'પરદાદા'
'પરદાદા'


આ ૨૦૭૦નું વર્ષ ચાલે છે, આજે ઘર ઘરમાં એક રોર્બટ જોવા મળે છે. જે માણસના આદેશ અનુસાર તમામ કામ કરી આપે છે. અને હા એ રોર્બટ સંવેદના પણ પારખી શકે છે અને સ્ત્રીના પ્રેમમાં પણ પડી શકે છે! રસ્તા પર માણસ કરતા રોર્બટ વધારે જોવા મળે છે ! અને આજના આ યુગમાં ટેક્નોલોજીની કમાલથી ઉડતી (હવાઈ માર્ગે ચાલતી) કાર બધાં પાસે છે. આજે આખા વિશ્વમાં ટેક્નોલોજીની કમાલ છે. માણસ જે વિચારે તે પળવારમાં મેળવી શકે છે. બસ એક સ્વીચ દબાવોને જે ઇચ્છો તે હાજર.
માણસને આટલેથી પણ સંતોષ ન થયો. એ તો વર્ષોથી એક એવી શોધમાં મંડાયો હતો કે માણસ મૃત્યુજ ન પામે. એને મરતા અટકાવી શકાય. વર્ષોથી એ પશુ-પંખી પર અખતરા કરીને માણસને અમર બનાવવા માટેના અખતરા કરે છે. કેટલા પ્રકારની દવાઓ અને કિમીયા અજમાવતો રહે છે!
આવાજ એક અખતરા માટે એક ધૂની વૈજ્ઞાનિકે પોતાની આખી જીંદગી ખર્ચી નાખી. આ વિશ્વથી બેખબર રહીને એ રાત-દિવસ સતત પ્રયોગો કરતો રહેતો. અને એક દિવસ એક નવીજ શોધ તેણે વિશ્વ સમક્ષ રજૂ કરી અને એ શોધ હતી. ભૂતકાળમાં મૃત્યુ પામેલા માણસને જીવીત કરવાની. હા, એ પૂરા દાવાથી પોતાની આ શોધ સંપૂર્ણ સત્ય છે એમ કહેતો હતો, પણ આ ટેક્નોલોજી ખૂબજ મોંઘી હતી. જેને વિશ્વનો ખૂબજ ધનાઢ્ય વ્યક્તિજ ખરીદી શકશે. એમ પણ એણે કહ્યું. અને એક અતિ ધનાઢ્ય વ્યક્તિએ પોતાની તમામ દોલત આપીને આ ટેક્નોલોજી ખરીદી લીધી.
આ ટેક્નોલોજીની મદદથી તે ખરીદનાર વ્યક્તિએ પોતાના પરદાદાને જીવિત કર્યા. તેનું મૃત્યુ આશરે દોઢસો વર્ષ પહેલાં થયું હતું. અને તે પચાસેક વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. અત્યારે તો "૨૦૭૦નું વર્ષ ચાલતું હતું. તેનું મૃત્યુ "૧૯૨૦ની સાલમાં થયું હતું, અને હા એનો જન્મ ભારત દેશમાંજ થયો હતો. અંગ્રેજોની ગુલામી એણે જોઈ હતી. અને દેશની સંસ્કૃતિ અને ઋષિમુનીઓની ભક્તિથી એ પરિચિત હતા. પણ ફરીથી જીવીત થતાં એ અચંબામાં પડી ગયાં. અને રાડો પાડવા લાગ્યા અરે, હું ક્યાં છું ? આ બધી બાજુ મશીનો જેવું શું ફરે છે ? મને બચાવો...
ટેક્નોલોજી ખરીદીને પરદાદાને જીવીત કરનાર પેલો માણસ તેને પકડીને કહેવા લાગ્યો, "અરે તમે બૂમો કેમ પાડો છો ? તમે મારા પરદાદા છો અને વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતાં. મેં મારા રૂપિયાના જોરે વિશ્વની મોંઘામાં મોંઘી ટેક્નોલોજી ખરીદીને તમને ફરીથી જીવતા કર્યા છે. તમારે તો ખુશ થવું જોઈએ કે આ પૃથ્વી પર ફરી આવવાનો તમને મોકો મળ્યો.!
