણતો હતો. પણ એનો પ્રેમ અપૂર્વા હતી. પ્રેમને પ્રકટ થવા માટે ઉમર, જ્ઞાતિ, રૂપ, રંગ, ધર્મ, ભાષા - કશાય અવલંબનની જરૂર નથી રહેતી. આયોજન પૂર્વક સંબંધ જરૂર બંધાય, પ્રેમ ન થાય ! આરાધના અપૂર્વને પ્રેમ કરતી હતી પણ અપૂર્વની આરાધ્યા તો અનન્યા હતી. તેથી અપૂર્વ આરાધના સાથે એક અંતર રાખીને માત્ર મિત્ર ભાવે વર્તતો. અનન્યાથી અલગ ન થવું પડે એ માટે આરાધનાને કશું સ્પષ્ટ કહી ન શકતો. તેની આ ઉદાસીનતાને તેના ઉમદા ચારિત્ર્યનો અંશ સમજીને આરાધના તેને વધુ પસંદ કરવા લાગેલી. એક દિવસ અપૂર્વ સાથે જ સાથે જોડાઇ જવાની આશામાં બેઠી હતી. પોતાના મધુર અને પરોપકારી સ્વભાવથી પરિવાર માટે આત્મીય બની ગયેલો અપૂર્વ ચીમનભાઈના ઘરનો જ એક સભ્ય બની ગયો હતો. 


અપૂર્વ અનન્યાના અભ્યાસમાં મદદ કરતો. અનન્યાની સ્કૂલ અને અપૂર્વની નોકરીના સમયને બાદ કરતા બંને એક એકબીજાની સાથે જ રહેતા. અનન્યાના દેહ પર સોળમી વસંત મ્હોરી, ત્યાં તો તે અપૂર્વ નામના વૃક્ષને વળગેલી વેલી બની ચૂકી હતી. નેત્ર દર્શનથી આત્મ-ઐક્ય સુધીની અને સ્પર્શથી સંવનન સુધીની બન્નેની યાત્રા ચરમ સંતોષની પ્રાપ્તિ સુધી પહોંચી ગઈ હતી.

આમને આમ પાંચ વર્ષ વીત્યા. પાંચ વર્ષ સુધી અપૂર્વ અને અનન્યા એકમેકમાં ઓતપ્રોત થઈ રહ્યા- પૂરાં પાંચ વર્ષ ! ઘરની ચાર દિવાલો વચ્ચે જગતની આંખોથી ઓઝલ રહીને બંનેનો પ્રેમ પાંગર્યો હતો. સોળ વર્ષની સુંદર કન્યા અનન્યા હવે વીસ વર્ષની ભરપુર નવયૌવના બની ચૂકી હતી.અપૂર્વનો અપાર પ્રેમ અને પૌરુષી સ્પર્શ પામીને અનન્યાનું અંગેઅંગ ખીલી ઊઠ્યું હતું.


"હવે તારાથી અલગ નથી રહેવાતું, પિયુ ! ચાલને આપણે ક્યાંક જતા રહીએ." પાંચ વર્ષમાં પહેલી જ વાર અનન્યાએ અપૂર્વની પાસે અશ્રુભરી આંખે કંઈક માગ્યું હતું.

"હા, હવે આપણે લગ્ન કરી લઇએ પ્રિયા." - અપૂર્વ પણ હવે અનન્યાથી અલગ રહી શકવાની સ્થિતિમાં ન હતો.


નિર્ણય લેવાઈ ગયો. દિલ્હીની એક ખાનગી કંપનીમાં અપૂર્વને નિવાસ વ્યવસ્થા સાથેની નોકરી મળવાનું નક્કી થઈ ગયું હતું. એ માટે ફાઇનલ ઇન્ટરવ્યૂ આપવા તેણે પછીના અઠવાડિયે દિલ્હી જવાનું હતું. દિલ્હીમાં નોકરી પર હાજર થતાંની સાથે જ અનન્યાને લઇ જઇને હંમેશ માટે નવા જીવનમાં સ્થિર થઈ જવાનું બન્નેનું સ્વપ્ન હતું.


"અનન્યા, આપણે એક છીએ, એકબીજા માટે જ સર્જાયા છીએ અને એક થઈને જ રહીશું." પૂરા વિશ્વાસથી અપૂર્વ બોલ્યો.

અનન્યા હર્ષના આંસું સાથે અપૂર્વમાં સમાઇ ગઇ. આનંદ અને ઉત્સાહના અતિરેકમાં આજે બંને થોડા અસાવધ રહ્યા. અનન્યાના ઘર તરફનો બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો. પ્રેમ-સમાધિમાં લીન બનેલા બંને એકબીજામાં એટલા ઓગળી ગયા હતા કે અનન્યાની મમ્મી, માસી અને તેના મામા ક્યારે આવીને ઊભા રહ્યા, તેની જાણ જ ન થઈ શકી !


વિશ્વાસ અને સંબંધો પર જાણે વજ્રપાત થયો ! આરાધનાને લાગ્યું કે અપૂર્વએ પોતાની સાથે છળ કરીને અનન્યાને ફસાવી છે. વિશ્વાસઘાત અને છેડતી સબબ અપૂર્વ પર પોલીસ કેસ થયો. અપૂર્વ જેલ ભેગો થયો. અનન્યાને તે જ રાત્રે તેની મોટી માસીના ઘેર કોલકતા મોકલી દેવામાં આવી. સમાજમાં બદનામ થઈ, પોતાના તમામ અંગત સંબંધો ગુમાવી બેઠેલા અપૂર્વને અનન્યાની જુબાનીના અભાવે બીજા દિવસે પોલીસે છોડી મુક્યો. પણ નોકરી, ઘર, ઈજ્જત અને પ્રિયતમા ગુમાવી બેઠેલો અપૂર્વ હતાશ થઇને નગર છોડી ગયો. અનન્યા ક્યાં છે અને કઈ હાલતમાં છે એની કશીય જાણ વગર તે પોતાના ખોવાયેલા પ્રેમને સ્મરતો રહ્યો. બસ એક શ્રદ્ધા સાથે કે ક્યારેક તો પ્રિયા મિલનની તેની તીવ્ર ઝંખના પુનર્મિલન સુધી પહોંચશે જ ! 


કોલકતા લઈ જઈને અનન્યાને પરણાવી દેવામાં આવી. અનન્યાએ પોતાના ભૂતકાળની પુરી કહાની તેના પતિને બતાવી દીધી હતી. તેથી બંને વચ્ચે અવિશ્વાસની એક ખાઈ ઊભી થઈ હતી. અનન્યાને છત્ર મળ્યું અને મેહુલને સ્ત્રી ! બન્ને માટે લગ્ન એક સમાધાન હતું, એક સમજૂતી હતી. અનન્યા માટે અપૂર્વ અપૂર્વ જ હતો, જેનું સ્થાન ક્યારેય કોઈ લઇ શકવાનું ન હતું.


આ ઘટનાને પંદર વર્ષ વીતી ગયા. અપૂર્વ કે અનન્યા બેમાંથી કોઇ પોતાના જીવતરના પ્રથમ પ્રેમને ભૂલી ન શક્યા. અપૂર્વએ દિલ્હીની નોકરી સ્વીકારી લીધી. તે ત્યાં એકલો જ રહેવા લાગ્યો.જ્યારે અનન્યા અપૂર્વ સાથેની પોતાની સોનેરી યાદોને હૈયામાં સંગોપીને પોતાનો સાંસારિક ધર્મ નિભાવી રહી.


