STORYMIRROR

Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

પરીક્ષકોની બલીહારી ?

પરીક્ષકોની બલીહારી ?

14 mins
963


દુગ્ધ સ્વેત, દધી સ્વેત હૈ, હંસ સ્વેત બગ સ્વેત.

પડે મામલે જાનીએ, ઊંચ નીચકો ભેદ.

એક સમે બાદશાહને એક બીજા દેશના રાજાએ પત્ર લખી મોકલ્યો કે, 'અસ્લનો કમ અસ્લ, કમ અસ્લનો અસ્સલ, ગાદીકા ગધ્ધા, અને બજારકા કુતા. એ ચારે વસ્તુ શોધીને મારી તરફ મોકલી આપો, નહીં તો મારી સાથે લડાઇ કરવા તત્પર થાઓ. આવી મતલબનો પત્ર વાંચી બાદશાહ મન સાથે વિચાર કરવા લાગો કે, 'આમાં લખેલી ચીજો મળી શકે તેવી નથી, તો પછી લડાઇ કરવા વગર છુટકો નથી, પણ લડાઇ કરવાથી લાખો માણસો અને કરોડો રૂપીયાનો ભોગ આપવો પડશે તેનું કેમ કરવું ? આમ શોકરૂપી સાગરમાં ડુબી બાદશાહ બેઠો હતો, એટલામાં બીરબલ આવી સલામ ભરી કહ્યું કે, 'અહો, ખલેકે ખાવીંદ એવાતો કેવા વીચારમાં પડી ગયા છો કે જેથી મુખ મુદ્રા નીસ્તેજ થઇ ગઇ છે ! એવું તે કેવું સંકટ આવી પડ્યું છે ? એવો તે કેવો મહા બળવાન દુસ્મન જબરદસ્ત ફોજ લઇ ચઢી આવ્યો છે ? જો એમ હોય તો સાવધ બની, ઉદાસીનો ત્યાગ કરી સેવકને જલ્દી ફરમાવો એટલે માથે ભમી રહેલા વિપત્તિના કાળા વાદળને વિખરી નાખવાને ઉતાવળેથી ઉપાય શોધીએ.' આવાં બીરબલનાં વાક્યો સાંભળી શાહને ઘણી ધીરજ મળી. શાહે તરત તે આવેલા રોહસેન રાજાનો પત્ર બીરબલના હાથમાં આપીને કહ્યું કે, અહો, સુજ્ઞ બીરબલ, વાંચી, વિચારી કહો કે, આને માટે શું કરવું ? બીરબલે તે પત્ર વાંચીને કહ્યું કે, સરકાર ? જે ચાર ચીજો મંગાવી છે તે હાલ તુરત મળી શકે એમ નથી. પણ તેને મેળવતાં કેટલોક વખત લાગશે ? માટે તે ચીજો વાસ્તે કશી પણ ચિંતા ન રાખતા, તે રાજા પાસેથી એક વર્ષની મુદ્દત માગી લો. પછી જોઈ લો, ફતેહના ડંકા !' બીરબલનો આવો વીચાર જાણી શાહના મુખપર પસરી રહેલી ઉદાસી ઉડી ગઇ, અને આનંદમય બની ઉત્સાહની સાથે પત્ર લખી એક વર્ષની મુદ્દત માંગી લીધી. આ પત્ર રવાના કર્યા પછી બીરબલે બાદશાહને કહ્યું કે, હવે ઢીલ ન રાખતાં તે ચારે વસ્તુ પ્રાપ્ત કરવાની ઘણી જરૂર છે. વખત પાણીના રેલા જેવો છે, તેને વહેતા વાર નહી લાગે, આ વસ્તુ શોધવા જતા એક લાખ રૂપીઆ જોઈશે ? તે આપવામાં ઢીલ ન થવી જોઇએ !' બીરબલનો આવો આગ્રહ જાણી શાહે તરત ખજાનચીને કહી એક લાખ રૂપીઆ બીરબલને ઘેર મોકલાવ્યા. લાખ રૂપીઆ મળતાંજ, બીરબલે તે ચારે વસ્તુ મેળવવાને માટે પ્રદેશ જવાની શાહ પાસેથી કેટલાક માસની રજા મેળવી ઘેર આવ્યો. જોઇતાં સાહીત્યો સાથે લઇ, સાહુકારનો વેષ ધારણ કરી, રોહસેન રાજાનાં નગર ભણીનો રસ્તો લીધો. દેશ દેશાવરોની ચરચા જોતો જોતો કેટલેક દીવસે રોહસેનની નગરીમાં જઈ ચડ્યો. નગરીના રમણીક બજારના મધ્ય ભાગમાં આવેલા એક અતી શોભાયમાન મહેલ ભાડે રાખી મહોટા ઠાઠ માઠ સાથે શરાફી વેપાર ચલાવી પેઢી જમાવી દીધી.

બીરબલના મનોહર મહેલની સામેજ આવેલા સરકારી ચબુતરામાં કોટવાલ રહેતો હતો. ધીમે ધીમે તેની સાથે ગાઢી મિત્રાચારી બાંધી. કહ્યું છે કે, હાથ પોલો તો જગત ગોલો, પૈસો વેરીને પણ નમાવે છે ? તો પછી કોટવાલ જેવો, બીરબલ જેવાને વસ થાય તેમાં શી નવાઇ ? આ બે વચ્ચે ઘાઢો સંબંધ થતાજ, કોટવાલે નવીન પ્રકારના સુખો આપી ગાન તાન રંગ રાગની, મજા ચખાડી, બીરબલનું અંતકરણ પોતા તરફ ખેંચવા લાગો. જો નગરમાં કોઇ ગાનાર કે નાચનાર આવ્યું હોય તો તરત તેડી લાવે અને તેના રંગનો રસ ચખાડે, અને તેના બદલ તેને કોટવાલ જે રકમ આપવા કહે તે આ વેષધારી શાહુકાર આપે. આ પ્રમાણેના રંગ ઉડાડી આ બંને જણ મોજ માણતા હતા.

એક સમે એક નવયોવના અને મદે ભરેલી રમણીક રંભા જે ગાયન કળામાં પ્રવીણ હતી તે મહાસ્વરૂપા સુંદરીને એક રથમાં બેસાડીને કોટવાલ શેઠ પાસે આવીને આગ્રહ સાથે કહ્યું કે, 'કોકીલાના કંઠને ટક્કર મારે, અને કોયલડીને ઢાંકી નાખે એવી આ ગાનારી અને નૃત્ય કરનારી શું મધુરી નાયકા છે, માટે તેના ગાન તાનની ધુની ઉરાડવા દેવી જોઇએ ?' તે સાંભળી શેઠે કહ્યું કે. 'થવાદો, મારી ક્યાં ના છે.' હુકમ મળતાંજ તે કામણગારી નાયકાએ નાચ અને ગાયનની રંગ છેલ કરી મુકી, સરસમાં સરસ રાગ રાગણીના આલાપ છેડી શેઠના મહેલને ગજવી મુકી શેઠને આનંદમયી બનાવી દીધો. આ નાયકાના મોહક ગાયનો સાંભળીને શેઠે કોટવાલને પુછ્યું કે, 'કોટવાલજી ! આ નાયકાને શું ઇનામ આપીએ કે જેથી તે સંતોષ પામે.' કોટવાલે કહ્યું કે, 'શેઠજી ? બસો રૂપીઆ આપો.' કોટવાલના કહેવા મુજબ શેઠે તે નાયકાને બસો રૂપીઆ ગણી આપ્યા. રૂપીઆ લઇ નાયકા બહુ ખુશી થઈ. મોંહ મલકાવી, કટાક્ષબાણ મારી, શેઠને નમન કરી, મન સાથે વીચાર કરવા લાગી કે, 'અત્યાર સુધીમાં મારા હાવભાવવાળા ગાયન અને નાચથી રીઝીને આના સિવાય કોઇએ પણ આવી ઉદારવૃતીથી આવું ઉંચું ઇનામ આપ્યું નથી. ગાયન કળાની ખુબી જાણનાર આજ શેઠ છે. તો પછી આવી કદર બુજનારને મુકી પાંચ પચીસની નજીવી રકમ માટે સા સારૂં બહાર ભટકવું જોઇએ ! મુરખાઓની તાબેદારી ઉઠાવવા કરતાં, આવા નરની ઉઠાવવામાં આબરૂ છે ? આવો વિચાર કરી તે શેઠ પ્રત્યે બોલી કે, 'શેઠજી ! હું રૂપીઆની ભુખી નથી, પણ આપની સેવાની ભુખી છું. માટે કૃપા કરી, મારો દાસી તરીકે સ્વીકાર કરશો !' તે રમણીક રંભાનું આવું કોમળ વાક્ય સાંભળી શેઠે કહ્યું કે, 'જો તું શુદ્ધ પ્રેમની પ્રતીમા બની પ્રેમ પંથની પ્રતિજ્ઞા પાળવા ચહાતી હો તો મારી ના નથી ? ખુશીથી રહે, આનંદથી હાસ્ય વિનોદ કર, અને જે જોઇએ તે લે.' નાયકા તરત શેઠનો હાથ પકડી, પોતાના રથમાં બેસાડી પોતાને ઘેર લઇ ગઇ, અને નાના પ્રકારની કોકકળા શીખવી શેઠનું મન પ્રસન્ન કરી, આખી રજની રતિ રંગમાં ગુજારી, સહવાર થતાજ શેઠ પોતાને ઘેર જવાની રજા માગી. તેથી તે નાયકા ગદગદિત કંઠે કહેવા લાગી કે, 'અહો, હૈયાના હાર ! આમ જવા સજ થયા છો, પણ અહીંથી આપને જવા દેવા ચાહતી નથી. છતાં પણ આપ તરછોડી ચાલ્યા જશોતો અબળાનું કાંઇ જોર નથી !' શેઠે કહ્યું કે, 'અહો, દીલરંગી ! જરા પણ દીલગીર થઈશ નહી ? ખાઓ પીઓ અને અમન ચમન ઉડાવો ? માટે ખુશીથી રજા આપ, હું તારો છું તારાથી જરા પણ અળગો ન રહેતાં તને હંમેશાં મલીશ. આમ કહી શેઠ પોતાને ઘેર આવ્યો, અને કળાવતી સાથે પ્રેમમાં પડ્યો.

થોડાક દીવસ વીત્યા પછી કોટવાલે આવીને શેઠને પુછ્યું કે, 'શેઠજી ! તમે પરણ્યા છો કે કુંવારા !' શેઠે કહ્યું કે, 'જો કોઇ ઊંચા ખાનદાનની કન્યા મળે તોજ પરણવાની વાત બને ? નહીં તો પરણવા કરતાં કુંવારા રહેવું એ વધારે પસન્ન કરૂં છું.' કોટવાળે કહ્યું કે, 'શેઠજી ! એમ છે તો હું આપની ઉમેદ પાર પાડવા માટે ઉંચા કુળની કન્યા શોધી કાઢવાને મહેનત કરીશ.' આ પ્રમાણેની ગોઠવણ કરી કોટવાળ પોતાને ઘેર વિદાય થયો.

થોડાક દીવસ બાદ કોટવાળે ઉંચા કુળની સ્વરૂપવાન સુંદરી શોધી કાઢી શેઠની સાથે વિધિયુકત પાણી ગ્રહણ કરવી આપ્યું. આવા ઉંચા કુળની કન્યા મળવાથી શેઠ ઘણો ખુશી થયો.

આ ગ્રહણી માટે શેઠ એવો નિયમ શરૂ કર્યો કે દરરોજ બહાર જતી વખતે જોરથી તે મનોરમાના વાંસા પર કોરડો મારવો અને પછી પોતાના કામ ઉપર જવું. આ પ્રમાણે કોરડા મારતા કેટલાક દીવસો નીકળી ગયા. પછી બજારમાંથી એક પાકેલું તરબુચ લાવી તેના બે ટુકડા કરી નાંખી લાલ રંગવાળા રૂમાલમાં બાંધી લઇને, દોડતો દોડતો ઘરમાં દાખલ થયો, અને પોતાની પરણેલ સ્ત્રી જોઇ શકે તેવી રીતે આંખની ભ્રમરો ચઢાવી, તેને સટાસટ બે કોરડા ખેંચી કાઢી કયું કે, 'જો આ રાજાના કુંવરનું માથું કાપી લાવ્યો છું તે આ પેટીમાં મુકું છું. માટે તું જો આ હકીકત કોઇને પણ કહીશ તો આ કુંવરની પેઠે તારા પણ બે કટકા કરી નાખીશ ? માટે ખબરદાર રહેજે.'

એમ કહી તે બે કટકા પેટીની અંદર મુકી, તાળું મારી ઝટપટ ઘરની બહાર નીકળી ગયો. હજી તો શેઠ લાંબો ગયો નથી એટલામાં શેઠાણીએ મોટેથી રડવા લાગી. આ બુમોની બરાડો સામે આવેલા ચબુતરામાં બેઠેલા કોટવાળને કાને અથડાણી. તે સાંભળતાંજ કોટવાળ કેટલાક સિપાઇઓ સાથે ત્યાં દોડી આવી શેઠાણીને પુછ્યું કે, 'અહો, શેઠાણી, આજ આટલા બધાં કેમ રડો છો ? શું દુઃખ આવી પડ્યું છે ? તમને કોણે સંતાપી? તેનું કારણ તો જરા જણાવો? તે રડતાં રડતાં કહેવા લાગી કે, 'શું કહું, કહેતા જીભ અટકે છે, શરીર કાંપે છે, છતાં કહ્યા વગર ચાલે એમ નથી. તમારા શેઠ જે મારા પતિ થાય છે તેણે રાજાના કુંવરનું માથું કાપી આ પેટીમાં મુકી તાળું મારી બહાર ગયા છે, મને આ વાત કોઇને ન જણાવવા માટેનું કહી બહુ મારી છે, તે મારના દુઃખથી રડું છું.' એમ કહી પોતાનો વાંસો ખુલ્લો કરી કોરડાના સોળ કોટવાળને દેખાડ્યા. તે જોઇ કોટવાળ બહુ ખેદ પામી બોલ્યો કે, 'આ ઉપરથી જણાય છે કે શેઠ મહા પાપીનો પાપી છે. એ પાપીને પકડી એના પાપની શિક્ષા કરાવું. શું મેં સારા કુળની કન્યા આવો માર ખાવા માટે પરણાવી હતી ? ધીકાર છે એવા ચંડાલોને !'

કોટવાલે તરત શેઠને પકડી લાવવા માટે સિપાઇઓને દોડાવ્યા. હુકમ થતાંજ કુતરાની પેઠે સીપાઇઓ શેઠની શોધ માટે દોડ્યા. ચારે તરફ તપાસ કરતાં શેઠ સપડાઇ ગયા. કશી પણ પુછપરછ ન કરતાં હડકાયા કુતરાના પેઠે સિપાઇઓ ભસવા લાગ્યા કે, 'જુઓ છો શું ફટકાવો ? એ હરામખોરને બાંધો ? એ અધમ પાપી ખુનીને પકડો ? અરે એ ખુન કરી ભમતો ફરતો હતો ? હવે ક્યાં જઇશ ? હાથે કરીને મોત માગી લીધું છે ? તું કેવો નીચમાં નીચ છે ? લે હવે તેનું ફળ ભોગવજે ?' તેને બાંધી ખુબ કોરડાના માર મારતા મારતા કોટવાળની પાસે લાવ્યા. માર સહન ન થઇ શકવાથી શેઠે કહ્યું કે,' અરે કાળા માથાના દુષ્ટ માનવીઓ મને વગર વાંકે શામાટે માર મારી અધમુવો કરી નાંખો છો ! મેંતો તમારો શું અપરાધ કીધો છે તે તો જરા જણાવો.' આ સાંભળી કોટવાલે કહ્યું કે, 'હરામખોર ચુપ રહે ? એતો જાણ્યું તારૂં ડહાપણ ? તે જેમ તે અપરાધ કીધો છે તે હમણાજ જણાઇ આવશે. અરે ઓ દુષ્ટ ! આવાં આવાં ઘોર કરમો કરવા માંડ્યાછે ? ઠીક છે ! હમણાંજ તારી કરણીના ફળ ચખાડું છું ?' આમ શેઠને ધમકાવી સિપાઇઓના મજબુત પહેરા સાથે રાજાની સમક્ષ ઉભો કરી કોટવાલે કહ્યું કે, 'નામદાર ! આ પાપીએ આપના કુંવરનું માથું કાપી પોતાના ઘરની પેટીમાં મુક્યું છે, તે વાત કોઈના જાણવામાં ન આવે તેટલા માટે તેણે તેની સ્ત્રીને ધમકી આપી તેણીનો વાંસો કોરડાથી ફાડી નાખ્યો છે માટે તે સ્ત્રીને બોલાવી તેનો વાંસો જોવાથી આપને ખાત્રી થશે.

આવું કોટવાળનું સાંભળતાંજ રાજાના ગુસ્સાનોપાર રહ્યો નથી,અને તેની કાંઈ પણ તપાસ કર્યા વગર ખુનીને એક્દમ શુળી ઉપર ચઢાવી દેવાનો કોટવાળને હુકમ આપ્યો. રાજાનો આવો કરપીણ હુકમ થતાંજ તરત કોટવાળ શેઠને સ્મશાન ભુમીપર લઇ ચાલ્યો. રસ્તે ચાલતા શેઠનો ચાકર શેઠને મળ્યો. તે જોઇ શેઠે પોતાના ચાકરને કહ્યું કે, 'તારી શેઠાણીને જઇને કહે કે તારો સ્વામી શુળી ઉપર ચઢે છે. આનો શું જવાબ આપે છે તે જલ્દીથી મને કહી જા. ચાકરે જઇ બનેલી હકીકત શેઠાણીને કહી. તે સાંભળી જરા પણ દીલગીરી ન થતાં શેઠાણી ગુસ્સાથી બોલી કે, ભલે ચઢવા દે, કરશે તે ભરશે, બીજા કોઇ શું કરશે ? શેઠાણીના આવા કઠોર શબ્દો સાંભળી ચાકરે તુરત આવી શેઠને તે હકીકત જણાવી. આ સાંભળી શેઠે ચાકરને કહ્યું કે, હવે તું મારી નાયકાને જઇને કહે કે શેઠ હમણાંજ આવે છે. ચાકરના શબ્દો સાંભળતાંજ તે નાયકા ઝટ ઉઠી બારીએ આવી શેઠની રાહ જોતી ઊભી.

શેઠે ધીરજથી કોટવાળને કહ્યું કે, જરા કળાવંતીના ઘર આગળ થઇને મને લઇ જશોતો આપનો ઉપકાર માનીશ !' તે સાંભળી કોટવાળ તેને નાયકાના ઘર આગળ લઇ ગયો. બારીએ રાહ જોતી ઉભેલી નાયકાએ શેઠને આવી દશામાં આવતો જોઇ તે બહુ ખેદ પામી, નીચે આવી કોટવાળને હાથ જોડી કહ્યું કે, 'આ બસો રૂપીઆ આપ પાન સોપારીના લો. અને માત્ર બે ઘડી સુધી આ શેઠને આ ઝાડની છાંયા નીચે બેસવા દેવાની કૃપા કરશો તે હું આપ સાહેબનો ઉપકાર માનીશ. હું રાજા હજુર જઉં છું. જો અપરાધ માફ કરી એમને છોડી મુકવાનો હુકમ કરશે તો ઠીક, નહી તો પછી લઈ જજો. પૈસો શું ન કરે ! પૈસો જોતાં મુનીવર ચળે તો પછી કોટવાળ કેમ ન ચળે ! કોટવાલે બસો રૂપીઆ લઇ તેમ કરવાની કબુલાત આપી.

પોતાના શેઠને છોડવી લાવવા માટે નાયકાએ ઉત્તમ પ્રકારના અલંકારો સજી ઠાઠ માઠની સાથે ઝાંઝરનો રણકારો બોલાવતી દરબારમાં પ્રવેશ કરી રાજાને હાવભાવથી ભરેલા ગાન તાનથી આંજી નાખ્યો. નાયકાના અદભુત નાચથી રાજા મોહીત પામી બોલ્યો કે, 'માગ ! માગ ! મરજીમાં આવે તે માગ !' નાયકાએ તરત વચન લઇ બોલી કે, 'તમે જે શેઠને શુળીએ ચઢાવવાનો હુકમ આપ્યો છે તેને તેમ ન કરતાં છોડી દો. રાજાએ કહ્યું કે, 'શેઠને તો ક્યારનો શુળીએ લટકાવી દીધો હશે. માટે બીજું કાંઇ માંગ. નાયકાએ કહ્યું કે, 'જો જીવતો હશે તો છોડી મુકવા હુકમ કરવો. તે સિવાય મારે કશુંએ જોઇતું નથી.' આ સાંભળી રાજાએ સિપાઈને તાકીદ આપી કે, જો શેઠ જીવતો હોય તો તેને એકદમ છોડી મુકવો. રાજાનો હુકમ થતાજ સિપાઇઓ તરત દોડ્યા. તપાસ કરતાં જ્યાં કોટવાળ અને શેઠ બેઠા હતા ત્યાં આવીને કોટવાળને રાજાનો હુકમ સંભળાવી દીધો. આ હુકમ સાંભળતાજ કોટવાલે શેઠને છોડી મુક્યો. અને નીચું ઘાલી કોટવાળ રસ્તે પડ્યો. એટલામાં નાયકા આવી, શેઠને બંગલામાં લઇ જઇ આસવાસના કરી, બનેલા દુખદાઇ બનાવથી તે નાયકાની આંખમાંથી આંસુની ધારા ચાલી. તે જોઇ શેઠે તેના મનને શાંત પાડવા માટે કહ્યું કે, 'તું જરા પણ ગભરાઇશ નહીં. આવી ખટપટ કોઇ કારણ સર મેંજ ઉભી કરી છે. હવે હું મારે દેશ જઈશ, અને ત્યાંથી થોડાક દીવસ પછી પાછો આવીશ. અને પછી તને હું મારી સાથે લઇ જઇશ, માટે તું જરા પણ ગભરાઇશ નહીં.' આ પ્રમાણે નાયકાને ધીરજ આપી બીજી આડા અવળી હાસ્ય વિનોદની વાતો કરી ત્યાંથી વિદાય થઇ પોતાનો વેપાર આટોપી નાંખી પોતાના દેશનો રસ્તો લીધો. રસ્તો કાપતા કાપતા બીરબલ બાદશાહના સન્મુખ આવી કહ્યું કે, 'મલ્યાલના રાજાએ ચાર વસતુઓ માગી હતી તે તૈયાર છે,' બીરબલનું આવું બોલવું સાંભળી શાહ બહુ ખુશ થઇ બીરબલને પુછ્યું કે, 'તે ચારે વસ્તુઓ ક્યાં છે ?' બીરબલે કહ્યું કે, 'સરકાર ! તે ચારે વસ્તુઓ રાજાના ગામમાં જ છે. માટે આપ મને એક પત્ર સહી સીકા સાથે લખી આપો.' બાદશાહે તરત સહી સીકા સાથેના પત્રમાં લખી જણાવ્યું કે, 'આપની મંગાવેલી ચારે ચીજો બીરબલ સાથે મોકલેલ છે તે તપાસી લઇ પાછો ઉત્તર લખી આપશો.' તે પત્ર લઇ બીરબલ મોટા ઠાઠ માઠને સાથે માલ્યાલની રાજધાનીમાં પ્રવેશ કરી અનુચરે સાથે રાજાને કહી મોકલાવ્યું કે, 'દીલ્લીથી બીરબલ આપની ભેટ લેવા આવ્યો છે.'

રાજાએ તરત દરબારમાં દાખલ કરવાનો ચોપદારને હુકમ આપ્યો. બીરબલ પણ રાજરીતી મુજબ દરબારમાં પ્રવેશ કરી રાજા સમીપ આવી યોગ્ય વિનયથી અભીવંદન કરી ઉભો રહ્યો. તે જોઈ રાજાએ પણ યોગ્ય આદર સત્કાર કરી બીરબલને બેસવાને આસન આપ્યું. અરસપરસ કુશળતા પુછી. બીરબલે શાહના હાથનો લખેલો પત્ર રાજાના હાથમાં મુક્યો. રાજાએ પત્ર વાંચી આશ્ચર્યતાથી બીરબલને પુછ્યું કે, 'તે ચારે વસ્તુ ક્યાં છે ?' બીરબલે કહ્યું કે, 'મહારાજ ! અહીંયાંજ હાજર છે.' એમ કહી પોતાના માણસને કહ્યું કે, 'મારી સ્ત્રી અને નાયકાને અહીં બોલાવી લાવો. ચાકરે જઇને બંનેને બોલાવી લાવ્યો, તે જોઈ તેણીઓને પોતાની પાછળ ઉભીઓ રાખી બીરબલે કહ્યું કે, 'સરકાર ! હું આપના નગરમાં શેઠનું નામ ધારણ કરી સરકારી ચબુતરાની સામે એક મોટો બંગલો ભાડે લઇ રહ્યો હતો. પછી તમારા કોટવાળ સાથે મિત્રાચારી બાંધી હતી, અને તે કોટવાલે મારી પાસેથી પુષ્કળ ધન સંપાદન કરી આ નાયકા સાથે સંબંધ કરાવી, આ ઉંચ કુળની કન્યા સાથે પરણાવ્યો હતો. આ પરણેતર સ્ત્રીને હમેશાં એક કોરડો મારવાનો ઠરાવ કીધો હતો. હવે આ સ્ત્રી અસલ છે કે કમ અસલ છે તેની ખાત્રી કરવા માટે બજારમાં જઇ એક પાકેલું તરબુચ ખરીદી તેના બે ટુકડા કરી એક રાતા રૂમાલમાં બાંધી ઘરમાં આવ્યો, અને અમારી સ્ત્રીને કહ્યું કે, 'આ રાજાના કુંવરનું માથું કાપી લાવ્યો છું તે તું કોઇને કહેતી નહીં.' એમ કહી તે બે કટકા પેટીમાં મુકી પેટી બંધ કરી. મારી બાયડીને જોરથી બે કોરડા મારી બહાર જતો રહ્યો. ઘરની બહાર પગ મુક્યા પછી મારી આ કુળવંતી નારી રડવા કુટવા લાગી અને ધમસાણ મચાવી લોકોના ટોળાં એકઠાં કીધાં. એ કોલાહલ સાંભળી કોટવાળ તેની પાસે ગયો, અને તેને શોર બકોર મચાવી મુકવાનું કારણ પુછ્યું. પોતાની દાઝ કાઢવાનો સમય આવેલો જોઈ મારી એ નારીએ બધી વાત કહી દીધી. તેથી કોટવાળ મને બાંધી આપની સમક્ષ લાવી ઉભો કીધો. અને તેના કહેવાથી આપે મને શુળી ઊપર ચઢાવવાનો હુકમ આપ્યો. મને થયેલી શુળીનો હુકમ મારી બાયડીને કહી મોકલાવ્યું છતાં મારો પ્રાણ બચાવવાની કાંઈ પણ પ્રેરણા ન કરતાં, વચમાંથી પાપ ટળ્યું એમ માની ખુશ બની બેઠી રહી તેથી તે અસલ નહીં પણ કમ અસલ એ આપની એક વસ્તુ લો. હવે આ જે નાયકા મારાં જમણા હાથ આગળ ઉભી છે તે કમઅસલ જાત હોવા છતાં મારી સાથે ઘાઢો પ્રેમ બાંધી રહી હતી, અને જરા પણ મારાથી ભીનભાવ રાખતી ન્હોતી. જ્યારે મને શુળીએ લઇ જતા તેના જોવામાં આવ્યો, તે જોતાજ તે દુખ રુપી સાગરમાં ડુબી માછલીના પેઠે તડફવા લાગી. અને આંખોમાંથી આંસુઓ પાડી બોલી કે, હવે મારી શી ગતી થશે ? હું કોને આશરે રહીશ ? એમ રૂદન કરતી વિચાર કરવા લાગી કે, ગમે તેમ થાઓ પણ મારા વ્હાલાનો પ્રાણ બચાવવો. મનુષ યત્ન પ્રૌઢ છે, ઇશ્વર કરશે તો કાર્ય સિદ્ધ થશે. એમ ધારી આપની પાસે આવી, આપને રીઝવી મારો પ્રાણ બચાવ્યો છે. તેથી આ કમઅસલ છતાં કમઅસલ નહીં પણ અસલ. માટે આપની આ બીજી વસ્તુ કમઅસલનો અસલ લો. હવે આપની આગળ જે કોટવાળ બેઠો છે તેજ બજારનો કુતરો ?' આ સાંભળી કોટવાલે કહ્યું કે, 'મને બજારનો કુતરો શા કારણથી કહો છો ?' તેના જવાબમાં બીરબલે કહ્યું કે, 'એતો કુતરાનો જાતી સ્વભાવ છે કે જ્યાં સુધી તેને બટકુ રોટલાનો ટુકડો ખાવાને મળે ત્યાં સુધી ધણીની તાબેદારી કીંવા મરજી જાળવી અનેક પ્રકારનાં લાડ લડે, એજ પ્રકારના તમે પણ છો. જુઓ, જે વખતે મારી બાયડીએ તમોને રાજાના કુંવરનું માથું લાવી પેટીમાં મુકવા સંબંધી સઘળી હકીકત કહી, પણ તેની તમે કંઇ પણ ખાત્રી કીધા વગર મને પકડી, મરાય તેટલો મારી, આબરૂ લુટવા બાકી રાખી નહીં. અરે એટલુંજ નહીં, પણ હું કોણ છું ? મારી રીતભાત કેવી છે ! તેની પણ તમે પરીક્ષા ન કરતાં બેશરમ બની ગયા. સાથે બેસી ખાધું પીધું, રંગ રમ્યાં. મોજો મારી તેનીજ ગરદન કાપવા સજ થયો. ખાય તેનુંજ ખોદે. જે ઘેરાયેલા વાદળમાંથી મને બચાવવો જોઇતો હતો, તેમ ન કરતાં નીમકહરામ બની મારી ઉપર જુલમ ગુજારી રાજાને બહાદુરી બતાવી ઇનામ મેળવવા માટે આવો અધમ બન્યો માટે તું બજારનો કુતરો ખરેખર થઇ ચુક્યો.' મહારાજ આ આપની ત્રીજી વસ્તુ લો, હવે ચોથી વસ્તુ જે ગાદીનો ગધ્ધો રહ્યો તે આપનેજ લાગુ પડે છે !' રાજાએ કહ્યું કે, 'તે શી રીતે !' બીરબલે કહ્યું કે, 'આપે મારા અપરાધની કાંઇ પણ તપાસ કીધા વગર એક હલકા અને નીચ માણસના કહેવા ઉપર ઈતબાર રાખી મારો નાશ કરવાનો હુકમ આપ્યો માટે, એ ચોથી ચીજ કોની પ્રત્યે લાગુ પડે છે તે આપજ વિચારી જુઓ. હવે આપને પહોંચેલી ચારે વસ્તુની પહોંચ, મારા શાહની ખાત્રી કરવા માટે લખી આપો.' બીરબલની ચતુરાઇ, તેની વીશાળ બુદ્ધીની ખુબી જોઈ રાજા અત્યન્ત પ્રસન્ન થઇ કીંમતી પોશાકો અને અમુલ્ય આભુષણોની ભેટ આપી, અને ચારે વસ્તુ મળ્યા બદલ પહોંચ લખી આપી બીરબલને મોટા માનની સાથે વરાવ્યો.

થોડાક દીવસ વીત્યા પછી બીરબલ બંને પ્રેમદાને લઇ દીલ્લીમાં આવી બાદશાહને સલામ કરી પહોંચનો પત્ર આપ્યો. તે વાંચી શાહે ઘણીજ બીરબલની તારીફ કરી અનહદ માન આપી પ્રથમ કરતાં બીરબલને વધારે ચાહવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics