પુનઃ આગમન શક્ય ના બને તો…
પુનઃ આગમન શક્ય ના બને તો…
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
“પપ્પા બહુ સારું મોતને પામ્યા છે બીમલ! તેમનો અફસોસ ન કર”.કુમુદની બેન બોલી.
“ના અફસોસ તો નહીં પણ તેમને એક વખત લાસ વેગસ લઈ જવાં હતાં તે શક્ય ના બન્યું” બીમલ બોલ્યો.
પછી કહે પપ્પાને લુઝીઆના લઇ ગયો ત્યારે ત્યાંનો કેસીનો જોઇને તેમનું મોં પડી ગયુ હતુ તેમને તો અપેક્ષા હતી મોટા કેસીનોની અને ઝાકમ ઝોળ લાઈટો જોવી હતી. હું બોલ્યો પપ્પા જ્યાં ઝાકમ ઝોળ વધારે ત્યાં પૈસા પણ વધારે. ખરી મઝા તો એક મશીન ઉપર બેસીને કલાકો રમવાનું અને જીતવાનું.
પપ્પા બોલ્યા “આ ઉતરતા આરે મારે માટે ફન અગત્યનું છે જીતવાનું નહીં”
બીમલથી એક નિશ્વાસ નીકળી ગયો.. “પપ્પા તમારો આ દીકરો લાખોમાં નથી ખેલતો. અને આ અમેરિકા છે અહીં દેવું કરીને ઘી પીવાય નહીં ક્રેડીટ રેટીંગ પર સીધી અસર પડે.”
બીમલનાં પપ્પા સબ બંદરનાં વેપારી હતા.પણ મર્યાદા સાચવતા હતા તેથી તકલીફ્ નહોંતી આવતી. મોટી ઉંમર બંને છોકરાઓ ને પરદેશ ખેડવા મોકલ્યા ત્યારે ખોંખારીને કહ્યું હતું તમે બંન્ને ખુબ હિંમત રાખીને ત્યાં પહોંચો અને એક વાતનો ખયાલ રાખો હકારે રહેશો તો સફળતા મળશે બાકી નકારાત્મક્તા તો સદાય સાથે રહે છે.
બીમલને ઢંગની નોકરી ના મળી કારણ કે તે અમેરિકામાં તે રહી પડ્યો હતો. કુમુદ બહાદુર હતી. હાજર જવાબી હતી અને તે મોટલ કૂશળતાથી ચલાવતી હતી.
બીમલનાં બાપુજી આ વખતે હ્યુસ્ટન આવ્યા ત્યારે તેમની વ્યથા અમર્યાદ હતી. ફેફસાનાં કેન્સરનો ત્રીજો તબક્કો મુંબઈમાં જણાઇ ગયો હતો. તેથી એમ ડી કેન્સર હોસ્પીટલમાં દાખલ થવા બીમલને ત્યાં આવ્યા હતા. કુમુદે તેની નાણાકીય પરિસ્થિતિ સારી નહોંતી તે જણાવ્યા છતા ઉપરવટ થઈને આવ્યા હતા. બીમલને રડતો જોઈને બાપાએ કહ્યું “ ભાઈ મને ખબર છે કે તારી નાણાકીય પરિસ્થિતિ સારી નથી. છતા બંને છોકરાઓ સાથે રહેવા અહીં આવ્યો છું. અને તારી મમ્મીને ભળાવવા આવ્યો છું. અને શક્ય હોય તો લાસ વેગાસ એક વખત રમવા જવું છે .”
બીમલ બાપાને જોઇ રહ્યો.તેનાં મનમાં અસંખ્ય વિચારો ચાલતા હતા. કદીક શ્રવાણ બનતો તો કદીક અમેરિકન પૂત્ર બનતો…એનું મન બાપા હવે થોડા દિવસનાં મહેમાનનાં વિચારે પોક મુકીને રડતો દીકરો બનતો.
કુમુદ બીમલની આ પરિસ્થિતિ સમજતી અને કહેતી બીમલ બાપાની માંગણી સમજાય તેવી છે. તેમની પાસે બહુ દિવસો નથી અને આવી માંગણી કરે છે અને તે માંગણી પેટનાં દીકરાને ના કહે તો કોને કહે?”
બીમલ અવઢવમાં હતો ત્યાં મમ્મી બોલ્યા બે ટીકીટ નાં પૈસા નીકળશે?
“હા બા. ક્યાં જવું છે?”
“ ટોરંટો. બીજા પુત્ર બીરેન ને ત્યાં જવું છે તેણે હમણા જ ઘર લીધું છે.હવે બે એક અઠવાડીયા ત્યાં પણ જઈ આવીયે.”
બીરેનને ફોન કરીને જણાવ્યું કે બા અને બાપુજી પંદરેક દિવસ માટે તારે ત્યાં આવે છે..
બીજે દિવસે ટીકીટ બુક કરાવી વીઝા લઈને સાંજે બીરેને ને ત્યાં પહોંચ્યા ત્યાં સુધી ખાંસી વકરી નહોંતી પણ બીરેનેને ઘરે પહોંચ્યા ત્યાર પછી ખાંસી વકરી. આબોહવા બદલાઇ કે પછી શું થયુ તે ખબર ના પડી પણ પંપ આખો ખાલી થઈ ગયો. તાબડતોબ હોસ્પીટલમાં દાખલ કર્યા ઓક્ષીજન ચઢાવ્યો ત્યારે સહેજ શ્વાસ બેઠો. બીરેન અને માધુરી પણ ખાસા ઉંચાનીચા થઈ ગયા.
