પહેલો વરસાદ
પહેલો વરસાદ


લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આજે આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાયા. અને થોડીવારમાં ધોધમાર વરસાદ ચાલુ થયો. ચોમાસાનો આ પહેલો વરસાદ હતો. નાના-મોટા સહુ વરસાદમાં નહાવા ઘરની બહાર નીકળી પડ્યા. બાળકોની કીકીયારી સંભળાતી હતી. વરસાદની ખરી મજા તો બાળકો જ માણે છે! હું પણ બધાની સાથે અગાશીમાં ગઈ. વરસાદ અનરાધાર પડતો હતો. વીજળીના કડાકા-ભડાકા ચાલુ હતા.
થોડીવારમાં શેરીઓ જાણે નદીમાં પલટાઈ ગઈ! વોકળાનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું. મારી નજર વોકળાની બાજુમાં ઝૂંપડા વાળીને રહેતા લોકો પર પડી. વોકળાનું પાણી ઝૂંપડામાં પહોંચી ગયું હતું. ઝૂંપડામાં રહેલી ઘરવખરી પાણીમાં તરતી હતી. નાના બાળકોને તેડી તેના મા-બાપ બહાર ઉભી લાચાર નજરે ઘડીક તણાતા સામાન સામે તો ઘડીક આકાશ સામે જોઈ રહ્યા હતા!
મારી આંખમાંથી નીકળેલા આંસુ ચહેરા પરના વરસાદી પાણી સાથે ભળી ગયા!!