Arun Gondhali

Crime Thriller

4  

Arun Gondhali

Crime Thriller

સફેદ કાજળ - 3

સફેદ કાજળ - 3

5 mins
236


મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને આશ્રમનું ઉદઘાટન ખૂબ જ સરસ રહ્યું. મંત્રોના ઉચ્ચાર હજુ પણ વાતાવરણમાં ઘૂમતાં હતાં. આશ્રમ ખૂબ જ વિશાળ અને ભાવિકોને આકર્ષિત કરે એવો હતો. દરેકની જરૂરિયાતો સચવાય એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. બે દિવસમાં જે પણ કાર્યક્રમો થયાં એ એકદમ વ્યવસ્થિત અને વેલ મેનેજ્ડ હતાં. આ કોઈક સરસ, સમજદાર અને પ્રોફેશનલ ટીમનું કામ હોય એવું લાગતું હતું. સુરક્ષા ખાતર આશ્રમમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરાઓની હારમાળા હતી. ત્રીજા દિવસથી આશ્રમના નિયમિત કાર્યક્રમોની જાહેરાત થઈ ગઈ અને એક કોપી સ્વામીજીને પણ મોકલવામાં આવી. સવારથી સાંજ લોકો મંદિર સંકુલમાં દેવ દર્શન માટે પધારતાં અને આશ્રમના વિવિધ પૂજા, આરતી અને સેવા કાર્યનો લાભ લેતાં. સ્વામીજીના પ્રવચનો સાંભળવા ઘણાં લોકો નિયમિત આવતાં. સ્વામીજીની ખાસ કાળજી લેવાતી. એમનાં માટે સેવકો હાજર રહેતાં. બધું જ ઉત્તમ હતું પણ આ કેવી રીતે ગોઠવાયું અને આ બધી ગોઠવણી કોણે કરી તે કળવું મુશ્કેલ હતું. સેવકો પાસેથી પણ કોઈ માહિતી મળે એમ નહોતી. આ સામ્રાજ્ય પાછળ કોઈ રાઝ તો નથીને એ પ્રશ્ન સ્વામીજીને વિચલિત કરતો ગૂંગળામણ ઊભી કરતો.

ચિંતનઆનંદ સ્વામી બધાં માટે શ્રધ્યેય બની ગયાં હતાં. આશ્રમમાં આવનાર દરેક નર-નારીને ત્યાનાં લોકોનો વ્યવહાર ગમતો. બધું સ્વચ્છ અને પારદર્શક હતું. આશ્રમ માટે બધાંને માન હતું એટલે દાન ડોનેશન પણ ખૂબ આવતું. પૈસાનો ઉપયોગ આશ્રમના સારા કામો માટે થાય છે એવી સમજ સ્વામીને આપવામાં આવતી અને એવાં થોડા કાર્યક્રમો પણ ગોઠવાતાં.

આજુબાજુનાં રાજ્યોના ધાર્મિકોની અવરજવર પણ હવે વધી ગઈ હતી. દૂરના રાજ્યોના લોકો પણ મુલાકાતે આવતાં. ટુર્સ અને ટ્રાવેલ કંપનીઓની લકઝરીઓ ખડકવા લાગી હતી. બધે જ આશ્રમનો જય જયકાર હતો.

મંદિરની બહાર પૂજાપો બીજાં મંદિરો કરતા ખૂબ જ વ્યાજબી ભાવે વેચતા. મંદિરોમાં પૂજારીઓ વિવિધ પૂજન, હવન, શાંતિપાઠ, અભિષેક વગેરે ધાર્મિકો પાસે કરાવતાં તેની વ્યાજબી દક્ષિણા લેતાં જે અમીર ગરીબ માટે સરખી હતી. સ્વામીના પ્રવચનના પુસ્તકો અને સીડીઓનું વેચાણ હતું સસ્તા દરે. બધું સંસ્થાના માણસો દ્વારા જ હતું. દરેક તહેવારોની ઉજવણીઓ થતી. વિવિધ પ્રસંગોએ પાલખીઓ નીકળતી. આખું વર્ષ ધાર્મિક ઉજવણીઓ અવિરત ચાલું રહેતી અને અવિરત દાન દક્ષિણાની રકમો જમા થતી અને તેની રસીદો પણ અપાતી. લોકોનો વિશ્વાસ આ પવિત્ર સ્થળ માટે વધી ગયો હતો.

બધું જ સારું હતું પરંતું આજ દિવસ સુધી આ બધાનો સુત્રધાર કોણ છે એ સ્વામીજીને ખબર પડી નહોતી. સ્વામીજીની દરેક જરૂરિયાતોને માન અપાતું અને પૂર્ણ કરવામાં આવતી. સ્વામીજીના સજેશન સ્વીકારી એ પૂર્ણ પણ કરવામાં આવતાં. બહારથી એવું લાગે કે સંપૂર્ણ સંચાલન સ્વામીજી દ્વારા થઈ રહ્યું છે પરંતું ખરેખર સ્વામીજી એક નજર કેદમાં હતાં. એક કઠપૂતળીની જેમ એમનો ઉપયોગ થઈ રહ્યો હતો. સ્વામીની આઝાદી છીનવાઈ ગઈ હતી. ઉપરથી આપવામાં આવેલ સૂચનોનો અમલ કરવો પડતો જે સ્વામીજીને ગમતાં નહી. આખરે સ્વામીજીનો અણગમો એમનાં ધ્યાન ઉપર આવતાં સ્વામીજીના પ્રવચનોના કાર્યક્રમો બીજાં રાજ્યોમાં તથા દેશોમાં ગોઠવવા માંડ્યા જે સંસ્થા માટે ટંકશાળ સાબિત થઈ.

વારાણસીથી પરત ફર્યા બાદ ચિંતનના પોતાની જિંદગી અને વિચારોની હોળી થઈ ગઈ હતી. ચિંતન ને ખબર નહોતી કે આટલો મોટો વળાંક એની જિંદગીમાં એક ત્રાહિત વ્યક્તિ દ્વારા આવશે. પવિત્ર વિચારો અને સમાજસેવાના એનાં વિચારો હતાં પરંતું એ એટલાં વિશાળ પાયે ? પોતાની આઝાદી ખોઈ ? જ્યાં જિંદગીની એકપણ પળ એની નહી. જે થઈ રહ્યું હતું એ સારું અને પવિત્ર જ હતું પરંતું એનો દોરી સંચાર તો બીજાનાં હાથમાં હતો. પરત ફર્યો ત્યારથી એની જિંદગી છીનવાઈ ગઈ હતી. આનંદ હતો પણ હવે ધીરે ધીરે એ ઓસરતો જતો હતો. હવે એ એક એવી મંઝિલે હતો કે ત્યાંથી પાછાં ફરી નહી શકાય. આજે એ સમજી શકતો હતો કે અહીંથી નીકળ્યાં બાદ સમાજ એને કેવી રીતે સ્વીકારશે ? શું એ એક સામાન્ય નાગરિકની જિંદગી જીવી શકશે ? અહીં બધું જ હતું પરંતું હૈયું ઠાલવી શકે કે કોઈના ખભા ઉપર માથું મૂકી રડી શકે એવું કોઈ નહોતું. એક સોચ દ્વારા બનાવેલું કાર્યાન્વિત મશીન જેવું.

***

આશ્રમમાં ફોરેનથી એક સ્ત્રી આવી હતી. એનું નામ સુઝાન. સ્વામીજીના ફોરેન પ્રવાસ દરમિયાન એમનાં ઉતારાની વ્યવસ્થા અને પ્રવચન માટેની બધી વ્યવસ્થા સુઝાનના પિતાએ કરી હતી. ધાર્મિક કુટુંબ અસલ ભારતનું જ હતું. સુઝાન મનોવિજ્ઞાન અને ધાર્મિકતા ઉપર એક પ્રોજેક્ટ કરી રહી હતી. તેથી જ પ્રોજેક્ટ પુરો થાય ત્યાં સુધી આશ્રમમાં રહેવાંની પરવાનગી અપાઈ હતી. 

એ દરરોજ આશ્રમ અને મંદિરમાં આવતાં વિવિધ લોકોને મળતી. શ્રધ્ધા અને શ્રધ્ધાના કારણો વિશે માહિતી મેળવતી. સાયકોલોજીની સ્ટુડન્ટ હોવાથી એને ભારતીયોને સમજવાની મઝા પડતી. પૂજારીઓને મળી દરેક દેવોનો ઈતિહાસ, પુરાણો, શાસ્ત્રોની માહિતી મેળવતી. દિવસે દિવસે ભારતનું અધ્યાત્મમાં એની રુચિ વધી રહી હતી. આશ્રમના દરેક વિભાગની માહિતી, આયોજન, ધાર્મિકોની સગવડતાં, ભોજનની વ્યવસ્થા, ભોજનની વાનગીઓ વગેરેની નોંધ કરતી.

આજે એની મુલાકાત સ્વામીજી સાથે હતી. સ્વામીજીને પહેલાં મળી હતી એટલે ઘણી બધી બાબતો અને માહિતી વિશેની એને જાણ હતી પરંતું આ સંન્યાસી જીવનને જાણવાની એને ખૂબ ઈચ્છા હતી. સ્વામીજી અને એ કલાકો સુધી મંદિરના પ્રાંગણમાં કે ખુલી હવામાં વાતો કરતાં. દિવસે દિવસે એની ઈચ્છા એ સાયકોલોજી અને વિચારો અને વિચારોની પાછળનો ધ્યેય સમજવા એ પ્રયત્નશીલ રહેતી. થોડાંક દિવસોમાં એ કંઈક વિશેષ સમજવાની કોશિશ કરી રહી હતી અને તે હતી સ્વામીજીની અંદર ચાલી રહેલી વિચારોની ઘુટન. કંઈક અહેસાસ એ કરી શકતી હતી. ચિંતનઆનંદ સ્વામીના ચિંતન અને આનંદ વચ્ચે કોઈ એક વ્યક્તિ ગૂંગળાઈ રહી હતી. એ નામની જેમ બે વ્યક્તિઓ હતી. એક આનંદમાં તો એક ચિંતનમાં. ખોટાં કે સંસાર લક્ષી કે વાસનાનાં વિચારોને એમનામાં સ્થાન નહોતું. સંપૂર્ણ પવિત્રતા અને શુદ્ધતા, પ્યોરીટી ત્યાં હતી. યુદ્ધ હતું બદલાઈ ગયેલ જિંદગીનું, છીનવાઈ ગયેલ આઝાદીનું ! વધુ પડતાં માનનું ! ઊભી કરેલ એક છબીનું !

રાત્રે કલાકો સુધી સુઝાન સ્વામીજીના મનમાં ચાલી રહેલી ગડમથલનો ક્યાસ કાઢવાના વિચારોમાં રહેતી. ક્યારે અર્ધ રાત્રીએ કે સવારના પ્રથમ પહોરમાં એ આશ્રમમાં ફરતી. એક રાત્રે સુઝાનને કંઈક અજુગતી બની રહેલ ઘટના લક્ષમાં આવી. હવે એની ચકોર નજર દરરોજ રાત્રે કંઈક શોધતી અને એનો તાગ મેળવવાની કોશિશ કરતી. સ્વામીજી સાથે વાત કરતાં એક ચોક્કસ હતું કે સ્વામીજી આશ્રમની વ્યવસ્થા અને દોરી સંચાર અંગે માહિતગાર નહોતાં. સુઝાને હવે નક્કી કયું હતું કે આશ્રમની દરેકે દરેક પ્રવૃતિની માહિતી મેળવવી એક જાસૂસની જેમ. થોડાંક દિવસોમાં એની પાસે ઘણી બધી માહિતી હતી. દિવસે એ આશ્રમના દરેક બિલ્ડીંગની, રસ્તાઓની, બગીચાઓની, પગદંડીની અને અંદર ફરી રહેલ વાહનો ઉપર નજર રાખી એમની ગતિવિધિઓ જાણવાની કોશિશ કરતી. ઘણીવાર સ્ટ્રીક્ટ સુરક્ષા અને સિક્યુરિટીથી એની શંકા એને વધુ માહિતી ભેગી કરવા પ્રેરિત કરતી. જરૂર પડ્યે એ છૂપા ફોટાઓ પણ પાડી લેતી.         

હવે એ સ્વામીજી જોડે ખુલ્લા દિલે વાત કરતી અને સ્વામીજીની છૂપાયેલ અકળામણને વાચા આપી સમજવાની કોશિશ કરતી. બહુ સમજી વિચારી એણે પોતે ભેગાં કરેલ આશ્રમના રહસ્યો સ્વામીજીને કહ્યાં અને આખરે સ્વામીજીએ દિલ ખાલી કરતાં જણાવ્યું કે એમની ઈચ્છા હવે આશ્રમમાં રહેવાની નથી. સ્વામીજીનો ખુલાસો સાંભળી એ વિચારમાં પડી. સ્વામીજીને આશ્રમથી આઝાદ કરવું સહેલું નહોતું કારણ પહેલાં દિવસથી આજ સુધીનો દોરી સંચાર કરનાર કોઈક વિશેષ સોચનો માલિક છે જે ચિંતનનો ઉપયોગ કઠપુતળીની જેમ કરી રહ્યો છે. આશ્રમની ગતિવિધિઓ અને સુરક્ષા ખુબજ સરસ હતી. સીસીટીવી કેમેરામાં દરેક ઘટનાઓ કેદ થતી. સ્વામીજી પણ એ જાણતા હતાં તેથી એની સાથેની વાતોને ખુલી જગ્યામાં કરતાં જ્યાં કોઈ કેમેરાઓ ના હોય. સ્વામીજીને ટૂંક સમયમાં આશ્રમથી મુક્ત કરશે એવો દિલાસો આપી સુઝાને આશ્રમથી વિદાય લીધી.  

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Crime