Mariyam Dhupli

Children Tragedy

2.7  

Mariyam Dhupli

Children Tragedy

ફેસબુક પેજ

ફેસબુક પેજ

4 mins
761


ફેસબુકમાં લોગ ઈન કર્યું અને પહેલીજ નોટિફિકેશન નિહાળી એ ચોંક્યો .

' આજે જ્હાનવીનો જન્મ દિવસ છે . એને શુભેચ્છા પાઠવી એના જન્મદિવસની ઉજવણી

ખાસ બનાવવા એની મદદ કરો . '

શું ? આજે ૧૮ ફેબ્રુઆરી ? વિશ્વાસ નથી આવતો ?

કેલેન્ડર ઉપર નજર ફેરવી એણે ચકાસણી બમણી કરી . હા, આજે તો ૧૮ ફેબ્રુઆરી . જ્હાનવીનો જન્મદિવસ . સમયને કદી નિહાળ્યો તો નથી પણ એની પાસે અતિ વિશાળ પાંખો હશેજ . કઈ રીતે દિવસો આમ ઉડતા ને ઉડતા પસાર થઇ જાય છે !

વિચારોએ એને એક ઊંડા ધીર ગંભીર વિશ્વમાં ઉતારી દીધો જ કે બેઠક ખંડ તરફથી બન્ને બાળકોનો અવાજ શયન ખંડ સુધી પહોંચ્યો . ' ઉઠી ગયા મારા ફરિસ્તાઓ .' વર્તમાન વિશ્વમાં પરત થતાંજ ચ્હેરા ઉપરની બધીજ ગંભીરતા પીગળી ગઈ . હાસ્યસભર અને ઉલ્લાસભર્યા ચ્હેરા જોડે એ શીઘ્ર પોતાના બાળકો પાસે પહોંચી ગયો .

એક કલાકની અંદર પોતાના ફરિસ્તાઓને તૈયાર કરવાના હતા અને સાથે સાથે ઓફિસ માટે જવા બધીજ તૈયારીઓ સમેટવાની હતી .

' થઇ જશે . જીવનને ફક્ત એક દિવસ તરીકે લઈએ તો જ એ સરળ બની શકે . આજની ફરજ યોગ્ય રીતે આજે નિભાવી લઈએ તો ઘણું .'

દરરોજની જેમ જ પોતાની જાતને આશ્વાસન આપતા એણે પોતાની ફરજની યાદી પૂર્ણ કરવા હોંશે હોંશે પગ ઉપાડ્યા .

દીકરા અને દીકરીને બાથરૂમ લઇ જઈ ફ્રેશ કરાવ્યા .

ઈ ...આ ...ઓ... મસ્તી ભર્યા ઊંચા સ્વરોથી આખું સ્નાનાઘર પડઘા પાડી રહ્યું . એ મસ્તીભરી સ્વરની નિયમિત રમત દ્વારા કેટલી ઝડપે બન્નેએ દાંત બ્રશ કરી નાખ્યા .

એકબીજા ઉપર પાણીની છાલકો ઉડાવતા જાણે સ્નાનાઘરની હોળી આજે પણ પુનરાવર્તિત થઇ અને એ બધાની વચ્ચે બાળકોને જાણ પણ ન થઇ કે પપ્પાએ એમને સ્નાન પણ કરાવી દીધું .

નાસ્તાના ટેબલ ઉપર વાર્તા વિશેષ પડકાર આજે પણ રમાયો . રમતની શરત એટલીજ કે પપ્પાની સરસ મજાની નવી વાર્તા સમાપ્ત થાય એ પહેલાજ નાસ્તાની થાળી અને દૂધના ગ્લાસ સમાપ્ત થવા જોઈએ . બન્ને ભાઈ -બહેને આજે પણ પપ્પાને રોજની જેમજ હરાવી દીધા . પપ્પાની સુંદર મજાની રાજકુમારવાળી વાર્તા સમાપ્ત થાય એ પહેલાજ નાસ્તાની થાળી અને દૂધના ગ્લાસ ખાલી થઇ ગયા હતા .

જીતનો ગર્વ લેતા , સ્કૂલના દફ્તર લટકાવી બન્ને હસતા હસતા પપ્પા જોડે ફ્લેટની દાદર ઉપર પહોંચ્યા .

દાદર ઉપર કૂદકાની રમત ફરી આરંભાઈ . એક એક દાદર છોડી , કૂદકો ભરતા બધાએ નીચે સુધી પહોંચવાનું હતું . પપ્પા તો કેટલા પાછળ રહી ગયા . બન્ને ભાઈ- બહેન એકબીજાનો હાથ થામી પપ્પા પહેલાજ નીચે પહોંચી ગયા . પપ્પા દરરોજની જેમ આ સ્પર્ધા પણ હારી ગયા .

