Arun Gondhali

Thriller

4  

Arun Gondhali

Thriller

નેઈલ પોલિશ - ૫

નેઈલ પોલિશ - ૫

5 mins
72


બિલીપત્ર ફાર્મ ઉપર ચૂપચાપ કરેલા વડના ઝાડના શુટિંગને જોઈ શોભરાજ હચમચી ગયો હતો. રાત્રે ઘણીવાર એ શૂટિંગ એને તાદ્રશ દેખાતું અને કોઈ એક નાની છોકરીનો અવાજ સપનામાં એના કાને સંભળાતો. એ કહેતી - "મારો કેમેરો જુઓને... ", "મારો કેમેરો જુઓને... ". કંઈક ભ્રમ હશે એમ કહી શોભરાજ સૂવાની કોશિશ કરતો.

આજકાલ શોભરાજની ધંધામાં ખુબ પ્રગતિ થઈ રહી હતી. ધંધાના દરેક ક્ષેત્રમાં તથા વિદેશમાં એનું નામ પ્રસરી રહ્યું હતું. પોતાની લેબને પણ મોટી બનાવી દીધી હતી. મોંઘામાં મોંઘા કોમ્પ્યુટર્સ, ફોટો મિક્ષર, સાઉન્ડ સિસ્ટમથી પોતાની લેબ એકદમ અદ્યતન બનાવી હતી.

બિલીપત્ર ફાર્મને લક્ષમાં રાખી એણે એક પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું. એકવાર જયારે એ લંડન કામ અંગે ગયો ત્યારે પહેલીવાર લંડન સ્થિત બિલીપત્ર ફાર્મના માલિક ઉર્મિબેનને મળવાનું નક્કી કર્યું.

લંડનમાં મેગેઝીનોમાં, ન્યુઝ પેપરમાં અને ટીવી ઉપરની શોભરાજ દ્વારા બનાવેલી એડ ફિલ્મે ધમાલ મચાવી દીધી હતી. ઉર્મિબેનને પણ એ ખુબ ગમ્યું. એક મેગેઝીનમાં શોભરાજના ફોટા સાથેનો ઈન્ટરવ્યૂ ખુબ ગમ્યો, પરંતુ એમના મગજમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. જે કોઈની સાથે શેર કરી શકાય એમ નહોતી.

શોભરાજે ઉર્મિબેનને મળવા માટે એપોઈન્ટમેન્ટ માંગી. આજ સુધી બંને મળેલ નહોતા. ઉર્મિબેનની પણ ઈચ્છા હતી શોભરાજને મળવાની. તેમને તરત હા કહી.

નિયત સમયે બંનેની ઘણી વાતો થઈ. ઉર્મિબેન એક ઉમદા સ્વભાવના ગૃહિણી હતાંં. વર્ષોનો અનુભવ અને માણસને પારખવાની એમની આવડત અદભુત હતી. બહુ ટૂંકાણમાં એમણે પોતાની ફેમિલીની ઓળખ આપી. શોભરાજ કંઈક જાણવા માંગતો હતો, પરંતુ ઠરેલ ઉર્મિબેને બહુજ નજાકતથી વાતોનો સંદર્ભ ના મળે તેમ જવાબોથી એને ખુબ પ્રભાવિત કર્યો. મનમાં ઘૂંઘવાતા પ્રોજેક્ટ માટે શોભરાજે ઉર્મિબેનને વાત કરી. પ્રોજેક્ટની માહિતી જાણી ઉર્મિબેનના આંખોમાં આંસુ ફરી વળ્યાં. કંઈક ભૂતકાળની ઘટનાએ વિચલિત કર્યા. થોડો સમય શાંત રહ્યાં, પોતાના વિચાર વમળોને શાંત કરી, પછી વાત કરીશું એની ખાતરી આપી. શોભરાજે પણ વિનમ્રતાથી એમનો આભાર વ્યક્ત કરી, ચરણસ્પર્શ કરી વિદાય લીધી.

શોભરાજના ગયા બાદ ઉર્મિબેન ઊંડા વિચારોમાં સારી પડ્યા. શોભરાજની એન્ટ્રી વખતે એમણે પોતાની નજર નીચી રાખવા પ્રયત્ન કર્યો હતો, કારણ ભૂતકાળના યાદોની ઉઠતી લહેરો, જે શોભરાજને જોઈને ઉછળવા લાગી હતી. પોતાના પરિવારના વીતી ગયેલા પ્રસંગો એમના સ્મરણપટલ પર જીવિત થઈ રહ્યાં હોય એવો અનુભવ કરાવી રહ્યાં હતાંં. વર્ષોથી સંઘરી રાખેલ આંસુઓ બસ... વહી રહ્યાંં હતાંં ! શાંત તળાવમાં પથ્થર નાંખતા, વમળોના કારણે પાણી ઉપર જામેલી લીલ ખસી જાય અને સૂર્યના કિરણો એ તળાવના તળિયાને જોઈ શકે અને બીજીજ ઘડીયે પાણી ઉપરથી પરાવર્તિત (રીફલેક્ટ) થતા કિરણો કિનારાના ઝાડના પાન ઉપર પ્રકાશ ફેલાવી વાતાવરણ કંઈક અકલ્પ્ય દ્રશ્ય ઊભું કરે એવી ઉર્મિબેનના મનની સ્થિતિ હતી. આજે કદાચ મનમાં ધરબી રાખેલા વણઉકેલ્યા પ્રશ્નોના જવાબો એમાં મળે એવી આશા શોભરાજને મળ્યા બાદ જાગી હતી. ધીરે ધીરે વિચાર વમળો શાંત થતા હતાંં, આંસુઓની ઉષ્મા હવે ઠંડી થઈ રહી હતી. આંસુઓ હવે ફક્ત આંખના ખૂણાઓમાંથી દિનકરરાયે વારસામાં મૂકી ગયેલ સામ્રાજ્યને નિહાળી રહ્યાંં હતાંં. કેટલીકવાર જે નરી આંખે જોઈ નથી શકાતું તે હૃદયથી જોઈ શકાય છે એ ચોક્કસ હતું.

*

કિરણના અંતિમ સંસ્કાર બાદ ત્રીજા દિવસે લંડન પોલીસે જપ્ત કરેલ કિરણની કારનું ઈન્વેસ્ટિગેશન કરતાં કંઈક મળ્યું એટલે શામજીભાઈને પોલીસે તરત બોલાવ્યા.

પેકેટમાં ડિલિવરી કરવાના ઓરિજિનલ હીરા હતાં. શામજીભાઈની અનુભવી આંખોએ ઓરિજિનલ હીરાઓ પારખી લીધાં. ડિલિવરી કરવા આપેલ એમની કંપનીના જ હીરાઓ હતાં જેમાં કોઈ શંકા નહોતી.. આ એમની મોટી રકમની ડિલ હતી. પેકેટમાં એક ચિઠ્ઠી હતી ગુજરાતીમાં લખેલ, જે લંડનની પોલીસ વાંચી ના શકી હતી, જે જાણવાની ઉત્સુકતા બંનેને હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આજ સુધી જયારે પણ તમે મને હીરાની ડિલિવરી કરવા મોકલો છો ત્યારે હું એક નકલી હીરાનું પેકેટ સાથે રાખું છે અને અસલી હીરાઓને હું ગાડીમાં સંતાડી રાખું છું, જેથી કંઈક અજુગતી ઘટના બને તો હું આ નકલી હીરા સોંપીને જાન અને માલ બચાવી શકું. આ ચિઠ્ઠી પેકેટમાં રાખવાના બે કારણ છે - એક મને કંઈક થાય અને ઉપરવાળાની મહેરબાનીથી આ હીરા તમને મળી જાય અને બીજું મારા માથે વિશ્વાસઘાતનું લેબલ ના લાગે બસ ! તમારો વિશ્વાસુ કિરણ.

ચિઠ્ઠી વાંચીને શામજીભાઈના આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા, કોઈક સ્વજનના મૃત્યુ વખતે પણ ના વહે એટલા આંસુઓની શ્રદ્ધાંજલિ હતી ! શામજીભાઈના મુખમાંથી આકાશ તરફ જોઈ ઉદ્ગાર નીકળી પડ્યા..... દિકરા...હું તારો ઋણી છું.. એમ કહી આંખોમાં આંસુ સાથે ખુરશીમાં ફસડી પડ્યા.

લંડન પોલીસ વાતની નજાકત સમજી અને કાર્યવાહી બાદ એમના હીરા પરત કરવા જણાવ્યું. લંડન પોલીસની પ્રામાણિકતાને સલામ. જોવા જેવું એ હતું કે ચિઠ્ઠીનો મજકુર સમજી ઓફિસરે પોતાની હેટ માથા પરથી ઉતારી, આકાશ તરફ જોઈ કહ્યું, “આઈ સેલ્યુટ યુ મિ.કિરન, બ્રેવ એન્ડ ઓનેસ્ટ ઇન્ડિયન !” લંડન પોલીસની છાનભીન ચાલુ જ હતી. હવે એક વાત ચોક્કસ થઈ કે કોઈક માહિતીના આધારે કિરણ લૂંટાયો હશે અને લૂંટનાર નકલી હીરાનું પેકેટ લઈ ગયું હશે. પરંતુ કિરણને ગોળી મારી એટલે એવું લાગતું હતું કે આ કામ કોઈક ગેંગનું જ હતું અથવા કોઈએ ગેંગને કામ માટે રોકી હશે એ પણ એક શક્યતા હતી. પોલીસે પોતાની તપાસ એ ક્ષેત્રમાં શરુ કરી.

