પ્રેમ કે મોત ?
પ્રેમ કે મોત ?
મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે.
આકાશ સામે રમોલાની લાશ પડી હતી. એના હાથમાં લોહીથી ભરેલી છરી હતી. આકાશ સામે ભૂતકાળ નાચી ઊઠ્યો. આખી કૉલેજમાં રમોલા આકાશ સિવાય કોઈને ઘાસ નાખતી નહોતી. ખબર નહિ કેમ પણ આકાશને જોઈને કેમ પણ એના હૃદયની ધડકન અટકી જતી એ શ્વાસ લેવાનું પણ ભૂલી જતી. અને આકાશ પાછળ તો આખી કૉલેજની છોકરીઓ મરતી હતી. ખૂબ દેખાવડો કદાવર અને રૂપાળો છોકરો આખો કૉલેજમાં ક્યાં હતો ? આકાશ પણ રમોલાને જોઈ પાણી પાણી થઇ જતો. અને બસ આ રીતે બંનેની લવસ્ટોરી ચાલુ થયેલી. ત્રણ વર્ષ કોલેજનાં ક્યાં ગયા તે સમજ ના પડી. કહે છે કે જ્યારે તમે ખુશ હો તો સમય ચાલે નહિ દોડે છે.
આકાશ ધનવાન બાપનો એકનો એક દીકરો હતો. એ ઈચ્છા કરે અને પૂરી ના થાય એ તો બને જ નહિ. રમોલા એક સામાન્ય ઘરની દીકરી હોવા છતાં બંનેના લગ્ન ધામધૂમથી થઇ ગયા. કોલેજકાળ અને હકીકતની જિંદગીમાં ઘણો ફર્ક હોય છે. હવે રમોલાએ નક્કર જમીન પર પગ મૂક્યો હતો. જિંદગી જેવી દેખાય એવી ક્યાં હોય છે ? સપનાની દુનિયા અને હકીકત ની દુનિયામાં જમીન આસમાનનો ફરક છે. રમોલા લગ્ન કરી સાસરે આવી. આકાશ પર પૂરો વિશ્વાસ મૂકીને. પણ તમે ખરેખર વ્યકતિને પૂરેપૂરી જાણી શકો છે ? ત્રણ વરસના કોલેજકાળ દરમ્યાન સો સ્વીટ દેખાતો આકાશ એ ના હતો જેને એણે સપનાનો રાજકુમાર માની લીધો હતો. દેખાવ, રૂપ અને પૈસા તો બધા પાસે હોય છે પણ જો તમારામાં માનવતા જ ના હોય તો ?
ઘરના બધા ખૂબ સખત વિચારો ધરાવતા હતા. સાસુએ તો ઘણા નિયમ બનાવી રાખ્યા હતા જે એક બે મહિનામાં સામે આવી ગયા. ઘરની બહાર રજા વગર જવું નહિ. બધી વાતમાં દલીલો કરવી નહિ. મોટાની આમન્યા રાખવાની, નાનાને પ્રેમથી રાખાવાના. ઘરમાં નોકરો સામે હસીને વાત કરવાની નહિ. વગેરે ઘણાં નિયમો રમોલા પર ઠોકી બેસાડવામાં આવ્યા હતા. એ આકાશ સામે ફરિયાદ કરતી નહિ. ખાલી આકાશને દુઃખ થાય અને અપસેટ કરવાનો ! આકાશ સ્વભાવે ગમે તેવો હોય પણ એ આકાશને ખૂબ ચાહતી હતી. એ એનો પ્રથમ પ્રેમ હતો. ત્રણ વર્ષ આકાશે એના પાર અનરાધાર પ્રેમ વરસાવ્યો હતો. પોતાની મા ની હાજરીમાં એ કાંઈ બોલી ના શકતો. પણ એની આંખમાં છુપાયેલો પ્રેમ એ ઓળખતી હતી.
આજ આકાશ સૂટ પહેરી બ્રીફકેસ લઈને ઓફિસ જવા માટે નીકળ્યો. રમોલા એ હાથમાં રૂમાલ, વોલેટ અને ઘડિયાળ પણ આપી. આકાશ એના ગાલ પર નાની ટપલી પણ મારી. એ શરમાઈ ગઈ અને ધીરેથી આકાશના હાથને પકડી ને ચૂમી લીધો. એ પણ આકાશની પાછળ પાછળ દરવાજા સુધી આવી. આકાશ મા ને પગે લાગી બહાર નીકળી ગયો. હાશ આજ આકાશનો મૂડ સારો હતો. એ ગીત ગણગણતી રસોડામાં ગઈ. સાસુએ પાછળ મોઢું મચકોડ્યું. થોડીવાર પછી સાસુએ કહ્યું, "હું મંદિરે જાઉં છું સાથે કાંતાને પણ લઇ જાઉં છું મારે આવતા મારકેટમાં જવું છે. "રમોલાએ કહ્યું ,"સારું માજી."
ઘરમાં હવે ફકત ડ્રાઈવર જીતુ અને રમોલા હતા. રમોલા તો સાસુ ગયા એટલે રિલેક્સ થઇ ગઈ અને જલ્દી જલ્દી રસોઈ કરવા લાગી. આકાશ હંમેશા લંચ કરવા ઘરે આવતો. આજ તો એનું ભાવતું શાક ભીંડા અને દાળભાત બનાવીશ! સાથે સાથે થોડો શિરો પણ ! એ જલ્દી જલ્દી રસોઈ કરી બેડરૂમમાં આવી. થયું લાવ ટીવી જોઉં. માજી નથી એટલે કોઈ ખલેલ પણ નહિ પહોંચાડે. પણ ખબર નહિ આ ટીવી ને શું થયું! ચાલુ જ નથી થતો. એ દરવાજા પર આવી અને જીતુને સાદ કર્યો જીતુ, જીતુ આ ટીવી ચાલુ કરી દેને ચાલુ જ નથી થતો.
જીતુ બેડરૂમમાં આવ્યો અને ટીવી જોવા લાગ્યો. "વાયરમાં કાંઈ પ્રોબ્લેમ લાગે છે હું છરી લઇ આવું અને વાયર સરખો કરી ફરી લગાવું." એ રસોડામાંથી મોટી છરી લઇ આવ્યો. અને વાયરને સરખો કરવા લાગ્યો. એટલામાં સાસુ આવી ગયા. અને વહુને ત્રાડ પાડીને પૂછ્યું, "રમોલા જીતુ તારા રૂમમાં શું કરે છે ?" રમોલા એકદમ ગભરાઈ ગઈ એને કહ્યું," માજી ટીવી નહોતો ચાલતો એટલે !" માજી બોલ્યા," મને ખબર છે તારા કારસ્તાન, આવવા દે આકાશને આજ તારી ખૈર નથી." રમોલા માજી માજી કરતી રહી અને માજી પોતાના કમરામાં જતા રહયા.
આકાશ બપોરે લંચમાં આવ્યો. આદત પ્રમાણે માજીના કમરામાં પ્રણામ કરવા ગયો. અને ખબર નહિ માજીએ શું કહ્યું એ ધુંઆફુંઆ થતો પોતાના કમરામાં ગયો. જ્યાં રમોલા ચુપચાપ બેઠી હતી. એને રમોલાના વાળ પકડી કહ્યું,"બોલ શું કરતી હતી જીતુ સાથે ?" રમોલા રડતી રહી કકળતી રહી, "આકાશ, મેં કશું નથી કર્યું કશું નથી કર્યું, એતો ટીવી સરખો." આકાશે એના ચહેરા પાર એક થપ્પડ મારી દીધી. રમોલા અવાક બનીને આકાશને જોતી રહી. આ મારો આકાશ નથી ! આકાશે સામે પડેલી મોટી છરી જોઈ અને ધસીને છરી લઇ રમોલાના પેટમાં ઘુસાડી દીધી. રામોલા કાંઈ સાંજે એ પહેલા બીજો ઘા કરી દીધો. હવે છરી લઇ ઊભો હતો. દૂર દૂર પોલીસની સાયરન સંભળાતી હતી. એને કદી રમોલા પર હાથ ઉપાડ્યો નહોતો. પણ માજીની રોજની કચકચ એના મગજને બગાડી રહી હતી. માની ઈચ્છા રમોલાને વહુ બનાવાની ના હતી તો ના પાડવાની હતી. કોઈની દીકરીને ઘરે લાવીને પરેશાન કરી અને છેવટે મોત ને ઘાટ ઉતારવાની શી જરૂર ?
આકાશ લોહી ભરેલી પોતાની વહાલી પત્નીની લાશને જોઈ રહ્યો.