નિયતિનું ચક્ર અવિરત ફરતું રહ્યું. સમય સરતો રહ્યો. અનન્યાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. બરાબર એ જ અરસામાં અપૂર્વને કંપનીની કોલકતા બ્રાન્ચમાં જવાનું ગોઠવાયું. વર્ષોથી રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલો હોવાથી અપૂર્વને કોલકતા જવાની ખુશી હતી. દક્ષિણેશ્વરમાં માતા મહાકાલીનાં ચરણોમાં શિશ નમાવી, અપૂર્વએ પોતાની પ્રિયતમાની ખુશી માટે પ્રાર્થના કરી.


કોલકતામાં રહ્યે એકાદ મહિનાનો સમય પસાર થયો હશે અને અચાનક એક દિવસ મહાકાળીના મંદિરમાં દર્શન કરીને પાછા ફરતા અપૂર્વએ અનન્યાને નિહાળી ! નજર મળતાંની સાથે જ ચારે આંખોમાં આંસું અને બન્ને હૈયામાં પ્રેમનું ઘોડાપૂર ઊમટ્યું.

મંદિરના પ્રાંગણમાં એકાંત શોધીને બંને બેઠા. વીસ વર્ષની કુંવારી કન્યકા આજે પાંત્રીસી વટાવી ગયેલી પ્રગલ્લભા નારી બની ગઈ હતી. શરીર જરા ભરાયું હતું. આંખોમાં એ જ માર્દવ, માધુર્ય અને મોહકતા હતી. અપૂર્વના જ સર્જન સમા ગુલાબી ભરાવદાર હોઠ, અજાણ્યાને પણ આકર્ષે એવી ભરાવદાર છાતી અને લાવણ્યમય દેહયષ્ટી ધરાવતી પ્રેમમૂર્તિ અનન્યાને જોઈને અપૂર્વનું હૈયું ભરાઈ આવ્યું. અનન્યાએ પણ પોતાના પિયુને જોયો. વનપ્રવેશ કરી ચૂકેલો, રૂઆબદાર વ્યક્તિત્વનો સ્વામિ અપૂર્વ પ્રૌઢત્વ પામી ચૂક્યો હતો.વાંકડિયા શ્યામસુંદર વાળનો જથ્થો ઘટી ગયો હતો. ઝૂલ્ફામાં ક્યાંક સફેદ ઝાંય દેખાતી હતી. સંમોહક આંખો પર ચશ્માનું આવરણ આવી ગયું હતું. ભવોભવ ખૂટે નહીં, એટલી વાતો બંને પક્ષે હતી. પરંતુ શબ્દો વિરમી ગયા હતા.બંને વચ્ચે મૌનની ભાષા વિલસી રહી.


અનન્યા જ્યાં વસતી-શ્વસતી હતી, એ જ શહેરમાં - યોગાનુયોગ કહો કે ઋણાનુબંધ- કે પછી બન્ને વચ્ચેનો અવિચળ પ્રેમ કે અસ્તિત્વની કોઇ અગમ્ય યોજના- પણ અપૂર્વને અનન્યા ફરી મળી જ ગઇ ! મોબાઇલ નંબરની આપ-લે થઈ અને બન્ને વચ્ચે જાણે માતા મહાકાળીની સાક્ષીએ પ્રેમની બીજી ઇનિંગ આરંભાઇ.


પંદર વર્ષ પહેલાં જ્યારે બંને મળ્યાં ત્યારે અપૂર્વ ઉછળતા યૌવનના સાગર સમો હતો. અને અનન્યા સમંદર પર નર્તન કરતી લ્હેર હતી. અપૂર્વ એક એવો કલાકાર હતો, જેણે અનન્યાના હૈયાની બિલ્કુલ કોરી સ્લેટ પર પોતાનું અંતર નિચોવીને, રોમરોમનું નૂર ઘૂંટીને, જાતને ન્યોચ્છાવર કરીને એક અદભૂત, અનન્ય અને અપૂર્વ છબિ કંડારી હતી-જેનું નામ હતું-'અનન્યા' .


પંદર વર્ષ પછીનો અપૂર્વ આથમતા સૂરજનું તેજ હતો અને અનન્યા હતી આથમણા આકાશની સોહામણી સંધ્યા ! સમંદર શાંત થઇ ગયો હતો અને તેના પર નર્તન કરતી, ઉફાન ભરતી લ્હેરખી, શાંત જળ પર પવનના હળવા સ્પર્શ સાથે સરકતી શાંત લકીર બની ગઈ હતી એ હતી અનન્યા ! દોઢ દાયકાના વિરહ પછી યે બંનેની ભીતર પાંગરેલી પ્રેમ પલ્લવી હજીએ લીલીછમ્મ હતી. આમ પણ તેમના સ્નેહ સંબંધમાં કેવળ દેહભાવ તો ક્યારેય ન હતો.આંખ દ્વારા આત્મસાત થયેલો, હોઠ દ્વારા હદયંગમ થયેલો અને દેહત્વ દ્વારા દેવત્વ પામેલો તેમનો સંબંધ રાગમાંથી અનુરાગમાં પરિવર્તિત થઈ ગયો હતો. સ્નેહ કેવળ મોહમય રહેવાને બદલે રૂહમય બની ગયો હતો ! વિરહની વ્યાકુળતા અને વ્યથાએ તેમને વિખુટા પાડવાને બદલે તેમના ઐક્યને અમરતા અર્પી દીધી હતી.

***

એટલે જ અત્યારે મોબાઇલ પર અનન્યાનો મેસેજ આવતો જાણીને અનન્યાની યાદમાં સ્થળ-કાળ વિસરી ને અપૂર્વ અતિતમાં સરી પડ્યો હતો. બંને કિનારા વચ્ચે સેતુબંધ સમા મોબાઇલે બન્ને વચ્ચેની દૂરી મીટાવી દીધી હતી. પાતાળગત થઇ ગયેલી સ્નેહ-સરવાણી પુનઃ પ્રગટી ઉઠી હતી. પાનખરમાં વાસંતી વાયુ વ્હાતો હતો.બંને વચ્ચેનો વહી ગયેલો સમય જીવંત થઈ ઉઠ્યો. સમયનું ચક્ર ફરીને જાણે એ જ બિંદુ આવીને ઉભું. ત્યારે અપૂર્વએ કહ્યું- "ચાલને પ્રિયા ! ક્યાંક જતા રહીએ." 


અનન્યાએ અપૂર્વની આંખમાં જોયું. આ જ વાક્ય, આટલી જ તીવ્ર ઝંખના સાથે વર્ષો પહેલાં પોતે અપૂર્વને કહ્યું હતું. જેમાં પોતે ડૂબેલી રહેતી, એ જ પ્રબળ વ્હેણ એ જ રૂપે વ્હેતું હતું. અનન્યા મૌન રહી પણ એની આંખોમાં અપૂર્વની સાથે જીવવાના સોણલાં જીવંત થઇ ઉઠ્યાં. જો કે પહેલાંની અને અત્યારની પરિસ્થિતિમાં -ખાસ તો અનન્યાના સંદર્ભમાં - બહુ મોટો ફર્ક હતો. તેથી એક સપ્તાહ સુધી વિચાર કરીને પછી જ અંતિમ નિર્ણય લેવાનું નક્કી કરી, બંને છુટા પડ્યા.


બીજા દિવસે માતાની મૂર્તિ સમક્ષ ઝૂકેલા અપૂર્વની આંખમાં આંસું હતાં. જીવનના પૂર્વાર્ધમાં છૂટી ગયેલું ગંતવ્ય હવે ઉત્તરાર્ધમાં પ્રાપ્તિના આરે હતું. અનન્ય શ્રદ્ધા અને ભક્તિથી માતા મહાકાલીનાં ચરણે મૂકેલું મસ્તક ઊંચું કરીને તેણે માતાની મૂર્તિની સામે જોયું. સદાય પ્રસન્નતા વહાવતી માતાની મૂર્તિ અપૂર્વને આજે જાણે મ્લાન ભાસી ! પ્રતિમાની આંખમાં તેણે ઉદાસી નિહાળી. અપૂર્વ વિચારમાં પડ્યો.


કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાત્રી હતી. જગત આખુંય અંધકાર ઓઢીને સૂઈ ગયું હતું. ત્યારે અપૂર્વ માની મૂર્તિ સામે ધ્યાનસ્થ થઈને બેઠો હતો. અનન્યા સાથેના પુનર્મિલનની ઘડીઓ ગણાતી હતી. પોતાના જીવનની અત્યંત ધન્ય પળ હવે હાથવેંતમાં હતી, છતાં અપૂર્વના અંતરમાં ઉમંગને બદલે ઉદ્વેગ કેમ પ્રગટતો હતો ? સહજીવન માટે મળેલી અપૂર્વાની સંમતિ પણ તેને જાણે ભીખમાં મળી હોય એવો અહેસાસ તેને અજંપ બનાવી રહ્યો હતો.

 "લગ્નજીવનને ધ્વસ્ત કરી, પોતાના પતિ અને પુત્રને છેહ દઈને આવનારી અનન્યા એ બંનેને ભૂલી શકશે ખરી ?"... અપૂર્વને જાણે માતાજી દિશા દઇ રહ્યા હતા.


બીજી તરફ પિયુ સાથે પુનર્મિલનથી પલ્લવિત થયેલી અનન્યાએ પણ રાત્રે જ્યારે પોતાની બાજુમાં પૂરા વિશ્વાસથી સુતેલા પતિ અને પોતાની છાતી પર કોમળ હથેળી મુકીને ઘસઘસાટ ઉંઘતા માસૂમને જોયો, ત્યારે તેનો અંતરાત્મા પણ ચીખી ઉઠ્યો - "અન્યના બલિદાનના પાયા પર રચાયેલા પ્રેમને પ્રેમ કહેવાય ?" અનન્યા વિચારી રહી.


દોઢ દાયકાના સહવાસ પછી મેહુલ અનન્યાના ભૂતકાળને ભૂલી ચૂક્યો હતો. પુત્ર પ્રાપ્તિ પછી મેહુલના પરિવારમાં અનેરી ખુશી છવાઈ હતી. એવા સમયે અનન્યા અતિતને વળગી રહે કે વર્તમાનને ઉજ્જ્વળ બનાવવાનાં કર્તવ્યને નિભાવે ? એક તરફ મંદિરમાં જગત્ માતા અપૂર્વને રાહ ચિંધી રહી હતી, બીજી તરફ જનેતાનું વાત્સલ્ય અનન્યાના અંધેરા ઉલેચી રહ્યું હતું ! 


સવારના સૂરજે જોયું તો અનન્યાના મોબાઈલમાંથી અપૂર્વનો નંબર ડીલીટ થઈ ચુક્યો હતો અને અપૂર્વના મોબાઇલમાં અનન્યાનો નંબર 'બ્લોક'માં મુકાઇ ગયો હતો ! બેમાંથી એકેયનાં હૈયામાંથી એક બીજાનું નામ કદી ડીલીટ થવાનું ન હતું. છતાં બંનેમાંથી એકેયના હોઠ પર હવે ફરી એક બીજાનું નામ આવવાનું પણ ન હતું ! કોલકતાથી દિલ્હીની ફ્લાઇટ અપૂર્વને લઇને ઉડાન ભરી ચૂકી હતી અને અનન્યા પોતાના પતિ અને પુત્ર સાથે ગંગાસાગરમાં સ્નાન કરીને નવજીવન પ્રાપ્ત કરવા જઈ રહી હતી.


Rate this content
Log in

More gujarati story from Manoj Joshi

Similar gujarati story from Romance