ફિરદોસ ઈવા એક સરળ પ્રેમ કહાની
ફિરદોસ ઈવા એક સરળ પ્રેમ કહાની
રોજ રોજ આવે છે ભરતીને ઓટ,
આ દરિયો પણ સંસારી જીવ હોવો જોઈએ.
ઘટનાઓ ઘણીવાર ખૂબ નાની હોય છે પણ લાગણીઓના ઉન્માદમાં વહી ગયેલું આપણું મન એના પ્રત્યાઘાત મોટા આપી દેતું હોય છે અને એ પ્રત્યાઘાતો અનેક વિચારોની એક વણથંભી સફર પર લઈ જઈ આપણને ત્યાં નોંઘારા છોડી દેતી હોય છે! આમ જુઓ તો તે દિવસની સવાર પણ બીજી અનેક આવીને જતી રહેતી સવારની જેમ જ એક સામાન્ય સવાર હતી, ફર્ક માત્ર એટલો હતો કે દર વખતે કોઈ નવી, અલાયદી અને પ્રકૃતિની એકદમ નજીક હોય એવી જગ્યાએ ફરવા જવાનો મારો શોખ મને ફીરદોસ અને ઈવાના ઘર સુઘી લઈ ગયો હતો.
દક્ષિણ ગુજરાતના નાનકડા શહેર વલસાડથી લગભગ પાંત્રીસ કી.મી. દૂર વસેલું મોટું ગામડું એટલે ઘરમપુર, શહેરની આછી પાતળી હવા એ ગામને અડી ચૂકેલી પણ ઘરમપુરની આસ-પડોશમાં નયનરમ્ય પ્રકૃતિ હજીય એની સુંદરતા અને નિર્મળતા સાચવીને અકબંઘ બેઠી છે. વરસાદમાં હજીય હું ઘણીવાર શહેરની દોડ-ઘામથી ભાગી જઈ ત્યાં પહોચી જાંઉ છું. અને પ્રદુષણમુકત ત્યાંની હવા ફેફસાંની સાથે સાથે મનને પણ તરો-તાઝા કરી દે છે. તે દીવસે પણ એ જ રીતે કાળા ડિબાંગ વાદળોની સાથે રમવા અને ઝરમર વરસતા વરસાદી વાતાવરણની માદકતામાં વિહરવાની ઈચ્છા સાથે હું ઘરમપુરથી સત્તર કી.મી. આગળ ચાલી ગયો. ચાસમાંડવા નામના એ ગામને એના સીમાડે સરસ મજાનો એક પાણીનો ઘોઘ મળેલો છે અને કદાચ એ ઘોઘને કારણે જ એ ગામને એનું નામ પણ મળ્યું હશે. કારણકે તળપદી આદીવાસી ભાષામાં પાણીના ઘોઘને ચાસુ કહેવામાં આવે છે, જોકે એ વાતની પણ મને ત્યાં ગયો ત્યારે જ ખબર પડી! બે નાનકડા ડુંગરાઓને જાણે વચ્ચેથી ફાડીને પાણી છોડવામાં આવ્યું હોય તેમ પથ્થરોની કંદરા વચ્ચેથી એ અલભ્ય ઘોઘ એના પુરજોશમાં વહે. ઊંચા-ઊંચા ઘાસવાળા ઢોળાવ ઘરાવતા ઘોઘની આજુ-બાજુના એ ડુંગરાઓ અને ઘટાદાર વૃક્ષોની વચ્ચે મોટું ઝુપડાં જેવું ઘર એટલે ફીરદોસ રૂસ્તમજી કાચવાલા અને ઈવાના પ્રેમના લીપણથી લીપાયેલી દીવાલો અને ઉપર ટેકવાયેલું વ્હાલનુમા છત્તર. જેને બારીઓ અને બારણાઓ તો બીજા ઝુંપડા જેવાં જ હતા પણ એ બારણાંની અંદરના વાતાવરણમાં વહેતી હવાઓ કંઈક અનેરી હતી એ સુવાસમાં વહેતા અત્તરની સુગંધ, પ્રવેશતાં જ મહેસુસ કરી શકાય એવી હતી. એક ઈઠ્ઠોતેર વર્ષનો વૃધ્ધ હતો જે પ્રેમ કરવામાં હજીય પચ્ચીસ વર્ષના યુવાન જેવો જ હતો અને બોંતેર વર્ષની આસપાસની વૃઘ્ઘા હતી જે પેલા ડોસલાના પ્રેમનો પડઘો પાડવાને હજીય બાવીસ વર્ષની કોઈ યૌવના જેટલી જ તલપાપડ હતી. એ ઈઠ્ઠોતેરની ઉંમરે પહોંચેલો ઘણાને વેવલો લાગે તેવો માણસ એટલે ફીરદોસ રૂસ્તમજી અને ઘરડી થયેલી આંખોમાં વ્હાલનું આંજણ આંજેલી પ્રેમાળ કીકીઓની નિર્મળતા એટલે ઈવા.
'ખંડહર બતા રહા હૈ કી વો ભી કભી મહલ થા!' જેવી આટલી ઘરડી વયે પણ સુંદર લાગતી ઈવા અને ક્યારેક કસાયેલા શરીર પર મોહીત થઈ જવાય એવા એક એક અંગના આકારો હશે એમ જોતાં જ ખ્યાલ આવી જાય તેવો ફીરદોસ શહેરથી દુર અને પ્રકૃતિ સમીપ વસેલા આ ગામમાં હુંફાળપના શ્વાસ સાથે જીવતા આ પારસી દંપતીના મોઢા પર કાયમ હાસ્યની રેખાઓ અંકાયેલી હોય.
પાણીના એ નયનરમ્ય ધોધ સુધી જવા માટે તમારે ફીરદોસ કાચવાલાના ઘરની સામેથી પસાર થવું પડે. હું પણ મારી કાર એ લોકોના ઘરની નજીક પાર્ક કરી ધોધ સુધી ફરી આવ્યો, પાછા આવ્યા બાદ ઈવાની નિર્મળ હંસી અને એથીય વધુ લાગણીસભર પૃચ્છાએ મને ત્યાં રોકવા પર મજબૂર કરી લીધો. 'પાણી પીશો બાવા? શહેરથી ફરવા આયવા છો?' ઈવાએ મને પૂછ્યું. 'હા' ફોર્મલ સ્મિત અને અપરિચયના ભાવ સાથે મેં જવાબ આપ્યો. 'બેસો, હું પાણી લઈ દઉં હાં!' તે ડોસી બોલી. ઈવા ઘરમાંથી પાણી લઈ બહાર આવે ત્યાં સુધીમાં ફીરદોસ પણ આવી ચઢ્યો, આગંતુક તરફ સ્નેહાળ નજર કરતા તે મારી સામે બેઠો. ન જાણે કેમ પણ મારી અંદરના લેખકને આ મુલાકાતમાં ક્યાંક કોઈ વાર્તાની કથા વસ્તુ છૂપાયેલી હોવાની ગંધ આવી અને હું થોડો વધુ વાર ત્યાં રોકાઈ ગયો. વાતચીતનું એક તાતણું ઝાલી આખીય ચાદર રચી લેવાની મથામણ મેં શરૂ કરી. 'આભાર આંટી, હું વલસાડથી આવ્યો છું, વર્ષોથી ધરમપુરની આજુ-બાજુના જંગલોમાં ફરૂં છું, પ્રકૃતિની નજીક મને ખૂબ મજા પડે!' મેં કહ્યુ. 'કેવું લાગ્યું અમારૂં ચાસુ?' (ચાસુ – પાણીનો ધોધ) ફીરદોસે પૂછ્યુ. 'અદભુત! તમે લોકો કેટલાં વખતથી અહીં રહો છો?' બંનેએ એક્બીજા તરફ નજર નાખી,'બાવીસ વર્ષ થઈ ગ્યા ભાઈ, મારો ફીરડોસ અને હું આંઈ અમારૂં બીજું હનીમુન મનાવવા આવેલા, તે પછી બસ મેં ડોહાને કીધું કે મુને આંઈ ઘર બાંધી આપ! તે દા'ડથી હું ને મારો આ ફીરડોસ આંઈ જ છે.' ઈવા બોલી. 'બીજું હનીમુન?' મારી જીજ્ઞાસાઓ ભરેલા ખાબોચિયામાં એક પવાલું ઓર ઉમેરાયું.
હવે પછીની વાત એ માત્ર ચિત્રણ મારૂં છે બાકી શબ્દો ફીરદોસના છે, એ ડોસાના કરચલીવાળા હોઠની વચ્ચેથી આવેલા ધ્રુજતા શબ્દોએ મને વિચારવા પર મજબુર ન કર્યો હોત તો કદાચ આવાત હમણા આમ ન પીરસાઈ રહી હોત પણ મેં કહ્યું ને ધણીવાર ધટનાઓ ખૂબ નાની હોય છે પણ લાગણીઓના ઉન્માદમાં વહી ગયેલું આપણું મન એના પ્રત્યાઘાતો મોટા આપી દેતું હોય છે.
'મારા ને મારી આ ઈવાના લવમેરેજ જ થયેલા એમ કહો ટો ચાલે, અમે નાલ્લા ઉટા ટેવારથી બાજુ-બાજુના મોલ્લામાં રીએ, મેં કોલેજ કરટો ને ઈવા ટે ટાઇમે અગિયારમાની એસ.એસ.સી.ની પરિક્ષા ડેઈ.' ફીરદોસ ધીમે-ધીમે મને એ સમયની સફરે લઈ જઈ રહ્યો હતો. 'મેં સ્કુલમાં ઉટોને ટેવારથી જ ઈવા મુને બો ગમટી, મુને એમ કે ઈવાબી કોલેજમાં આવહે, પન એના બાપે ઈને આગલ ની ભનાયવી, ટે જે'વારે-જે'વારે ઉં કોલેજને હારુ નીકળટો તે'વારે ઈવા ઘેરના ઓટલે બેહટી ને ઉં સાઈકીલ પર એના ઘેર પાંહેથી જાતો ત્યારે રોજ એ મુને જુવે ને, ઉં એને જોઉં. એના બે ચોટલાંને વ્હાઈટ ફ્રોક મુને બઉ ગમટા, એનો ચિબુક પરનો મોટ્ટો ટલ જોયો કે ટેં? એ ટલ તે'વારે બી મુને એટલો ગમટો કે એ મુને જોઈને મલકાય ત્યારે એ ટલ જોઈને ઉં પાણી પાણી થેઈ જાટો! આંખો ટો કે'વારની મડી જ ગેઈલી ઉટી, ને હવે હૈયે ઈવાના નામના નગારા વાગટા ઉટા!
હું ભણીને પરવાઈરોને તુરંત જ મુને મહેરનોસ ઈંટવાલાની કંપનીમાં નોકરી મલી ગેયલી. મારા બાપાને ઈવાના બાપાએ અમારા લગન બી કરાવી દીધા, ઈવા મુને બો ગમટી ને હું ઈવાને, અમારી વચ્ચે પ્રેમબી બઉ. પન ભાઈ આપનો મેલ લોકનો પ્રેમ ને બૈરાં લોકના પ્રેમમાં ફરક બઉ, લોક બધું એમ કીએ કે પ્રેમ હોય ત્યાં સંવાદની જરૂર ની મલે પન ભાઈ બે પ્રેમ કરનારાને વાતચીતની બી એટલી જ જરૂર હોય. હું જુવાનને પૈહા કમાવાનો, લાલચુ બી એટલો જ. મારી ઈવા ઘેરમાં રોજ મારે હારુ નવું નવું ખાવાનું બનાવેને મેં આખો દા'ડો કામ કરીને આવેલો હોય તે કાંઈ બી વાટ કયરા વગર ચુપ-ચાપ ખાઈને હુઈ જાંઉ, મુને ઈ ખબર જ ની પડી કે ઈવા રોજ ખાવાનું બનાવવાની હાથે હાથે મારી હાથેના જીવનના, હંગાથના ને મનભરીને વાત કરવાના સપના બી જોતી ઉતી. આખો દા'ડો ઘેરમાં એકલી રે'તી ઈવા હાંજ પડે ને મારા આવવાની રાહ જોટી પન મેં, ડોબો જ ઉટો, બૈરાંઉ હાથે વડી હું વાટ કરવાની!
જુવાનીનું જોમને નવા નવા લગન બેઉ. મારી ઈવાના શરીરને મેં અગનીતવાર અયડો હોઈસ, એને ભોગવ્યું હોઈસ પન એની હાથે-હાથે એની ઉન્માદથી ટરબટર લાગનીઓને અડવાનો મારી પાહે ટાઈમ જ ની ઉટો. એની ઉલાળા મારતી ઈચ્છાઓમાં કેથેક મને, મારા ભીતરને પામવાની બી લાલસા ઓઈ એ મુને હમજ જ ની મલે. મારે માટે એને પૈહા કમાઈને આપવા એ જ પુરતું નો'તુ પન મારો પ્રેમ, મારો ટાઈમ બી એને આપવાનો હોય. તે પન એટલો જ ઈમ્પોટન્ટ ઓહે તે મુને હમજ જ ની પડી. મારી દુનિયા, મારૂ ઘેર, મારી નોકરી, મારા હપનાંને આખું ગામ ઉટું પન ઈવાની દુનિયા તો એક ખાલી મેં જ ઉટો. આખો દા'ડો એ તો ખાલી મારા હારું ને મારી રાહ જોવામાં જ કાઢી નાખતી તે ટો મુને ખબર જ ની પડી.
મારા ઘરમાં રહેતી ઈવા ધીમે ધીમે મુને ગામડીયન લાગવા માંડી. એકવાર બી મેં ઈવાની પાંહે વ્હાલ ની કરેલું. ઈવા રોજ વિચારટી કે આજે ફીરદોસ આવે એટલે એની હાથે બેહીને વાટ કરહું એને મેં એમ કે'વા કે ફીરદોસ મેં કંટાડી જાઉ છું. પન એની આંખના આંસુ એના રૂમાલમાં જ હુકાઈ જાટા. મુને ભાન જ ની મલે કે ઈવાને કો'કવાર એક ઝલક જોવા હારું એના ઘેર પાહેંથી હું દસ-દસવાર આટાં મારતો તે ઈવા કેવારે મારા ઘેરમાં ખાલી સામાન બનીને રેઈ ગેઈ. એક કામવાલી જેમ આપના ઘેરના ઢસરડાં કર્યા કરે તેમ ઈવા મારા ઘેરને હાચવ્યા કરતી ને મેં, મેં ટો બસ કે’વારે મોટો માનુસ બનું ને બો રૂપિયા કમાઉં તે જ વિચાયરા કરું!
મારો બહારનો થાક ને ઈવાનો અંડરનો થાક. ધીમે ધીમે બેઉ વચ્ચે બબડાટને ઝઘડાને એવું બધું થવા લાયગું. પછી તો એવું થાય કે ઈવા કાંઈ હો બોલે ને તે મુને ફરિયાદ જ લાગે. તેવામાં મારી ઈવાને ઘન્ના ટાઈમથી પેટમાં બઉ ડુખ્યા કરે, વાંકી વળેને પાછી ઊભી થાતા જીવ નીકલી જાય. પન મારી પાંહે એને હાંભરવાનો ટાઈમ હોય તો એ મુને કેઈ ને! ડૉક્ટર પાંહે ગીયો તો તે નવરીનો ડૉક્ટર મુને કેઈ કે, બેનનું ગર્ભાશય બગડી ગેલું છે. મુને કેઈ કે, બેનને લાંબા ટાઈમથી કાંઈ ટેન્શન અહે તેને લીધે માસિક બરાબર આવતું ની લાગે, એટલે ગર્ભાશય બગડી ગ્યું. મારા મનમાં તુરંત આયવું કે, હેં... મારી ઈવા મને એક પોયરું હો ની આપવા ની'કે! મુને તો બો ગુસ્સો આયવો. પાંચ-પાંચ વરહ થેઈ ગ્યા લગનને ને અમને પોયરું ની'મલે. ડૉક્ટરે એનું ગર્ભાશય કાયઢું ને મેં ઈવાને મારા જીવનમાંથી કાઢી મેયલી.
ઈવાની લાગનીઓ થાકી થાકીને કરમાઈ ગેઈ, પન મારી પાંહે ટાઈમ જ નીમલે. એના મનમાં હું થાય, એના શરીરમાં હું થાય તે મેં જોયું જ ની કોઈદા'ડો. પછી તો એ એકલી રેઈ ને હુંય એકલો જ. આમને આમ વીહ વીહ વરસ કાઢી નાયખા. લગનની તારીખને પચ્ચીસમું વરસ બેઠું. આપનું બૈરૂં પન હારું આપના જગતનું એક શ્વાસ હોવું જોઈએ એ હમજતા મુને વીહ વીહ વરસ લાગી ગ્યા. રૂપીયા તો બો કમાયો પન ખાલી મારી બૈરી હાથેનો સંબંધ મારે કમાવો જોઈટો ઉટો, તેટલો બી મેં ની કમાયો. વીહ વરસ પછી પાછો મેં મારી ઈવાને મલવા ગીયો. બાપ રે બાપ. મુને હાવ ડોબી લાગતી ઈવા મારા કરટા બી બોઉ હારી રીતે સેટલ થેયલી ઉટી. પોયરા તો અમારે કોઈ ઊટા ની. તે મેં જેઈને કીધું કે, એય ડોહી મારી હાથે થોડીવાર ફરવા આવહે કે? તે'વારના ટાઈમે આ હામ્મે વાડી દેખાઈને ટે મેં લીધેલી ઊટી. તેં ઉં મારી ફટાકડીને ફટફટીયા પર બેહાડીને આંઈ લેઈ આયવો. આખા રસ્ટે મારી બેટી ડોહીએ એકવારબી એમ ની પૂયછું કે તું મુને કાં લેય જાય છે! આંઈ આવીને મેં પેલું કામ આ ચાસુમાં મારા ભાયડા હોવાના અહ્મને ઢોરી દેવાનું કયરું. મારી ઈવાની હામેં ઉં રડી પયડો, એટલું રયડો કે તે ટાઇમે મારી ઈવાને એવું જ લાયગું ઓહે કે એનું પોયરું એના ખોડામાં રડે છે.
'ઈવા, ઈવા મુને માફ કરી દે, મેં બો ખરાબ છું ઈવા, મુને જીવતા ની આવયડું. મુને એ વાતની હમજ જ ની પડી કે આ બધા રૂપીયા, આ જાહોજલાલીને આ નામ ઉ જેને હારુ કમાઉ છું એના ડીલ ને જ કમાવાનું બાકી રેઈ ગ્યું છે. મુને મુને માફ કરી ડે ઈવા!' અડધા કલાક, અડધા કલાક હુધી મુને રડવા ડીધો, મારા માથે હાથ ફેરયવા કીધો એણે, ને ટપ ટપ પડતા આંસુથી મારા થોબડાને રંયગા કીધો, છેક એનું સફેદ ફ્રોકનું આખું નીચેનું ઝૂલ ભીંજાય ગ્યું ટેવારે એ બાઈ બોલી.
ક્યારથી ઘરના દરવાજાની પાછળ ઊભી ઊભી ફીરદોસની વાતો સાંભળી રહેલી એ ડોસી એના ડોસાની ભીંજાઈ ગયેલી આંખ સામે રૂમાલ ધરતા બોલી. 'એઈ ડોહા, એક જ શરતે માફ કરૂં, ટારી આ વાડીમાં મુને એક ઘેર બાંધી આપહે બોલ?
ફીરદોસના ઘરડા હોઠે એની મલ્લીકાએ હુશ્નની કરચલીવાળી હથેળી પર એક મીઠું ચુંબન કર્યું અને બંનેની આંખો ફરીવાર છલકી પડી. 'બસ, આજે એ રેઈ ગેયલી અધુરપને વ્યાજ હાથે ચૂકવતો છું. બસ ટે દીવસે વીહ વરહથી છૂટ્ટાં પડેલાં અમે બે જણાએ આમારી પચ્ચીસમી લગ્નતિથિ પાછા ભેગાં મળીને ઉજવી. શરીર તો ઘરડાં થઈ ગયેલા પણ પાછા મળ્યાના ઉમળકાએ ઘડપણને ભુલાવી દીધું ને હું ને મારી ડોહી...!
મારા ચહેરા પર આનંદ અને સંતોષ સાથે બીજા કેટલાંય ભાવ આવી ગયા. દસ મિનિટ એમ જ મૌનમાં વીતી ગઈ અને અત્યારે ફીરદોસ અને ઈવા મારી નજર સામે બેઠાં હતાં. પાછા ફરતી વખતે વરસાદથી ભીના થયેલા રસ્તા પર પુરવેગે દોડતી મારી કારની સાથે સાથે હ્રદયના ઊંડાણ સુધી ઘર કરી ગયેલી ફીરદોસ અને ઈવાની કહાણી અને તેના વિચારો પણ મારા મગજમાં એટલી જ ઝડપે દોડતાં હતાં. મને થયું કે આમ જુઓ તો ઘટના ખૂબ નાની છે પણ લાગણીઓના ઉન્માદમાં વહી ગયેલું મારૂં મન કદાચ એના પ્રત્યાઘાતો મોટા આપી રહ્યું છે!

