Vijay Shah

Tragedy Drama

4  

Vijay Shah

Tragedy Drama

ફટ રે ભુંડા!

ફટ રે ભુંડા!

6 mins
14.3K


છાયા છાપામાં ફોટો જોઇને ચોંકી ગઇ. છાપામાં ફોટો તો સુશીલાબેનનું નામ બોલતું હતું પણ માનો કે ના માનો આ સોના કાકી જ છે. એમ વિચારીને છાયાએ સોનાકાકી જ્યાં રહેતા હતા ત્યાં રાજકોટ ફોન કર્યો. ફોન અજયે ઉપાડ્યો તેને તો એમ કે બા હમણા નાની ફોઇને ત્યાં રહે છે.. છાયાએ નાની ફોઇને ફોન કર્યો ત્યાં એવો જ સંદેશો આવ્યો કે તેઓ તો ગોંડલ મીના ફોઇને ત્યાં છે. મીનાને ફોન કર્યો તો કહે બા તો રાજકોટ ગયા છે. ત્યારે છાયા બોલી મને તો ચિંતા થાય છે..છાપામાં કોઇ સુશીલાબેન નો ફોટટો છે પણ અવ્વલ સોના કાકી જ જોઇ લો…

આમતો ધરમ ધ્યાનમાં દિવસ જતો રહેતો પણ રાત પડે અને ભૂતકાળની ભૂતાવળો તેમને ઝંપવા ના દે. ડોક્ટરે તેમને ઉંઘની ગોળીઓ આપેલી છતાંય રાતનાં ૩ વાગે અને ઉઠી જાય…સામાઇક, પડીકમણુ કરે અને સમજે પણ ખરા કે આયુષ્ય કર્મનો ક્ષય ના થાય ત્યાંસુધી મોતને ગળે લગાડવાની વાતો આત્માને નરકે ઢસડી જાય… આમેય માએ જીવતે જીવતદાન કરી નાખ્યું હતું અને વહેંચવા જેવું વહેંચી દીધુ હતુ.. ઈઠ્ઠોતેર વરસના સોના કાકી અડસઠની વયે વિધવા થયા હતાં..અજયને મુંબઈથી બોલાવીને નાનકડી કરિયાણાની દુકાને બેસાડી દીધો હતો. જેથી અજયના દીકરા બંટુ સાથે તેમના દિવસો જાય. અજયની વહુ રાજવી પણ શાંત અને ગુણીયલ હતી પણ તેમને તે વાતનુ દુઃખ હતું કે અજયને તેમના જેવી ઉજળી વહુ ના મળી..પણ બંટુ બરાબર અજય ઉપર હતો તેથી તેમને હેત ઉભરાતું..

તે દિવસે વ્યાખ્યાનમાંથી આવ્યા ત્યારના રડુ રડુ થતી તેમની આંખો જોઇ મીના બોલી પણ ખરી..

”બા આજે કેમ ઢીલા છો?“

“કંઇ નહી તારા બાપા આવીને પજવે છે.”

“બા! કેમ આવું આડું બોલે છે?”

“શું કહું? અપાસરે બેઠી ગુરુવાણી સાંભળતી હતી ને એકદમ ઝોંકુ આવી ગયું અને સપને ચઢી ગઇ.. તારા બાપા કહેતા હતા કે હવે કોની રાહ જુએ છે?’

મેં કહ્યું “આયુષ્ય કરમ જબરું લખાવીને આવી છુંને ? તેથી એ પતે નહી અને દેહ છુટવા વારો આવે ત્યારે અવાયને?”

મીના જરા શંકાની નજરથી જોતાં બોલી.. “બા તું તો અમને કહેતી હતીને કે દી’ના સપના તો પાણીના પરપોટા..”

ભલે ચાલ આજે મને હવે રાજકોટ પહોંચી જવું છે… હું થોડુંક ખાઇને જતી રહીશ.. ઘડીયાળ સાડા અગિયાર બતાવતી હતી તેથી સોના બા બોલ્યા ય ખરા ..સવા બારની બસ મને મળી જશે.

“ભલે બા તને જેમ ઠીક લાગે તેમ કરજે.”

એસ ટી સ્ટેંડ ઉપર રાજકોટની બસની બાજુમા ડેમ જતી બસ પણ હતી નારાયણ સરોવરના ડેમની ચદર પડી (છલકાયો હતો) તે વાત સાંભળી ડેમની બસમાં સોનાબહેન ચઢી ગયા. બસ ચાલુ થૈ અને નિંદરમાં અધુરું સપનું આગળ ચાલું થયું.

“હવે કોની રાહ જુએ છે? બંટુ મોટો થશે અને તેને પરણાવવાની વાતો કરી તારી જાતને કાં હલકી કરે?”

“જુઓ ! તમે મને ખોટી ના ભટકાવો…આયુષ્ય કર્મનો ક્ષય થાય ત્યારેને?" અને અજયના બાપુ ખડ્ખડાટ હસ્યા..

“કાં મારી મશ્કરી કરો?”

“હવે વેવલી ના થા… હું બે ભવ પુરા કરીને હવેના ભવમાં તારી રાહ જોઉ છું.”

“પણ મારા દીકરાઓ રડેને?”

“તારે જોવું છે તારા દીકરાઓ તને કેટલું રડે છે? તો માર ભુસકો અને તને બતાવું તારા દીકરા તને કેટલું રડે છે!"

પાસેના સ્ટોર ઉપરથી કાગળ લીધો અને ત્રણ વાક્યો લખ્યા.. પોલીસ અજયને હેરાન ના કરે તે હેતુથી અને તે ચીઠ્ઠી પર્સમાં મુકી.. ચંપલ બાજુમાં મુકી અને એ તંદ્રામાં જ સોનાબેને ભરેલા જળાશયમાં ભુસકો માર્યો.

તંદ્રા તુટીને આંખમાં નાકમાં અને મોંમા ઘણુ બધું પાણી એક સાથે ફરી વળ્યું.. થોડાક તરફડીયા અને અંદરનો જીવ જઇને બેઠો એમની પાસે. “કેમ તું તો કહેતી હતીને લાંબુ આયુષ્ય કરમ લખાવીને આવી છું ને આ દેહ કેમનો એકદમ છુટી ગયો?”

“સાચુ કહું તમારા ગયા પછી જીવવાનું ગમતું જ નહોતુ.. બધા પોત પોતાના સંસારમાં અને હું બધેય એકલી.. મને તો ગમતું જ નહોતુ.”

“તોય આ દસ વર્ષ તો કાઢ્યાને? ચાલ હવે જોઇએ આગળનો તમાશો…”

બચાવવા વાળી ટુકડી આવી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું.. દેહ પાણીથી લથબથ હતો પણ ચેતના તત્વ તો ત્યાં હતુ જ નહી. બધા જ પ્રાથમિક ઉપાયો બાદ ડોક્ટરે મૃત્યુ થયેલ દેહ જાહેર કર્યો.

છાપામાં ફોટો અપાયો અને બીન વારસી લાશની જેટલી આમાન્યા જળવાય તેટલી આમાન્યા જળવાઇ. એક દિવસ.. બે દિવસ... હવે તો લાશ ગંધાવા માંડી હતી.

છાયા દ્વારા અજયને આ વાતની જાણ થતાં જ તે ગોંડલ પોલીસ સ્ટેશન પહોંચ્યો..બે દિવસ રાહ જોઇને પોલીસ તો દેહને બીનવારસી કહી ચિતા દેવાની તૈયારી કરાઇ રહી હતી.

પોલીસને પુછતાં પોલીસે તેમનું પર્સ અને તેમા મળેલી ચીઠ્ઠીના આધારે તેમને સુશીલા બહેન માનીને અંતિમ સંસ્કાર આપવાની તૈયારી કરી રહ્યા હતા.. લાશ ડેમમાં પડ્યા રહેવાથી ફુગાઇ ચુકી હતી. તેમનો ડ્રેસ જુદો હતો. મા પંજાબી ડ્રેસ તો કદી પહેરતા નહોતા. લખાણમાંના અક્ષરો સ્પષ્ટ કહેતા હતા તે સોનામાના જ અક્ષરો હતા.. ત્રણ જ વાક્યો તેમના અંતર મનની વરાળનો આયનો હતો..

”હું ખુબ જ કંટાળી ગઇ છું. આ દેહને ક્યાં સુધી અર્થ વિહીન વેંઢારવો.. મારા સંતાનોને કોઇ હેરાન ના કરે તેથી કોઇ જ ઠામ ઠેકાણું આપ્યા વિના સૌને રામ રામ- સુશીલા બેન."

અજય તરત જ પાછો વળી ગયો પોલીસને મારી માનું નામ તો સોના બહેન છે કહીને.. સ્મશાન ખર્ચ ન કરવો પડે તેથી.. તે દિવસે પેટ્રોલ છાંટીને ચિતા ઉપર દેહ મુકાયો અને ભડ ભડ લાગવી જોઇએ તે આગ વારંવાર પાણીને કારણે બુઝાઇ જતી હતી..પુરા ત્રણ કલાક લાગ્યા સ્મશાનમાં તે દેહને ભસ્મ થતાં.

ફુગાયેલી લાશ પાસે મા અને બાપ બંને અદેહે ઉભા હતા. પૈસાનો ખરચ ના થાય તે હેતુથી અજય જ્યારે પાછો વળી ગયો ત્યારે સોનાબા રડતા હતાં અને બાપા હસતા હતા..

“જોયું? આ તારા અજયે છેલ્લી ખાંધ પણ ના આપી.. અને તું તેની ચિંતા કરીને ચીઠ્ઠીમાં જાતે બીન વારસી થઈ ખરુંને?"

વાસ્તવમાં અજય પાછો વળ્યો અને માએ ફીટકાર વરસાવ્યો.. ફટ રે ભુંડા… તને મેં આ સંસ્કાર તો નહોતા આપ્યા.

અજય બહુ જ બેચેન હતો નાની ફોઇ, મીના ફોઇ, છાયા બહેન અને મોહલ્લાના બધા લોકો પુછ્યા કરે “બા કયાં?” અને અજયની આંખમાંથી બોર જેવડા મોટા આંસુડા પડે..”બાને શું ખોટું લાગ્યું કે તેઓ ક્યાંક જતાં રહ્યાં..”

દિવસો વહી ગયા.. મહીનાઓ જતા રહ્યા.. માને ખોળવાના નામે… મા તો જતી રહી.. જે છે તેને વહેંચવાનું તો હતું જ નહીં.. માના ફોટા પાસેના દીવા પાસે રોજ મૌન ક્ષમા યાચના થાય છે.

જે સબંધો હતા તે જીવ ગયોને પુરા થયા..”મારો અજય મારો અજય” કહેનારી સોનાબા તો હતી ન હતી થઇ ગઇ. કોણ કહે છે દીકરામાં મા બાપ જીવે છે? જિંદગીની ઘરેડ ચાલુ છે.

અજયનો દીકરો બંટુ એકલો બાને યાદ કરે છે…અને આકાશે ધ્રુસકે ને ધ્રુસકે સોનાબાનો આત્મા રડે છે.

અજયની પત્ની અને છાયાની નાની બહેન રાજવી અજયની બેચેની સમજતી નહોતી પણ કોઇક ગહેરો શોક લાગ્યોછે તેમ કરીને પુછ પુછ કરતી. પણ બાની વાત આવે અને અજયના આંસુ તરત જ ટપ ટપ કરતા નીકળવા માંડે.

“આવું ક્યાં સુધી ચાલે?” રાજવીએ છાયાને પુછ્યુ

રાજવીના પપ્પા ડોક્ટર હતા તેથી તેમનો સંપર્ક થયો ત્યારે તેમને શરુઆતમાં તો બા ઘર છોડીને ગયા તે વાતનો આંચકો લાગ્યો.. પણ આ પ્રકારની વાતો છોકરીઓમાં વધારે હોય એમ વિચારીને તેમણે અજયની સાથે સોનાબાની વાત કરવાની સૌને મનાઇ ફરમાવી.

રાજવી અને તેના પપ્પાએ અઠવાડીયા પછી ”સોનાબા આવે છે” વાળી વાત અજયને કહી..

અજય તો સ્તબ્ધ થઇને બોલ્યો.. “એ કેમ બને?"

રાજવી કહે “એમનો ફોન આવ્યો હતો તેઓ સોનગઢ હતા અને આજે ચાર વાગ્યાની બસમાં આવે છે તેવો ફોન આવ્યોને.. છાયાબહેનનો.”

અજય જોરથી ઠૂઠવો મુકતા બોલ્યો..”તે તો કદી આવવાના નથી.. તેઓ તો ડેમમાં પડીને મરી ગયા..”

“હેં!” રાજવી અને તેના પપ્પા બંને સંગાથે બોલ્યા.

અજય ખુબ જ રડ્યો તેનો ડુમો હવે ખુલ્લે આમ બહાર આવી ગયો હતો. આજુબાજુ વાળા બધા ભેગા થઇ ગયાને બાના ફોટા સામે રડતા તે પહેલી વાર બોલ્યો..”મા મને માફ કર.. કોઇ દી’ નહીંને તારા સ્મશાન ખર્ચ માટે જીવ ટુંકો કર્યો…"

રડતા સોનાબાના આત્માને પહેલી વાર ટાઢક થઇ..”અજય અજય” કહેતા તે આત્મા કયારે હવામાં વિલીન થઇ ગયો તે કોઇને ના સમજાયુ.. તે રડતો હતો.

“બા તમારા ફોટા ઉપર સુખડનો હાર સુધ્ધાં ના ચઢાવ્યો કે ના તમારી પાછળ પૂજા ભણાવી.. મા મને માફ કર…” તેને કોણ જાણે કેમ માના શબ્દો સંભળાતા હતા.. "ફટ રે ભુંડા!" પણ આ શબ્દોમાં ધિક્કાર નહોતો..માના શબ્દો હતા..પેલું નાનું બાળક ખોટું કરે અને તેને ભુલ સમજાઇ જાય ત્યારે જે મીઠો ઠપકો હોય તેમ જ…

"બંટુ પપ્પાને રડતા જોઇને બોલ્યો પપ્પા બા હવે ક્યારેય નહી આવેને?"

“હા બેટા.” કહીને ડોક્ટર નાનાએ તેને બાથમાં લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy