N.k. Trivedi

Thriller

4  

N.k. Trivedi

Thriller

ફોર્મ્યુલા

ફોર્મ્યુલા

8 mins
976


 ડોક્ટર ખુરાના આજે ખૂબ જ ચિંતામાં હતા. ડોક્ટરને સમજાતું નહોતું કે બધા જ રિસર્ચ ડોક્ટર ભરોસાપાત્ર હતા. સંપૂર્ણ સુરક્ષાચક્ર હતું અને એથી વિશેષ બહારની કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ તપાસ કર્યા વગર કેમ્પસમાં પ્રવેશ નહોતો મળતો. તો પછી કોઈ વ્યક્તિ અતિ સુરક્ષિત રિસર્ચ લેબોરેટરી સુધી પહોંચી ચોરી કેવી રીતે કરી શકે. બધા જ ડોક્ટરો પણ હાજર છે. કોઈ જ બહાર નહોતું ગયું કે, નથી ગેરહાજર તો પછી આ ચિંતાજનક પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ કે જેના પરિણામનાં પડઘા દૂર દૂર સુધી સંભળાવાના છે. એટલે ડોકટર ખુરાનાએ ખ્યાતનામ જાસૂસ શ્યામચંદ્ર સાથે મિટિંગ કરવાનું નક્કી કર્યું.

ખ્યાતનામ જાસૂસ શ્યામચંદ્ર અને રિસર્ચ ટીમનાં બધાંજ વૈજ્ઞાનિકો હાજર હતા. ડોક્ટર ખુરાનાએ કહ્યું કે અમારું મિશન ખૂબ જ ગુપ્ત હતું. અમારી રિસર્ચ લેબમાં અમે જે શોધ કરી રહ્યા છીએ એ રિસર્ચ ડોક્ટર સિવાય કોઈ નથી જાણતું. એટલે જ હું તમને જે જણાવા જઈ રહ્યો છું એ બાબત બહુ જ ગંભીર છે. તાત્કાલિક પગલાં લેવા માટે વિચારવાની તાતી જરૂરિયાતવાળી વાત છે. 

હવે મારી વાત ધ્યાનથી સાંભળો પછી શું પગલાં લેવા તે યોજના ઘડીશું. અમે એક એવા દ્રાવણની ફોર્મ્યુલા શોધી કાઢી છે. કે દ્રાવણનાં બે ટીપાં કોઈ પણ જીવંત ચીજ ઉપર નાખીએ એટલે તે જીવંત ચીજ અદ્રશ્ય થઈ જાય. તે જોઈ શકે પણ તેને કોઈ જોઈ ન શકે. અમે દ્રાવણ બનાવી તેની યોગ્યતાની કસોટી કરીએ તે પહેલાં મારી કોમ્બિનેશન લોકવાળી તિજોરીમાંથી ફોર્મ્યુલાની ચોરી થઈ ગઈ છે. આપણને ધરપત એ વાતની છે કે ફોર્મ્યુલા મેં ગુપ્ત લિપિમાં લખી છે એટલે જ્યાં સુધી ગુપ્ત લિપિને ઉકેલી નહીં શકે, ત્યાં સુધી દ્રાવણ નહીં બનાવી શકે. પણ વિચારવાની બાબત એ છે કે જો ફોર્મ્યુલાની ભાષા ઉકેલી નાખે અને દ્રાવણ બનાવી નાખે તો અદ્રશ્ય થઈ કોઈ પણ ગુનાહિત માનસવાળી વ્યક્તિ સમાજને બહુ મોટું નુકસાન કરી શકે. એટલે આપણે શ્યામચંદ્રજીની અને પોલીસ ડિપાર્ટમેન્ટની મદદથી વહેલી તકે ફોર્મ્યુલાનો ગેરઉપયોગ થાય એ પહેલાં પાછી મેળવી લેવી પડે.

"ડોક્ટર ખુરાના સાહેબની વાત બરોબર છે. હું આજથી જ મારા માણસોને કામે લગાડી દઉં છું અને તમારો જો કોઈ સંપર્ક કરે તો તાત્કાલિક મને જાણ કરશો એવી તમને મારી વિનંતી છે. મને ચોક્કસ ખાતરી છે કે ફોર્મ્યુલાની ભાષા ઉકેલવા માટે તમારામાંથી કોઈનો તે સંપર્ક કરશે જ. અને એ જ આપણું દિશા સૂચન બનશે."

"ખુરાના સાહેબ અદ્રશ્ય થયા પછી દ્રશ્ય થવા માટે પણ કોઈ દ્રાવણની જરૂર પડે ને ? તો તેના માટે કઈ શોધ તમે કરી છે ?"

"શ્યામચંદ્રજી, તમારી વાત અને સવાલ યથાયોગ્ય છે. મેં દ્રશ્ય થવા માટેના દ્રાવણની ફોર્મ્યુલા પણ શોધી રાખી છે. તેનો પણ પ્રયોગ અદ્રશ્ય ફોર્મ્યુલાની સફળતા પછી કરવાનો હતો. એટલે તેને અમે જુદી જગ્યાએ સુરક્ષિત મૂકી છે. એટલે તો એક જ ફોર્મ્યુલાની ચોરી થઈ. હવે મને એ ફોર્મ્યુલા માટે પણ ચિંતા છે કે ક્યાંક તેની પણ ચોરી ન થઈ જાય. તમારી સેવા અને પોલીસની મદદ લેવાનું એ જ કારણ છે."

"ખુરાના સાહેબ, ડોક્ટર મિત્રો, મને ચોક્કસ ખાતરી છે કે, તમારા કોઈક ઉપર મદદ માટે ફોન આવશે. ફોનમાં વાત કરજો તેનું રેકોર્ડિંગ મને મોકલજો."

શ્યામચંદ્રનું અનુમાન સાચું પડ્યું. બે દિવસ બાદ રિસર્ચ લેબના ડોક્ટર ઘોષનાં મોબ. ઉપર એક અજાણ્યા નંબરની રિંગ વાગી...."હલ્લો ડોક્ટર...ઘોષ..."

"હા, હું ડોક્ટર ઘોષ બોલું છું. તમે ડોક્ટર ખુરાના બોલો છો ? તમારો અવાજ ડોક્ટર ખુરાના જેવો લાગે છે."

"હા, હું ડોક્ટર ખુરાના બોલું છું. મારે તમારી મદદની જરૂરિયાત છે; ફોર્મ્યુલાને ઉકેલવા માટે જોઈએ છે."

"અરે ! સાહેબ તમે ખુદે આ ફોર્મ્યુલા શોધી છે. તમને તો બધી જ ખબર છે."

"હા, પણ એક--બે જગ્યાએ શબ્દો લખવાનાં રહી ગયા લાગે છે અને તમે સાથે હતા એટલે તમે મળો તો ફોર્મ્યુલામાં ક્ષતિ પૂર્તિ કરી લઈએ. બીજા કોઈ ડોક્ટર સાથે આ બાબત વાત ન કરતા."

"સારું સાહેબ, હું તમે કહો ત્યારે આવી જઈશ." ડોક્ટર ધોષે તુરતજ શ્યામચંદ્રને ફોન કરી વાત કરી અને શંકા દર્શાવી કે, શું આ ડોક્ટર ખુરાનાનો ફોન હશે ? ફોર્મ્યુલા ચોરી પાછળ તેનો હાથ હશે ? અને હોય તો શું કામ ?

"ડોક્ટર ઘોષ, તમને શંકા ઊભી થાય એ સ્વાભાવિક છે. મને વાતચીતનો ઓડિયો મોકલી દો. અત્યારે ડોક્ટર ખુરાના ઉપર શંકાનું કોઈ કારણ નથી. આ વસ્તુ વોઇસ ચેન્જરથી પણ શક્ય છે. હવે ફોન આવે તો મિટિંગનું સ્થળ અને સમય નક્કી કરી મને જાણ કરશો."

શ્યામચંદ્રએ ડોક્ટર ખુરાના અને અન્ય ડોક્ટરની મિટિંગ પછી બધાંના ફોન ટેલિફોન એક્સચેન્જ અને પોલીસ ડિપાર્ટમેન્ટની મદદથી અંડર ઓબ્જરર્વેશનમાં મુક્યા હતા. ડો. ધોષે મોકલેલ ઓડિયો ટેપમાં અવાજ તો ડો. ખુરાના જેવો જ લાગતો હતો. આ કમાલ કદાચ વોઇસ ચેન્જરની પણ હોઈ શકે. એ વાત શ્યામચંદ્રને સમજાઈ ગઈ હતી. કેસ અધરો અને પેચીદો હતો. તાત્કાલિક પગલાં લેવા અત્યંત જરૂરી હતા.

શ્યામચંદ્રએ, ડો. ખુરાનાંને ફોન કરી, વાત કરી, એક યોજના બનાવી, અમલમાં મૂકી....અને પરિણામ...તરત જ મળી ગયું.

બીજે દિવસે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયામાં સમાચાર આવ્યા કે પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર ખુરાનાની રિસર્ચ લેબમાંથી એક ફોર્મ્યુલા ગુમ થઈ છે કે ચોરી થઈ છે. એ ફોર્મ્યુલા ઝડપથી ઝાડ પાનની વૃદ્ધિ માટેની ફોર્મ્યુલા છે અને અધૂરી ફોર્મ્યુલા છે. એટલે કોઈએ એ ફોર્મ્યુલાથી બનાવેલ દ્રાવણનો ઉપયોગ ન કરવો. ફાયદા ને બદલે નુકશાન જવા સંભવ છે. સાચી ફોર્મ્યુલા ડો. ખુરાના સાહેબ પાસે સુરક્ષિત છે. ચિંતાનું કોઈ કારણ નથી.

ડો.ઘોષ ઉપર ફરી ફોન આવ્યો. "ડો. ઘોષ, આજે ફોર્મ્યુલાને લગતા જે સમાચાર આવ્યા એ સાચા છે ?

"ખુરાના સાહેબ તમે આ સવાલ મને પૂછો છો ? આ સવાલ તો મારે તમને પૂછવો જોઈએ. મારી મશ્કરી ન કરો ખુરાના સાહેબ."

"હું ડો. ખુરાના નથી બોલતો."

"તો તમે કોણ બોલો છો ? તમારો અવાજ તો ડો. ખુરાના સાહેબ જેવો જ લાગે છે."

"એતો વોઇસ ચેન્જરની કમાલ છે. હું કોણ છું એ વાતમાં પડ્યા વગર સાચી ફોર્મ્યુલા મેળવવા માટે, હું કહું તેમ કરો નહીંતર મુશ્કેલી ઊભી થશે"....ફોન...કપાઈ ગયો.

ડો. ધોષે શ્યામચંદ્રને ફોન કરી વાત કરી. "મેં પણ તમારી વચ્ચેની વાત સાંભળી છે. હવે ફોન આવે તો તે કહે તેમ કરો. મને જણાવવાની જરૂર નથી. હું તમારી બધી વાત સાંભળી શકું છું અને રેકોર્ડ પણ કરી શકું છું. આરોપી હાથ વેતમાં છે. એક ભૂલ અને આરોપી સકંજામાં."

"ડો. ઘોષ, રવિવારે તમારી રિસર્ચ લેબમાં રજા હોય છે. તે દિવસે સિક્યુરિટી પણ નોર્મલ હોય છે. તમને સેઈફનાં કોમ્બિનેશનલોકનાં ગુપ્ત કોડની ખબર છે. રાત્રે બાર વાગ્યા પછી તમારે લેબમાં જઈ ખોટી ફોર્મ્યુલા મૂકી સાચી ફોર્મ્યુલા ચોરી લેવાની છે. હું તમને ખોટી ફોર્મ્યુલા મોકલું છું, કલાક પછી તમારા લેટર બોક્સમાં એક કવર હશે. તેમાં જ ખોટી ફોર્મ્યુલા છે. હું તમને જુના કબ્રસ્તાન પાસે એક વાગે મળીશ અને એક કરોડ રૂપિયા ભરેલી બેગ તમને આપીશ."

"સારું, એક વાત પૂછું ? તમે મને કહ્યું હતું કે તમે ડો. ખુરાના નથી; તો પછી આજે તમે તમારા મૂળ અવાજમાં વાત કેમ નથી કરતા ? બીજું અમે તો ઘણા ડોક્ટરો રિસર્ચ લેબ સાથે સંકળાયેલા છીએ, મારી જ પસંદગી કરવા પાછળનું કારણ શું છે ?"

"તમારા બધા જ સવાલનાં જવાબ; કામ પૂરું થયા પછી આપીશ. અત્યારે કહું તેમ કરો."

...."સારું".

ડો.ધોષે, શ્યામચંદ્ર સાથે વાત કરી. શ્યામચંદ્ર એ, ડી સી પી. સાહેબ સાથે વાત કરી આખી યોજના ઘડી કાઢવામાં આવી.

ડો.ઘોષ બરોબર રાત્રે બાર વાગે, લેબ ઉપર પહોંચી ગયા. ડો. ઘોષને કોઈએ રોક્યા નહીં. ડો. ધોષે સિક્યુરિટી એલાર્મ બંધ કરી સેઈફ ખોલી ખોટી ફોર્મ્યુલા મૂકી, સેઈફમાં પડેલી ફોર્મ્યુલા લઈને સેઈફ બંધ કરી, એલાર્મ સિસ્ટમ ફરી ચાલુ કરી જુના ક્રબ્રસ્તાન પહોંચી ગયા. બરોબર એક વાગે બ્લેક એસ. યુ. વી. આવી...ડો. ઘોષને તેમાં બેસી જવા કહ્યું ને ડો. ઘોષ યોજના પ્રમાણે તેમાં બેસી ગયા.

એક કિલોમીટર આગળ જતાં એસ. યુ. વી.ને પોલીસે કોર્ડન કરી, ઘેરી, ઊભી રાખવા આદેશ કર્યો....ડો. ખુરાના સરળતાથી તાબે થઈ જાવ તમારો ખેલ ખતમ થઈ ગયો છે. તમારો ભાંડો ફૂટી ચુક્યો છે.

શ્યામચંદ્ર અને ડી.એસ.પી સાહેબ કાર પાસે ગયા. જોયું તો ડો. ખુરાના આ દુનિયા છોડી ચુક્યા હતા. ડો. ખુરાનાએ પ્રતિષ્ઠા, આબરૂ જવાના ડરથી સાઈનાઈડ ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

શ્યામચંદ્ર એ પ્રેસ કોન્ફરન્સ બોલાવી, સોશિયલ મીડિયાને સાચી માહિતીથી વાકેફ કરવા માટે !

તમને લાગશે કે, ડો.ખુરાનાએ આવું શું કામ કર્યું ? મને કેસ સોંપવાની ભૂલ કેમ કરી ? તેમજ બીજા બધા ડોકટરનાં બદલે ડો. ઘોષ ઉપર જ શું કામ પસંદગી ઉતારી ? ડો. ખુરાના ક્યાં ભૂલ ખાઈ ગયા ? આ બધાજ સવાલો તમારા મનમાં ઊભા થયા છે એટલે જ આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.

ડો.ખુરાના ઘણા સમયથી એક વિદેશી મોટા માફિયા ગ્રુપનાં સંપર્કમાં હતા. ડો. ખુરાનાંને એક અબજ ડોલર, વિદેશમાં સારા યુરોપિયન દેશની નાગરિકતા અને જિંદગીભરની સુરક્ષાની ઓફર હતી. એટલે ખુરાના દેશ સાથે ગદ્દારી કરવા તૈયાર થયા હતા. અને બલીનો બકરો બીજાને કરવા માંગતા હતા.

મને આ કેસ સામેથી આપીને પોતે આ ષડયંત્રમાં ક્યાંય સંડોવાયેલ નથી; એવું સમાજને બતાવવા માંગતા હતા. અને પોતાની જાતને સુરક્ષિત કરવા માંગતા હતા. ત્યાંજ ડો. ખુરાના થાપ ખાઈ ગયા. અતિ આત્મ વિશ્વાસમાં આગળ વધતા ગયા. એ ભૂલી ગયા કે તેનો ફોન પણ ટેપ થઈ શકે છે. તેની ઉપર પણ નજર રખાતી હોઈ શકે છે.

ડો. ઘોષ પ્રત્યે, ડો. ખુરાનાને ભારોભાર ઈર્ષા હતી. તેને ખબર હતી કે ડો. ઘોષ વિચક્ષણ યુવાન રિસર્ચ ડોક્ટર છે. જે ગમે ત્યારે તેનું પદ છીનવી શકે છે. એટલે તેના દ્વારા ખોટી ફોર્મ્યુલાની ચોરી કરાવી તેને ફસાવી દેવા માંગતા હતા. તે દિવસે જાણી જોઈને સિક્યુરિટી ઓછી રાખી હતી. પણ સી. સી. ટી. વી. કેમેરામાં ડો. ઘોષની એકેએક હિલચાલ રેકોર્ડ થતી હતી. જે ડો. ઘોષની સામે પુરાવા તરીકે વાપરી શકાય. સાચી ફોર્મ્યુલા તો તેની પાસે જ હતી. એટલે તેને ડો. ઘોષ જે ફોર્મ્યુલા ચોરી કરીને આપે તેમાં રસ નહોતો. કારણ કે તે ફોર્મ્યુલા પણ ખોટી જ હતી.

"મેં જ્યારે પબ્લિકને સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા ફોર્મ્યુલા ચોરી થયાની વાતની જાણ કરવાની વાત કરી તો, તેમણે તુરતજ સ્વીકારી લીધી અને ડૉ. ઘોષને ફસાવાનો પ્લાન ઘડી કાઢ્યો. મને ત્યારેજ પ્રથમ વખત શંકા પડી હતી. કે આવી ગુપ્ત અને અતિ સંવેદનશીલ વાત પબ્લિકને ન જણાવાની હોય. છતાં ડો. ખુરાના તૈયાર કેમ થઈ ગયા. એ વિચારે ડોક્ટર ખુરાના ઉપરની મારી શંકા દ્રઢ બની અને ડોક્ટર ખુરાનાને કેન્દ્રમાં રાખીને આખીય યોજના ઘડી કાઢી."

"બીજી એક ભૂલ એ કરી કે ડો. ઘોષને એમ કહ્યું કે હું વોઇસ ચેન્જરથી ખુરાના જેવા અવાજમાં વાત કરું છું; ખુરાના નથી. મેં જ્યારે ડો. ધોષે મોકલેલ ઓડિયો ટેપ અને ડૉ. ખુરાના એ બોલાવેલ મિટિંગનું રેકોર્ડીંગ મેચ કર્યું તો પરફેક્ટ મેચ થઈ ગયું. એટલે ખુરાના એ વોઇસ ચેન્જરનો ઉપયોગ કર્યો જ નહોતો. ખાલી ભ્રમ ઊભો કરવા જ ડો. ઘોષને એમ કહ્યું હતું. ડોક્ટર ઘોષ મારા સંપર્કમાં છે, એ ડોક્ટર ખુરાનાને ખબર નહોતી."

"શ્યામચંદ્રજી, તો અત્યારે સાચી ફોર્મ્યુલા ક્યાં છે ?" 

આ રહી, મારી પાસે. જે મેં ડો. ખુરાનાનાં કોટમાંથી આત્મહત્યા પછી કોઈને ખબર ન પડે તેમ લઈ લીધી હતી. મારુ નમ્ર સૂચન છે. આ ફોર્મ્યુલા અતિ જોખમી છે. કોઈ ગુનાહીત માનસ ધરાવતા માણસનાં હાથમાં જાય તો, બધી રીતે ભયંકર નુકશાન થવાની ભીતી છે... તો તેનો નાશ કરવો હિતાવહ છે."

સૌની સંમતિથી ફોર્મ્યુલાનો નાશ કરી સૌએ હાશકારો અનુભવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller