નોંધ પોથી
નોંધ પોથી
તરુણને અભ્યાસ માટે નદી પાર કરી સામે કાંઠે સ્કૂલમાં જવું પડતું, તે અને તેના ચાર પાંચ મિત્રો નાવમાં સવારે જતા અને સાંજે નાવમાં જ પાછા આવતા એ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, એ આ રોજનો કાર્યક્રમ હતો.
એક દિવસ તેના રોજ જતા, આવતા એ નાવવાળો નહોતો દેખાતો, બીજી નાવ વાળાએ કહ્યું ચાલો હું તમને મૂકી જાવ, એ નાવમાં નાવવાળો અને તેની દીકરી હતી, એ પણ તરુણ જેટલી જ ઉંમરની હતી. પછી તો તરુણ અને તેના મિત્રો રોજ આ નાવમાં જતા અને આવતા. ધીમે ધીમે ઓળખાણ થતા તરુણે નાવ વાળાની દીકરીને પુછયુ, 'તારું નામ શું છે ?'
શરમાઈને કહ્યું "અલકા."
"તું, ભણે છો?"
"ના, બાપાને નાવમાં રહી મદદ કરું છું, મારા બાપાની તબિયત બહુ સારી નથી રહેતી, અમારે તો તેનો જ આધાર છે."
પછી, તરુણ અને અલકા વચ્ચે વાત થતી રહેતી, તરુણ તેને થોડું થોડું અક્ષર જ્ઞાન આપતો રહેતો, અલકા પણ ધીમે ધીમે વાંચતા લખતા શીખી ગઈ હતી. બંને વચ્ચે ક્યારે પ્રેમના અંકુર ફૂટી ગયા અને એક, બીજા મનોમન ચાહવા લાગ્યા, એ ખબર ન પડી. પણ લાંબો સમય વાત છુપાવી ન શક્યા, અને અંતે બંને એ મનની વાત કરી દીધી. અલકાને નોંધ પોથી, ડાયરી લખવાની ટેવ હતી, અને તે રોજે રોજની વાત તેમાં લખતી, તરુણને વાત કરી, તરુણે વાંચવા માંગી તો એમ કહી વાત ટાળી દીધી સમય આવે તમને જરૂર વાંચવા આપીશ.
"અલકા, મારો અહીંનો અભ્યાસ પૂરો થયો, અને આગળના અભ્યાસ માટે મોટા શહેરમાં જવું પડશે. મારે તારા બા, બાપાને મળવું છે, તારો હાથ માંગવો છે."
"તરુણ બાબુ મારા બા, બાપા તો સંમતિ અપાશે, તમારા માતા પિતા મને સ્વીકારશે ?"
"હા, મારા માતા, પિતા રૂઢિચુસ્ત નથી, મારી પસંદગી જરૂર સ્વીકારશે, બસ મને સારી જોબ મળી જાય, એટલે આપણે લગ્ન કરી લેશું, તું, મારી રાહ જોજે. બંને એ એક બીજાને નદીની સાક્ષીએ વચન આપ્યું કે લગ્ન તો તરુણ અને અલકા ના થશે.
"માતાજી, મને અલકા પસંદ છે, તમારી સંમતિ જોઈએ"
"તમારા ઘરના અલકાને સ્વીકારે તો અમને વાંધો નથી.."
"તો, બસ હું અભ્યાસ પૂરો કરી, સારી જોબ લઈને આવીશ, ત્યાં સુધી અલકા તમારી પાસે મારી અનામત તરીકે રહેશે."
તરુણ, અભ્યાસ માટે ગયો બે વર્ષમાં અભ્યાસ પૂરો કરી, સારા ગ્રેડથી પાસ થઈ ગયો, અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સારી કંપનીમાં જોબ મળી ગઈ, ખુશ હતો, ઘરે બધાને વાત કરી ઘરના એ પણ થોડા સંકોચ સાથે અલકા સાથે લગ્નની અનુમતિ આપી દીધી. પણ આ બે વર્ષ દરમ્યાન અભ્યાસની વ્યસ્તતાને લીધે અલકાની મુલાકાત થઈ નહોતી, પરિસ્થિતિથી અજાણ હતો.
તરુણ નદી કિનારે આવ્યો, અલકાની નાવ ન જોતા, આજુ બાજુના નાવવાળાને પૂછ્યું, કોઈએ જવાબ ન આપ્યો, એક નાવ વાળાએ કહ્યું, 'ચાલો હું તમને સામે કિનારે ઉતારી દઉં.'
તરુણ, અલકાને ઘરે પહોંચ્યો, બહાર કઈક અઘટિત બન્યું છે એવો અહેસાસ તરુણને થયો. ઘરમાં ગયો, અલકાની બા કોઈકની રાહ જોતા હોય એમ અંતિમ સમયની સ્થિતિમાં હતા. "આવી ગયા તરુણ બાબુ, હું તમારી જ રાહ જોતી હતી, લો આ તમને આપવાની ડાયરી, અમાનત જે મને અલકાએ તમને આપવાની કીધી હતી. હું તમારી અમાનત સાચવી ન શકી."
વધારે તો બોલવાની તેનામાં શક્તિ નહોતી. તરુણે આજુ બાજુ જોયું, એક ભાઈ તેને દૂર લઈ ગયા.
'તરુણબાબુ, તમે ગયા પછી અલકા રોજ તેને બાપા સાથે નાવ ચલાવતી હતી, પણ પછી તેની તબિયત બગડતા એકલી જ નાવ ચલાવતી હતી, છ મહિના પહેલા રોજની જેમ મુસાફર લઈને આવતી જતી, પણ તે દિવસે એકજ અજાણ્યો મુસાફર નાવમાં હતો, અધવચ્ચે તેની દાનત બગડી, ઝાપાઝપીમાં અલકાને માથામાં વાગ્યું અને તે બેહોશ થઈ ગઈ, ત્યાં સુધીમાં બીજી નાવવાળા ભેગા થઈ ગયા, પણ તે મુસાફરે અલકાને બેહોશ અવસ્થામાં નદીમાં ફેંકી ભાગી ગયો, અમે ખૂબ મહેનત કરી પણ બે દિવસ પછી અલકાની લાશ મળી અને તેના આઘાતમાં અલકાના બાપા પણ ગુજરી ગયા, અલકાની બા તમારી રાહમાજ જીવતી હોય એમ જીવે છે.'
તરુણ વાત સાંભળી અંદર ગયો, ત્યાં અલકાની બા પણ કામ પતાવી ચાલી નીકળ્યા હતા, તરુણે, ભારે હૈયે અંતિમ વિધિ પતાવી ઘરે આવ્યો.
અલકાની ડાયરી ખોલી.પહેલા પાને લખ્યુતું...."અલકા...વિથ.... તરુણ" પછી ડાયરીની શરૂઆતમાં લખ્યું હતું, "આજે નાવમાં એક સોહામણી, સુંદર વ્યક્તિની મુલાકાત થઈ, ગમી જાય એવો કાન કુંવર હતો. હવે રોજ તેના સાનિધ્યમાં થોડુંક રહેવા મળે છે. મને ભણવા વિશે સમજાવે ત્યારે તેની નજદીકી મહેસૂસ કરું છું. રોજની મુલાકાતથી તરુણબાબુ ગમવા લાગ્યા છે. આજે મારી સાથે ખુલ્લા દિલથી હસ્યાં. તરુણબાબુ જેવો જીવન સાથી મળે તો જીવવું ગમે. તરુણ વાંચતો ગયો તેમ તેમ અલકાની વધુને વધુ નજદીક થતો ગયો. અને અલકાને સમજતો ગયો.
"તરુણબાબુ તમે બહુ મોડું કરો છો, જલ્દી આવી જાવ, હવે આ દિવસો યુગ યુગ જેવા લાગે છે." આખી ડાયરીમાં અલકાએ રોજ બરોજના બનાવો અને દિલની ભાષા લખી હતી.છેલ્લા પાને લખ્યું હતું, "તરુણબાબુ તમને જરાપણ મારી પડી નથી, હું તમારી વગર નહીં જીવી શકું."...પછીના પાના કોરા છોડી અલકા આ દુનિયા છોડી ગઈ હતી.
તરુણ, ડાયરી વાંચી નદી કિનારે ક્યાંય સુધી રડતો રહ્યો, નદી પાસે પાણી હતું, એ પણ તરુણના આસું પાસે ઝાંખું હતું. તરુણે નક્કી કર્યું, બસ આ જ ડાયરી મારી જીવન સાથી છે, તેંના સહારે જીવી નાખીશ, આ નદીની સાક્ષીએ એક બીજાના જીવન સાથી બનવાનું વચન આપ્યું હતું એ હું પાળી બતાવીશ." અલકા તું મરી નથી, આ ડાયરીમાં, મારામાં હૃદયમાં જીવંત છો અને રહીશ."

