STORYMIRROR

Kalpesh Patel

Drama Action Thriller

4  

Kalpesh Patel

Drama Action Thriller

ન્યાય ભલે આરામ ફરમાવે !!!

ન્યાય ભલે આરામ ફરમાવે !!!

4 mins
1

ન્યાય ભલે આરામ ફરમાવે !!!

રાતના અંધકારમાં મુંબઈનું અંધેરી રેલવે સ્ટેશન જાણે શ્વાસ રોકીને ઊભું હતું. લોકલ ટ્રેનો થંભી ગઈ હતી. વાદળોમાં સંતાયેલો ચંદ્ર અને પ્લેટફોર્મ પર માત્ર પવનનો કર્કશ અવાજ...

એ જ સમયે, નવા કુલીના બેજ સાથે સખરામ ફૂલી હાથમાં એક જૂની, ફાટી ગયેલી ડાયરી લઈને રેલવે પોલીસ ચોકી તરફ વધી રહ્યો હતો.

આ ડાયરી તેના પિતાની હતી.

પાંચ વર્ષ પહેલાં, ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની મધરાતે, કાલકા મેલ અંધેરી સ્ટેશન પરથી ઉપડવાની તૈયારીમાં હતી. એક ફર્સ્ટ ક્લાસ મુસાફરને સામાન ચડાવવામાં તેના પિતા વ્યસ્ત હતા. અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ પટરી પર પડ્યા. પળવારમાં કાલકા મેલ તેમના પર ફરી વળી.

રેલવે પોલીસે કેસને અકસ્માત ગણાવી ફાઇલ બંધ કરી દીધી.

પરંતુ સખરામને ક્યારેય એ વાત ગળે ઊતરી નહોતી.

ડાયરીના છેલ્લા પાનાં પર માત્ર એક જ નામ લખેલું હતું—

"દેવરાજ."

મુંબઈના અંધારા આલમનો સૌથી મોટો ખેલાડી.

એની નીચે લખેલું હતું—

"દેવરાજ પાસે મારા ત્રણ લાખ રૂપિયા લેવાના બાકી છે."

પાનાં પર લોહીનો સૂકાયેલો ડાઘ હતો.

સખરામના હાથ ધ્રૂજી ઊઠ્યા.

"બાપુ... તમારો દેવરાજ સાથે શું સંબંધ હતો?"

જવાબ ડાયરીમાં નહોતો...

અને કદાચ કોઈ જીવતા માણસ પાસે પણ નહોતો.

---

અંધેરી રેલવે પોલીસ ચોકીમાં ઇન્સ્પેક્ટર જાદવ જોષી નવી નિમણૂક પામ્યા હતા. તેજ નજર, શાંત સ્વભાવ અને અનુભવથી ભરેલો ચહેરો.

જાદવે આખી ડાયરી ધ્યાનથી વાંચી.

પછી ધીમેથી  બોલ્યો ,

"સખા... આ અકસ્માત નથી લાગતો. કોઈએ ખૂબ જ કાળજીપૂર્વક ગોઠવેલો ખેલ લાગે છે."

સખરામની આંખોમાં આશા ચમકી.

પણ જાદવ તરત જ ગંભીર થઈ ગયા.

"દેવરાજ સામે હાથ નાખવો એટલે આગ સાથે રમવું. અને હા... જો ક્યારેય તને તારા ત્રણ લાખ પાછા મળે... તો આ જાદવને ભૂલતો નહીં."

સખરામ માત્ર હળવું સ્મિત કરીને બહાર નીકળી ગયો.

---

એ જ રાત્રે તેના ક્વાર્ટરની બારી પર કોઈએ પથ્થર ફેંક્યો.

ચિઠ્ઠીમાં માત્ર એક જ વાક્ય હતું—

"પૈસા ભૂલી જા... અને સત્ય શોધવાનું પણ બંધ કર. નહીં તો તારો અંત પણ તારા બાપ જેવો જ આવશે."

એ ક્ષણે સખરામે નક્કી કરી લીધું.

હવે પોલીસ નહીં...
અપના હાથ જગ્ગાન્નાથ...પોતે જ સત્ય સુધી પહોંચશે.

તેણે કુલીની નોકરીમાંથી રજા લઈ લીધી.

દિવસ-રાત દેવરાજના અડ્ડા પર નજર રાખવા લાગ્યો.

---

એક દિવસ અંધેરીના ગોડાઉન પાસે દેવરાજ પર અચાનક ગોળીબાર થયો.

બધા ભાગી ગયા.

પણ સખરામે પોતાની જાન જોખમમાં મૂકી દેવરાજને જમીન પર પાડી તેનો જીવ બચાવી લીધો.

એ દિવસ પછી દેવરાજનો વિશ્વાસ જીતવામાં તેને વધુ સમય લાગ્યો નહીં.

ધીમે-ધીમે સખરામ દેવરાજનો સૌથી વિશ્વાસુ માણસ બની ગયો.

---

એક દિવસ તેણે જૂના લાઈનમેન મંગુને શોધી કાઢ્યો.

મંગુ ધ્રૂજતા અવાજે બોલ્યો,

"મેં પોતાની આંખે જોયું હતું... તારા બાપને કોઈ અકસ્માતે નહીં, દેવરાજે જ પટરી પર ધકેલી દીધા હતા. હું બોલ્યો હોત તો આજે હું પણ જીવતો ન હોત."

સખરામની આંખોમાં બદલો સળગી ઊઠ્યો.

---
આજે કાલકામેલથી એક અગત્ય નું પારસલ આવી રહ્યું હતું, પારસલમા પુરા ત્રણ કરોડ નો ગાંજો હતો. સખારામે વિચાર્યું, આજે દેવરાજ પર વાર કરવાની સાચી તક છે.....

દેવરાજના  માથે સખારામ નવરત્ન તેલની માલિશ કરી રહ્યો હતો. અને દેવરાજ બેચેન હતો. કાલકા મેલ. ક્યારનો અંધેરીથી ઉપડી ચુક્યો હતો.. અને પારસલ હજુ ગોડાઉનમાં આવ્યું નહોતું...આખી ડિલિવરી દેવરાજના સંકેત પર થવાની હતી.

પણ વાવડ આવ્યા કે પાર્સલ ગોડાઉન ને બદલે અંધેરી પોલીસ સ્ટેશન પહોંચ્યું છે .અંધેરી પોલીસને કોઈ બાતમીદાર તરફથી મળી ગઈ હતી.

મુઠભેડમાં દેવરાજનો માણસ માર્યો ગયો અને પાર્સલ પોલીસના સહેલાઇ થી હાથમાં આવી ગયું હતું .

આ કેસે આખું મુંબઈ હચમચી ગયું.

ઇન્સ્પેક્ટર જાદવ જોષીએ પુરાવા ભેગા કર્યા અને આખરે દેવરાજની ધરપકડ કરી.

---

લોકઅપમાં પણ દેવરાજ હસતો રહ્યો.
"બચ્ચા... તને લાગે છે તું જીતી ગયો? આ રમત હજી પૂરી નથી."

અને ખરેખર...બન્યું પણ એવુ જ કાંઈ..

કોર્ટમાં પૈસા, રાજકીય ઓળખાણ અને મોંઘા વકીલોએ કેસનું ચિત્ર જ બદલી નાખ્યું.

પુરાવા ગાયબ થઈ ગયા.

સાક્ષીઓ ફરી ગયા.

અને ચુકાદો આવ્યો—

"પુરાવાના અભાવે દેવરાજ નિર્દોષ."

---

કોર્ટની બહાર ઇન્સ્પેક્ટર જાદવ સખરામ પાસે આવ્યા."પ્રેસ વાળા ની હાજરી મા,આંખ મારી બોલ્યો માફ કરજે સખા... કાયદો હારી ગયો."

સખરામ હળવેથી હસ્યો.જેવી પ્રભુ ની મરજી 

સાંજે સન એન્ડ સેન્ડ હોટેલના પરિસરમા સખારામ અને ઇન્સ્પેક્ટર જોષી સાથે બેસેલા હતા..
સખારામ ઠંડી બિયરની બાટલીની ચુસ્કી લેતા બોલ્યો.. ઇન્સ્પેક્ટર સાહેબ, કેમનું રહ્યું..બંદા નું આયોજન.

"... કાયદો કદી  હાર્યો નથી કે હારશે નહિ ... હા માત્ર આરામ કરવા જાય ખરો ."

જાદવે પ્રતિભાવ આપતા બોલ્યો, માની ગયો સખા,તે ધીમેથી બોલ્યો,
"દેવરાજને ખબર પણ ન પડી કે છેલ્લા ત્રણ મહિનામાં તું તેનો બાતમીદાર બનીને તેનાથી ત્રણ લાખ નહીં... ત્રીસ લાખ તું વસૂલ  કરી ચૂક્યો છું." અને મને પણ તે ઇનામ અપાવ્યું મળ્યું તે નફા નું..

"હવે એના જ પૈસાથી એની જ સલ્તનતનો તું નાશ કરી શકીશ ."

ડાયરી છાતી સાથે ચાંપીને સખરામ હોટેલ છોડી આગળ વધ્યો.

પાછળથી જાદવનો અવાજ આવ્યો,

"હવે શું?"

સખરામ અટક્યો પણ પાછળ ન ફર્યો.

માત્ર એટલું જ બોલ્યો—

જોષી સાહેબ, કાયકીય ન્યાય આજે આરામ ફરમાવે છે... પરંતુ મારો હિસાબ ચાલુ છે. દેવરાજ હજુ શ્વાસ લે છે એટલે મારા પુરાવા પણ જીવતા છે. ત્રણ મહિના પછી ફરી મળીએ... ત્યાં સુધી ન્યાયને આરામ કરવા દો."

"ત્રણ મહિના પછી ફરી કોઈ બાતમી આપવા તમને મળીશ, સાહેબ... ત્યાં સુધી તમારી કોરટનો ન્યાય ભલે આરામ ફરમાવે."

અંધકારમાં પણ તેની આંખો ચમકી રહી હતી.

કારણ કે...

ખરી રમત તો હવે શરૂ થવાની હતી !!!
~~~~~~~~~
⚖️ ડિસ્કલેમર
આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત રચના છે. તેમાં દર્શાવાયેલા પાત્રો, ઘટનાઓ, સંવાદો અને સ્થળો માત્ર રચનાત્મક અભિવ્યક્તિ માટે છે.  
કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, રાજકીય પાત્ર, કાયદા‑વ્યવસ્થા વિભાગ અથવા શહેર સાથે આ વાર્તાનો વાસ્તવિક સંબંધ નથી.  
વાર્તાનો હેતુ મનોરંજન, વિચાર અને માનવીય અનુભવોની થ્રિલર રજૂઆત કરવાનો છે — કોઈ વાસ્તવિક ઘટના અથવા વ્યક્તિ પર ટિપ્પણી કરવાનો નથી.  
વાચકોએ આ રચનાને સાહિત્યિક કલ્પના તરીકે જ માણવી.  

---





Rate this content
Log in

Similar gujarati story from Drama