STORYMIRROR

Amit Chauhan

Comedy

3  

Amit Chauhan

Comedy

પ્રકાશકના ઘેર

પ્રકાશકના ઘેર

6 mins
180

આકાશને પૈસા લેવાના બાકી નીકળતા હતા. એક પ્રકાશક સાથે તેને કેટલાક મહિનાથી સંપર્ક હતો. પ્રકાશક માટે તે રાત-દિવસ જોયા વિના કામ કરતો હતો. કોણ જાણે કેમ પણ છેલ્લા કેટલાક વખતથી પ્રકાશક ; તેને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હતા. આકાશને ગુસ્સો ચઢતો હતો પણ તે ગુસ્સા ઉપર કંટ્રોલ કરી દેતો હતો. 

તે જ્યારે નાનો હતો ત્યારે એક કહેવતના સંપર્કમાં આવ્યો હતો. એ કહેવત એટલે એ જ કે જે કામ બળથી ન થાય તે કામ કળથી થાય. તે પ્રકાશકની લાઈફ સ્ટાઈલથી પરિચિત હતો. દિવાળીના નવા દિવસોમાં અને ઉનાળાના વેકેશનમાં પ્રકાશક પોતાના પરિવારના સભ્યો સાથે જોવાલાયક સ્થળો જોવા જતા હતા. આ ઉપરાંત તેઓ કપડાં પણ ચીલાચાલુ નહી બલકે મોંઘા પહેરતા હતા. ટૂંકમાં, ખૂબ જ એશ આરામ વાળું જીવન જીવતા હતા. 

 પોતાના પ્રકાશકને ઉઘાડા પાડવાની તેને ઈચ્છા થઈ આવી. તેને પ્રકાશકને ઉઘાડા પાડવા હતા પણ કોની સામે ? પબ્લિક સામે ? ના, એને તો એમને પોતાની પત્ની સામે ઉઘાડા પાડવા હતા. એમની પત્ની એટલે નેહાભાભી. 

 આ માટે તેણે એક દિવસ રાત્રે ખૂબ જ વિચાર કર્યો. વિચાર કરતાં કરતાં તેને એક ગજબનો વિચાર સૂઝી આવ્યો. જેવો તેને વિચાર આવ્યો કે તે ધીમા અવાજે ગણગણવા લાગ્યો, " આવતીકાલે શહેરમાં પહોંચું અને પ્રકાશકના નિવાસસ્થાને રેડ પાડુ!  " 

પોતે જાણે આવકવેરા વિભાગનો હેડ ન હોય એમ એણે 'રેડ 'શબ્દ પ્રયોજ્યો. 

પ્રકાશકને ત્યાં પહોંચીને શું કરવું એ અંગેનું પ્લાનિંગ તે મનોમન જ કરવા લાગ્યો. એ પછી તે પોતાની પથારીમાંથી ઊભો થયો. એની પથારી એટલે લાકડાનો ખાટલો. તેણે સ્ટીલના લોટામાં ભરી રાખેલું પાણી પીધું. એણે દરવાજાની સ્ટોપર ખોલી. એ પછી ઘરમાં દાખલ થયો. તેણે પોતાના મમ્મીને જગાડ્યા. એ પછી કહેવા લાગ્યો, " મમ્મી, ઓ મમ્મી...આવતીકાલે સવારે હું શહેરમાં જવાનો છું. મારું ટિફિન તૈયાર કરી આપજે. " 

" સારું " તેના મમ્મી કહેવા લાગ્યા. 

 આટલું જણાવ્યા બાદ તે પોતાની પથારીમાં પાછો આવી ગયો. એ પછી તે શાંતિથી સૂઈ ગયો. સવારે જ્યારે તે શહેરમાં પહોંચ્યો ત્યારે તેને એકદમ યાદ આવ્યું કે આ ટાણે તો પ્રકાશક પોતાની ઑફિસે હશે. તેણે પ્રકાશકને ત્યાં રાત્રે જવાનું મુનાસીબ માન્યું. પણ રાત પડે એ પૂર્વેનો સમય પસાર ક્યાં કરવો એ એક સવાલ હતો. એને સાયન્સ સિટી જવાનો વિચાર આવ્યો. એ માટે તે પહેલા તો બીઆરટીએસ બસ સ્ટોપ ખાતે પહોંચ્યો. અને ત્યાંથી ટિકિટ લઈને સાયન્સ સિટી પહોંચ્યો. ત્યાં તેણે ત્રણેક કલાક ગાળ્યા. ટિફીન પણ તેણે ત્યાં જ પૂરું કરી દીધું. અને એ પછી તે પ્રકાશકના નિવાસ સ્થાને આવ્યો. તેઓ એક મોટા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201મા રહેતા હતા. એપાર્ટમેન્ટનું નામ હતું: સિલ્વર લાઈન. તેણે જોયું કે અહીં એક વોચમેન પણ બેઠા હતા. તેણે તેમને સઘળી હકીકત જણાવી દીધી. અને એ પછી પૂછ્યું, "બોલો હવે હું એમના ફ્લેટમાં પાઈપ વાટે જાઉં તો તેમાં કશું ખોટું છે ?  " 

"સ્હેજ પણ નહીં " વોચમેન કહેવા લાગ્યા. 

" ફ્લેટ નંબર 201મા જતી પાઈપ કઈ છે ? " આકાશે પૂછ્યું. 

એ પછી વોચમેન પોતાની બેઠક પરથી ઊભા થયા અને એપાર્ટમેન્ટની દીવાલ પરની અનેકવિધ પાઈપ જોવા લાગ્યા. એ પછી મનમાં કશીક ગણતરી કરતા હોય એવો ભાવ ચહેરા પર લાવી એમણે કહ્યું, " આ લોખંડની પાઈપ દેખાય છે ને તે સીધી ફ્લેટ નં 201 માં જાય છે. "

એ પછી આકાશે ફ્લેટમાં જવાની તૈયારી કરી દીધી એણે વૉચમેનની આંખોમાં આંખો મિલાવતા કહ્યું, " તમતમારે હવે તમારી જગ્યા પર જાવ " 

વોચમેન ચાલ્યા ગયા. આકાશે પોતાનો સ્માર્ટ ફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને તેની બેટરી ચાલુ કરી. એ પછી તેણે તળિયેથી લઈને છેક ઉપરના છેડા સુધી ; પાઈપનું નિરીક્ષણ કર્યુ. તેણે જોયું કે પાઈપ ઉપર અમુક અંતરે ક્લેમ્પ લગાવેલા હતા. તેણે બે હાથનો ઉપયોગ કરીને પાઈપ ઉપર ચઢવાનું શરૂ કર્યું. જ્યાં ક્લેમ્પ આવતા હતા ત્યાં તે પોતાના પગ ટેકવતો હતો. બરોબર એ જ ઘડીએ એને બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો !

એ પ્રસંગ હેઠળ તે રાયણના ઝાડ ઉપર ચઢ્યો હતો. અને એવી જગ્યા શોધીને બેસી ગયો હતો કે જ્યાંથી આરામથી બેસીને રાયણ ચૂંટી શકાય. જોકે એ વખતે તે રાયણ ખાવા માટે ઉપર ચઢ્યો હતો. એ વખતે એને એવી થોડી ખબર હતી કે આવનારા વર્ષોમાં ઉઘરાણી માટે આમ ચોરની પેઠે પાઈપ વાટે ફ્લેટમાં જવાનું થશે ! તે વિચારવા લાગ્યો કે માનવજીવનમાં કેવાં કેવાં વળાંકો આકાર લે છે ! 

