Manoj Joshi

Tragedy Thriller

3  

Manoj Joshi

Tragedy Thriller

પતિવ્રતા

પતિવ્રતા

5 mins
741


રમેશ અને મધુ હજી એકાદ વર્ષથી જ શહેરમાં આવ્યા હતા. આઝાદી પછીની રાષ્ટ્રની અટપટી અર્થનીતિ સમજણ વગરની કૃષિ નીતિ અને ખાસ તો સ્વાર્થાંધ રાજનીતિને લીધે રાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કૃતિની કમર તૂટી ગઈ છે ગામડા ભાંગી ગયા છે. અયોગ્ય જળસંચય, સંવાદી અને સર્વમાન્ય એવી રાષ્ટ્રીય જળનીતિનો અભાવ અને લોકો દ્વારા જળના બેફામ વપરાશ તથા વેડફાટને લીધે પાણી જ જેનો પ્રાણ છે એવી ખેતીની માઠી દશા બેઠી છે.


      ગામડામાં વૈકલ્પિક રોજગારીના અભાવે, રમેશ જેવા કેટલાય યુવાનો, ઇચ્છવા છતાં ગામમાં કામ મેળવી શકતા નથી. અને શહેર તરફ જવા માટે મજબૂર બને છે. રમેશ અને મધુ ગામડે રહીને જ જીવવા માગતા હતા, પણ ફરજિયાત બેકારીએ એમને શહેરની ઝૂંપડપટ્ટીમાં આશરો લેવા મજબૂર કર્યા હતા. મહેનત-મજૂરી કરીને જે કાંઈ મળે, એમાંથી બંને સંતોષપૂર્વક જીવતાં હતાં. ગરીબ જરૂર હતાં પણ બંને થોડામાં ઘણું સમજી, એકબીજાની પ્રેમભરી હૂંફમાં આનંદપૂર્વક રહેતા હતા. ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ આવા અભાવો વચ્ચે પણ હજી ટકી રહી છે, એનું એક કારણ એ પણ છે કે લોકો ઈશ્વર ઉપર પરમ આસ્થા ધરાવે છે. ખાવાનું મળે કે ન મળે તો પણ "ઠાકર કરે ઇ ઠીક" એટલું જ માનીને જીવી જાય છે!! ઘણું ઓછું હોય તો પણ,તેમાં પૂરતો સંતોષ માની, ઈશ્વરની ઈચ્છાને સ્વીકારીને, શાંતિ અને સંતોષથી જીવી જાય છે.એટલું જ નહીં, આવો આર્થિક અભાવ અને ભૌતિક અસુવિધા હોવા છતાં પતિ-પત્ની એકબીજાને વફાદાર રહીને જીવે છે. હિન્દુ સંસ્કૃતિમાં રામાયણનાસિતા અને રામ આજે પણ જીવતા હોય,તો એનું કારણ કદાચ આ ભલભોળા લોકો જ છે. બાકી તો પશ્ચિમના વાયરાએ શ્રીમંત પરિવારોને ક્યાંથી ક્યાં પહોંચ્યાડ્યા છે તે તેમની રેવપાર્ટી, કીટ્ટીપાર્ટી અને લગ્નેતર સંબંધો તેમજ 'લીવ ઈન રિલેશનશીપ' માં રહેતા યુવક-યુવતીઓને જોઈને જાણી શકાય છે.


રમેશ અને મધુ એક એવું યુગલ હતું, જેઓ પરસ્પરને પ્રેમ કરતા હતા. આર્થિક અભાવ વચ્ચે પણ એકબીજા સિવાય કોઈનો સ્વપ્નમાં પણ વિચાર કરે એવા ન હતા.આજના યુગમાં કદાચ પતિવ્રતા સ્ત્રીનો આદર્શ અપ્રસ્તુત લાગે,પરંતુ મધુ ખરા અર્થમાં પતિવ્રતા હતી. અને રમેશ ખરા અર્થમાં રામ હતો.

પોતાના રહેઠાણથી એકાદ કિલોમીટર દૂરના બજારમાં રમેશ મજૂરી કરતો. શરીર કસાયેલું અને મજબૂત હતું. વળી, પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો. એટલે એક સારા મજૂર તરીકેની તેની છાપ હતી. રોજના બસો-અઢીસો રૂપિયાની આવક એને આરામથી મળી રહેતી. મધુએ પણ નજીકના બંગલામાં કામ મેળવી લીધું હતું. રમેશ સવારે મજૂરીએ જાય, એટલે એ પોતાનું ઘર-કામ આટોપી, બંગલાના કામે જઈ આવતી. બપોરે રમેશ આવી જતો. બંને સાથે જ જમતા. ફરી બે કલાક પછી રમેશ કામે જતો. મધુ પણ સાંજના વાસણ ઘસી આવતી. સાંજે સાતેક વાગતા તો રમેશ ઘેર આવી જતો. બંને સાથે જમીને શહેરની રોનક જોવા ક્યારેક એક આંટો મારી આવતા ને રાત્રે શાંતિથી સૂઈ જતા. આ તેમનો નિત્યક્રમ હતો. સુખી અને સંતોષી જીવન હતું.

પણ સમય સદા સરખો નથી જતો. વધારે સીધા અને સરળ લોકોને વધારે સહેવું પડે, એ કદાચ વિશ્વનિયંતાએ ગોઠવેલી કડવી નિયતિ છે ! રમેશ સાથે એવું જ બન્યું.


બજારમાં આજે ઘરાકી વધારે હતી. જે અનાજની દુકાન માટે તેનું કામ ચાલતું હતું, તે શેઠને આજે બહાર જવાનું હોવાથી, બપોર સુધીમાં બધો માલ રવાના કરવાનો હતો. રમેશ જેવા ચાર પાંચ મજૂરો ટ્રકોમાં અનાજની ગૂણો ભરી રહ્યા હતા. રમેશખંતપૂર્વક પોતાનાં કામમાં મગ્ન હતો. એ જ વખતે ઉતાવળમાં, ટ્રક ડ્રાઇવરે અજાણતાં જ ટ્રકને રિવર્સમાં લીધી. પાછળ કામ કરતો રમેશ કંઈ સમજે, એ પહેલાં તો ઉછળીને એ રીતે નીચે પટકાયો, કે તેના મસ્તકમાં મૂઢ માર વાગ્યો, અને તે ત્યાં જ બેશુદ્ધ થઈ ગયો. સાથીમજૂરો તાત્કાલિક રમેશને હોસ્પિટલ લઈ ગયા. પડોશમાં રહેતો એક મજૂર જઈને મધુને બોલાવી લાવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી છે, નહીંતર જોખમ છે. ગરીબ મજૂરો મૂંઝાયા. મગજના નિષ્ણાંત સર્જન પાસે જવાની વાતમાં જેટલી દર્દીનાં દર્દની ગંભીરતા દેખાતી હતી, એનાથી વધારે વિકરાળ સમસ્યા નાણાંની હતી. ગરીબ લોકો તન અને મનથી મદદ કરી શકે, ધન ક્યાંથી કાઢે? મધુ રડી પડી. કોઈ રસ્તો સૂઝતો ન હતો. માંડ બે ટંકના રોટલા નીકળતા હોય,એમાં એકાદ લાખ રુપિયા ક્યાંથી લાવે? અને જો પૈસાની સગવડ ન થાય,તો રમેશના બચવાની સંભાવના ઘણી ઓછી હતી. રમેશ આઈસીયુમાં હતો. અહીં દાખલ થવા પુરતા રુપિયા તો બધા ગરીબ મજુરોએ માંડ એકઠા કરેલા. પણ હવે એમને માટે સવાલ લાખ રૂપિયાનો હતો!!

મધુ ઊભી થઇ. ભાંગેલા પગે ઝૂંપડે પાછી ફરી. રમેશ હજી હોસ્પિટલમાં હતો. જો પૈસાની સગવડ ન થઈ શકે તો આજની રાત કદાચ એના માટે આખરી રાત બની રહેવાની હતી અને મધુના જીવનમાં પણ પછી શું બચવાનું હતું?


પોતાના પતિને પારાવાર પ્રેમ કરનારી આ એક અબૂધ ગ્રામ્ય નારી, પતિનું જીવન બચાવવા ગમે તે કરી છૂટવા તૈયાર થઈ હતી.......

હજી ચાર દિવસ પહેલાં જ જે બંગલાનું ઘરકામ તેણે છોડ્યું હતું, તે બંગલાના માલિકના લોલુપતાભર્યા શબ્દો તેને યાદ આવ્યા. બંગલાની માલકીન વેકેશનમાં બાળકોને લઈને પોતાને પિયર ગઈ હતી અને માલિક એકલા જ હતા. એ વખતે નિર્દોષતાથી ઘરકામ કરી રહેલી મધુને વાસનાભરી નજરથી જોતા, ઘરના યુવાન માલિકે કહ્યું, "મધુ, તારું માત્ર નામ જ મધુર નથી. તારું કામ તો મધુર છે જ પણ તું પોતે તો સૌથી મધુર છે. ઉપરવાળાએ તને છુટ્ટા હાથે રૂપ આપ્યું છે. એ આવા ઘરકામમાં વેડફવા માટે નથી આપ્યું."


 મધુ સ્ત્રી હતી. આ ઘરમાં આવતાં જ શેઠની કામાતુર નજરને તેણે માપી લીધી હતી. પરંતુ શેઠાણી રોજ ઘરે જ હોય, તેથી તેને કોઈ ચિંતા ન હતી. વળી, પોતાના ભરપૂર જોબનને જાળવવા જેટલી શક્તિ એનામાં હતી જ, એવી એને શ્રદ્ધા હતી. તેથી તે નિશ્ચિંત હતી. આમ પણ આ શહેરમાં શાંતિથી જીવવા માટે બન્નેએ કામ કરવું જરૂરી હતું.


         મધુ એ જ વખતે ક્રોધ ભરી દ્રષ્ટિથી પગ પછાડતી, બંગલો છોડી અને ચાલી આવી હતી. જતાં જતાં એના કાને શેઠના શબ્દો પડ્યા હતા- "મધુ, જ્યારે પણ જરૂર પડે, ત્યારે ચાલી આવજે. તારે જે જોઈએ, તે હું આપીશ. મને તું સંતોષ આપજે અને હું તારી જરૂરિયાત પૂરી કરીશ."


મધુને લાગ્યું કે પોતે એક દોરાહા પર આવીને ઊભી રહી હતી.એક તરફ પોતાનો પતિ હતો અને બીજી તરફ પોતાનો પતિવ્રતા તરીકેનો નારી ધર્મ હતો. પતિને બચાવવા માટે પોતાની પાસે દોલત ક્યાં હતી? પોતાનો દેહ એ જ તો એની દોલત હતી ! પતિની જિંદગી જ ન રહે, તો આ દેહ લઈને મારે કોના માટે જીવવાનું?

તેની અંદર બેઠેલી સંસ્કારની નારી બોલી, "મધુ, દેહ વેચ્યા પછી તું એ કલંક સાથે રમેશની સાથે જીવી શકીશ?"

મધુએ પોતાની સાથે જ સંવાદ કરતા કહ્યું, "રમેશ માટે કદાચ મારી કીડની વેચવી પડી હોત, તો હું ના ન જ પાડત. તો જો પતિ માટે હું દેહના અંદરના અવયવોને વેચી શકું, તો બહારના અવયવને કદાચ કોઈને ચૂંથવા દેવો પડે, તો પતિની જીંદગીથી મારે એ વિશેષ નથી જ !!


અવઢવમાં અટવાતી મધુ, આખરે રડતાં હૈયે બંગલે પહોંચી. એને પોતે ગરીબ હોવાનું દર્દ ન હતું, પોતાની ગરીબીએ પોતાની પાસે જે બલિદાન માગ્યું હતું, તેનું દર્દ પોતે અનુભવે કે આ બલિદાનથી પોતાના પતિની જિંદગી બચશે એની ખુશી મનાવે?

સંવેદનાહીન બનેલી મધુએ બંગલામાં પ્રવેશ કર્યો.


Rate this content
Log in