>
ટોરંટો આમતો મુંબઈ જેવું જ વાતાવરણ. બે દિવસ હોસ્પીટલમાં રહ્યા અને સહેજ સારું લાગ્યું એટલે પપ્પા કહે “ટોરંટોનું કેસીનો કેવું છે?”
“ પપ્પા તમારી તબીયત સારી થાય પછી જઈએ તો?”
“ હવે મને તો સારું છે “
“ પણ પપ્પાને શ્વાસની બીમારી અને બંધિયાર વાતાવરણમાં તમને તકલીફ થાય તો દોડધામ થઈ જાયને?” માધુરી બા પાસે બબડી.
બા કહે “તેમને દેરાસર કે અપાસરો નહીં સુઝે.પણ કેસીનો, મ્યુઝિક અને ફન ગમશે”
વીક એંડ પર કેસીનો નો પ્રોગ્રામ નક્કી થઈ ગયો. અઠવાડીયું થયુ હતુ અને કેસીનો જવાનું નક્કિ થયું એટલે તેમનામાં નવી જાન આવી હતી.
બીરેન બીમલ કરતા જુદો હતો. બીમલ હિંમત વાળો હતો જ્યારે બીરેન પાકો ગણતરી બાજ હતો. તે માપનું રમતો અને ક્યારેય સાથે ક્રેડીટ કાર્ડ ન રાખતો. તેથી પપ્પા બીરેન સાથે જવાનું ટાળતા અને આગ્રહ રાખતા કે બીમલ સાથે આવે. પણ અહીં તો બીમલ આવવાની શક્યતા હતી નહીં. કુમુદ બીમલને કાબુમાં રાખતી પણ પપ્પા સાથે હોયતો બાપજ દીકરાને કાબુમાં રાખતા.
પપ્પા કહે આ જુગાર ત્યારેજ કહેવાય તમે હારીને બાજીમાંથી ઉઠો બાકી તો આ એક સ્પોર્ટ વધુ છે, અને હું તો ૧૦૦ ડોલર લઈને ટેબલ ઉપર બેસું અને કાં બસો થાય ત્યારે ઉઠવાનું કાંતો ૫૦ થાય ત્યારે ઉઠવાનું, અને તીન પત્તી તેમની મનગમતી રમત એટલે ઘરની નજીક એક્ષ કેસીનોમાં ગયા.
અંદાજે ૧૦૦ વર્ષ જુનો આ કેસીનો રોયલ હાઉસની છબી હતો તેમાં પ્રસિધ્ધ ટેબલ રમતો જેવી કે બ્લેક જેક, રાઉલેટ, વૉર સ્પેનીશ ૨૧ અને તીન પત્તી ખાસ હતી, તીન પત્તી માં જેમ ટેબલ મોટુ તેમ રમવાની મઝા વધુ આવે તેમ કહેતા બાપુજી મોટા ટેબલ ઉપર ગોઠવાયા…૧૦૦ કેનેડીયન ડોલરનાં ટોકન લઈને બીરેન આવ્યો ત્યારે મમ્મીએ પપ્પાને ટોક્યા” તમે પૈસા કમાવાકે ગુમાવવા નથી આવ્યા પણ ફન માણવાનો છે.”
“ મોટા ટેબલ ઉપર તો એટલા માટે જ બેઠો છુંને..દાવ લાંબો ચાલે.”
પતા વહેંચાતા ગયા રમત જામતી ગઈ અને બાપુજી દાવ ઉપર દાવ જીતતા ગયા. બે કલાકે કૉફી બ્રેક માટે બાપુજી ઉઠ્યા ત્યારે ૨૦૪ ડોલર થઈ ગયા હતા. કોઇને કશું કહ્યા વિના પપ્પાજી ઉઠી ગયા,
માધુરી તો જોતી જ રહી મમ્મી ત્યારે ફરીથી બોલ્યા “ આ સ્વભાવને લીધે તો હું કંઇ બોલતી નથી. તે જુગારને રમત તરીકે લે છે અને તેની કોઇ જીદ નથી. બાપા પ્રસન્ન હતા.દીકરો પણ પ્રસન્ન હતો.
ટોકન નાં રુપાંતરે બસો ચાર ડોલર બીરેન ને હાથમાં આપતા બાપાએ કહ્યું આ ફન હતો. એની રોજગારી ના બનાવાય અને આની ટેવ પણ ના પડાય.
ઘરે આવ્યા પછી વહેલી સવારે ખાંસીનો હુમલો થયો. હોસ્પીટલમાં ફરી દાખલ કર્યા. હ્યુસ્ટન પર વીડીયો ચેટ ચાલું હતી પપ્પા કહે” તમે કોઇ ચિંતા ના કરો અને રડો પણ ના. જેટલી લેણ દેણ હતી તે પુરો કરીને હું જાઉ છું. મારી સમજ હતી તે મુજબ સૌને આપ્યું છે. હવે ભારત ખાતે જે કંઇ છે તે તમારી બાનું અને તેના પછી બે ભાઇઓનું. સમજી ને રહેશો અને લેશો.”
ખાંસીનો હુમલો જીવલેણ હતો. ડોક્ટર પ્રયત્ન કરતા હતા.
આખરે તેઓ શાંત થઈ ગયા. બાની સાથે સાથે બંને દીકરા, વહુઓ અને પૌત્રો રડતા રહ્યા.
બીજે દિવસે કેનેડા ખાતે તેમની અંતિમ ક્રિયાઓ થઈ.
બીમલ અંતિમ ક્રીયામાં ના જઈ શક્યો. અમેરિકાની સરહદ ઓળંગે અને પુનઃ આગમન શક્ય ના બને તો…