lina joshichaniyara

Drama

3  

lina joshichaniyara

Drama

પતિની વ્યથા - દિવાળી સ્પેશ્યિલ

પતિની વ્યથા - દિવાળી સ્પેશ્યિલ

9 mins
510


દરેક તહેવારમાં પતિની વ્યથા તો સરખી જ રહે છે. તમે પતિની વ્યથા-નવરાત્રી સ્પેશ્યિલ લેખ તો વાંચ્યો જ હશે અને જો ના વાંચ્યો હોય તો વાંચી લેજો. તમે વાંચશો તો મારુ દુઃખ થોડું હળવું થશે. મને થશે કે હું એક જ પત્નીથી વ્યથિત નથી મારા ભાઈઓ પણ છે.

તમે વાંચ્યો કે નહિ પણ મારી રાણીએ એટલે કે અમારા શ્રીમતીજી એ તો એ લેખ વાંચ્યો અને પછી મને સાક્ષાત માઁ દુર્ગા, કાલી ના દર્શન થયા. એની સજા પણ મળી. મને ઘઉંના પાપડ, અથાણાં અતિશય પ્રિય. સજારૂપે એક અઠવાડિયા માટે મારા અથાણાં, પાપડ ઉપર કાપ મુકવામાં આવ્યો. મેં કારણ પૂછ્યું તો મને કહે કે " હું તો રાવણ જેવી છુ ને તો પછી રાવણ જેવું કરવું પણ પડે ને!!!"

રાવણે સીતાહરણ કર્યું અને મારી રાણીએ અથાણાં-પાપડ હરણ કર્યું.

નવરાત્રી પુરી થઇ, હાશકારો લીધો અને જ્યાં લખવા બેઠો ત્યાં જ અમારા શ્રીમતીજી નો હુકમ છૂટ્યો.

"અરે, આજે તમે લખવા ના બેસતાં."

મેં પૂછ્યું "કેમ ભઈ, હવે તો તહેવારો પુરાને!"

શ્રીમતીજી ઉવાચઃ" હા તો હજી તો નવરાત્રી જ પુરી થઇ. દિવાળી તો બાકી જ છે ને. આજે તમારો પુસ્તકોનો કબાટ સાફ કરવાનો છે."

મેં કહ્યું" અરે પણ હજી તો દિવાળીને વાર છે ને?"

શ્રીમતીજી:" હા પણ ધીમે ધીમે બધું કરશું ત્યારે પૂરું થશે ને! આમ પણ આ વખતે આપણી સાથે દિવાળી કરવા મારા મમ્મી પપ્પા પણ અહીં આવવાના છે. તો એ લોકો આવે એ પહેલા જ બધું કામ પતાવવું પડશે. હું બધા પુસ્તકો કબાટમાંથી કાઢીને તમને આપું અને તમે એમાં જે કામના પુસ્તકો છે એને કપડાથી લૂઈને સાઈડ માં રાખતા જાજો.”

" જો હુકમ મેરે આકા." એમ કહીને હું મજૂરી એ વળગી ગયો. હાસ્તો વળી મજુર જ ને!!! એટલે તો આકા કીધું.

આમ તો દિવાળી ની સાફ-સફાઈ કરવામાટે એક બહેન આવવાના જ હતા પરંતુ ઘર ના બધા કબાટ અમે જાતે જ સાફ કરતા.

મારો પુસ્તકોનો કબાટ સાફ કરતા કરતા અચાનક જ મારી રાણી દોડીને પલંગ ઉપર ચડી ગઈ અને એક બાજુ થી બીજી બાજુ અને બીજી બાજુ થી ત્રીજી બાજુ ઠેકડા મારવા લાગી.

હું આ દ્રશ્ય જોઈને એકદમ ડરી જ ગયો. હમણાં સુધી તો બરાબર હતી આમ અચાનક શું થઇ ગયું? રાવણ અચાનક વાલિ કેમ બની ગયો?

મારા સાસુ-સસરા આને પારેવડું કહે છે. જો કે ચાંચવાળું કહેતા એ ભૂલી જાય છે. પણ આ પારેવડું આમ અચાનકથી ફફડવા કેમ લાગ્યું? દિવાળીમાં મમ્મી-પપ્પા આવવાના છે એના તણાવમાં આનું છટકી તો નથી ગયું ને?

આખરે મેં પારેવડાંને એટલે કે મારી રાણી ને પૂછ્યું: " શું થયું? આમ કેમ વાંદરાની જેમ ઠેકડા ઠેકડ થઇ છે? અરે કઈ નહિ તો પલંગની તો દયા ખા. જો પલંગ તૂટી ગયો તો હું તારા મમ્મી ને શું જવાબ આપીશ?"

જી હા, એક હકીકત છે કે તમારું ગમે તે થાય પણ પત્નીના કરિયાવરમાં આવેલી સોય પણ ખોવાય તો લગ્નજીવન માં વાવાઝોડું  આવી શકે. તો આ તો આટલો મોટો પલંગ છે. જો એ તૂટી જાય તો મારે મારા સસરાપક્ષ માં શું મોઢું દેખાડવું? એક પલંગ તો સાચવી નથી શકતા અમારી દીકરીને કેમ સાચવશે? એમાં પણ અમારી સગાઇ પછી એક વાર હું મારા સાસરે ગયેલો. ત્યાં મારા સાસુમાએ મને માહિતી આપી કે અમારી દીકરીને નીંદરની થોડી તકલીફ છે. એને એના પલંગ વિના નીંદર જ નથી આવતી એટલે લગ્નમાં અમે એને એનો પ્રિય પલંગ દઈશું. તો તમે ના ન પડતા.

આમ તો હું દહેજ/કરિયાવરનો સખત વિરોધી છું અને મેં લગ્ન માટે મારા સાસુ-સસરા પાસે શરત પણ એ જ રાખી હતી કે જો લગ્ન કરવા હોય તો દીકરીને પહેરેલ કપડે જ વિદાય કરવાની રહેશે. દહેજ કે કરિયાવરના નામે હું એક વસ્તુ અહીં થી નહિ લઇ જાઉં. પણ અમારી રાણીની નિંદ્રારાણી માટે મેં એ પલંગ નો સ્વીકાર કર્યો.

ખબર નહિ મારા સાસુમાને કઈ રીતે મારી રાણીની નીંદરમાં તકલીફ હોય એવું લાગતું હશે કેમ કે મારી રાણી જયારે નિંદ્રાવસ્થામાં હોય ત્યારે એટલી ગાઢ નિંદ્રા હોય કે ઢોલ-નગારા વાગે તો પણ એ ના જાગે. એના નસકોરા એટલા તીવ્ર હોય કે ઘણી વાર તો હું ડરી જાઉં કે હું ઇન્ડિયા-પાકિસ્તાન ના યુદ્ધ મેદાન માં તો નથી આવી ગયો ને!! નિંદરની બાબતમાં મારી રાણી કુંભકર્ણને પણ કોમ્પ્લેક્સ આપે એવી છે. 

હા તો આપણે ક્યાં હતા? મારી રાણી ઠેકડે ચડી હતી. આખરે એ ખૂંખાર ગુનેગાર પકડાયો. એ બીજું કોઈ નહિ પણ ઉડતું છીપુ હતું. 

ના ના, મારી રાણી તો ઝાંસીની રાણી જેવી નીડર છે. એટલે એને વંદા, ગરોળી, સાપ, ઉંદર, છછુન્દર વગેરે થી તો જરાય બીક નથી લગતી. બસ ઊડતી વસ્તુઓથી બહુ ડરે. જેમકે છીપા, વાણીયા, પતંગિયા વગેરે. તમને થતું હશે કે બીજું બધું તો ઠીક પણ પતંગિયાથી કોણ ડરે? એ તો કેટલા રંગબેરંગી અને સુંદર હોય છે!! પણ હા મારી રાણી તો પતંગિયાથી પણ બહુ જ ડરે. 

"હવે આમ મને શું જોવો છો? એને કાઢો અહીં થી." શ્રીમતીજી ચીસો પાડી ને બોલ્યા.

"અરે પણ એ તો નાનું અમથું છે એનાથી આટલું બધું શું ડરવાનું? અને તું આમ ચીસો ના પાડ.  તને આટલી  રાડા-રાડી કરતા કોઈ સંભાળશે તો શું વિચારશે? કે હું તારી ઉપર હિંસા કરું છું કે શું?"

"અરે, પણ તમે વાતો બહુ કરો છો. એને જલ્દી બહાર કાઢો ને."

એની આવી સ્થિતિ જોઈ મારા મન માં એક વિચાર આવી ગયો કે રાણી તું તો આજ ફસાણી.

મેં કહ્યું " હું એને કાઢું ખરી પણ એક શરતે."

શ્રીમતીજી:"અરે ભાઈસાબ, મને તમારી બધી જ શરત મંજુર છે પણ આને અહીં થી કાઢો."

લે સાંભળી તો લે મારી શરત પછી હા પાડજે.

શ્રીમતીજી:"બોલો? શું છે શરત?"

"એ જ કે જે અથાણાં-પાપડ નું તે હરણ કર્યું છે એ મને હેમ-ખેમ પાછા જોઈએ."

શ્રીમતીજી: હા, બસ. દીધા તમને પાછા. હવે તો એને કાઢો.

મને ખરેખર એટલો પ્રેમ આવી રહ્યો હતો એ છીપા ઉપર કે મારુ ચાલે તો હું એને સોનાની બરણીમાં સાચવીને રાખું. કોઈ તો મળ્યું કે જેણે મારી રાણીને ડરાવી અને મારા અથાણાં-પાપડને મુક્ત કરાવ્યા.

છેલ્લા ઘણા સમય થી હું એક વાંદરાને ગોતું છું પણ એ મળતો નથી. તમને એવું થતું હશે કે કેમ વાંદરા ને? એની પાછળ પણ એક કહાની છે. મારા સાસુમા એ આ વાત મને કરી હતી જયારે લગ્ન પછી હું રોકવા ગયો હતો ત્યારે.

એમાં એવું છે કે મારી રાણી જયારે ૨ વર્ષની હતી ત્યારે બધા ગોકુલ-મથુરા ગયા હતા. ત્યાં મારી રાણીને એના પપ્પાએ દાળિયા નું પેકેટ આપ્યું હતું વાંદરાઓને ખવડાવવા માટે. પણ મારી રાણી એટલી સીધી તો નથી જ કે એ વાંદરાઓને દાળિયા સહેલાઇ થી આપી દે. એટલે એને એક વાંદરાની મશ્કરી કરવાની ચાલુ કરી. એ વાંદરાને દાળિયા દેખાડે અને પછી પાછળ છુપાવી દે. વળી દેખાડે અને છુપાવી દે.

જોયું મેં કીધું તું ને પારેવડું ખરું પણ ચાંચવાળું!!!!

 એમ તો એણે ૫ થી ૭ વાર દાળિયા દેખાડ્યા અને છુપાવી દીધા. એમાં પેલા વાંદરાનો મગજ ગયો. ખીજ માં ને ખીજ માં એણે એવી જોર થી મારી રાણીને જાપટ મારી કે મારી રાણી દડદડ કરતી યમુનાજી ના પગથિયાં પર ગબડી અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યા. એ વાંદરો દાળિયાનું પેકેટ લઇ ભાગી ગયો.

શું એ વાંદરાની હિંમત!! એણે ઝાંસી ની રાણી જેવી સશક્ત મારી રાણીને જાપટ મારી. જ્યારથી મને આ વાત ખબર પડી ત્યારથી હું એ કપિરાજ ને ગોતી રહ્યો છું કે ક્યાંક મને એ મહાનુભાવના દર્શન થઇ જાય અને એને હું ઘરે લઇ આવી શકું. મારી રાણીને થોડી ડરાવી શકું.

જોયું સાસરે જવાના પણ ઘણા ફાયદા હોય છે.

પછી મેં એક હાથે એ છીપાને બહાર કાઢ્યું અને બીજા હાથે મારા અથાણાં-પાપડ નો થેલો મેળવ્યો. મને થેલો લેતી વખતે એવું લાગતું હતું કે જાણે હું રાવણ સામે યુદ્ધ જીત્યો. 

હજી તો જીતની અનુભૂતિ કરું એ પહેલા જ મારા ઘરની બહાર પોલીસની સાયરન વાગ્યું. મને થયું હશે કંઈક.

ત્યાં તો મારા ઘરની બેલ વાગી. જ્યાં દરવાજો ખોલ્યો તો બહાર પોલીસ આવી હતી. એમને કોઈએ ફરિયાદ કરી હતી કે હું મારી પત્નીને મારતો હતો અને એ ચીસો નાખતી હતી. મહામુશ્કેલીએ મેં અને મારી રાણીએ એ લોકોને સમજાવીને રવાના કર્યા.

એ પછી ત્રીજે દિવસે ઘર સાફ કરવામાટે બેન આવ્યા પણ એ કોઈ નવા બેન હતા કેમ કે અમારા જાણીતા બેનને ડેન્ગ્યુ થયો હતો.   

હવે આ નવા બેન ટેબલ ઉપર ચડ્યા તો ખરી પણ રામ રામ રામ બોલતા બોલતા નીચે આવી ગયા.

મને હસવું આવતું હતું કે ક્યાંક આ બેન ને પણ મારી જેમ રાવણ ના દર્શન તો નથી થયાને? આમ કેમ રામ રામ રામ બોલતા નીચે આવી ગયા અને ગભરાઈ ગયા.

મેં એ બેન ને પૂછ્યું" કેમ, શું થયું? તમે એટલા ડરી કેમ ગયા છો? કાંઈ દેખાઈ ગયું કે શું?"

અરે ના,  ના સાહેબ. એવું તો શું દેખાય? પણ આ તો મને ઊંચાઈ ઉપર ચડીને પંખા,કબાટ સાફ કરવામાં ચક્કર આવે. એટલે મારાથી આ ઉપર ચડીને કઈ નહિ થાય તો હું નીચે નીચે તમને બધું સાફ કરી દઈશ."

મારી રાણીને પણ આ જ ડર એટલે કે ઊંચાઈથી ડર લાગે એટલે એ પણ કઈ કરી ન શકે.

હવે બધો કાર્યભાર મારા નાજુક ખંભા ઉપર આવ્યો. મારી રાણીનો ક્રોધિત ચહેરો જોઈને મેં મારા હથિયાર નીચે મૂકી દીધા અને મજુર ફરીથી લાગી ગયો દાળિયે.

જેમ તેમ કરીને એક દિવસમાં જ બધું સાફ સફાઈનું કામ ખતમ કર્યું. સાંજે મેં રાણીને કહ્યું કે આજે તો દેશી ખાવું છે તો રસોઈવાળા બેન પાસે ઘી થી લથપથ ભાખરી, ચા અને પાપડ શેકવી લેજે. અથાણું છે એટલે મારા માટે શાક ના બનાવતી. આજે તો કાકડીને ભૂખ લાગી છે હું તો દબાવી ને ખાઇ. એમ આનંદ લેતા લેતા હું નાહવા ગયો.

જમવાના ટેબલ ઉપર ચા, ભાખરી, પાપડ, અથાણું, લસણવળી ચટણી જોઈ હું અત્યંત આનંદિત થઇ ને જમવા બેઠો. હજી તો ભાખરી, ચા લીધી અને અથાણાં-પાપડ તરફ હાથ લંબાવ્યો ત્યાં જ મારી રાણી એ તડાપ મારી  અથાણાં-પાપડ મારા થી દૂર કરી દીધા.

મેં કહ્યું " કેમ, તે કીધું તું ને કે અથાણાં પાપડ દીધા તમને."

શ્રીમતીજી: " હા તો દીધા તો છે તમને."

"તો પછી ખાવા તો દે."

શ્રીમતીજી: "મેં તમને અથાણાં-પાપડ દીધા છે. પણ ખાવા માટે ન તો તમે કંઈ પૂછ્યું અને ન તો મેં હા પાડી હતી. તો હવે છાનામુના ચા, ભાખરી અને લસણવાળી ચટણી ખાઈ લો અને મજા કરો."

જોયું નવી બેને એને હેરાન કરી અને ખીજ મારી ઉપર ઉતરી. પણ રાણીના રાજ્યમાં રેહવું હોય તો એની આજ્ઞા તો માનવી જ પડે."

ચાલો ત્યારે ચા, ભાખરી જ ખાઈ ને પેટ ભરી લઈએ....

એમ કરતા દિવાળીના તહેવારો આવ્યા અને મારા સાસુ-સસરા પણ આવ્યા.

દિવાળીની રાત્રે અમે ચોપડા પૂજન કરી ઘરે આવ્યા ત્યારે બધા જોર શોર થી ફટાકડા ફોડી રહ્યા હતા. મારી રાણીને પહેલેથી જ ફટાકડા ન ગમે અને અવાજ થી એ ફફડી જાય. એટલે દિવાળીની રાત્રે એ કાનમાં રૂ ભરાવીને જ રાખે.

એમાં મેં એને કહ્યું' ડાર્લિંગ, આજે તું બહાર ના નીકળતી."

એણે પૂછ્યું,"કેમ? કાળીચૌદશ તો કાલે ગઈ અને ભૂત-ચુડેલ ના હેપી બર્થડે વાળા જોક હવે ચવાઈ ગયા છે. આજે તો દિવાળી છે ને?"

મેં કહ્યું" મારી રાણી, મારી વ્હાલી, દિવાળી છે એટલે જ તો ચિંતા થાય છે?

શ્રીમતીજી: "ઓહ, તમને મારી કેટલી ચિંતા થાય છે? મારી ચિંતા ના કરો મેં કાન માં રૂ ભરાવી દીધું છે. એટલે કાલે કાન નહિ દુખે. તમે મને કેટલો પ્રેમ કરો છો, નહિ?"

મેં કહ્યું"અરે ના ના. એમ નહિ."

શ્રીમતીજી: "એટલે તમે મને પ્રેમ નથી કરતા?"

મેં કહ્યું" કેવી વાત કરે છે તું?હું સૌથી વધારે તને જ તો પ્રેમ કરું છું."

શ્રીમતીજી: "તો પછી શું કહો છો કે ના, ના એમ નહિ? શું વાત છે મને કહો હવે? મેં રૂ પણ કાઢી નાખ્યું."

મેં કહ્યું" રૂ તો પાછું ભરાવી લે પછી કહું તને".

શ્રીમતીજી: "તમે પણ ખરા છો. જે કહેવું હોય એ કહો ને આમ શું રમત કરો છો. મારે હજી કામ છે. મમ્મી-પપ્પા અગાશી ઉપર ફટાકડા જોવે છે એના માટે ચા-નાસ્તો લઇ જવાનો છે. ચાલો ત્યારે મારી પણ મદદ કરો અને વાત પણ કહો."

મેં મમરો મુક્યો: ' અરે આ તો એટલે તને બહાર જવાની ના પાડી કેમ કે આજે દિવાળી છે ને! દિવાળીના દિવસે જ તો શ્રી રામ રાવણ ને હરાવીને અયોધ્યા પાછા ફર્યા હતા ને? તો આજે ક્યાંક શ્રીરામ આંટો મારવા નીકળા હોય અને જો તને જોઈ જાય તો વળી પાછા ક્યાંક તીર મારવા ન આવે !!!"

શ્રીમતીજી અત્યંત ગુસ્સા સાથે :" બસ, બહુ થયું તમારા રામ-રાવણ જોક નું. આવતી કાલે નવું વર્ષ છે ને તો આવતી કાલથી એક વર્ષમાટે તમારા અથાણાં-પાપડ અને મીઠાઈ સદંતર બંધ. રાવણની ક્રૂરતા તો દેખાડવી જ રહી."

"અરે, અરે હું તો મજાક કરતો હતો. એવું થોડી કરાય યાર. હવે તારી ઉપર કોઈ જોક નહિ કરું, બસ. પણ મારા અથાણાં-પાપડ-મીઠાઈ બંધ ન કર, પ્લીઝ. ""

શ્રીમતીજી:" પણ હું તો મજાક કરીશ જ. હા....હા....હા... કેવી રહી?"

આમ કહી હું કઈ સમજુ અને કઈ કહું એ પહેલા જ મારા મોઢામાં મીઠાઈ નો ટુકડો મૂકીને એ પણ ઉપર ફટાકડા જોવા ગઈ. આમ દિવાળીનો તહેવાર પણ રંગે ચંગે મનાવ્યો.

 અમારા શ્રીમતીજી ના આવા તો ઘણા બધા કિસ્સાઓ છે પણ એ વાત પછી ક્યારેક !..


Rate this content
Log in

Similar gujarati story from Drama