સ્કૂલ બસ આવી પહોંચી . બન્ને બાળકો ખુશ અને સંતુષ્ટ પોતાની બેઠક ઉપર જઈ ગોઠવાયા . બન્નેના ખુશી ભર્યા ચ્હેરાઓ નિહાળી એનું હૃદય પ્રેમથી ભરાઈ આવ્યું. પોતાની ફરજ યોગ્ય રીતે પાર પાડ્યાનો સંતોષ એના વ્યક્તિત્વને અનેરો નીખરાવી રહ્યો .

" લવ યુ પપ્પા ...લવ યુ ..."

બન્ને બાળકોએ બસની બારી તરફથી ઉડાવેલી ફ્લાયિંગ કિસ એણે ઝડપથી હાથના ઈશારા દ્વારા ઝાલી લીધી .

બસ શહેરના રસ્તા તરફ ઉપડી અને એ ગાડીમાં જઈ ગોઠવાયો . એક ઊંડી શ્વાસ દ્વારા એણે સવારની શ્વાસવિહીન દોડધામનો બધોજ શારીરિક થાક બહાર કાઢવા પ્રયાસ કર્યો . ગાડીની ચાવી ફેરવી અને ગાડી શરૂ થાય એ પહેલાજ એની નજર પોતાના મોબાઈલ ઉપર પડી .

ફરીથી સ્મૃતિ ઉપર ફેસબુકની નોટિફિકેશન આવી છવાઈ .

અરે , આજે તો જ્હાનવીનો જન્મ દિવસ છે !

એને શુભેચ્છા પાઠવવી કે નહીં ?

થોડા સમય સુધી એની દ્રષ્ટિ મોબાઈલને મુંઝવણથી તાકી રહી .

નિર્ણય અંગેની અનિશ્ચિતતા જોડે એણે ફેસબુકની એ નોટિફિકેશન ઉપર આંગળી દબાવી .

બીજીજ ક્ષણે એ જ્હાનવીના ફેસબુક પેજ ઉપર પહોંચી ગયો . વ્યસ્ત જીવન વચ્ચે ક્યારેક અવગણના પામતી જ્હાનવીના સુંદર પ્રોફાઈલ પિક્ચરને એ સ્નેહપૂર્ણ તાકી રહ્યો . મન અને શરીર બન્નેની સુંદરતા દરેકના ભાગ્યમાં હોતી નથી , એ તો જ્હાનવી જેવી કેટલીક પસંદગીયુકત વ્યક્તિઓને જ ઈશ્વર આપતા હોય છે . જ્હાનવીના સુંદર ચ્હેરામાં એ ઓતપ્રોત થઇ ગયો . તસ્વીરમાં છલકાઈ રહેલું હાસ્ય એક ઔષધિની જેમ એના દરેક શારીરિક અને માનસિક તાણને મટાડી રહ્યું .

ધીમે રહી એની આંગળી જ્હાનવીના ફેસબુક પેજને સ્ક્રોલ કરી રહી . હજી સુધી કોઈએ પણ એને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી .

કારણ સમજાય એવું હતું .

અચાનક વીજળીનો ઝબકાર થયો હોય એ રીતે એના મગજમાં ઉપસી આવેલા વિચારને એણે ક્રિયામાં ઉતાર્યો .

એક સુંદર જન્મદિવસની શુભેચ્છા જોડે સજાવાયેલ તસ્વીરને એણે ડાઉનલોડ કરી જ્હાનવીના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી . કેપશનમાં કેટલાક શબ્દો ટાઈપ કર્યા .

" હેપ્પી બર્થ ડે ટુ માય ડીઅર વાઈફ . કેટલાક વ્યક્તિત્વ એટલા સશક્ત અને પ્રભાવશાળી હોય છે કે અત્યંત દૂર રહીને પણ આપણને સદા અભિપ્રેરિત કરી બળ પૂરું પાડતા રહે છે . આમજ મને જીવનભર અભિપ્રેરિત કરી બળ પૂરું પાડતી રહેજે ..."

તસ્વીર અપલોડ થયાની થોડીજ ક્ષણોની અંદર લાઈક્સનો ઢગલો વરસવા લાગ્યો . ઢગલાબંધ પ્રતિક્રિયાઓ તસ્વીરને દીપાવી રહી . એટલુંજ નહીં જ્હાનવીના દરેક મિત્રો અને સંબંધીઓએ એને પોતપોતાની રીતે જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી .

મૃત્યુ ફક્ત માનવીનું શરીર છીનવી શકે , એની યાદો , એના પ્રત્યેનો પ્રેમ , એના તરફની લાગણીઓ , એના સંબંધો અને ભાવનાઓને સ્પર્શવાની એની લાયકાત ક્યાંથી ?

એ વાતને પુરવાર કરતું ,અંતિમ છ મહિનાથી મૃત પડી રહેલું , જ્હાનવીનું ફેસબુક પેજ એના મૃત્યુ પછી આજે ફરી જીવંત થઇ ઉઠ્યું .


Rate this content
Log in

Similar gujarati story from Children