ધ્રાસકો
ધ્રાસકો
આજે પરીક્ષાનો છેલ્લો દિવસ, છેલ્લું વિજ્ઞાનનું પેપર. પેપર પૂરું થાય એટલે બસ શાંતી જ શાંતી, હાઈસ્કૂલમાંથી મુક્તિ અને કોલેજની મજા લેવાની.
બપોર થઈ પેપર પૂરું કરી શાળામાંથી બહાર આવ્યો એટલે હાશકારો થયો ! માંડ માંડ પરીક્ષા પતી, હવે તો મોજે મોજે કરવાની હતી એવી અટકળો વિચારો સાથે ઘરે આવ્યો.....
પપ્પા સાંજે નોકરીએથી ઘરે આવ્યા, ઘરમાં આવતાની સાથે જ મેં તો મારા બધા સ્વપ્નોની વણઝારો પપ્પા આગળ રજૂ કરી એટલે પપ્પાએ સાંભળ્યું પણ કોઈ પત્યુત્તર ન આપ્યો, એટલે મનમાં શંકા- કુશંકાઓ ઘેરાવા લાગી, પ્રશ્નો ઉતપન્ન થવા લાગ્યા, પણ મેં વિચાર્યું.
"હજી પપ્પા આવ્યા છે એટલે હાલ કોઈ ઉતાવળ કરવી નથી સવારે વાત."
નાહી ધોહી સવારમાં ફ્રેશ થઈ, ચા નાસ્તો કરી હવે પપ્પા આગળ હું મારા સ્વપ્નો રજૂ કરવા જાવ ત્યાં તો પપ્પા નીકળી ગયા'તા. હું તો મમ્મીને ઠપકો આપવા લાગ્યો,
મને તમે કીધું નહીં ! પપ્પા જાય છે તેનો જરાં ઈશારો શુદ્ધા ન કર્યો !
મમ્મી બોલ્યા નહિ, તે પોતાના કામમાં લાગી ગયા કઈ સાંભળ્યું ન હોય
તેમ.
હું તો વિચારોમાં ને વિચારોમાં મમ્મી - પપ્પાને કોસવા લાગ્યો, એવામાં સાંજ પડી ગઈ તેની કાંઇ ખબર જ ન રહીં.
પપ્પુ બોલાવા આવ્યો ત્યારે મને સમયનું ભાન થયું. પપ્પુ અને હું ફ્રેશ થવા બહાર ગયા, ચાલતાં ચાલતાં નાસ્તા બજારમાંથી પસાર થયા એટલે સ્વાભાવિક છે કે સુંદર સજાવટ ભરેલી દુકાનોથી અળગા કેમ રહી શકાય ! પપ્પુએ કહ્યું ચાલ પીઝા ખાવા જઈએ ! મેં તો થોડી આનાકાની કરી કેમકે મારા ગજવામાં તો..... પછી મેં તો બહાના બનાવવાનું શરૂ કર્યું. .... પપ્પુ સમજી ગયો, પપ્પુએ કહ્યું ! કહી વાંધો નહિ દોસ્ત, હું આપી દઉં, ચાલ મારી જોડે !
અમે તો દુકાનમાં પ્રવેશ્યા, મસ્ત મજાની ગાદી વાળી ચેર અને તે પણ કુલરની સામે હતી ત્યાં ગોઠવાયા !
બે પીઝાનો ઓર્ડર કર્યો !
ત્યાં તો થોડીક ક્ષણોમાં વેઈટર બે પીઝા સરસ મજાની ડીશમાં લઇ આવ્યો,
મેં થોડી તીખી ચટણીનો ઓર્ડર કરવા વેઈટરની સામું જોયું ..... અને હું તેની સામું જોઈ જ રહ્યો ! પીઝા ખાધા વગર સીધો ઘરે જ ભાગી આવ્યો..... મને કોઈ હોશ જ ન રહ્યાં !