Vrajlal Sapovadia

Comedy Others Children

4.0  

Vrajlal Sapovadia

Comedy Others Children

પ્રલયની લઘુ કથા

પ્રલયની લઘુ કથા

3 mins
141


હિપોપૉટેમસના અધ્યક્ષ સ્થાને એકાદશીના પવિત્ર દિવસે જંબુદ્વિપ ઉપર જળચર પ્રાણીઓની સભા ભરાઈ છે. ક્લાયમેટ ચેન્જના ગંભીર મુદ્દે સર્વ એકત્ર થયા છે. ઝીંગા, શાર્ક, વ્હેલ, કાચબા, દેડકા, સીલ, જળસાપ, ડોલ્ફિન, માછલી, દરિયાઈ ઘોડો, મગર, કરચલા, કેકડા, ગોકળગાય જેવા અનેક સભ્યો હાજર હતાં. ગોકળગાયે પ્રસ્તાવની શરૂઆત કરી કે ક્લાયમેટ ચેન્જના કારણે આપણે ગતિ કરી શકતા નથી. ઝીંગાએ ઠરાવ મુક્યો કે ભૂચર પ્રાણીઓને લીધે આપણે જમીન ઉપર જઈ શકતાં નથી, બાકી આપણે રોકેટ ગતિએ દોડી તો શું ચાલી પણ શકીએ. આંસુ સારતા મગરે કહ્યું આમ તો આપણે દયાળુ જીવ છીએ પણ આપણા અસ્તિત્વ માટે બધાં સંમત થાવ તો અધ્યક્ષની મદદથી આપણે બધાં જ ભૂચર પ્રાણીઓનો નાશ કરી નાખીએ. ડ્રાંઉં ડ્રાંઉં કરતાં અને થોડા ડરતા ડરતા દેડકા ભાઈ બોલ્યા, મારા મામા જમીન ઉપર રહે એટલે હું તો વેકેશનમાં ત્યાં જ હોઉં છું, વેકેશન પછી આ સત્કાર્ય થાય તો મારો મત પાક્કો. હિપોપૉટેમસ બોલ્યું, તથાસ્તુઃ અને ઓક્ટોપસે પોતાના પગ ગણી આગાહી કરી કે આવતા 24 કલાકમાં એક પણ પ્રાણી જીવતું નહીં રહે. ખુશ થઇ બધાં છુટા પડ્યાં.

ખાપરા કોઢિયાની ગુફામાં બધાં ભૂચર પ્રાણી બુદ્ધ આઠમના પવિત્ર દિવસે અધ્યક્ષ ચૂંટવા ભેગાં મળ્યાં છે. સિંહ, વાઘ, ચિત્તો, શિયાળ, ગધેડું અને ભૂંડ અધ્યક્ષ પદના ઉમેદવાર છે. સામાન્ય રીતે આક્રમક ગણાતા પ્રાણીઓ આજે શાંત છે. ગધેડા ભાઈ ભૂંક ભૂંક કરતા પોતાની દાવેદારીનો પ્રચાર કરે છે, ભૂંડ કાદવમાંથી સુતા સુતા ગધેડાભાઈને પોતાનું સમર્થન જાહેર કરે છે. બંને બુદ્ધિશાળી મિત્રો પોતાની મહેનતથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે. નવા ઉપાધ્યક્ષ એવા ભૂંડ ભાઈ પ્રસ્તાવ મૂકે છે કે અમને આ કિચડીયા ખાડા નાના પડે છે, તો દરેક પ્રાણી ખાડા ઉપરાંત કૂવા, તળાવ, નદી અને દરિયામાં રહી શકે એવી વ્યવસ્થા માટે આ સભાએ નક્કર પગલાં ભરવા જોઈએ. બીકણ એવા સસલા ભાઈએ મગરની બીક બતાવી. શિયાળ ભાઈ બોલ્યા કે જો સિંહ, વાઘ, ચિત્તો અને દીપડો જો આજ્ઞા આપે તો આપણે બધાં જ જળચર પ્રાણીઓનો એક દિવસમાં નાશ કરી શકીએ. બધા અધ્યક્ષ સામું જુવે છે એટલામાં આત્મ વિશ્વાસથી ભરપૂર ગધેડાભાઈ બોલ્યા, આપણે સર્વ જીવ હિતાયમાં માનીએ છીએ તેથી અમારો સર્વેને આદેશ છે કે એક એક જળચર પ્રાણીને વીણી વીણી ને ખતમ કરવો એ જ આપણો ધર્મ છે, એમાં જ સર્વ જીવોનું હિત સમાયેલું છે. આનંદથી બધા મીઠા સ્વપન જોતાં જોતાં ગુફામાં જ સુઈ ગયાં. 

શકરાભાઈની વાડીએ બધાં જ શાકાહારી પશુ પંખી પોષી પૂનમે શાકોત્સવ મનાવવા એકઠા થયા છે. શાકમાં વઘાર થોડો આકરો આવી ગયો ને હરણભાઈને છીંક તો હાથીભાઈને હેડકી ઉપડી ગઈ. ઊંટ અને ઘેટું બોલ્યું કે જો માંસાહારી પશુ પંખીનો ખાત્મો બોલી જાય તો છીંક કે હેડકી ના આવે. હંસભાઈ બોલ્યા અમારી એક એક ચાંચથી બધા માંસાહારી પશુ પંખીનો નાશ ન કરું તો મારો ધર્મ લાજે. પોતપોતાની ભાષામાં બધાએ પોતાની પણ આવા સત્કાર્યમાં જોડાવા મરજી દર્શાવી. શાક ખાઈ બધાં છાસટિયાના ખેતરમાં છૂપાઈને માંસાહારી પશુનો વધ કરવા તૈયાર થઈ ગયાં. 

અખાત્રીજના દિવસે ગીધભાઈના કુંવરના લગ્નમાં બધાં માંસાહારી પશુ પંખી મસાણે મિજબાની માણે છે. ઘોરખોદા પરિવારની કુંવરીને પરણવા કુંવર થનગને છે. મડદું જલ્દી નિકાલ કરવાની ઉતાવળમાં લાકડાં થોડા ભીના આવી ગયા હોવાથી આમલેટમાંથી ખીમો થઈ ગયો ને જોત જોતામાં જાનૈયા અને માંડવિયા સામ સામે આવી ગયાં. ડાહ્યા ડમરા કાગડાભાઈ વચ્ચે પડ્યા અને ભીના લાકડા માટે શાકાહારી પશુ પંખીને જવાબદાર ઠેરવ્યાં. દીપડો બોલ્યો, એમાં શું મોટી વાત છે, શાકાહારી પશુ પંખીનો નાશ કરવો તો આપણો ધર્મ છે અને આ કામ તો આપણા માટે ડાબા હાથનો ખેલ છે. કન્યા વિદાય પહેલા જ બધા પશુ પંખી કાચો પાક્કો ખીમો ઝાપટી પોતાના ધર્મની રક્ષા કરવા ઉપડી ગયા.  

અને ઓક્ટોપસની આગાહી અક્ષરસહ સાચી પડી. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy