પ્રકૃતિની ગોદમાં લંચ
પ્રકૃતિની ગોદમાં લંચ
વાનગી સારી હોય અને કુદરતી વાતાવરણમાં ખાતા હોય તો ખૂબ મજા આવે. પિકનિક જેવું લાગે અને જે આનંદ મળે એનું શબ્દોમાં વર્ણન શક્ય નથી.
મારું પિયર રાજુલા અને મમ્મીનું ઘર એટલે એક ફાર્મ. એવી જગ્યાએ આવેલું છે જ્યાં બંને બાજુ પહાડ અને વચ્ચે તળાવ છે. અને આ બાજુ નદી વચ્ચે મમ્મીનું ઘર. અને એમાં કેટલા બધા વૃક્ષો આંબા, પપૈયા, આસોપાલવ. વળી ગાજર અને મકાઈનું વાવેતર કરેલું એટલે જાણે ધરતી એ લીલુડી ચાદર ઓઢી હોય એવું લાગે. શિયાળાની ઠંડીમાં તો ધુમ્મસ હોય એટલે પહાડ જાણે બરફ ના હોય એવું લાગે. એ જોઈને વિચાર આવે કે ઈશ્વરે આપણાં આનંદ માટે કેવી સરસ પ્રકૃતિ સર્જી છે !
અમે રાજુલા ગયા ત્યાં વાડીના રીંગણાં તોડી. ચૂલામાં શેક્યા. બધો જ તાજો મસાલો નાખી ઓળો - રોટલો ચૂલા પર બનાવ્યા. ઓળાંમાં લીલા વટાણા નાખ્યા. લીલી ડુંગળી એ પણ વાડીની. કઢી ખીચડી પણ ચૂલા પર બનાવ્યા.
મહેમાન બધા બોમ્બે બાજુના હતા. ખૂબ મજા આવી. મહેમાન તો ખુશ થઈ ગયા કે આવો આનંદ આવી ખુશી ફાઈવ સ્ટાર હોટેલમાં પણ નથી મળી.
ખરેખર કુદરતી વાતાવરણમાં જે જમવાની મજા આવે એવી બીજે ક્યાંય ના આવે.
બધા ને એક પિકનિક જેવું લાગ્યું. બધાના જીવનમાં યાદગાર રહે તે માટે મોબાઇલમાં ફોટો પાડ્યાં. કૂવાનું પાણી પીધું. ડુંગર પર ચડ્યા અને ત્યાં ફોટા લીધા. ખરેખર કુદરતે આપણને કેટલું આપ્યું છે.
ખરેખર જો કુદરતી વાતાવરણમાં રહેતા ખેડૂતો નથી ડિપ્રેશનમાં આવતા, નથી એને બહુ દવા લેવી પડતી. મજબૂત અને ખડતલ શરીર રહે છે. અનાજ શાકભાજી શુદ્ધ હવા આ બધું માનવીની તંદુરસ્તી પર ચોક્કસ અસર કરે છે.
અને માનવી એ વારંવાર આવા કુદરતી સ્થળો એ મુલાકાત લેવી જોઈએ.
શુદ્ધ હવા શુદ્ધ ખોરાક મન ને પણ શુદ્ધ બનાવે છે. શુદ્ધ મનમાં શુદ્ધ વિચારો આવે જે સફળતા અપાવે. અને કુદરતની નજદીક લઈ જાય છે.
હું પણ વારંવાર મારા ફાર્મની મુલાકાત લઈ ને ઉદાસી ને ખુશીમાં રૂપાંતરિત કરી લઉં છું. બે ચાર કવિતાઓ લખી મન ને સંતૃપ્ત કરી લઉં છું. શાયદ શબ્દો ને પણ મારી જેમ કુદરતનું સાનિધ્ય ખૂબ ગમતું હશે એટલે જ વધારે કવિતા અને વાર્તા લગભગ કુદરતી વાતાવરણમાં લખાઈ છે. જ્યાં પંખીઓ પણ આપણને આવકાર આપતા હોય એવું લાગે.
ફૂલો જાણે આપણી તરફ દોસ્તીનો હાથ લંબાવે છે આ વૃક્ષો જાણે નૃત્ય કરતા હોય એવું લાગે. આ અલબેલી હવા જાણે આપણને આવકારો આપતી હોય એવું લાગે. આ હવા જાણે ફૂલોની સુંગંધ આપણને ભેટ ધરે છે.
બસ ઈશ્વરના લાખો શુકર હું અદા કરી લઉં છું. બસ પ્રકૃતિની ગોદમાં જન્મ આપવા માટે.