શામજીભાઈ અને દિનકરરાય લગભગ બનેલ ઘટના અંગે ફોન ઉપર ચર્ચા કરી લેતા. દિનકરરાય ખાસ કહેતા હવે પછીના કામો ગુપ્ત રીતે સંભાળીને કરશો. કિરણના ચિઠ્ઠીની વાત સાંભળી દિનકરરાય પણ ગદ્દગદ્દ થઈ ગયા. હીરા પાછા મળ્યા એ માટે કિરણનો આભાર માન્યો. પરંતુ એક વિશ્વાસુ આપ્તજન ગુમાવ્યાનું દુઃખ તો હતું જ !

દિનકરરાયે ઊભો કરી આપેલ જયનો ધંધો ખુબ ફૂલી-ફાલી રહ્યો હતો. પૌત્રી આનંદીના જન્મ પછી ઘરમાં આનંદ અને ઉલ્હાસ રહેતા. દાદા-દાદી ક્યૂટ આનંદીને રમાડતા થાકતા નહોતા. જય હવે ખુબ બીઝી રહેતો. સતત કામ અને કામ. જયની એક સરસ સોચ હતી કે જ્યાં સુધી ચાલતી એટલે કે નસીબનો સાથ હોય ત્યાં સુધી કમાઈ લેવું અને પછી કોઈ એક ઉમર અને રકમને ફ્રીઝ કરી, કામાયેલા પૈસે આનંદથી ફરી લેવું અને જિંદગીમાં બાકી રહેલી ઈચ્છાઓ પૂરી કરવી. રીટાયર્ડ જિંદગીનો આનંદ લેવો. પૈસાની લાલચમાં માણસ ઉમર, સમય અને પરિવાર ભૂલી જાય છે. લાલચની સજા એની પતિવ્રતા પત્નીને ભોગવવી પડે છે. પત્નીના અરમાન ધરબાયેલા રહી જાય છે. ફક્ત આદર્શ ગૃહિણીનું સર્ટિફિકેટ સાચવતા સાચવતા એની જિંદગી પૂરી થઈ જાય છે. આજકાલની જિંદગીમાં માણસ પુષ્કળ પૈસા કમાવી તો લે છે, પરંતુ એ પૈસાને ખરચવા માટે એની પાસે સમય નથી. જેટલી લગન અને મહેનતથી પૈસો મેળવ્યો છે એ પૈસો લાલચને બાજુએ મૂકી ખરચવાની આદત પણ જરૂરી છે અને એ પણ પોતાની પત્ની માટે. જિંદગીના પાછળના દિવસોમાં પત્નીનો સહવાસ ખુબ કિંમતી છે. ભલે જિંદગીની વસંતને ના માની શક્યા હોય, પણ પાનખરનો આનંદ માણવા જેવો હોય છે ! જયની ઈચ્છા હતી કોઈક નિર્ધારિત સમયે બધું સમેટી ઈન્ડિયા જતું રહેવું અને બાકી જિંદગી બિલીપત્ર ફાર્મમાં કુદરતના સાનિધ્યમાં ગુજારવી. ત્યાં રહી ઈન્ડિયાના ખૂણે ખૂણે ફરવું.

થોડાક દિવસોમાં આનંદીની પહેલી વરસગાંઠ આવવાની હતી. આ વખતે લાવણ્યાની ઈચ્છા હતી કે પોતાની દાદી રૂક્ષ્મણીબેન અને મામા-મામીની હાજરી હોય. પિતા શામજીભાઈને ઘરે બોલાવી નક્કી થયું અને ઈન્ડિયાથી બધાને પધારવા ખાસ આમંત્રણ સાથે પ્લેનની ટિકિટ પણ મોકલવામાં આવી. નિર્ધારિત કાર્યક્રમ પહેલા બધાને લંડન બોલાવ્યા હતાં જેથી બધા આરામથી હરીફરી શકે. આનંદીની પહેલી વરસગાંઠ ખુબ રંગે ચંગે ઉજવાઈ. બંને ફેમિલીમાં ખુબ જ આનંદનો માહોલ જામ્યો. રુક્ષ્મણીબેન એટલે કે લાવણ્યાની દાદીને લંડન ફરવા મળ્યું તેથી તેઓ ખુબ જ ખુશ હતાં. જયારે પણ દિકરો શામજીભાઈ ઈન્ડિયા આવતો ત્યારે એ લંડનની ઘણી વાતો કરતો, જે મા રુક્ષ્મણીબેનને પરીની વાર્તા જેવી લાગતી. પરંતુ હવે ખરેખર ખુશ હતાં, મનમાં ને મનમાં ફૂલાતાં હતાં.

બધાને ઈન્ડિયા રવાના કર્યાના બીજા દિવસે ઓફિસેથી પાછા ફરતા જયનો ગંભીર એક્સીડેન્ટ થયો.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Thriller