Arun Gondhali

Tragedy Fantasy

4  

Arun Gondhali

Tragedy Fantasy

કેમ વિસરું વીરા

કેમ વિસરું વીરા

5 mins
263


શહેરથી પાંચ કિલોમીટર દૂર એક નાના સરખા ફાર્મ હાઉસમાં મનહરકાકાની ફેમિલી રહેતી હતી. ફેમિલીમાં અજય એનો દીકરો, વહુ શારદા, બે દીકરીઓ આલ્પા અને જલ્પા. સુશીલાકાકીની આ બંને જુડવા દીકરીઓ. અજય કુટુંબમાં સૌનો વહાલો. ખાસ કરીને બંને બહેનોનો. મનહરકાકાની સંપત્તિ ઘણી, બાપદાદાના વારસાથી મળેલી. મનહરકાકા આમ ખુશ મિજાજી સ્વભાવના. કોઈને પણ એમની જોડે વાત કરવાનું ગમે.

મજાની વાત તો એ હતી કે મનહરકાકા અને સુશીલા કાકીએ લવ મેરેજ કરેલાં. આપણી આઝાદી પહેલાનો લવ. એમ કહોને આ લવ સ્ટોરી એટલે કે ૧૯૪૭ પહેલાની લવસ્ટોરી. એમની લવ સ્ટોરીનું શહેર મુંબઈ. મનહરકાકા જાતે પટેલ અને સુશીલાકાકી પાક્કા વૈષ્ણવ વાણીયા. બંનેની પ્રેમકથા એટલે બોબીની પ્રેમકથા. જાણે ઋષિકપૂર અને નીતુસીંગ. મનહરકાકા, સુશીલાકાકીને મલાડથી જે દિવસે ભગાડીને નીકળ્યા તે દિવસે આગળ સુશીલાકાકી અને મનહરકાકા દોડે ને પાછળ અંગ્રેજ સાર્જન્ટ. એક લોકલટ્રેનથી, બીજા સ્ટેશન અને ત્યાંથી બીજી લોકલટ્રેન ને ત્રીજુંસ્ટેશન. સ્ટેશન ઉપર દોડા-દોડી. ક્યારેક એ બંને સ્ટેશન ઉપર ઉતરી જાય અને સાર્જન્ટ એમને લોકલ ટ્રેનમાંથી જુએ અને ક્યારેક સાર્જન્ટ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરને મનહરકાકા લોકલટ્રેનમાંથી એને આવજો કરે. લોકલ ટ્રેનના સ્ટેશન ઉપર દોડા-દોડી અને સંતા કુકડી. છેલ્લે મનહરકાકા જીત્યાં. ખરેખર એડવેન્ચરવાળી રોમાંચક પ્રેમકથા.

બંને સ્વભાવે ખુશમિજાજી. સદા આનંદમાં રહે. સદા પ્રસન્ન રહે, છતાં કોઈકવાર એમને એમ થતું કે એકાદ દીકરો હોય તો સારું. પ્રોપર્ટી સાચવનાર કોઈ વારસ હોય તો સારું. નસીબના ધણી મનહરકાકા અને સુશીલાકાકીની પ્રાર્થનાફળી અને લગભગ પાંચ વરસ બાદ ઘરમાં પાછું પારણું બંધાયું અને અજયનો જન્મ થયો. 

દીકરાના જન્મ પછી મનહરકાકાની કિસ્મત ખુબ ચમકી. જ્યાં હાથ નાખે ત્યાં ખુબ પૈસો મેળવતા. દાનધર્મ પણ ખુબ કરતા. શહેરમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એમની ગણના થતી. બંને દીકરીઓને સારા પરિવારોમાં પરણાવી અને દીકરા અજયના પણ સરસ, સુંદર, સુશીલ કન્યા સાથે લગ્ન થયાં.

જિંદગીનું ભરપૂર સુખ માણી ચૂકેલાં બંનેએ એક પછી એક આ દુનિયાથી વિદાય લીધી.

અજય પણ એના ધંધામાં સેટ થયેલ હતો. એ પણ નસીબનો ધણી હતો. શેરબજારના ઉતાર ચઢાવની એને સારી સમજ હતી. માર્કેટ નીચે જાય તો પણ કમાવે અને ઉપર જાય તો પણ. ઘરમાં બધી જ સુખ સમૃદ્ધિ હતી.

ચોમાસાંના દિવસો હતા. અજય ધંધાર્થે મુંબઈ ગયો હતો. મુંબઈથી પાછા ફરતાં વરસાદ ખુબજ વરસી રહ્યો હતો. ઠેરઠેર ખાડાં અને રસ્તે ટ્રાફિકજામ. ધીમે ધીમે ગાડીઓ સરકી રહી હતી. મુંબઈથી નેશનલ હાઇવે ઉપર આવતા ખાસ્સો સમય ગયો. લગભગ રાત્રે દસની આજુબાજુ મુંબઈ છોડી એ સુરત તરફ પાછો ફરી રહ્યો હતો, પરંતુ વરસાદ બંધ થાય એવું લાગતું નહોતું. સલામતીને ધ્યાનમાં રાખી એ ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો. સતત એક અઠવાડિયાથી વરસાદના લીધે મુંબઈથી સુરત તરફના રસ્તાઓની હાલત ખરાબ હતી. તે દિવસોમાં ફોરલેન રસ્તાઓ નહોતા. એકજ રસ્તા ઉપર ગાડીઓ આવતી અને જતી.

વલસાડ પહોંચવાને દસેક કિલોમીટર બાકી હશે ને એક ટર્નીંગ આગળ અજયના ગાડીને એક ટ્રકે ઓવરટેક કર્યો, ટ્રકના પૈંડા એક ખાડામાં પડતા, કાદવ-કીચડ અજયના ગાડીના આગળના કાચ ઉપર ઉડ્યો. આખો કાચ કીચડથી ઢંકાઈ ગયો અને અંધારામાં કઈ દેખાયું નહીં અને અજયની ગાડી રસ્તાની ડાબી બાજુના નીચાણવાળા ભાગમાં ખાબકી પડી અને ચાર-પાંચ વાર ગોળ-ગોળ પલટી મારી ગઈ. ઓછી સ્પીડ હોવાથી ગાડી ખાસ્સી છૂંદાઇ, ઘસડાઈ અને પાછી પૈંડા ઉપર ઊભી રહી ગઈ, જાણે કશું થયું જ ના હોય ! તે વખતે ન તો મોબાઈલ ફોન હતાં કે ૧૦૮ એમ્બ્યુલન્સ. ગાડી રસ્તાથી ખાસ્સી અંદર ઉતરી જવાથી અને રસ્તા ઉપર અંધારું હોવાથી પસાર થનારાઓને પણ આ એક્સિડેન્ટનો ખ્યાલ આવે એમ નહોતો.

અજય હોસ્પિટલમાં હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. માથામાં સખત ઇજા થયેલ હતી. બેભાન હતો. રાતથી ડોક્ટર અને નર્સો દોડા-દોડી કરી રહ્યા હતા. અજયની પત્ની અને બીજા લોકો હોસ્પિટલમાં ધસી આવ્યા.

હોસ્પિટલ નીચે કાદવ કીચડથી તદ્દન ખરડાયેલ, બધી બાજુએથી છૂંદાયેલી અજયની ગાડી ઊભી હતી. ગાડીની દશા એટલી ખરાબ હતી કે એક્સીડેન્ટ થયેલ ગાડીમાં કોઈ કદાપિ બચી શકે જ નહીં. પરંતુ પ્રશ્ન એ હતો કે એક્સિડેન્ટની જગ્યાએથી હોસ્પિટલ સુધીએ ગાડી આવી કેવી રીતે ? એ ગાડી કોણ ચલાવીને લઈ આવ્યું ? લાવનાર વ્યક્તિ કોણ હતું ? ઘણાં બધાં પ્રશ્નો હતાં. શું એ વ્યક્તિ દર્દીને એડમિટ કરી નીકળી ગઈ હશે ? તો અજયના પત્નીને ફોન કોણ કરી શકે ? કોઈ ઓળખીતા હશે ? સગાં હશે ? એક વાત નક્કી હતી કે એ કોઈ તદ્દન નજીકની જાણકાર વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ સગું હોઈ શકે, તો જ એ ફોન કરી એક્સિડેન્ટની માહિતી આપી શકે. હવે રહસ્ય ઘેરું થતું હોય એવું લાગતું હતું. કદાચ કોઈકે જાણી જોઈને અજયને નુકસાન પહોંચાડવાની કોશિશ તો ના કરી હોય ? જો કરી હોત તો શું કામ એ અજયને હોસ્પિટલમાં દાખલ કરત ? ગાડીને પલટીઓ ખાતા કોઈ જોઈ ગયું હશે ? પરંતુ એ સમયે ટ્રાફિક ઓછો હતો. વરસાદ સતત ચાલુ હતો, અંધારું પણ હતું. ગાડી રસ્તાથી તદ્દન નીચે, નજર પણ ના પડે એવા નીચાણવાળા ખેતરમાં પડી હતી.

સારવાર કરી રહેલાં ડોક્ટરનું કહેવું હતું કે અજય જો વહેલો ભાનમાં આવી જાય તો બહુ ગભરાવાં જેવું નથી.

હવે લગભગ અજયના નજીકના બધાં સગાઓ હોસ્પિટલમાં આવી ગયા હતાં. એના બનેવીઓ પણ આવી ગયા હતાં. આલ્પાના પતિ પ્રકાશભાઈ ખુબ વિચાર મગ્ન, દુઃખી અને ઉદાસ લાગતાં હતા. 

કલાકો બાદ ધીરેધીરે અજયના શરીરમાં હલન-ચલણ દેખાયું. તે હવે ભાનમાં આવી રહ્યો હતો. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. હોસ્પિટલનો બધો સ્ટાફ ત્યાં હાજર થઈ ગયો. બધા એકદમ શાંત થઈ ગયા. ધીમે ધીમે એ આંખ ખોલી રહ્યો હતો, એની નજર ઊભા રહેલ દરેક ઉપર ફરી રહી હતી. એણે પ્રકાશભાઈ ઉપર નજર રોકી. પ્રકાશભાઈ નજીક આવ્યા. પ્રકાશભાઈએ એના ગજવામાંથી રાખડી કાઢી અને આલ્પાનું નામ લઈ એના હાથ ઉપર રાખડી બાંધવા જઈ રહ્યાં હતા, પરંતુ એક રાખડી અજયના હાથ ઉપર બંધાયેલી હતી. બધા આશ્ચર્યચકિત થઇ જોઈ રહ્યાં. 

હાથ ઉપર બંધાયેલ રાખડી જોઈ પ્રકાશભાઈ વિચારમાં પડી ગયા. એ એ જ રાખડી હતી જે અલ્પા ગયા રક્ષાબંધનના દિવસે અજયને બાંધવાની હતી. એક વરસ પહેલાના રક્ષાબંધનના પવિત્ર દિવસે અલ્પા અને પ્રકાશભાઈ સજોડે, અજયને રાખડી બાંધવા આવી રહ્યાં હતાં અને એમની ગાડીને એક્સીડેન્ટ થયો હતો, જેમાં અલ્પાનું મૃત્યુ થયું હતું. ભાઈ અજયને હેત કરનાર અલ્પા પ્રકાશને મરતાં ખાસ કહી ગઈ હતી કે દર રક્ષાબંધનના દિવસે મારા તરફથી, મારા ભાઈને અચૂક રાખડી બાંધજો.

રાતનાં આખા પ્રસંગની હકીકત બધાને સમજાઈ ગઈ કે એક્સીડેન્ટ બાદ આલ્પાની રૂહ જ અજયને હોસ્પિટલમાં એડમિટ કરવા આવી હતી અને અજયનું રક્ષણ બેનની રાખડીએ કર્યું હતું.

જલ્પા તરફ હાથ બતાવતા નર્સોએ જયારે કહ્યું કે આ બેન જ રાત્રે અજયને હોસ્પિટલ લઈ આવ્યા હતા ત્યારે વાતની સાબિતી પાકી થઈ કે એ અલ્પાની જ આત્મા હતી. અલ્પા અને જલ્પા બંને જુડવા બહેનો હતી અને એક સરખી દેખાતી હોવાથી કોઈપણ ઓળખવામાં થાપ ખાઈ જાય, કે અલ્પા કોણ અને જલ્પા કોણ ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy