mariyam dhupli

Inspirational Thriller Others

4.6  

mariyam dhupli

Inspirational Thriller Others

પરિપક્વ

પરિપક્વ

6 mins
600


હું રસોડામાં નિયત સમયે રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી. અસહ્ય ગરમીને ચીરતો રસોડાનો પંખો ડાબેથી જમણી તરફની દિશામાં વારાફરતી પોતાની ગરદન ફેરવી રહ્યો હતો. રસોડાની બારીમાંથી બહાર રસ્તા ઉપર રમી રહેલા સોસાયટીના બાળકોનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. મારુ કુકર સમયાંતરે પાંચ સીટી વગાડી ચૂક્યું કે મેં સ્ટવની આંચ બંધ કરી અને કૂકરને નિરાંતે ઠંડુ પડવાનો સમય આપ્યો. શાકભાજી સમારવા મારા હાથ કામે લાગ્યાજ કે બાથરૂમનો દરવાજો ખુલ્યાનો અવાજ બધા અવાજો વચ્ચેથી માર્ગ કાઢતો ધીમી ગતિએ મારી શ્રવણ ઈન્દ્રિય સુધી પહોંચ્યો. આયેશા સ્નાન લઈ ચૂકી હતી. બાથરૂમમાં પ્રસરેલી હૂંફાળી શેમ્પુની સુવાસ રસોડાને પણ એની મનમોહક સુગંધ વડે મહેકાવી રહી હતી. ફરી કોઈ નવું શેમ્પુ આ છોકરી વસાવી લાવી હતી. હજી બાથરૂમમાં હાજર અન્ય બે શેમ્પુની બોટલનું શેમ્પુ સમાપ્ત પણ થયું ન હતું. જરૂર ટીવીની જાહેરાતમાં કોઈ નવું શેમ્પુ નિહાળ્યું હશે. દર બે દિવસે નવું ઉત્પાદન લઈ બજારમાં ધસી પડતા ઉત્પાદકો ગ્રાહકોને શ્વાસ લેવાની પણ ફુરસદ આપતા નથી. મારા મનનો બળાપો ફરી એ આંધળા અનુકરણની જડ, મૂળ બનેલા જાહેરાતના વિશ્વ ઉપર ઉમટી પડ્યો અને રસોડામાંથીજ એક બરાડો આયેશા સુધી પહોંચ્યો. 

" તારો ઓરડો સાફ કરીને જજે. " 

મારા બે હાથ હતાં અને કામ દસ હાથ જેટલું. ઉપરથી કામવાળી રજા ઉપર હતી. આયેશા આમ તો મારી હોંશિયાર દીકરી. ભણવામાં સૌથી આગળ. અમારા પરિવારની એ પહેલી યુવતી હતી જેણે કોલેજમાં પગ મુક્યો હતો. મને એના ઉપર ખુબજ ગર્વ હતો. આમ છતાં કેટલીક બાબતો ઉપર અમારા વિચારો કદી મેળ ખાતા જ નહીં. 

એનો ઓરડો સાફ કરવા કહું તો તરતજ એનું બળવાખોર વ્યક્તિત્વ છંછેડાઈ જતું. 

" ભાઈને તો તમે કહેતા નથી.એનો ઓરડો તો તમે જાતે સાફ કરો છો. તો હું શા માટે કરું ?" 

હું અકળાઈને જાત બચાવ કરતી. 

" ભાઈને સાસરે નથી જવાનું. તારે તો જવાનું છે. " 

ત્યારે મારી રાણી લક્ષ્મીબાઈ વધુ છંછેડાતી. 

" ને એ હોસ્ટેલ રહેવા ગયો તો ? તું મને ભણાવીને સ્વ નિર્ભર બનાવી રહી છે. જો આવનારી ભાભી પણ સ્વ નિર્ભર હશે તો ? નોકરી કરતી હશે તો તારા રાજદુલારાના નખરા ઉઠાવવા એની પાસે સમય હશે નહીં. એમ પણ આજકાલની છોકરીઓને ટોવેલ હાથમાં માંગનારા નહીં પોતાનું કામ પોતે સંભાળી શકનારા સ્માર્ટ અને સેલ્ફ ડિપેન્ડન્ટ છોકરાઓ ગમે છે. જો જે તારો રાજકુંવર નિકાહ વિના લટકી ન પડે..." 

મને એવી ડરાવી કે હું તો નદીમની પાછળ હાથ ધોઈને પડી ગઈ. ઘરના નાના મોટા કામમાં એનો પણ ફાળો હોય એની તકેદારી રાખવા લાગી. શરૂઆતમાં એ તૈયાર ન થયો. પણ મારુ વલણ કડક રહ્યું એટલે એણે હથિયાર નાખવા જ પડ્યા. આયેશાની હઠને કારણે બંને પોતપોતાનો ઓરડો જાતેજ સાફ કરતા થયા અને મારુ પણ એટલું કામ ઓછું થયું.

