Arun Gondhali

Crime

4  

Arun Gondhali

Crime

સફેદ કાજળ – ૮

સફેદ કાજળ – ૮

5 mins
190


સ્વામીજી અને દેવહર્ષની ઈચ્છા હતી કે દિશાંક વહેલો કોમામાંથી બહાર આવે. આખરે દેવહર્ષની જડીબુટ્ટીઓ અને સુશ્રુષા કામમાં આવી. લગભગ ચાર વરસ બાદ દિશાંક ભાનમાં આવ્યો પરંતું એ લાંબા સમય દરમિયાન એની યાદશક્તિને અસર થઈ હતી. કલાકો સુધી દેવહર્ષ અને સ્વામીજી એની સાથે વાતો કરતાં અને એને કંઈક યાદ આવે તે માટે પ્રયત્ન કરતાં.

પોલીસ સંજય ડોરાના ખુનીની તપાસ કરી રહી હતી. સીસીટીવીના ફૂટેજમાં જે સ્ત્રી હતી તેની તપાસ લાગતી નહોતી. આજ સુધી એ સ્ત્રીને કોઈએ જોઈ નહોતી. સંજય ડોરા ના મોબાઈલના કોલ હિસ્ટ્રી મુજબ એને છેલ્લી વાત કાલીસિંગ જોડે કરી હતી પરંતું ફોન ઉપર એનો કોન્ટેક્ટ થઈ શક્યો નહોતો. ફોન સ્વીચ ઓફ હતો. કાલીસિંગ કોણ છે એ જાણવું ખૂબ મહત્વનું હતું. પોલીસ કાલીસિંગને શોધી રહી હતી અને કાલીસિંગના પ્યાદાઓ પણ એને શોધી રહ્યાં હતાં. કાલીસિંગનું સામ્રાજ્ય ગુંડાગીરીનું હતું પરંતું તે ટોપ લેયરના ખેલાડીઓ માટે. શેરીઓ કે બીજી નાની ગલ્લીઓમાં કે નાનાં ધંધામાં એને રસ નહોતો. એક ટિફિન એટલે કે એક કરોડથી મોબદલો મળતો હોય તો એવાં ખતરનાક કામોમાં એ હાથ નાંખતો. આજ સુધી કોઈએ એને જોયો નહોતો. બહુજ જુજ લોકો એને નજીકથી જાણતા હતાં. કાલીસિંગના ગાયબ થવાથી બીજી નાની મોટી ગેંગો શાંત થઈ ગઈ હતી કારણ નાનાં કામો એ લોકો સંભાળી લેતાં. ધીરે ધીરે પરિસર શાંત થઈ રહ્યો હતો. ગેંગવોરમાં બ્રેક લાગી હતી. શહેરમાં ભડકતા દંગાઓની ગતિ શાંત થઈ રહી હતી કારણ કાલીસિંગને પકડવા માટે હવે બધી નાની ગેંગો અને એમનાં લીડરોની પુછપરછ શરૂ થઈ ગઈ હતી. ભાગતાં ફરતાં ગુંડાઓને પકડવાનું પોલીસે શરૂ કર્યું હતું અને કાલીસિંગ અંગે સુરાગ મેળવવની કોશિશ કરી રહી હતી. ધીરે ધીરે એનાં પ્યાદાઓએ પણ અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયાં હતાં. જેમનાં આજ સુધી પોલીસમાં કોઈ રેકર્ડ નહોતાં એવાં પ્યાદાઓ ઈમાનદારીનું કામકાજ કરી રહ્યાં હતાં.

આશ્રમ અને આશ્રમની બહારના ગામોમાં બે સ્ત્રીઓ ફરતી દેખાતી. તેઓ સતત ગામ અને આશ્રમમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી રહી હતી અને એક ગુપ્તચરની જેમ એનું રિપોર્ટિંગ કરી રહી હતી.

આશ્રમની મદદથી ગામમાં શાંતિ, પ્રગતિ અને સુખ લોકો અનુભવી રહ્યાં હતાં. ટૂંકમાં સંતોષ દરેક ઘર અને વ્યકિત માણી રહ્યાં હતાં પરંતું આશ્રમ કે સ્વામીજી એનું શ્રેય લેવાં તૈયાર નહોતાં કારણ લોકોની સમજદારીએ શાંતિ મેળવી હતી. તેઓ કોઈ વ્યકિત, જાતી, સમાજ કે નેતા દ્વારા દોરાયા નહોતાં. તેઓ પૂર્ણપણે સમજ્યા હતાં કે સંપ નહી પણ સમજદારી હોય તો વ્યકિત પોતાની જિંદગી ઉત્તમ બનાવી શકે છે. પરિશ્રમથી જીવન દીપાવી શકાય. પોતાનાં ઘરનો દિવો પોતે જલાવવો પડે તો જ ઘરમાં અજવાળું રહે. પોસ્ટરો કે કાગળોની મોટી મોટી વાતો કે પ્રચાર દ્વારા પોતાનાં ઘરમાં અજવાળું નહી થાય અને પેટમાં રોટલાં નહી પડે. પોસ્ટરો અને કાગળો દ્વારા આવાં ચાંદ બતાવનારાઓને અહીની પ્રજા ઓળખી ગઈ હતી. હવે આ જ સંતોષી લોકો આજુબાજુના ગામોમાં સેવાઓ આપી, પોતે દરેકનાં સુખ માટે પ્રયત્નશીલ હતાં. એક ગામ નજીકના બીજાં ગામને મદદ કરી રહ્યું હતું. શક્ય હોય ત્યાં આશ્રમથી મદદ મળી જતી દિવસે દિવસે લોકોંની સંખ્યા વધી રહી હતી માર્ગદર્શન મેળવીને સેવા કરવા. દરેક ગ્રામવાસી પુરુષાર્થ કરી રહ્યો હતો. અહીં કોઈ ધર્મને સ્થાન નહોતું ફક્ત સ્થાન હતું ઈમાનદારીને. અહીં કોઈ ધર્માંદાને સ્થાન નહોતું. અહીં કોઈને માટે અન્નક્ષેત્રો નહોતાં. ધર્માદા પાણીનાં પરબ નહોતાં. દરેક વ્યકિત ઈમાનદાર હતી. એકબીજાને મદદ કરવા તૈયાર હતી. તેઓ લડી રહ્યાં હતાં સમજદાર બની સમજદાર સમાજ બનાવવા. આ યજ્ઞમાં બાળકોનો હાથ પણ મોટો હતો બુનિયાદી શાળાઓની જેમ તેઓ દરેક વસ્તુ શીખી રહ્યાં હતાં. ચોપડાના જ્ઞાનની સાથે વ્યવહારુ જ્ઞાન શીખી રહ્યાં હતાં જે એમનું ગૃહકાર્ય કે હોમવર્ક હતું. શાળાઓ એક ઉત્તમ નાગરિક ઘડવાનું કામ કરી રહી હતી જે દરેક પરિસ્થતિમાં ટકી શકે. અંગ્રેજી વિષય ભણાવતાં પણ અંગ્રેજી મીડીયમની સ્કૂલોને અહીં સ્થાન નહોતું. શિક્ષણ મફત હતું. દરેક વ્યકિત નાનું મોટું કામ કરી આનંદમાં હતો. દરેક પોતાનાં શિક્ષણ અને સમજ અનુસાર નોકરી અને ધંધો કરી રહ્યાં હતાં. શહેર તરફનું આકર્ષણ ઘટ્યું હતું. સુંદર પર્યાવરણથી બધાની તંદુરસ્તી સારી હતી. દરેક વ્યકિત સતર્ક હતો પોતાની અને ગામની સુરક્ષા અંગે. નવા આગંતુકોને રોકીને પૂછપરછ કરતાં જેથી કોઈ અઘટિત પ્રસંગ ના બને.

***

સ્વામીજી અને દેવહર્ષ હવે ખૂબ ખુશ હતાં. ભેગો થયેલ બે નંબરનો પૈસો તેમણે ગામોને સુવિધાઓ ઊભી કરી આપવામાં વાપરી નાંખ્યો હતો. દિશાંકની સ્મૃતિ હવે પ્રગતિ પર હતી. આખો દિવસ એનું મન પણ હવે પોતાનાં જુનાં કામોથી દૂર જઈ રહ્યું હતું. આજ સુધી જે બે નંબરના પૈસા દિશાંક પાસે જમા હતાં તે પરત માંગવા કોઈ તૈયાર નહોતું કારણ જૂની નોટો હવે બંધ થઈ ગઈ હતી. જો કોઈ પૈસા માંગે તો દેવહર્ષ જૂની નોટો પરત કરવાની શરત કરાવતો. કોઈને એ નોટો પરત લેવી પરવડે એવું નહોતું. સારા કાર્યમાં કુદરત પણ મદદ કરે છે એવું થયું. કરોડોનું કાળું નાનું સારા કામમાં આવ્યું એટલે કે ગામની પ્રગતિ, વિકાસ અને ખુશાલી દ્વારા દરેક વ્યક્તિના જિંદગીના ખાતામાં કંઈક નવું કરવાની આશાઓ જમા થઈ હતી. ખરેખર વિકાસ એક હવા જેવો છે. હવામાં રહેલ પ્રાણવાયુ આપણે શ્વાસમાં ક્યારે અને કેટલો લઈએ છીએ એ આપણને ખબર પડતી નથી તેમ વિકાસની હવાથી મળતી સગવડો કેટલી અને ક્યાં ક્યાં ભોગવીએ છીએ એ લક્ષમાં આવતું નથી. હવામાનો પ્રાણવાયુ જેટલો કિંમતી છે એટલી જ કિંમતી છે વિકાસ દ્વારા મળેલ સગવડો.

જ્યાં બધું સારું હતું ત્યાં કેટલાંકના પેટમાં તેલ રેડાય રહ્યું હતું. લોકોનો સંતોષ એમનાં માટે અસંતોષ ઉભો કરી રહ્યો હતો. કંઈક ખોટું ચીતરવા માટે એ પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતું મદદ એમને કરનાર તત્વો મળતાં નહોતાં એટલે એમણે લોકલ મીડિયાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. લોકલ છાપાઓમાં અને લોકલ ટીવી ચેનલ ઉપર કંઈક ખોટાં સમાચાર પ્રદર્શિત કરવાની કોશિશ કરી. પરિણામ એ આવ્યું કે ગામોમાં સમાચાર પત્રો ગામ લોકોએ બંધ કરી દીધાં. ટીવી ની સ્વીચો બંધ કરી દીધી. ટીવીની ડીબેટમાં બેસનારાઓને બાળકો ઘેરીને સમજાવતાં કે ખોટું બોલવું નહી એવું અમારાં માં-બાપ અમને શીખવે છે શું તમારાં પાલકોએ તમને એવું શીખવાડ્યું નહી ? બસ ! એક ગુરુચાવી કામ કરી ગઈ. ખોટાં સમાચારો છાપનારાઓના છાપાં બંધ થયાં અને લોકલ ચેનલો બંધ પડી. લોકોની સાચી સમજણ કામ કરી ગઈ.

****

સંજય ડોરાના મૃત્યુ પહેલાં એવું બન્યું હતું કે સંજયે કાલીસિંગને પૈસા લેવાં બોલાવ્યો હતો અને પોતે ખુદ આવે એવી શરત કરી હતી. સંજયની આ વાતથી કાલીસિંગ સમજી ગયો હતો કે કોઈ ચાલ છે. કોઈ અમસ્તું જ બીજાની સુપારીના વધારાના બે કરોડ આપવાં તૈયાર નહી થાય. જો સુપારીના બે કરોડ આપનાર હોય તો મામલો ખૂબ ડેન્જર હતો. પોતાની ચાલ ઘડી અને એક સાગરીતને સંજયના બંગલામાં પ્રવેશ કરવા માટેની છાનભીન કરવા કહયું. સાગરીતને પોતાનો આબેહુબ ગેટઅપ કરાવી સંજયને મળવા કહયું. સાગરીતની સલામતી માટે બંગલામાં પ્રવેશ આગળથી નહી પરંતું પાછળથી બીજાં ટેરેસ પરથી કરવાની સલાહ આપી કારણ ત્યાં સીસીટીવી કેમેરાઓ નહોતાં. પોતાનાં સાગરીતને જાનનું નુકસાન થાય કે એની સાથે કોઈ દગો કરે એ એને મંજૂર નહોતું. કાળા કામોમાં ઈમાનદારી ખૂબ મહત્વની હોય છે જે એનો અસુલ છે ! 

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Crime