પણ પેલા દાદા તો ચકળ- વકળ નજરે બધી બાજુ જુએ છે. અને અચંબિત થઈને કહે છે, "અરે હું રહેતો હતો એ પૃથ્વી આ નથી. અહીં તો બધે મશીન જેવાં માણસો ફરતાં નજરે પડે છે. અને હું શ્વાસ પણ લઈ શકતો નથી. મને મુંઝારો થાય છે. મને બચાવો."
પેલો તેનો પૌત્ર કહે છે, "અરે હા દાદા લો આ ઓક્સિજનનો બાટલો ચડાવી લો, હું ભૂલી ગયો હતો. અહીં જીવવા માટે ઓક્સિજન સાથે રાખવું પડે છે. કહીને તેની બેગમાંથી એક ઓક્સીજનની બાટલી તેના મોં પર રાખેછે. પેલાં દાદા હવે શ્વાસ લઈ શકે છે. પણ તેને નવાઈ લાગે છે. આ શું ? દરેક માણસના ચહેરા પર આ ઓક્સિજનની બાટલી રાખેલ છે. તે ચારેબાજુ જુએ છે ક્યાંય લીલા વૃક્ષો નથી. અને પંખીઓનો કલરવ પણ સંભળાતો નથી. તે આખા શહેરમાં ફરે છે. માણસોને બદલે હરતાં-ફરતાં મશીન જુએ છે. ઉપર ઉડતી મોટરો, રસ્તા પર બીજા વાહનોની ભીડ, સૂકા ભઠ્ઠ નદી તળાવો અને પ્રદુષણ ઓકતી રિફાયનરીઓ. માણસ તો ઘરમાંજ પુરાયેલો રહે છે. કોઈ જાતનો શ્રમ નહિ બસ સ્વીચ દબાવોને જે ઈચ્છો તે તૈયાર. જમવાની ડીશથી માંડીને સઘળું માંગો તે હાજર. પણ હા એક વસ્તુ નથી મળતી જેની બહુ સોલ્ટેજ પણ છે. અને તે છે શુધ્ધ હવા. ઓક્સિજન. જે રૂપિયા દેતાં પણ નથી મળતો!
પેલાં દાદા હવે બધું સમજી ગયા. માણસની આ ટેક્નોલોજીની ઘેલછાએ પ્રકૃતિનો નાશ કરી દીધો છે. વળી મશીનનાં ઉપયોગથી માણસ સાવ આળસુ બની ગયો છે. આથી શરીર રોગોનું ઘર બની ગયું છે. તે ટેક્નોલોજીની મદદથી વધુ જીવી તો શકે છે પણ જીવનમાં ખુશી ક્યાં ? સ્વજનો અને માણસ-માણસ વચ્ચેની લાગણી ક્યાં ? આવી દુનિયામાં જીવવાથી શું ફાયદો ? અને હા માણસ માણસ જેવો નથી રહ્યો. પણ જડ બની ગયો છે. મને આ પૃથ્વી પર ફરી આવવાનો મોકો મળ્યો છે તો મારે કંઈક તો કરવું જોઈએ. માણસમાં ફરીથી માણસ હોવાની ચેતના જગાડવી પડશે. આ ધરતીને ફરી રહેવા લાયક બનાવવી પડશે. આમ વિચારી તે બધાં માણસોને પોતાની વાત સમજાવવા લાગ્યો. પણ બધાં તેની વાતને હસી કાઢતા અને ગાંડામાં ખપાવતાં. અને માણસ ઓક્સિજનની બોટલ વગર જીવી શકે તે વાતને ખોટી કલ્પનામાં ખપાવતા.
પણ પેલાં દાદા હિંમત હાર્યા નહિ તે સમજી ગયાં આ માણસો હવે માણસ જેવા નથી રહ્યાં. તેણે વિચારવાનું પણ છોડી દીધું છે. અને સંપૂર્ણપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયાં છે. એનો પૌત્ર પણ એની વાત માનવા તૈયાર ન હતો. પેલાં દાદા હવે જ્યાં થોડી પડતર જમીન દેખાય ત્યાં વૃક્ષના બીજ વાવવા લાગ્યાં. અને ઘર વપરાશનું થોડું પાણી હોય તે બીજ વાવ્યા હોય ત્યાં પીવડાવવા લાગ્યાં. આથી થોડાંક વૃક્ષો ઉગ્યાં. અને ચોમાસામાં થોડોક વરસાદ આવે ત્યાં પણ વૃક્ષો વાવીને ઉછેર્યા. પાણીના સંગ્રહ માટે નાની તલાવડી બનાવી. થોડાં સમયમાં તેના ઘરની આજુબાજુમાં વૃક્ષો સરસ મોટાં થઈ ગયાં. વૃક્ષો પર ક્યાંક દૂરથી થોડાં પક્ષીઓ પણ આવ્યાં. હવે તેની બાજુમાં રહેતાં માણસો બહાર નીકળવા લાગ્યાં. પક્ષીને જોઈને અને તેનો અવાજ સાંભળીને આનંદથી નાચવા લાગ્યાં. હવે પેલાં દાદાએ કહ્યું, તમે આ ઓક્સિજન કાઢી નાખો અને આ ઝાડ નીચે રહો તમને ખૂબ સારું લાગશે. પહેલાં તો બધાં લોકોને ડર લાગતો હતો કે ઓક્સિજન હટાવી દઈએ તો કેમ જીવી શકાય ? પણ પેલાં દાદા તો ઓક્સિજનની બાટલી વગરજ ફરતાં હતાં. આથી બધાંએ ઓક્સિજનની બાટલી હટાવી દીધી અને આશ્વર્યમાં પડી ગયાં.તેને ખૂબ સારું લાગતું હતું.!
ધીમે ધીમે બધાને દાદાની વાતમાં વિશ્વાસ બેસવા લાગ્યો. તે પણ દાદાના કાર્યમાં જોડાવા લાગ્યાં. હવે બધી જગ્યાએ વૃક્ષો વાવીને ઉછેરવા લાગ્યાં. નાની તલાવડી બનાવવા લાગ્યાં. બધાં શહેરો અને ગામમાં આ સમાચાર પહોંચવા લાગ્યાં. અને ફરી માણસો શ્રમ તરફ વળ્યાં. ધરતી લીલીછમ થવાં લાગી. પક્ષીઓનો મીઠો કલરવ સંભળાવા લાગ્યો. બાળકો આધુનિક સાધનો છોડી બહાર રમવા નીકળવા લાગ્યા. બધાંના ચહેરાં પર લાલાશ દેખાવા લાગી. હવે દવા વગર જીવવા લાગ્યાં.
બધાંને હવે સમજાયું વધુ પડતી ટેક્નોલોજીથી કદાચ વધારે જીવી શકાય. તમામ સુવિધા મેળવી શકાય. પણ તેનાથી જીવવાનો આનંદ કદી ન મેળવી શકાય. પેલા દાદાએ પણ સમજાવ્યું. જીવન અને મૃત્યુએ કુદરતી નિયમ છે અને તો જ પૃથ્વી પરનું બેલેન્સ જળવાય છે. આથી મનુષ્યએ કુદરતની વ્યવસ્થામાં વિક્ષેપ ન કરવો જોઈએ. અને ટેક્નોલોજીનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. તો જ દરેક માણસ સુખેથી જીવી શકે.
લોકોને હવે આ વાત ગળે ઉતરી ગઈ. તેણે મશીનોનો ઉપયોગ બંધ કર્યો, શ્રમ કરવા લાગ્યાં અને ફરીથી આ પૃથ્વીને સુંદર અને જીવવા યોગ્ય બનાવી દીધી.