પરંતુ આયેશાની બળવાખોરી મને ઘણી પજવતી. મને ઘણીવાર એની ખુબજ ચિંતા થતી. સમાજમાં રહેવા માટે એનો ક્રાંતિકારી સ્વભાવ એને જ નડશે. એ વિચારે મારુ માતૃત્વ મારી ભાવનાઓ ઉપર હાવી થઈ જતું. 

ને એ જિદ્દી પણ કેવી ! એના મનમાં હોય એ જ કરતી. ચાર લોકોમાં એની જોડે બેઠી હોવ તો હૈયું સતત ધબકતું રહેતું. એની હાજર જવાબીથી ઘણી વાર કાપે તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિમાં હું મુકાઈ જતી. મારા પિતરાઈ ભાઈની દીકરીના લગ્ન વખતે એ મારા પિતરાઈ ભાઈને મોઢે કહી આવી હતી.

" દહેજ આપીને લગ્ન કરાવવા એટલે દીકરી પણ વેચી દેવી અને કિંમત પણ જાતે ચૂકવવી. " 

બોલો હવે એનું શું કરવું ? મારી ધમકીઓનો તો એના ઉપર કોઈ અસર જ ન હતી. એના આવા સલીકાઓ નિહાળી કોણ એની જોડે નિકાહ કરશે ? એ વિચારેજ મારી રાતોની ઊંઘ ઊડી જતી. પણ એને જાણે કશી પડીજ ન હતી. 

ક્યારે એનું આ અલ્લડપણું બંધ થશે અને ક્યારે એ પરિપક્વ બનશે ? અલ્લાહ જ જાણે ! 

મારો નિસાસો રસોડામાં ફરી વળ્યો જ કે બહારના માર્ગ તરફથી એની સ્કૂટી સ્ટેન્ડ ઉપરથી ઉતરવાનો અવાજ પડઘાયો. હું ચોંકી. એ ક્યારે તૈયાર થઈ બહાર નીકળી ગઈ ? 

એણે વાપરેલા નવા શેમ્પુની હૂંફાળી મનમોહક સુગંધ યાદ આવતા જ હું રસોડાથી બહાર નીકળી બાલ્કનીની દિશા તરફ ભાગી. 

આ છોકરીએ નાકમાં દમ કરી મૂક્યો હતો. હમણાજ એણે પોતાના લાંબા સુંવાળા વાળ શેમ્પુથી ધોયા હતાં. બાળપણથી મને એ જ તાલીમ મળી હતી કે વાળ છુટ્ટા રાખી ફરવાથી વાળને ટોક લાગી જાય, નજરાઈ જાય. મારી અમ્મી હમેશા મારા વાળ સૂકવીને કસીને બાંધી દેતી. ક્યારેક એક લાંબો ચોટલો તો ક્યારેક એક ભરાવદાર ગોળ ગોળ વાળેલો મોટો અંબોડો. પણ છુટ્ટા રાખીને ફરવાની અનુમતિ મને મળી જ ન હતી. તેથીજ આજે પણ મારો અંબોડો અમ્મીના ઈન્તેકાલ પછી પણ મારી જોડેજ મારી ટેવ બની સાથે હતો. મારા સુંદર કેશ ન નજરાયા હતાં, ન ટોકાયા હતાં. 

આયેશા સોળ વર્ષની થઈ ત્યાં સુધી તો હું એના માથે ઊભી રહી બધુજ નિયમબધ્ધ અને શિસ્ત અનુસાર કરાવતી. એના વાળમાં તેલની નિયમિત માલિશ કરતી. કસીને ચોટલા બાંધતી. જે દિવસે શેમ્પુ કર્યું હોય ત્યારે વાળ તરતજ સૂકવી એને ગમે તે સ્વરૂપે સરખા બાંધી આપતી. છુટ્ટા, લહેરાતા વાળ મને જરાયે ન ગમતા. ટોક કે નજર લાગી જવાનો ભય મને સદા ડરાવ્યા કરતો. 

પરંતુ કોલેજ શરૂ થતા જ આયેશાનો બળવાખોર સ્વભાવ વધુ ફળદ્રુપ થયો. કોલેજમાં તેલ વાળા વાળ ન લઈ જવાય એ વળી કેવો વિચિત્ર નિયમ ? વાળમાં તેલ નાખવાથી હાસ્યનું પાત્ર કઈ રીતે બનાય ? પોતાના વાળની માવજત, દરકાર અને સંભાળ લેવામાં નાનમ કેવી ? શિક્ષણ અને જ્ઞાનમાં આગળ વધવાની સાથે તો શરીરની કેળવણી વધુ ઉજ્જવળ થવી જોઈએ ને જાગૃતતાનો દર વધવો જોઈએ. પણ વાત સાંભળે એ આયેશા થોડી. વાળમાં તેલની માલિશ ધીમે ધીમે નહિવત થઈ રહી હતી. છતાં રવિવારે તો હું તેલની શીશી લઈ કાયદેસર એની પાછળ દોડતી અને ચંપી કર્યા પછી જ જંપતી. દર રવિવારે એ કેશ યુદ્ધ ઘરમાં અચૂક થતું. શેમ્પુ કર્યા બાદ વાળને યોગ્ય રીતે સૂકવી બાંધી દેવા માટે પણ એવો જ સંઘર્ષ. કેટલી વાર કોલેજ જવા પહેલા હું આમજ દોડતી ભાગતી એની પાછળ પહોંચતી અને બળજબરીએ છુટ્ટા મુકાયેલા એના ભરાવદાર કાળા કેશને બાંધવા માટે એને વિવશ કરતી. ફેશન પરેડના નામ ઉપર અનુસરાતી એની બેદરકારી ક્યારે અટકશે અને ક્યારે એ પરિપક્વ બનશે એજ મારા જીવનની સૌથી મોટી ચિંતા હતી. 

આજે પણ એણે વાળ શેમ્પુ વડે ધોયા હતાં. ચોક્કસ હવામાં છુટ્ટા લહેરાવતી એ નીકળી પડી હશે એની મનમાં પાક્કી ખાતરી જોડે હું એ એકવીસ વર્ષની મારી અપરિપક્વ રાજકુમારીને ટોકવા બાલ્કનીમાં લટકાઈ અને મારો અવાજ એના નામ જોડે મહોલ્લામાં પડઘાયો. 

મારો આદેશાત્મક સ્વર કાનમાં પડતાજ એણે ધીમે રહી ગતિ પકડી રહેલી સ્કૂટીને બ્રેક લગાવી. માથા ઉપરથી હેલ્મેટ કાઢ્યું. સીટ ઉપર ગોઠવાયેલું એનું શરીર થોડું પાછળની દિશામાં ફર્યું અને એના કાળા સનગ્લાસિસ નાક ઉપર સર્યા. એની નજર મારા આગળના શબ્દો જાણતી હોય એવા હાવભાવો જોડે મારી નજર ઉપર આવી થોભી. 

એને નિહાળતાંજ મોઢામાંથી બહાર આવવાની તૈયારી કરી રહેલા મારા શબ્દો છોભીલા પડી ફરીથી ગળા નીચે ઉતરી પડ્યા. એક સુંદર સ્કાર્ફની અંદર બધાજ વાળ માવજતથી એવા વ્યવસ્થિત વીંટળાયા હતાં કે એક વાળ પણ કોઈની નજરે ચઢી ન શકે. 

મને અચરજ થયું. આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો. આ આયેશા જ હતી ? આજે ન તો મેં એની ઉપર બરાડો પાડ્યો હતો, ન એની જોડે કોઈ બળજબરી કરી હતી. એણે પોતાની ઈચ્છાએ જ વાળ બાંધી લીધા હતાં. ચમત્કાર સર્જાયો હતો. 

" મિતાલીને મળવા જાઉં છું. " 

સ્કૂટી ઉપરથી ગુંજેલા એના શબ્દોએ બધીજ ચોખવટ કરી નાખી. મેં આદરથી આંખોના ઈશારા વડે પોતાની સહમતી દર્શાવી. સ્કાર્ફ વાળા માથા ઉપર એની હેલ્મેટ ફરી સજ્જ થઈ અને એની સ્કૂટી ઝડપથી આગળ વધી ગઈ. 

બાલ્કનીમાંથી એને નિહાળી રહેલી મારી માતૃત્વની દ્રષ્ટિમાં ટાઢક ફરી વળી. મારી રાજકુમારી હવે સાચા અર્થમાં 'પરિપક્વ' થઈ ગઈ હતી. એના માટે ગર્વ અને પ્રેમ બંને હૃદયમાં છલકાઈ રહ્યા હતાં. આજે એણે મારા લીધે વાળ બાંધી લીધા હતાં એટલે નહીં. પણ પોતાની બેસ્ટ ફ્રેન્ડ માટે બાંધ્યા હતાં એટલે. 

મિતાલી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. એના બધાજ વાળ ખરી ચૂક્યાં હતાં. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational