Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Comedy Tragedy Inspirational

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Comedy Tragedy Inspirational

નુતરું

નુતરું

5 mins
556


"એ... ય...ને...જે ભગવાનની ...કાકા"

" જે ભગવાન ની, ચમના... ચમ ચાલ સ..ધંધાપાણી.. બરાબર ને ?"

" ભગવાન ની મે'રબાની સ... બેચર કાકા"

" તે... ચમના, અમણાં, નુતરું બુતરું કાઈ સ ક નઈ?'

" આ વૈશાખમાં પાકું..."

"તું, કેય જે મને પાસો ... ભૂલી ના જાંય.."

બેચર કાકો આમ તો રોજ ગામના રામજી મંદિરે સવારે દર્શને આવે...ને આવો સંવાદ લગભગ કાયમનો હતો !

ગામના મંદિર પાસે ચમન ભાઈ વાળંદ નો ગલ્લો...ને ચમન ભાઈ નો વાતો નો હલ્લો, રોજ નું હતું આ તો !

અમરત કાકી ના અવસાન પછી બેચર કાકો એકલા પડી ગયા હતાં. દીકરા રમણ ને વહુ દેવકી ના આશરે એમનું જીવન ચાલે જતું હતું.

" મારી આંખ ફરે ઈમ તારી હાહુ નો પગ ફરે "

જ્યારે જ્યારે દેવકી સાથે નાનું મોટું વાંકું પડે ત્યારે બેચર કાકો પોતાની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરતા..ને આવું અવશ્ય બોલતા. અને, વાત પણ સાચી. પોતે ખેડૂત ના દીકરા ને ખડતલ શરીર ને ટકાવવા ભાત ભાત ના જમણ ખાવા પડે તેવી સમજણ રાખતા. અઠવાડિયે એક વાર શીરો, ભાવતા ભજીયા કે વડાં ને વાર તહેવારે મોહન થાળ કે સુખડી બનાવી અમરત કાકી બેચરકાકાના ચસકા ને પોષતા પણ ખરા !

" મારી ડોશી ગઈ ને મારા હવાદ પણ ગયા !"

 બેચર કાકો ઘણી વાર બબડતા...આવું.

વહુ દેવકી અને દીકરો રમણ પ્રમાણમાં કંજૂસ પ્રકૃતિ ના ખરા ! દેવકી ને તો ડોસાની ખાવા પ્રત્યેની આ લગનીથી પહેલેથી જ ચીડ હતી જાણે ! લીલું શાક ભાજી તો કદી ઘરમાં આવે જ નહિ ને, દિવાળી ના ટાણે ય મીઠાઈ કોણે જોઈ !

બેચર કાકા ને સ્વાદનો એક માત્ર સ્ત્રોત કહો તો ઘરના વાડામાં પછીતે ચડાવેલ દૂધીનો વેલો ! આંતર દિવસે આ વેલા તરફથી મળતી દૂધી સાંજે વાળુમાં ખીચડી ને સ્વાદવાળી બનાવતી. આ વેલા ને બેચર કાકો જીવની જેમ સાચવે, રોજ પાણી પાય ને ઉકરડેથી જૂનું ખાતર લાવી મૂળમાં નાખે. કોઈ હડાયું ઢોર વાડા માં ઘુસી વેલો ચરી ના જાય એટલે વેલા ફરતે કાંટા પણ રોપેલા.

***

મીઠાઈ ને ફરસાણનો એક માત્ર સ્ત્રોત હવે ગામડા ગામમાં લગ્ન કે આંણા પ્રસંગે આવતા નોતરાં હતાં. ગામમાં આવા પ્રસંગોમાં ઘર દીઠ નોતરાં કહેવાની જવાબદારી ઘરધણી તરફથી ચમન ને મળતી. બેચર કાકા ના ફળિયામાં નોતરાં આપવા ટહુકા કરતો ચમન છેક મોહન સુથારના ઘેર દેખાય ને બેચર કાકો ઊભા પગે થઈ જાય. જ્યાં સુધી તેમના ઘરે નોતરું ના આવે ત્યાં સુધી બેચર કાકો આંગણામાં આંટા ફેરા મારે જાય. ઘણી વાર, ટીખળ કરતો ચમન આ ઘર છોડી આગળ વહ્યો જાય તો બેચર કાકો પાછળ લાકડી ના ટેકે રીતસર ના દોડી જાય...પોતાને ' નુતરુ ' મળે ત્યારે જ હાશ પામે.

***

મનસુખ પટેલની દીકરી ગોમતી ઉંમર લાયક થઈ હતી પણ વેવાઈઓ વચ્ચે પડેલી અંટશ એટલી મોટી થઈ ગઈ હતી કે તેનું આંણું આવવામાં વૈશાખ ઉપર વૈશાખ વીતતાં હતાં. પોતાની ઉંમરની બધી સહેલીઓ છોકરાંની માં થઈ ગઈ હતી ને પોતે હજુ બાપના ઘરમાં બેઠી આંણાની રાહ જોતી છેલ્લે નાગ પાંચમના મેળામાં ' મળેલા ' ધણી ને યાદ કરતી રહેતી.

" અલી, અવ તો આંણા હાટુ આલેલા આ રૂપાના રમઝા યે કાળા પડવા માંડ્યા...પણ, તારો ધણી દઈ જાણે ચ્યાં ખોવાયો સ..."

સહેલીઓની આવી ટિખળ ગોમતી ને અકળાવી મૂકતી. ધરતી ઉપર મેઘરાજાની સવારીની જેમ ગોમતીના જીવનમાં વરરાજાની આંગણે સવારી આવે તેની રાહ જોવાઈ રહી હતી.

આ બાજુ, બેચર કાકો મનસુખના ઘેર આંણું આવે ને પોતે મોહનથાળ ભેળાં થાય તેની તાકમાં રોજ ચમન ને પૂછતા રહેતા ને મનસુખના ઘર સામે જોઈ ને દૂધીના વેલા ને ફરતે કાંટા મૂક્યા કરતા ને પાણી પાતા રહેતા.

***

" કાલે...મનસુખ ના આંગણામાં મોજડી ને બીજાં પગરખાં ઘણા અતા... હવારે..., કાંઈ નવાજૂની લાગ સ...ચમના"

" બેચર કાકા, વેવાઈનો મોટો ભઈ અન પંચાત્યા આયા'તા.. અન..., વૈશાખ ના પે'લા પખવાડિયામાં ઓણ સાલ આંણું પાકું સ "

" તારા મુઢામાં ઘી અન ગોળ ..."

બેચર કાકાના ડગલાં આજે ઝડપથી ઘર તરફ પડતા હતાં...દૂરથી આવતા જોઈ ને દેવકી પામી ગઈ હતી કે આજે ડોસા ને ' નુતરૂ ' મળ્યું લાગે છે જાણે !

***

વૈશાખ ને હજુ મહિનાની વાર હતી. આ દિવસો કાઢવા બેચરકાકા માટે ઘણા દોહ્યલા હતાં. બપોરે વાળું કરી ઊંઘે તો પણ મોહનથાળનું સ્વપ્નું ધોળા દિવસે આવતું. દૂધીના વેલાના પાંદડા જોઈ એમને જમણમાં અપાતા પતરાળાં માં દાળ ભાત ખાતી વખતે પતરાળાંની ખાસ સુગંધનું સ્મરણ અચૂક થઈ ઉઠતું.

***

વૈશાખી વાયરા પુર બહારમાં વિંઝાયા ને ગોમતીનું આણું ને બેચર કાકા નું 'ભાણું' નજીક આવી રહ્યું.

નિર્ધારિત દિવસે વહેલી સવારથી જ મનસુખના ખોરડે ને બેચર કાકાના આંગણે ધમાચકડી હતી.

આ પહેલાં, ગોમતી વહેલી સવારે મોસુંજણાની વેળા એ સામેના ગાળામાં ગોગા બાપાની દેરીએ દીવો લઈને આવી તે વખતે પણ બેચરકાકો જાગી ગયા હતાં. ગોમતીના હાથમાં રહેલો દીવો પવનમાં ઓલવાઈ ગયેલો ને, ગોમતીની માં એ ગોગા બાપાને ખોળો પાથરીને સમુ સુતરું પાર પાડવા આજીજી કરેલી...ખાટલામાં પડે પડે બેચર કાકા એ પણ એ આજીજીમાં મનોમન સૂર પુરાવ્યો હતો પણ ભાવ જરા જુદો હતો !

***

સૂરજ નારાયણ ઘરનાં નેવા ઉજાળે તેવે વખતે મનસુખના ઘરે બધી ધમાધમ અચાનક થંભી ગઈ હતી.

આંગણામાં આંટા ફેરા કરી બેચેની ઠંડી પાડવા મથી રહેલા બેચર કાકા એ 'ચમના' ને મનસુખ ના ઘરે દોડીને જતો જોયો, વળી ગોમતીની માં ને બીજાં બૈરાઓની દબાયેલી રાડારાડ પણ વરતાઈ હતી.

બેચર કાકા એ મનમાં બબડી પોતાની રીતે ચમન અને ગોમતીની માં ની હલચલનો તાળો બેસાડ્યો.

" પારકા ગામનું આણું આવવાનું એટલે ધમાલ તો વોય જ...અન, આટલા વરહે ગોમતી ને વળાવ દેવી ઈની માં માટે પણ કાઠું ખરું !"

***

" આ દન મોભે થ્યો, પણ ચમનાએ ફળિયામાં નુતરાનો પાકો પોકાર અજુ ચ્યમ કર્યો નઈ ?"

" ટાણું નેકરી જાય ઈ બાદ...દાળ નો હવાદ પેલાં જેવો નઈ રે.. પણ... મોહનથાળનાં ઢળિયાં તો એવાં ન એવાં જ રે'વાનાં, વાંધો નઈ...."

બેચર કાકાનો જીવ માથે ચડ્યો હતો હવે, વારંવાર મનસુખના ઘર સામે જોતા ને, ત્યાં વરતાઈ રહેલી ગંભીર શાંતિ એ બેચર કાકાના અંતરમાં અશાંતિ સર્જી હતી. દેવકી અને રમણ પણ...મનસુખ ના ઘેર આણું વધાવવા જઈ બેઠા અને પાછા આવ્યા નહિ.

ના છૂટકે, બેચર કાકા હવે ફળિયા વચ્ચે લાકડીના ટેકે આવી ઊભા થઈ પરિસ્થિતિનો તાગ મેળવવા મથી રહ્યા.

" શંભુ રસોયો...પણ ઉંમર ના હિસાબે અવ કામમાં ઠંડો પડતો લાગ સ... ક ... પાસુ.... પરગામનું આણું અજું આયું લાગતું નથ."

એટલામાં, ચમનને હાંફળો ફાંફળો આ તરફ આવતો દીઠો ને બેચર કાકાની બધી ઈન્દ્રિયો તે દિશામાં તકાઈ.

" બઉ મોડું કર્યું ... ચમના, ભૂખ ય મરી જઈ..અવ..તો"

" ભૂખ ય મરી અન ખવાડવા વાળો પણ મરવા જેવો થ્યો ...કાકા, શું કળજગ આયો સ અવ તો..."

" ઊભો તો, ર...ચમના, કાં...હું થ્યું ...કે તો ખરો !"

" આણું ય ઊભું'ર્યું...અન...જમાઈ.. ઈના ગામમાં પેલા કાંતિ કારભારીની સોકરી હારે ભાગી ગ્યો, બાપડી...ગોમતી બુંનનું નસીબ...વાંકું...બીજું શું...!"

"હેં,...હું વાત કરું સુ...ચમના, ઘોર કળજગ...આયો..., આંમ જ...થવા હેંડ્યું....તો... આણાં અન નુતરાં પણ ..."

ચમનો આગળ નીકળી ગયો અને, બેચર કાકા લાકડી ઉપર જાણે શરીરનો બધો ભાર નાખ્યો હોય તેમ ધીમા ડગલે...આંગણા તરફ આવ્યા.

હળવેથી પાણીની ડોલ હાથમાં લીધી અને દૂધીના વેલા તરફ ચાલ્યા.

પણ,...આ શું... ?

દૂધીના વેલાનું અસ્તિત્વ પણ ગોમતીના અરમાનોની જેમ વિખરાયેલું પડ્યું હતું. રાતે..કોઈ હડાયુ ઢોર કાંટાઓની પરવા કર્યા વગર વેલો ચરી ગયું હતું.

હવે, ગોમતીના સાંસારિક સ્વાદ અને બેચર કાકાના જીભના સ્વાદનું ભવિષ્ય ડામાડોળ હતું.

લાકડીનો ટેકો પણ હવે ઓછો પડ્યો...ને બેચર કાકા... વાડામાં જ બેસી પડ્યા...!

( ૧. નુતરું : ઉત્તર ગુજરાતના ગામોમાં લગ્ન કે અન્ય પ્રસંગોએ જમણ માટે ગામ કે ફળિયામાં આપવામાં આવતું આમંત્રણ. - નોતરું

૨. રૂપાનાં રમઝા : ચાંદીના ભારે છડા - પાયલ)


Rate this content
Log in

Similar gujarati story from Comedy