પાલક માતા-પિતાનું ઋણ
પાલક માતા-પિતાનું ઋણ
માનસી એમ.બી.બી.એસ. થઈ ગઈ. તેનું ડોક્ટરનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું. નીતાબેન અને ભરતભાઈએ એક સરસ જગ્યા જોઈ, માનસી માટે દવાખાનું ખોલવાનું નક્કી કર્યું. દવાખાનામાં સરસ ફર્નિચર, કેબીન, દર્દીને બેસવા માટે, તથા અન્ય સામાન બેડ વધુ ગોઠવી દીધું.માનસી તેના દવાખાનાની આ બધી તૈયારી જોઈ ખૂબ ખુશ થઈ ગઈ.
નીતાબેન અને ભરતભાઈએ ઉદ્ઘાટનનો દિવસ નક્કી કર્યો, તે દિવસે સવારથી જ બધા સગા સંબંધી, મિત્રો, પડોશીઓ, ત્યાં આવવાં લાગ્યાં. નીતાબેનનાં હાથમાં એક ફોટો ફ્રેમ હતી, કાગળથી ઢાંકેલી હતી, માનસી પણ એક ફોટો ફ્રેમ લઈને આવી હતી. બરાબર દસ વાગ્યે તેણે નીતાબેન અને ભરતભાઈના હાથે દવાખાનાનું ઉદઘાટન કરાવ્યું, અને પછી તેમના આશિર્વાદ લીધા. માનસી ખૂબ જ ખુશ હતી, તેણે તેનાં હાથ માની ફોટોફ્રેમને તેની સામેની દીવાલ પર લગાડી તેમાં નીતાબેન અને ભરતભાઈનો ફોટો હતો.
મીતાબેન અંદર આવ્યા અને બરાબર માનસીની ખુરશીની સામે જ ટેબલ પર પેલી કાગળમાં લપેટેલી ફોટો ફ્રેમ ખોલી, ત્યાં મૂકી. માનસીને નવાઈ લાગી, તે આશ્ચર્યથી નીતાબેન સામે જોઈ રહી ! નીતાબેન પેલા ફોટા સામે જોઈ પગે લાગ્યા, અને મનમાં કંઈક બોલ્યા. ભરતભાઈ પણ પગે લાગ્યા, અને પછી મીતાબેન સામે મંદ મંદ હસતા હસતા કહેવા લાગ્યા કે - " હવે શાંતિ થઈ ને ? હવે તારી ઈચ્છા પૂરી થઈ ને ?" માનસી માટે આજે એમનું વર્તન નવું જ હતું.
માનસીએ એમને પૂછ્યું,' પપ્પા આ બધું શું છે ? મમ્મી ! આ કોનો ફોટો છે ?
નીતાબેન બોલ્યા -"બેટા ! તારા સાચા મા-બાપ છે, રાધા અને મોહનભાઈ છે. એક કાર અકસ્માતમાં એમનું મૃત્યુ થયું. રાધા મારી બહેનપણી થાય, છેલ્લી ઘડીએ રાધાએ તને મારા ખોળામાં સોંપી, અને અમે તારા પાલક માતા-પિતા બની ગયા. રાધા મારી બહેનપણી હતી, એટલે મને એની ઈચ્છાઓની ખબર હતી, તે તને ડોક્ટર બનાવવા માંગતી હતી. આજે અમે તેની ઈચ્છા પુરી કરી, બેટા ! તું એમના આશીર્વાદ લે, અને તારા ડોક્ટર જીવનની સફર શરૂ કર".
માનસી તો આ સાંભળીને અવાચક જ રહી ગઈ, તે રાધા અને મોહનને પગે લાગી, પછી નીતાબેન અને ભરતભાઈને ભેટી પડી, " મમ્મી, હું તો તમને ઓળખું છું, તમે મારા પાલક નહીં, સાચા માતા પિતા છો. આજે મને સમજાય છે કે તમે મને બધો પ્રેમ મળી રહે તે માટે તમારું બીજું કોઈ સંતાન ન થવા દીધું નહીં ? આવા દેવ જેવા, તમે જ મારા માતા પિતા છો".
ત્યાં ઊભેલા બધા જ લોકોને પણ આજે સત્ય વાતની ખબર પડી, અને તેઓ પણ આવા પાલક માતા-પિતાને તાળીઓથી વધાવી તેમની વાહ બોલાવી.સમાજમાં આવા સાચા માનવની જરૂર છે.
માનસી-"તમે જેટલો પ્રેમ આપ્યો, અને મારી કાળજી રાખી અને ડોક્ટર બનાવી તેવું તો કદાચ મારા જન્મદાતા પણ ના આપી શક્યા હોત, મને તમે તો આજે ઋણી બનાવી દીધી".
મીનાબેન: "ના બેટા ! એવું કશું ના વિચાર, તું તો અમારી પ્રથમ સંતાન જ છે. તારા માટે અમે બે મા બાપ છે, અને અમારે માટે તો તું એક જ દીકરી છે ."
માનસી નીતાબેનની વાત સાંભળી હસી પડી, અને ભેટી પડી. આજે તેને કૃષ્ણનાં નંદ પિતાને જશોદા મા યાદ આવી ગયાં.
