mariyam dhupli

Inspirational Children

3.4  

mariyam dhupli

Inspirational Children

નજર

નજર

1 min
268


બાળપણમાં હું એ જ રસ્તે પસાર થઇ બા માટે બજારનો આંટો કરતો. એ ત્યાં જ એક અંધારિયા ખૂણામાં પડેલો હોય. મારી નજર એની ઉપર હું જવા દેતોજ નહીં. ને ભૂલે ચૂકે જતી રહે તો શરીરમાંથી ઘૃણાની કંપારી છૂટી જતી. 

એ હાડપિંજર જેવું ગંદુ,અર્ધનગ્ન શરીર અને રોજ જ આગળ ફેલાયેલો એક હાથ.એ અણગમતું દ્રશ્ય હું રોજેરોજ નજર ફેરવી પસાર કરતો. પણ એક દિવસે અચાનક બધું જ બદલાઈ ગયું.

મારી નજર એ અંધારિયા ખૂણામાં મેં રસપૂર્વક ઊંચકી. શરીરમાંથી કરુણાની કંપારી છૂટી ગઈ. મારી હથેળીમાં નજર ગઈ. બજાર ખરીદીને વધેલા સિક્કા લઇ હું નજીકની ભજીયાની લારી પર ગયો. કેટલાક ભજીયા ખરીદી હું ધીમે ડગલે એ ફેલાયેલા હાથમાં મૂકી આવ્યો.

એ હાડપિંજર રીતસર ભજીયા પર ત્રાટકી પડ્યું. ખબર નહીં કેમ મારી આંખમાંથી આંસુ સરી પડ્યું ? ઘરે જઈ બાને એનું કારણ પૂછ્યું. બાએ કશું કહ્યું નહીં. બસ, મને છાતીએ વળગાડી દીધો.

એ દિવસે મેં જીવનમાં પહેલીવાર ઉપવાસ રાખ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational