પ્રેમપથ
પ્રેમપથ


ઢળતા સૂરજની લાલીમા જાણે આસમાનમાં ફેલાઇને પ્રેમનો રંગ પ્રસારી રહી હતી. મોસમના પહેલા વરસાદે મહેકતી માટીની ખુશ્બુથી પણ શ્વાસમાં પ્રેમાલાપ રટાતો હતો.એક પ્રેમી અને એક પ્રેમિકા, પરસ્પરની હથેળીઓને આંગળીઓથી સીવીને બંનેના બદનમાંથી પ્રવાહી થતા પ્રેમના સ્પર્શને માણી રહ્યાં હતાં. બંને મૌન હતા, પણ એ મૌનમાં પ્રેમ-રસના કંઈ કેટલાય સ્વાદ હતા, જે બંનેની દ્રષ્ટિમાંથી છલકાતા હતા. મુખ્ય રસ્તાથી થોડે દૂર નાનકડી ટેકરી પર ઝુમતા લાલ ચટ્ટાક ફૂલોથી શોભતા, સોહમણા ગુલમહોર નીચે સાવ અડોઅડ બંને બેઠા. પ્રિયતમના ડાબા હાથની સખ્ત હથેળીના આલિંગનમાં, પ્રિયતમાની સુકોમળ કમલદલ સમી ગુલાબી હથેળી વધુ લાલાશ પકડી રહી હતી. બંનેના હોઠ પર પરસ્પરને પામ્યાના પ્રેમાનંદનું સુમધુર સ્મિત રમતું હતુ. પ્રિયતમાની નશીલી માદક આંખો, સ્ત્રીસહજ લજ્જાના ભારથી ઝૂકેલી હતી. જ્યારે પુરુષની કસુંબલ આંખો પૌરુષી મદથી છલકાઇને ઘેઘૂર બની ગઈ હતી. પ્રિયતમે હળવેકથી આંગળીઓની પકડ ઢીલી કરી, પ્રિયતમાની સુકોમળ મલમલી આંગળીઓને જમણા હાથે મૃદુતાથી પકડીને, તેના પર હળવું ચુંબન આપ્યું. લજામણીનો છોડ વધુ સંકોચાયો. હળવેથી પાંપણોના પડદા ઊંચકાયા, ને નમણાં નેત્રોમાંથી વહેતી સ્નેહધારાએ, પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના પર્દાને હટાવી દીધો ! પુરુષે પ્રકૃતિને પોતાના આલિંગનમાં જકડી લીધી. ક્ષણભર બંનેની આંખો એકબીજામાં ઓતપ્રોત થઈ અને પછી ચાર આંખો બંધ થઈ, ચાર હોઠ ભેગા થયા અને બે ધડકતાં હૈયાં પરસ્પર ચંપાયા ! બે શ્વાસનો લય એક બન્યો. બંનેની પ્રેમ સમાધિને વધાવતી હોય એમ ફરી આકાશમાંથી ઝરમર વરસવા લાગી. ગુલમ્હોરના પુષ્પોમાંથી ચળાઇને શીતળ જળ બંને પર અભિષેક કરવા લાગ્યું, ત્યાં તો પવનનો તેજ પ્રવાહ ભાવ સમાધિમાંથી બંને પ્રેમીઓને વાસ્તવિક ધરા પર પાછા લાવ્યો.
પ્રેમીનું નામ હતું પિયુષ અને પ્રેમિકા હતી પ્રિયંકા ! નામમાં પણ અદ્ભુત સાયુજ્ય હતું. પિયુષ પોતાની નાજુક પોયણીને 'પ્રિયા' કહીને પોકારતો અને પ્રિયંકા પોતાના સોહામણા સાથીને 'પિયુ' કહીને પોરસાવતી. પ્રિયાના હોઠ પરથી માદકતાપૂર્ણ 'પિયુ' ઉચ્ચાર નીકળતો ને પિયુષનું રોમરોમ પુલકિત થઇ જતું.
બન્ને વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી હતી. દિલોજાનથી પ્રકટેલી ચાહત હતી. પ્રથમ દ્રષ્ટિએ પ્રકટેલો પ્રેમ ન હતો. પાંચ પાંચ વર્ષનો પરસ્પરનો પારિવારિક પરિચય હતો. બંને સાથે અભ્યાસ કરતા. પારિવારિક સંબંધોને લીધે સાથે જ વાંચવાનું બનતું. હા, બંનેની શિક્ષણ સંસ્થાઓ અલગ અલગ હતી.પણ અભ્યાસક્રમ સમાન હતો એટલે અધ્યયન સાથે થઈ શકતું. શરૂ-શરૂમાં વધારે ગુણાંક સાથે સાથી કરતા આગળ નીકળવાનો આનંદ હતો, અને પછી પોતાના કરતા સાથીને વધુ ગુણાંક પ્રાપ્ત થાય એની ખેવના રહેતી !
પાંચ પાંચ વર્ષના સહવાસે એક-બીજાના ગમા-અણગમા, સુટેવ- કુટેવ, સ્વભાવની લાક્ષણિકતા અને એકબીજાના વ્યક્તિત્વની ઓળખ આપી દીધી હતી. ઓળખાણે મૈત્રી સુધી અને મૈત્રીએ પ્રણય સુધીનો પંથ કાપતા પાંચ વર્ષ લીધા હતા. એકબીજાના વિચારોને ઓળખ્યા, મનોભાવોને માણ્યા અને હૃદયની ઊર્મિઓએ જ્યારે બળવો કર્યો ત્યારે મૈત્રી-બંધન સ્નેહ-બંધનમાં પરિણમ્યું હતું !
શબ્દને સ્પર્શ સુધી પહોંચવામાં એક વર્ષ, સ્પર્શને સંવેદના સુધી પહોંચવામાં બીજા બે વર્ષ અને સંવેદનાને સ્નેહ સુધી પહોંચવામાં બીજા બે વર્ષ એમ કુલ પાંચ વર્ષ વીત્યા હતા. ત્યારે હથેળીનો સ્પર્શ હોઠ સુધી પહોંચ્યો હતો ! પરિચય પ્રગાઢ બનીને પ્રણયમાં પરિણમ્યો હતો.
હા, એક વાત ચોક્કસ કે બન્ને પ્રેમીઓ એમની પરિપક્વતાને કારણે એમના પ્રેમને છુપાવી રાખવામાં સફળ રહ્યાં હતાં. પિયુષના બાપુને આ સંબંધ તરફ થોડી શંકા હતી. એ જ રીતે પ્રિયંકાની મોટી બેનને પણ આ પારિવારિક સબંધ નવી દિશા તરફ ફંટાયો હોવાનો અંદાજ આવ્યો હતો. પણ હજુ સુધી વડીલોની નજરે કે શેરી મહોલ્લા કે સમાજમાં ચણભણ થાય, એવી ખુલ્લી રીતે આ લોકોએ ક્યારેય પોતાના પ્રેમને પ્રદર્શિત કર્યો નહોતો. શહેર ઘણું મોટું હતું, અને બંનેનું મિત્રવર્તુળ પણ વિશાળ હતું. એટલે અઠવાડિયા-પખવાડિયામાં કોઇને કોઇ બહાને એકાદવાર બંને પ્રેમીઓ, શહેરથી દૂર એકાંત ટેકરીઓ વચ્ચે સુંવાળું સાનિધ્ય માણી લેતાં.
પણ હવે ગ્રેજ્યુએશન પૂરું થયું હતું. પ્રિયંકા માત્ર પ્રિયંકા હોત અને પિયુષ માત્ર પિયુષ હોત તો વાંધો ન હતો. પણ પ્રિયંકાનું રજીસ્ટર્ડ નામ 'પ્રિયંકાબા' હતું અને પિયુષનું રજીસ્ટર્ડ નામ પિયુષગિરી હતું !!
શહેરના પ્રથમ નાગરિક, મેયર શ્રી રણજીતસિંહ બાપુ-મોટા જમીનદાર હોવા ઉપરાંત, અનેક ઉદ્યોગો માલિક હતા. શહેરમાં બહુ મોટું નામ, માન અને ધાક ધરાવતા.
આર્થિક, સામાજિક અને રાજકીય રીતે આટલી ઊંચાઈ પર પહોંચવામાં એમની ક્ષત્રિય તરીકેની ધાક પણ કારણભૂત હતી. બલ્કે, પોતાનું જે કાંઇ સ્થાન હતું, જે માન હતું તે, તેમની સારપના લીધે તો ઠીક, પણ તેમની 'ભાઇગીરી'ને કારણે વધારે હતું !!
પ્રિયંકા બા, આવા એક ખૂંખાર બાપની બીજા નંબરની દીકરી હતી.
પિયુષગિરી ગામના મધ્યમ વર્ગના અતીત બાવા-સાધુ પરિવારમાં જન્મેલો, સૌથી મોટો પુત્ર હતો. તેના પિતા, શંકરગિરીબાપુ સીધા, સાદા અને સરળ આદમી હતા. તેઓ સાલસ અને મિલનસાર સ્વભાવના સાધુ પુરૂષ હતા. રણજીતસિંહે પોતાના બંગલાની બાજુમાં જ બનાવેલા શિવ મંદિરમાં પૂજારી માટે બનાવેલી સુવિધાપૂર્ણ નિવાસ વ્યવસ્થામાં રણજીતબાપુની મહેરબાનીથી, સુખરૂપ સપરિવાર જીવતા હતા. મંદિરની આવક સારી એવી હતી અને શંકરગિરીના ભજન- કિર્તન અને ભક્તિને કારણે સમાજમાં તેમનું એક આદરપૂર્ણ સ્થાન હતું.
પ્રિયંકાબા અને પિયુષગિરી એક જ સમાજના સામસામા છેડાના માનવી હતા. રણજીતસિંહને શંકરબાપુ પર પૂરો ભરોસો હતો. તેઓ તેમને સાધુબાવા સમજીને ક્ષત્રિય તરીકે, પોતાના આશ્રિત હોવા છતાં આદરપૂર્વક તેમને રાખતા. ક્ષત્રિય સમાજની દીકરીઓને મર્યાદાપૂર્ણ વ્યવહાર દાખવવો પડતો.પણ પાડોશી બાવાજીના પરિવાર સાથે ઉદારતા પૂર્ણ ઘરોબો હતો. અને એટલે જ પિયુષ અને પ્રિયંકા આસાનીથી મળી શકતા હતા. પણ હવે પરિસ્થિતિ સંભાળવાની હતી. ગ્રેજ્યુએશન પછી પ્રિયંકાના વિવાહ માટે રણવીરસિંહ પોતાની બરાબરના ક્ષત્રીય ખાનદાનમાં તેનું લગ્ન ગોઠવવા માગતા હતા. હવે આગળ અભ્યાસ કદાચ પ્રિયંકા માટે શક્ય બનવાનો ન હતો.
અને પિયુષને હવે કોઈ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવી, અથવા સ્પર્ધાત્મક પરીક્ષા ઉતીર્ણ કરી, નોકરી મેળવવાની હતી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પારિવારિક અસમાનતાની બહુ મોટી ખાઈ બંને વચ્ચે હતી. જે ઓળંગી શકવાનું આસાન ન હતું, બલ્કે લગભગ અશક્ય હતું. બેમાંથી એક્કેય પોતાના પરિવારમાં બંનેના સંબંધની વાત મુકવાનું સાહસ કરી શકે એમ નહોતા. આજ પછી ઉનાળુ વેકેશન શરૂ થવાનું હતું અને પ્રિયંકાબાના વેવિશાળ માટે ઘરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, ત્યારે બંનેએ પોતાના સંબંધોને કોઇ નક્કર અંજામ સુધી પહોંચાડવાનો સમય આવી પહોંચ્યો હતો.
ભાવ-સમાધિમાંથી બહાર આવી, બન્ને વાસ્તવિકતાની ધરતી પર આવ્યા, ત્યાં તો પ્રિયંકાની આંખમાં આંસુ છલક્યા અને પિયુષની આંખમાં વિષાદ ઉમટયો. વાતનો પ્રારંભ કરતાં પિયુષે કહ્યું, "પ્રિયા, મેં મારા પિતાને વાત કરી. એ સાધુ પુરૂષ ગુસ્સે તો ન થયા, પણ કરુણાભરી દ્રષ્ટીથી મારી સામે જોયું. અને એટલું જ બોલ્યા કે, "બેટા, આપણે જેના આશ્રિત છીએ, એમની મરજી વિના આ સંબંધ શક્ય નથી. વળી તારો નાનો ભાઈ અને તારી નાની બહેન આ શહેરમાં રહીને જ અભ્યાસ કરે છે. કોઈ સંજોગોમાં હું કદાચ રણજીતસિંહને તારી અને પ્રિયંકાબા વચ્ચેના સંબંધની વાત કરું, તો મને બીક છે કે આપણા સુખી સંસાર અને નાનકડો માળો વિંખાઈ જશે.
છતાં, જો તું કહેતો હોય તો હું તો વાત કરું. પછી તો "હોઇ સોઈ જો રામ રચી રાખા..."પિયુષની વાત પ્રિયંકા નીચી નજરે સાંભળતી હતી. એણે આંસુભરી પાંપણો ઊંચકી, પિયુષને કહ્યું- "હું સમજી શકું છું. મેં પણ મારી મોટીબેનને વાત કરી. એનું વેવિશાળ થઇ ચૂક્યું છે.જો આ સંબંધ જાહેર થાય તો એ વેવિશાળ પણ કદાચ તૂટી જાય. બે નાના ભાઈ હજી દસમા- બારમામાં છે, પણ સિંહના બચ્ચા છે. કદાચ આપણે અને ખાસ કરીને પિયુષને અને તેના કુટુંબને ઘણું બધું સ્હેવું પડશે.અને ભૂલેચૂકે ય જો બાપુ સુધી વાત પહોંચી, તો તો ખેલ ખલાસ !! તમારા બંનેના જીવન પણ કદાચ જોખમમાં મુકાઈ શકે." મારી દીદી માત્ર મારા ખભે માથું ઢાળી અને રોઈ પડી. અને એટલું જ કહ્યું કે "આ વાત તદ્દન અસંભવ છે."
પ્રિયંકાએ રુદનભર્યા સ્વરે વાત પૂરી કરી. બંનેના હૃદયની વેદના આંસુ બનીને વહી રહી હતી. સમય સરતો જતો હતો. બંનેએ નિ:શબ્દ બની, અસહાય દ્રષ્ટિથી એક બીજા સામે જોયું. અંતિમ વાર આશ્લેષમાં સમાયા. પિયુએ પ્રિયાને પ્રેમ વર્ષામાં ભીંજવી દીધી. પ્રિયા પણ ભાન ભૂલીને પિયુના પ્રેમનું આકંઠ પાન કરતી રહી. ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બંને છુટા પડ્યા. ભગ્ન હૈયે અને ભાંગેલા પગે, બંને ધીરે-ધીરે અલગ અલગ રસ્તેથી પોતપોતાના ઘર તરફ વળ્યા.
થવાનું હતું એ જ થયું. પ્રિયંકાબાના લગ્ન લેવાયા. ક્ષત્રિય રિવાજ અનુસાર, દુલ્હાની તલવાર સાથે ફેરા ફરીને પ્રિયંકાબા કારમાં સાજન-માજન સાથે શ્વસુરગૃહે જવા નીકળ્યા. વચ્ચે એ જ ટેકરીથી થોડે દુર એણે ગાડી ઉભી રખાવી."થોડીવારમાં આવું છું"- કહી અને કોઈ કંઈ સમજે, તે પહેલાં ટેકરી પરના ગુલમહોરના વૃક્ષ નીચે પહોંચીને પ્રિયંકાબા ઢળી પડ્યા !! પિયુનો વિરહ સહન નહીં થઈ શકે, અને પોતે એકવાર જેને પોતાના મનથી વરી ચૂકી છે, એ સિવાયના પારકા પુરુષને પોતાનો દેહ નહીં આપી શકે એવું લાગતાં, પિયુ સાથેના પોતાના પ્રિય મિલન સ્થાન પર પહોંચતાં જ, પ્રિયંકાબાનું કોમળ હૃદય સદાને માટે ધબકતું બંધ થઇ ગયું.....
રણજીતસિંહ અને તેમના વેવાઇના પરિવાર પર જાણે આભ તૂટી પડયું ! કોઈને કશી જ સમજણ ન પડી. આ કેમ બન્યું, એ ઈશ્વર સિવાય માત્ર પ્રિયંકા તેની દીદી, પિયુષ અને શંકરબાપુ એમ ચાર જણા જ જાણતા હતા. શહેરમાં જાણ થતાં જ, રણજીતસિંહના પરિવારનાં દુઃખમાં ભાગીદાર બનવા લોકો ઉમટી પડ્યા.
ડોક્ટરે તપાસીને જણાવ્યું કે અચાનક હૃદય બંધ થતાં પ્રિયંકાબાનું અવસાન થયું છે. મૃત્યુનું રહસ્ય પ્રિયંકાબાની ચિતા સાથે અને સત્ય જાણનાર ચારે વ્યક્તિના હૈયામાં ધરબાઈ ગયું.
પિયુષને પ્રિયાના છેલ્લી વખત બોલાયેલા શબ્દો યાદ આવ્યા-" મને વચન આપ કે આપણે બંને, પરિવારની ખાનદાનીને લજવશું નહીં, કદી એકબીજાને મળશું નહીં, ન કરે નારાયણ અને બેમાંથી એકને કાંઈ થઈ જાય,તો આપણાં બેમાં જે જીવીત હોય તે બંને પરિવારને આધાર આપવા, ભૂતકાળને કાળજામાં ભંડારી દેશું અને એકબીજાનો ખાલીપો ભરી દઇ, બંનેના પરિવારને સાચવી લઈશું."
પ્રિયંકાએ પોતે એ વખતે પિયુના મસ્તક પર હાથ મુકી અને સોગંદ લીધા હતા.અને ત્યારે પિયુષે પણ પ્રિયંકાને એટલી જ દ્રઢતાથી વચન આપ્યું હતું કે એમ જ થશે. પિયુષને લાગ્યું કે પ્રિયંકાને પોતાના ભવિષ્યની જાણે કે જાણ થઈ ગઈ હતી અને પરિવારની ઈજ્જત માટે લગ્નની ના ન કહી પણ પ્રાણ ત્યાગવાના સંકલ્પ સાથે જ લગ્ન કરેલાં. એટલે જ પ્રિયંકાએ પિયુષ પાસે આવું વચન માગી લીધું હતું.
પ્રિયંકાના પાર્થિવ શરીરને ભસ્મીભૂત કરતી ચિતાથી થોડે દૂર ઉભો રહીને પિયુષ આકાશમાં ઉઠતી અગન જ્વાળાઓ વચ્ચે પ્રિયાના સુંદર ચહેરાનું દર્શન કરી રહ્યો. જીવનભર કોઈની પણ સાથે જોડાયા સિવાય, બંને પરિવારોની સેવા કરવાના સંકલ્પ સાથે તે મનોમન બોલ્યો," પ્રિયા,તારી સાથેની મધુર યાદમાં જીવી લઈશ. તારી મરજી હતી, એમ જ રણજીતબાપુની અને તારા પરિવારની સાથે મારા પરિવારની કાયમ કાળજી રાખીશ."
રડી રડીને સૂઝેલી આંખે પિયુષ સ્મશાનગૃહમાં જ બેસી પડ્યો.