પોસ્ટ કાર્ડ
પોસ્ટ કાર્ડ
૧ જુલાઈ ૧૮૭૯
આજના દિવસે ૧૮૭૯માં ભારતમાં પોસ્ટ કાર્ડની સેવા શરૂ થઈ હતી. પોસ્ટ કાર્ડ, આંતરદેશી પત્ર, પરબીડિયું, પોસ્ટ ઓફિસના સંદેશ વ્યવહારમાં તે દિવસોએ ખુબ જ ઉપયોગી હતાં.
સાસરે રહેતી દીકરીને જ્યારે પોતાના પિયરથી પોસ્ટ કાર્ડ આવતો ત્યારે તે ખુબ જ આનંદમાં ઝૂમી ઊઠતી. પત્રનો મજકુર ખુબ કિંમતી ગણાતો. કોઈક પત્રમાં પુત્રી કંકુવાળી હાથની છાપ પિતાને મોકલતી (કુશળ મંગળનો કોડ હતો એ) તો કોઈકવાર પત્રના અક્ષરો પાણીથી ફેલાયેલાં, પસરેલા જણાય તો માં બાપનાં હૈયે તિરાડ પડતી, જાણે પુત્રીના આંસુઓ પત્રની શાહી પર ન પડ્યા હોય ? એ ચિંતા એમને સતાવતી એ ખરી.
આંતરદેશી પત્ર ખાસ કારણસર મોટાં મજકૂર લખવામાં વપરાતા જેથી કોઈ વાંચી ન શકે. પ્રેમીઓ અન
ે પતિઓ પરબીડિયામાં ચીઠ્ઠી લખીને મૂકતાં. એ ચિઠ્ઠીમાં સરસ ફૂલ, મોર કે રંગ બેરંગી ચિતરામણ થતી. પત્ર વ્યવહારના બધાજ પત્રો ઘરમાં તારના બનાવેલ હુકમાં સંભાળી રાખતાં અને તે પણ વર્ષો સુધી. પત્ર કોણે લખ્યો છે તે અક્ષર ઉપરથી પારખી જતાં. પત્રો વારંવાર વાંચતા, જે અભણ હોય તે પત્રને છાતી એ ચાપી, ચુમ્મી આપી સંતાડી પણ રાખતાં. વહાલાનો કાગળ - એક કિંમત હતી એ પત્રની.
પરબીડિયું એ રાખડી મોકલવાનું એક સાધન હતું. ભાઈ, બહેનનું એ પરબીડિયું સાચવી રાખતો વહાલના એ પત્ર સાથે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટની એ મોટી કામગીરી વખાણવા જેવી હતી. હજુ પણ એ કાબિલે તારીફ છે. બસ કોઈકવાર કોઈને પત્ર લખી અચંબામાં મૂકો તો મઝા આવી જાય. લખી જુઓ. અજમાવી જુવો ..આનંદ આવશે..અનેરો આનંદ.