પાંચનો સિક્કો
પાંચનો સિક્કો
“મમ્મી, તે મારી જોડે ચિટિંગ કેમ કરી ?” પહેલા ધોરણમાં ભણતું બાળક સ્કૂલેથી ઘરે આવી પગ પછાડી રડવા લાગ્યું. “…ટીચરે ફી માટે ફિફ્ટી-ફાઇવ રૂપીસ લઈ જવાનું કહ્યું હતું. અને આ જો... તે મને કેટલા રૂપીસ કંપાસ બોક્સમાં આપ્યા હતા !” નારાજગીથી મોઢું ફુલાવી તેણે મમ્મીને પૈસા બતાવ્યા.
“હા બેટા. મને ખબર છે મેં તને ફિફ્ટી-ફાઇવ રૂપીસ જ આપ્યા હતા. ગણી જો તો...” મમ્મીએ તેને નજદીક ખેંચી ખોળામાં બેસાડી બચી ભરી.
“નો. યુ આર લાઈંગ...” કહેતા તે લગભગ રડવા જેવો થઈ ગયો, તેણે કંપાસમાં મૂકેલા રૂપીસ ગણતા કહ્યું, “...દેખ. તે મને ફિફ્ટી રૂપીસની નોટ અને પાંચનો સિક્કો જ આપ્યો હતો. તારે મને ફિફ્ટી-ફાઇવ રૂપીસની નોટ આપવાની હતી ! તે ચિંટિંગ કરી મારી જોડે...” કહી આંખે બાઝેલા આંસુ લૂછી લીધા.
“ઓફ્ફો બેટા, પાંચનો સિક્કો એ રૂપીસમાં જ ગણાય...” તેની નિર્દોષતા પર મમ્મી હસી પડી, “…ફિફ્ટી-ફાઇવ રૂપીસની નોટ ના હોય બેટું. સિક્કા અને નોટ્સ બંને રૂપીસ જ કહેવાય. સમજ્યો હવે ?” કહી ચલણની સમજ તેના બાળમનને કરાવી.
એની કાળી માસૂમ આંખો મમ્મીને હજુ પણ શકની નજરે તાકી રહી જાણે કહેતી હતી કે, તું ફરીથી તો મારી જોડે ચિંટિંગ નથી કરતી ને !