ઉપર ચઢતાં ચઢતાં તે ફ્લેટની બારીએ આવી પહોંચ્યો. તેણે અંદર નજર નાંખી તો પ્રકાશક રાકેશ ભાઈ અને એમના પત્ની નેહા ભાભી ; આરામ ફરમાવતા જોવા મળ્યા. એણે બારી ખખડાવી એ સાથે જ નેહા ઊભાં થઈ ગયા. એમણે પ્રકાશકને ઢંઢોળ્યા. પ્રકાશક આખો ચોળતા ચોળતા કહેવા લાગ્યા, " નેહા, શું થયું ? " આ આપણા ઘરની બારી તરફ જુઓ, સંધુય હમજાઈ જાશે !" નેહા કહેવા લાગ્યા !

" ઓહ , આ તો આકાશ ભૈ…." રાકેશભાઈ કહેવા લાગ્યા. 

" કોણ છે અને આ ટાણે ? " નેહાએ રાકેશભાઈની નજીક સરકતા પૂછ્યું. 

" શાંતિ રાખ...એ લેખક છે અને મારે એમને પૈસા આપવાના બાકી રહે છે !" પ્રકાશક રાકેશભાઈએ અચકાતા અચકાતા કહ્યું. 

" હં...હવે ખબર પડી કે તમે મારા માટે મોંઘા મોંઘા જે ડ્રેસ અને સાડી લાવો છો તે કેવી રીતે આવે છે ! આવું કરવાનું ! આકાશ ભાઈની હાલતનો તો વિચાર કરવો જોઈતો હતો. તમે તો મારી હાલત બોલીવુડના શિલ્પા બેન જેવી કરી નાંખી. મારી ઈજજતની પથારી ફેરવી નાંખી. " 

  આટલું કહ્યાં બાદ નેહા ભાભી વોર્ડરોબ તરફ ગયા. અને કેટલાક ડ્રેસ અને સાડી એક પ્લાસ્ટિકની બેગમાં મૂકીને આકાશને આપતા કહેવા લાગ્યા, " લો, આ બધું લઈ જાઓ. "

" પણ ભાભી હું આ બધું લઈ જઈને શું કરું ? " આકાશ કહેવા લાગ્યો 

" અરે ! એમ કેમ બોલો છો ? તમારા વાઈફ પહેરશેને !" નેહાભાભી કહેવા લાગ્યા. 

" પણ મેં તો લગ્ન જ નથી કર્યા " આકાશે ફૉડ પાડતાં જણાવ્યું. 

એ પછી એમણે રાકેશ ભાઈને પોતે બંધ કરવાનું જણાવે નહીં ત્યાં સુધી ઊઠ-બેસ કે ઉઠક -બેઠક જારી રાખવા કહ્યું. એ પછી તેઓ આકાશને તેનો હાથ પકડીને કિચનમાં લઈ ગયા. અને કહેવા લાગ્યા, " હવે તમારે મને તમને ગમતી આઈટમ કહેવી પડશે. હું તરત જ તમને બનાવી આપીશ. અને એ કામ પતે એટલે તમે મને કહો કે મારા મિસ્ટર પાસેથી તમારે કેટલા રૂપિયા વસૂલ કરવાના રહે છે. " 

આકાશે એની લાક્ષણિક અદામાં પોતાના હાથની એક આંગળી કપાળ પર મૂકી અને અન્ય આંગળીઓ હોઠના ભાગ ઉપર રાખી અને એ પછી કહ્યું, " મેગી હો જાયે !" 

નેહા ભાભી જાણે પોતાના ધર્મ પત્ની ન હોય એ રીતે તેણે એમને જવાબ આપ્યો. 

" ઓહ ! કેટલું સિમ્પલ કામ કહ્યું તમે. અબઘડી બનાવી આપું " નેહાભાભી કહેવા લાગ્યા. એ પછી એમણે મેગીના ત્રણ પેકેટ કાઢ્યા અને મેગી બનાવવા માંડી. એ દરમિયાન એમણે ઉઠક બેઠક કરી રહેલ રાકેશભાઈ ઉપર પણ નજર નાંખી અને કહ્યું, " જો ઊભા રહયા તો તમારી ખેર નથી ! 

મતલબ કે એમણે પ્રકાશકને ઉઠક બેઠક જારી રાખવા જણાવ્યું. મેગી તૈયાર થઈ જતાં નેહા ભાભીએ તૈયાર થયેલ મેગીને એક પ્લેટમાં કાઢી અને આકાશને આપી. એ પછી રાકેશભાઈના દેખતા જ એમણે આકાશના માથાંમાં પોતાનો જમણો હાથ હળવે હળવે ફેરવવાનું આરંભ્યું. 

આ દ્રશ્ય જોતાં જ પ્રકાશક ડઘાઈ ગયા. અને ઊભા રહ્યા અને એ પછી કહેવા લાગ્યા, " નેહા, પ્લીઝ આવું ન કર..મારાથી આ જોવાતું નથી. "

" આ જુઓ છો એ વળી કેવું !" નેહાભાભી બોલ્યા 

"એવું નથી કે'તો પણ તું સમજતી કેમ નથી ? " રાકેશભાઈ કહેવા લાગ્યા. તેઓ રીતસરના નેહાભાભી સામે કરગરી રહ્યા હતા. આકાશ તો ચમચીનો ઉપયોગ કરતા મેગીની મજા માણી રહયો હતો. 

ખેર, એ પછી નેહાભાભી આકાશને પૂછ્યું, " કેટલા રૂપિયા લેવાના છે ? " 

"પાંચ હજાર " આકાશે કહ્યું. 

"સાંભળ્યુ ? " નેહાભાભીએ રાકેશભાઈ તરફ જોતાં કહ્યું 

" હા" કહેતા રાકેશભાઈ તિજોરી તરફ ગયા અને એક સો રૂપિયાની પચાસ નોટ લઈને પરત ફર્યા. એ પછી એમણે આકાશને આપતા કહ્યું, " લો" 

એ દરમિયાન નેહાભાભી બોલ્યા, " આટલું જ ન ચાલે. એમને વચન આપો કે હવે ફરી ક્યારેય તેમની મહેનતના પૈસા દબાવી રાખવામાં નહીં આવે." 

એ પછી પ્રકાશક પોતાના બે હાથ જોડીને કહેવા લાગ્યા, " ઓ મહાન લેખક, તમારી આગળ તો હું એક સામાન્ય તણખલું છું. મને મારી મિસ્ટેક બદલ માફ કરી દો. હવેથી હું તમને તમારી મહેનતના પૈસા સમયસર આપી દઈશ"

" સારું સારુ હવે મારે હજી ઘણુંબધું લખવાનું બાકી છે. " કહેતાં આકાશ રવાના થવા લાગ્યો. 

એ પછી નેહાભાભીએ પ્રકાશકને કહ્યું," હવે તમારી સજા પુરી થાય છે. હવે શાંતિથી સૂઈ જાવ" 

આટલું સાંભળ્યા બાદ પ્રકાશક તો ખુશ ખુશ થઈ ગયા. એ તો તાબડતોબ પથારીમાં પડ્યા અને ચાદર ઓઢીને સૂઈ ગયા. 

આકાશ જેવો બારીએથી જવાનો પ્રયત્ન કરતો હતો કે નેહાભાભીએ એને અટકાવ્યો અને કહ્યું, " દરવાજાએથી જઈ શકો છો. "

આ સાભળી આકાશ બોલ્યો, " પાઈપ વાટે ચઢવાની પ્રેક્ટીસ તો થઈ ગઈ….હવે ઉતરવાની પ્રેક્ટિસ પણ કરવી પડે ને ! " 

નેહાભાભીએ જોયું કે ગણતરીની મિનિટોમાં; આકાશ અદ્રશ્ય થઈ ગયો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy