STORYMIRROR

Rakesh Thakkar

Romance

4  

Rakesh Thakkar

Romance

પ્રેમ પકડાયો

પ્રેમ પકડાયો

7 mins
482

ટીવી પરનો રિયાલિટી શો 'રાજા સાહેબ' એટલો મોટો હતો કે ફિલ્મ અને ટીવી સાથે સંકળાયેલા અસંખ્ય કલાકારોએ સામે ચાલીને એમાં ભાગ લેવાની વિનંતીઓ કરી હતી. આ શોમાં કામ કરવાથી સારી પ્રસિધ્ધિ તો મળતી હતી પણ તેના કરતાં વધુ લાલચ એના મોટા ઈનામની રહેતી હતી. આ શો જીતનાર જોડીના સ્ત્રી-પુરુષ બંને સ્પર્ધકને રૂપિયા અગિયાર કરોડ મળવાના હતાં. ભાગ લેનાર બધા જ કલાકારો જાણતા હતાં કે આટલી કમાણી તે એક વર્ષમાં કરી શકવાના ન હતાં. અને શોમાં વિજેતા બન્યા પછી જે લોકપ્રિયતા મળવાની હતી એ નફામાં હતી.

સ્ત્રી-પુરુષ કલાકારોની પાંચ જોડીઓએ આ શોમાં ભાગ લેવા 'રાજા સાહેબ' ના નિર્માતા સાથે કરાર પર સહી કરી દીધી હતી. કરારમાં અસંખ્ય શરતો હતી. એને વાંચવાની કોઈને જરૂર ન હતી. શો દરમ્યાન અસભ્ય વર્તન નહીં કરવાનું, કોઈના દિલને કે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખવાનું, શો અડધેથી છોડીને પોતે જઈ નહીં શકાય, રાજા સાહેબ શરતોનો ભંગ કરનારને બહાર કાઢી મૂકશે, જોડીમાંથી એક જણ ભૂલ કરશે તો એની સજા બીજાએ પણ ભોગવવી પડશે, ઈનામની રકમમાંથી નિયમ પ્રમાણે બધા ટેક્ષ કાપીને ચૂકવણી કરવામાં આવશે જેવી શરતો વાંચવાની સ્પર્ધકો તસ્દી લેશે નહીં એ જાણતા નિર્દેશકે એમને ખાસ કહીને સંભળાવી હતી.

આ શોમાં દરેક સ્ત્રી-પુરુષની જોડીએ એક મહિના સુધી સ્પર્ધકના રૂપમાં એક મહેલ જેવા સેટ પર પૂરાઈને રહેવાનું હતું. અને એકબીજાને પ્રેમ કરતા હોય એવું નાટક કરવાનું હતું. જે જોડી એકબીજાના સાચા પ્રેમમાં ના પડી હોય એને વિજેતા ઘોષિત કરી ઈનામ આપવામાં આવનાર હતું. બધા પ્રોફેશનલ કલાકારો હતાં. તે ફિલ્મોમાં અને સિરિયલોમાં અભિનય કરી ચૂક્યા હતાં. શુટિંગ વખતે પ્રેમાળ પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા બનતા કલાકારો એ પછી એ પાત્રમાંથી બહાર આવી જતા હતાં. અભિનયમાં નાટક એમની સિધ્ધિ હતી. તેઓ જાણતા હતાં કે આ રીતે એક મહિના સુધી સાથે રહીને પ્રેમમાં પડી જવાય નહીં. અને પડી જવાય તો કહેવાય નહીં ! સૌથી સરળ રસ્તો એ હતો કે પ્રેમમાં પડવાનું જ નહીં.

સેટ પર જોડીએ કોઈ કામ કરવાનું ન હતું. બધી જ સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવી હતી. તેમણે ફક્ત એકબીજા સાથે વાતો કરવાની હતી. જો કરવું હોય તો એકબીજાને પ્રેમ કરતા હોય એવું નાટક કરવાનું હતું. બધા સ્પર્ધકોને ખ્યાલ આવી ગયો હતો કે આ સ્પર્ધા જીતવા પોતાના સાથી સાથે સારું વર્તન કરવાનું હતું. તેમણે પોતાના સાથી કલાકાર સાથે વણલખી સમજૂતિ કરી લીધી હતી કે તેમની વચ્ચે વિવાદ અને વિખવાદ થવા ના જોઈએ. એકબીજા સાથે ઝઘડો નહીં કરવાનો.

શોના સંચાલક 'રાજા સાહેબ' તરફ્થી દર સપ્તાહે એમને એક નવો ટાસ્ક મળવાનો હતો. અને એ મુજબ જ એમણે રહેવાનું હતું. પહેલા જ દિવસથી જોડીઓ એકબીજા સાથે અતિશય પ્રેમથી વર્તતી હતી. એકબીજાના પ્રેમમાં પડેલા દેખાય એ માટે સતર્ક રહેતી હતી. એકબીજા સાથે વાર્તાલાપ કરતી હતી. ક્યારેક તો કોઈ સ્પર્ધક પોતાના સાથીને ચુંબન કરવા સુધી પહોંચી જતું હતું. ત્યારે શોના નિયમોની યાદ આવી જતાં અટકી જતું હતું. પરંતુ એક સ્પર્ધક જોડી પ્રેમનો અતિરેક કરવામાં ફસાઈ ગઈ. એ શોને ભૂલી સાચા પ્રેમનો એકરાર કરી બેઠી. અને બંને શોમાંથી નીકળી ગયા. આ રીતે કુલ ત્રણ જોડી પહેલો ટાસ્ક આવતાં પહેલાં જ શોમાંથી નીકળી ગઈ. બીજી જોડીના પુરુષે પોતાનો પ્રેમ સાબિત કરવાના નાટકમાં સ્ત્રી સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો હતો. એ વાત જાહેર કરવામાં ના આવી પણ એમને નિયમનો ભંગ થવા બદલ શોમાંથી કાઢી મૂક્યા. ત્રીજી જોડીમાંની સ્ત્રીએ પુરુષને અશ્લીલ આહવાન આપ્યું એમાં બંને ડિસ્ક્વાલીફાય થઈ ગયા.

એક સપ્તાહ પૂરું થવાનું હતું ત્યારે 'રાજા સાહેબ' નો અવાજ સ્પીકરોમાં ગુંજી ઉઠ્યો.

"અમારા શોમાં પહેલા ટાસ્ક સુધી પહોંચનાર બંને જોડીનું હું અભિવાદન કરું છું. તન્હા- વિરલ અને કામ્યા- લલિત તમારી જોડી માટે ટાસ્ક શું છે તે જાણી લો. આપણો નિયમ છે કે શો પૂરો થાય ત્યાં સુધી એકબીજાના પ્રેમમાં પડવાનું નથી માત્ર નાટક કરવાનું છે. આ મહેલમાં ખૂણે ખૂણે માઈક્રોફોન લાગેલા છે. તમારી દરેક વાત જ નહીં એમાં શ્વાસ- ઉચ્છવાસ ઝીલાય એટલા એ સંવેદનશીલ માઈક્રોફોન છે. એ જ રીતે બાથરૂમ સિવાય બધી જ જગ્યાએ છૂપા કેમેરા છે. જે તમારા ચહેરા પરના ભાવની ક્ષણેક્ષણની માહિતી અમને આપે છે. એની તમને ખબર જ છે. તમારી વાતો પરથી પણ તમને માર્ક્સ મળતા રહે છે. એ વાતો તમારી વચ્ચે પ્રેમ થયો છે કે નહીં એ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે. તો, આપના માટે પહેલો ટાસ્ક એ છે કે તમારે એકબીજાને ત્રીસ મિનિટ સુધી ભેટવાનું છે. કંઈ જ બોલવાનું નથી. અને હવેથી દરરોજ અડધો કલાક આવો કોઈને કોઈ ટાસ્ક અપાશે. તો તમારો ટાસ્ક હવે શરૂ થાય છે."

એકબીજાને ભેટીને ઉભેલી બંને જોડીને ખ્યાલ આવી ગયો કે 'રાજા સાહેબ' તેમને દિલથી પ્રેમ કરવા મજબૂર કરી રહ્યા છે. હ્રદયનો હ્રદય સાથે સંગમ થાય ત્યારે પ્રેમની લાગણીઓ એકબીજામાં પહોંચવા લાગે છે.

પછી તો રોજ 'રાજા સાહેબ' બંને જોડીને એકબીજાની આંખોમાં સતત જોયા કરવું, એકબીજાની સાથે રોમેન્ટિક ગીત પર ડાન્સ કરવો, રોમેન્ટિક ગીતોની અંતાક્ષરી રમવી વગેરે ટાસ્ક આપતા રહ્યા. બંને વચ્ચે સાચો પ્રેમ ઉત્પન્ન થાય એવા કઠિન ટાસ્ક આપતા રહ્યા. બંને જોડી એક વ્યવસાયી કલાકારની જેમ એ ટાસ્કને પૂરી કરતી રહી. એમ લાગતું હતું કે બંને છેલ્લા દિવસ સુધી રહેશે અને કોણ વિજેતા બનશે એ કહેવું મુશ્કેલ બની જશે. બંને ટાસ્ક પૂરા કરતા હતાં એટલું જ નહીં એ સિવાયના સમયમાં એકબીજા સાથે પ્રેમભર્યું વર્તન કરતા હતાં. તેમને થતું હતું કે 'રાજા સાહેબ' કેવી રીતે સાબિત કરશે કે અમે નાટક જ કરતા રહ્યા છે. બીજી તરફ 'રાજા સાહેબ' ને થયું કે આ બંને જોડી એકબીજાના પ્રેમમાં પડી હોય એવા કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી. બંને જોડીને અડધી- અડધી રકમ વહેંચવી પડશે કે શું ?

આખરે 'રાજા સાહેબ' શોનો છેલ્લો દિવસ આવી ગયો. 'રાજા સાહેબ' તેને પૂર્ણ થયેલો જાહેર કરવાના હતાં. તન્હા- વિરલ અને કામ્યા- લલિત એ વાતથી ખુશ હતાં કે તેમણે દરેક ટાસ્ક પૂરા કર્યા છે અને તેમની જોડી જ વિજેતા બનવાની છે.

'રાજા સાહેબ' નો અવાજ ગુંજવા લાગ્યો:" તન્હા- વિરલ અને કામ્યા- લલિત, તમારી બંને જોડીને પ્રથમ તો હું અભિનંદન આપું છું કે ઘણા મુશ્કેલ ટાસ્ક પૂરા કરીને પણ તમે પ્રેમમાં પડ્યા હોય એવા પુરાવા શોધવા મુશ્કેલ બની ગયા હતાં. પરંતુ તમને યાદ હશે કે મેં ગયા સપ્તાહે તમને એક ઘડિયાળ ભેટમાં આપી હતી અને સમયનું ધ્યાન રાખવા એને ફરજિયાતપણે નિયમિત પહેરવાનું કહ્યું હતું. એ ઘડિયાળની અંદર રહેલા ડિજિટલ ડિવાઈસની સહાયથી પણ અમે નિર્ણય લેવામાં મદદ લીધી છે. અને એ વિજેતા જોડી છે... તન્હા- વિરલ.... યસ, તાળીઓ બને છે ! કોઈ વિવાદને અવકાશ ના રહે એટલે વિજેતા ઘોષિત કરવા અમે જે પેરામીટરનો ઉપયોગ કર્યો છે એની કદાચ તમે કે અમારા શોના દર્શકોએ કલ્પના સુધ્ધા કરી નહીં હોય. એ હું તમને પછી જણાવું છું. કામ્યા- લલિત સફળ ના થયા એનું કારણ એ બંને ખરેખર પ્રેમમાં પડી ગયા હતાં. શો જીતવા માટે તમે નાટક કરતા રહ્યા પણ કદાચ તમારી જાણ બહાર એ નાટક જ નાટક રહ્યું ન હતું. બંને કહો કે આ સાચી વાત છે ને ? અમારો નિર્ણય સાચો છે ને ?"

 કામ્યા- લલિત નવાઈ પામ્યા અને એકબીજાને ભેટી પડ્યા, એટલું જ નહીં હોઠથી હોઠનું ચુંબન આપવા જતા હતાં પણ નિયમો યાદ આવ્યા એટલે અટકી ગયા. તેમણે એકપણ શબ્દ બોલ્યા વગર પોતાની હાર સ્વીકારી લીધી. અલબત્ત તેમનો પ્રેમ વિજેતા થયો હતો.

'રાજા સાહેબ' બોલ્યા: "ચાલો, અમને આનંદ છે કે અમે સાચું પરિણામ જાહેર કર્યું છે. તમે નિ:શ્બ્દ રહીને કહી દીધું છે કે તમે પરસ્પર પ્રેમનું નાટક કરતાં હતાં પણ સાચા પ્રેમમાં પડી ગયા છો. તમને તમારો પ્રેમ મુબારક ! હવે પરિણામનો આધાર શું હતો એ જાણી લો. એક મુદ્દો એ હતો કે બે જણ જ્યારે સાચો પ્રેમ કરતા હોય ત્યારે એકબીજા સાથે પોતાને સલામત અનુભવતા હોય બાબતે માટે ગંભીર હોય છે. તમે બંને ભલે એકબીજાને પ્રેમ કરતા હોવાનો ડોળ કરતા હોય કે આંખો અને ચહેરા પર પરસ્પર માટે પ્રેમના ભાવ રહે એ માટે સભાન રહેતા હોય પણ તમારા શરીરના વર્તનમાં એ સાચો પ્રેમ અવારનવાર વ્યક્ત થઈ જતો હતો. તમે એકબીજા સાથે પ્રેમાલાપ કરતા હતાં ત્યારે બહુ ધ્યાનથી એકબીજાની વાત સાંભળતા હતાં. એ પણ એકબીજા પ્રત્યેના પ્રેમ- સન્માનનો જ ઈશારો હતો. તમે એકબીજાને સારી ટેવો અપનાવવાને સલાહ આપતા હતાં. પણ પછી એ ખરાબ ટેવને તમારી જાણ બહાર સુધારવાનો પ્રયાસ કરતા દેખાયા હતાં. તમે બંને છેલ્લે છેલ્લે એકબીજાને પ્રેમ કરતા નથી એમ બતાવવા તન્હા- વિરલ કરતાં વધારે ઝનૂનથી પ્રેમ કરતા હતાં. એ હકીકત બતાવતી હતી કે તમારે એકબીજાનો પ્રેમ છૂપાવવા મહેનત કરવી પડે છે. આમ માનસિક- શારીરિક રીતે વર્તન-વ્યવહારમાં પ્રેમની લાગણીઓને અમે અમારા દિલમાં અને આધુનિક ડિવાઈસની મદદથી અમારા કોમ્પ્યુટરમાં જોઈ છે ! એ ડિવાઈસ બતાવતું હતું કે તમે એકબીજાની સાથે કેટલી હૂંફ અનુભવી રહ્યા છો. તમારા દિલના ધબકારામાં પ્રેમની જે શાંતિ હોય છે એ અમે જોઈ છે. તન્હા- વિરલ, તમે શ્રેષ્ઠ અભિનયનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેમકે એને અમે અમારી બારીક નજર, કેમેરાની ખતરનાક આંખ કે માણસની દરેક લાગણીને ઝડપતા ડિવાઈસથી એમાં પ્રેમ શોધી શક્યા નથી... આ સાથે બંનેને ખરેખર પ્રેમમાં પડવાનું નાટક સફળતાપૂર્વક કરવા બદલ હું શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી જાહેર કરું છું. અને ઈનામની રૂપિયા અગિયાર-અગિયાર કરોડની રકમ આપવાની જાહેરાત કરું છું. અને સાથે એ ભેટ પણ આપું છું કે તમારો તખ્તાનો આ અભિનય અહીં પૂરો થાય છે. હવે પછી તમે પ્રેમમાં પડવા માટે મુક્ત છો ! અને જો ખરેખર પ્રેમમાં પડી ગયા હોય તો અમે એને કોઈ રીતે ઓળખી ના શક્યા એ સ્વીકારી લઈએ છીએ !" 


Rate this content
Log in

Similar gujarati story from Romance