Chudasama Vishal S.

Thriller

4.9  

Chudasama Vishal S.

Thriller

પસંદગી મેળો

પસંદગી મેળો

4 mins
1.0K


યુવાન અવસ્થાએ હું આવી પહોંચ્યો એટલે સ્વાભાવિક છે કે માતપિતાને ચિંતા થાય, મારા માતપિતા, મને સારી નોકરી મળે સારી છોકરી મળે એટલે પોતાનું જીવન સાથર્ક થયું એમ માનતા. મમ્મીપપ્પાની એક ઈચ્છા તો ભગવાને પુરી કરી દીધી. મને સારી એવી નોકરી અને એ પણ મારા ઘરથી દસેક કિલોમીટર દૂર બાજુના ગામમાં મળી ગઈ જેથી મમ્મી પપ્પા ખુશ હતા. હવે તો તેમને એક જ ઇચ્છા હતી તે મને જલ્દી પરણાવવાની. તે ભગવાન ક્યારે પુરી કરશે તેની માટેના અથાગ પ્રયત્નો મમ્મી પપ્પાએ શરૂ કર્યા પણ બધે નિષ્ફળતા જ મળી. છોકરીવાળાને હું ગમું મારી નોકરી ગમે પણ મારું ઘર જોઈને ના પાડી દે, આવું ઘણા સમય સુધી ચાલ્યું. અંતે મેં કંટાળી જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લેવાનું નકકી કર્યું. 


જીવનસાથી પસંદગી મેળામાં જવાની મને એટલી ઉતાવળ કે ન પૂછો વાત, એ માટે તો હું બસસ્ટેન્ડ પર બસ આવવાની હતી તે સમય કરતા હું એક કલાક વહેલો પહોંચી ગયો. તે દિવસે તો ઘડિયાળ પણ મારી દુશ્મન બની બેઠી'તી. તે પણ ચાલવાનું નામ લેતી નહિ. સમય માંડ માંડ પસાર થયો, બસ આવી, જગ્યા પણ મળી ગઈ. બસ ઉપડી ગઈ પણ કમનસીબે બસ જે મળી તે બળદગાડીની માફક ચાલે એટલે ત્યાં પણ મારા નસીબે આંખ આડા કાન કરી દીધા જેવી પરિસ્થિતિનું સર્જન થયું, પણ હું તો નક્કી કરી બેઠો'તો કોઇપણ સંજોગો સર્જાય તોય મેળ પાડી ને જ આવવું છે, જે માટે કંઈ પણ કરી છૂટવું. 


માંડ માંડ સવારે સાડા નવ ની આસપાસ હું જીવનસાથી પસંદગી મેળામાં પહોંચ્યો. જલ્દી જલ્દી મેં મારી હાજરી નોંધાવી, ચા પીધી ન પીધી એમ ને એમ હું હોલમાં ગોઠવાઈ ગયો. હવે તો મને એક ઇચ્છા સતાવતી ક્યારે આ કાર્યક્રમ શરૂ થશે ! ને ક્યારે મારો વારો આવશે ! 

કાર્યક્રમની શરૂઆત દીપ પાગટ્યથી થઈ, બધા મહેમાનો આવી ગયા, બધા ગોઠવાઈ ગયા. ધીમે ધીમે પરિચયની શરૂઆત થઈ. એક પછી એક યુવક-યુવતીઓ પરિચય આપવા લાગ્યા. મને પરિચયમાં રસ ન હતો કોઈ મને હા પાડે તેમાં જ રસ હતો. એ માટે તો મેં એકીશ્વાસે આખા જીવનસાથી પસંદગી મેળાની પ્રોફાઈલ જોઈ નાખી, જો કોઈ મારા લાયક કન્યા મળી જાય તો તુરંત તેનો સંપર્ક કરી તેની જોડે મિટિંગ ગોઠવવી. 


સ્ટેજ પર યુવક-યુવતીઓ પોતાના પરિચય આપતા ત્યારે તો હું એ જ નિરીક્ષણ કરતો કઈ છોકરી મારા લાયક છે જે મારા પરિવાર તથા તેના પરિવારનું નામ રોશન કરી શકે તેવા વ્યક્તિત્વ ગુણો ધરાવતી યુવતીની શોધમાં હું બેઠો બેઠો રાહ જોતો. ક્યારેક ક્યારેક તો એવું લાગતું કે હું કોઈ બીજા સ્થળે તો આવી ગયો નથી ને ! કેમકે અમુક દશ્યો તો જાણે રેમ્પ પર મોડેલિંગ કરતા જોવા મળતા. 

અંતે મને એવું લાગ્યું કે ભગવાને આ યુવતીઓનું મારા માટે સર્જન કર્યું હશે કે નહીં ! તુરંત મેં ફોન હાથમાં લઈ એક પછી એક કન્યાઓના માતપિતાના મોબાઈલ પર એક પછી એક મેસેજ કર્યા "તમે મને પસંદ છો, હું તમને પસંદ હોવ તો મારી પ્રોફાઈલ વિગતો જોવા વિનંતી" તે માટે મારો ફોન નમ્બર આપ્યો.


હું પરિચય દેવા ઉભો થયો એટલે મારુ ધ્યેય તો બસ એક જ કોઈને ગમી જવું તેના માતપિતાના હ્રદયમાં આપણું સ્થાન બનાવી નાખવું એ માટે મેં મારી અવનવી ખાસિયતો જણાવી. તે સમયે તો મને એવું લાગ્યું કે બધા મારી સામું એકી નજરે જોઈ રહ્યાં છે તો હમણાં જ મારું ગોઠવાઈ જશે, અચાનક ચિંતા પણ થવા લાગી કે જો કોઈને હું ગમી ગયો અને અહીં નક્કી કરી નાખશે તો હું શું કરીશ ! તેવા વિચારોના વાદળો ઘેરાઈ ગયા ! પણ ઈશ્વરની પસંદગી પાસે કોઈનું ચાલતું નથી, એમ મારા આશાના વાદળો તો માત્ર વમળો બની ગયા. કોઈએ મારો સંપર્ક સુધા ન કર્યો. મારી આશાઓ પર પાણી ફરી વળ્યું. છેલ્લે તો એક આશા રહી જીવનસાથી પસંદગી મેળામાં કન્યા ન મળી કશો વાંધો નહિ પણ ઈનામી લક્કી ડ્રો માં ગીફ્ટ મળશે તેવી આશા સાથે હું થોડી રાહ જોઈ બેસી રહ્યો. 


ડ્રો શરૂ થવાનો હતો, એક પછી એક ઈનામની ટિકિટો ખોલવામાં આવી તેમાં મારુ નામ ન આવ્યું એટલે હું નિરાશ થઈ ગયો પણ મેં હિંમત ન હારી. મારા મિત્રોના શબ્દો હું યાદ કરતો 'બી પોઝીટીવ' છેલ્લા ડ્રો સુધી મેં પ્રતીક્ષા કરી મને આશા હતી, મને મારા કર્મ પર વિશ્વાસ હતો. અંતે ભગવાને મારી અરજ સાંભળી. મારો નંબર બોલવામાં આવ્યો હું અવાક બની ગયો મારુ નામ નીકળ્યું, મને તો આશા ન હતી પણ ઈનામી ડ્રોમાં ટીવી લાગ્યું. ટીવી લઈ સ્ટેજ પરથી નીચે ઉતર્યો કાર્યક્રમ પૂર્ણ થયો એવું જાહેર થયું હું ઘરે જવા નીકળ્યો ત્યારે અચાનક ફોન રણક્યો. મને મારુ નામ તથા મારી વિગતો પૂછી તેમને મારામાં રસ હોય તેવું જણાયું. એક અઠવાડિયા પછી મારા ઘરે મને જોવા આવ્યા ને મારુ ગોઠવાઈ ગયું. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller