STORYMIRROR

Dina Vachharajani

Comedy

4  

Dina Vachharajani

Comedy

ફનરાત્રી

ફનરાત્રી

3 mins
239

બપોરનો સુસ્તીભર્યો સમય હતો. પહેલાં તો આજ સમય એવો રહેતો કે મીતા સૌથી વધારે વ્યસ્ત રહેતી. ક્યારેક કીટીપાર્ટી તો ક્યારેક સહેલીઓ સાથે લંચપાર્ટી. ક્યારેક વળી બહેનને ત્યાં વીઝીટ કે ક્યારેક ભાભી સાથે મૂવી જોવાનો પ્લાન. વર, દીકરો, વહુ બધા જોબ પર હોય અને રાત્રે સાત પહેલાં કોઈ પાછું ન આવવાનું હોય તે દિવસ આખો પોતાની મરજીથી પસાર કરવા મળતો. પણ હવે તો વર્ષ ઉપર થઈ ગયું આ કોરોનાએ તો વાટ લગાડી દીધી છે. બહાર નીકળવાનું સદંતર બંધ તે બધાં હવે ઘરમાંથી જ કામ કરે એટલે ચોવીસ કલાક ઘરમાંજ. ઘરમાં રહેલાં બધાને ભૂખ પણ ખૂબ લાગે. કોઈવાર હોટલમાંથી ઓર્ડર કરે એ સિવાયના હાલતાં ને ચાલતાં થતાં જીભના ટેસડાંએ બંધ તે ઘરે વાનગીઓની ફરમાયશ પણ ઊભી જ હોય. શરૂમાં તો ખાસ વાંધો ન આવ્યો પણ હવે એ દિવસો-બહેનપણીઓ ખૂબ યાદ આવતી.

જોકે વોટ્સએપ પર બધા જોડાયેલા હતાં પણ આમ ચેટ કરવી અને બધા મળીને પંચાત કરવી -ધમાલ કરવી એમાં કેટલો બધો ફર્ક ? કોવિડનાં કેસ થોડા ઓછા થયા ત્યારે બધા એકાદવાર મળવાનું વિચારતાં જ હતાં કે પાછો રોગચાળાનો બીજો વેવ શરુ થઈ ગયો. પાછું લોકડાઉન લાગી ગયું અને હવે આ બીજું વર્ષ પણ ઘરમાં લોક થઈને જ જશે એવું લાગતું હતું. એવામાં કોઈએ પ્રસ્તાવ મૂક્યો કે આપણે ઝૂમ મીટીંગ રાખીએ તો બધા એકસાથે મળી શકીએ. પણ હવે એમાં ય બધાને અલગ-અલગ સમય ફાવે. અને ઘરના સભ્યો આસપાસ ફરતા હોય તે મજા પણ ન આવે. એમાંયે પત્નીઓ પર ટીપ્પણી કરવા ટાંપીને બેઠેલા પતિદેવોને તો એક ચાન્સ જ મળી જાય. એટલે એ પ્લાન પણ કેન્સલ !

પછીના અઠવાડિયે શિવરાત્રી હતી તે કોઈએ વળી સજેસ્ટ કર્યુ કે આપણે બપોરના ભજન ગાવા ઝૂમ પર મળીએ ! ભગવાનના કામે અને નામે ઘરનાં એ બધી સગવડ કરી આપે. અને એ બહાને આપણે બધાં સાથે મળીએ. આ સાંભળી મીતાના મગજમાં એક પ્લાન આવ્યો. એણે કહ્યું આપણે જરુર શિવરાત્રીના ભજન રાખીએ પણ રાત્રે ...શિવરાત્રીના જાગરણ નિમિત્તે. પહેલાં તો થોડો ચણભણાટ થયો પણ આખો પ્લાન સમજાતા બધા ઉત્સુકતાથી જાગરણ ---ભજનરાત્રીની રાહ જોવા લાગ્યા.

શિવરાત્રીના .......મમ્મીને તો આખી રાત જાગરણ છે કહી મમ્મીનું ખૂબ ધ્યાન રાખતા દીકરાએ પત્ની પાસે મમ્મી માટે ગરમ દૂધનું થરમોસ ભરાવીને મૂકાવ્યું. પુત્રીએ "મમ્મી મસ્ત સાડી પહેરજો, બધા તમને જોશે ! " એવી મીઠી સૂચના આપી. મીતાએ યાદ કરી પતિને બી.પી.ની દવા આપી એસી ચાલુ કરી દીધું જેથી કમ્ફર્ટેબલ થઈ સૂઈ જાય.અને પતિએ પણ યાદથી મીતાની ભજનની ચોપડી શોધી આપી પોતાની ફરજ બજાવી. ફક્ત મીતાના જ નહીં લગભગ બધી જ સખીઓને ઘરે આવું જ કંઈક હતું. રાતના અગિયાર પછી ભજનરાત્રી શરુ થઈ. જેમ જેમ સૌ ઝૂમ પર આવતાં ગયાં ઘણાં સમયે એકબીજાને જોઈ સૌ ખુશ થયાં. કોણે શું પહેર્યું છે ? ની ચર્ચા શરુ થઈ એટલે જાણે રંગ જામતો લાગ્યો. એવામાં એડમીને ગીત શરુ કર્યું " ઝૂમ બરાબર,ઝૂમ બરાબર, ઝૂમ...." ને રંગત જામી.કોઈએ થમ્સઅપ, કોઈએ ભાંગ, કોઈએ જ્યૂસ તો મીતા જેવા એક બે જણે બીયરની બોટલ કાઢી ખરો સત્સંગ શરુ કર્યો. ગીત સાથે કોઈએ ગરબા સ્ટેપ, કોઈએ વળી ડાન્સ શરુ કર્યો. સ્ક્રીન પર એકબીજાને જોતાં ભૂલાય જ ગયું કે પોતે એકલા પોતાના ઘરમાં છે ! પછી તો અંતાક્ષરી -ખાણી પીણી બધાના રાઉન્ડ ચાલુ થયા. મીતાને તો બીયર-ચીપ્સ-મ્યૂઝીક અને લાઈવ સખીઓનો સાથ મળ્યો કે ઝૂમી ઊઠી ....આજે દોઢ વર્ષમાં પહેલીવાર ઘર-છોકરાં -જવાબદારી-કોરોના બધું જ ફગાવી પોતાનામાં જ ખોવાઈ ગઈ. એટલી હદે કે એના રૂમનાં થોડા ખૂલી ગયેલા દરવાજામાંથી બહાર જતાં અવાજ ને રોકવા પુત્ર ધીરેથી આવી, પ્રેમથી ડોકીયું કરી દરવાજો સજ્જડ બંધ કરી નીકળી ગયો એ પણ ખ્યાલ ન આવ્યો. જતાં -જતાં એ મનમાં જ બબડ્યો ...'આ તો જેની ખૂબ જરૂર હતી એવી ફનરાત્રી'. રૂમમાં પહોંચ્યો કે પત્નીએ પૂછ્યું કેમ ઉઠ્યાં? તો જવાબ મળ્યો " અરે ! કાંઈ નહીં. આ તો મમ્મીના ભજનનો અવાજ અહીં સુધી આવતો હતો તે દરવાજો બંધ કરી આવ્યો." 


Rate this content
Log in

Similar gujarati story from Comedy